જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના
આરાધના
ખામેમિ સવ્વે જીવા,
સવ્વે જીવા ખમંતુ મે,
ADVERTISEMENT
મિત્તી મેં સવ્વભુએસુ,
વેરં મજઝ ન કેણઈ.
(અર્થાત્ હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો, મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી)
ક્ષમાના બોલથી અને પ્રેમના ચક્ષુથી સંસારને સંબોધવાની અને જોવાની શીખ આપનારા પર્વાધિરાજ પર્યુષણ છે. સાધનાના ૭ દિવસ પૂરા થયા પછી ઊગે છે સિદ્ધિનો સવંત્સરી દિન.
આત્મશુદ્ધિ અને આરાધનાના ૭ દિવસનો સરવાળો ક્ષમાયાચનામાં છે. આકાશમાં મેઘથી આચ્છાદિત હૈયું જલ વરસાવી સ્વચ્છ બન્યું હોવાથી રંગરાગના ઇન્દ્રધનુ હવે એમાં રહ્યા ન હોય એવી રીતે ૭-૭ દિવસ તપ-દાન-સ્વાધ્યાય અને પ્રતિક્રમણની પવિત્ર ધારામાં આકંઠ સ્નાન અને આકંઠ પાન કરનારા ઉપાસકોનાં હૃદય વાદળવિહોણા આકાશ જેવાં સ્વચ્છ બન્યાં છે. કામ, ક્રોધ, મદ અને માનના ઇન્દ્રધનુ હવે એમની રંગલીલા પ્રસારી આડા પડ્યા નથી. નદીઓમાં નવાં જળ આવે અને કાદવ-કીચડ ધોવાઈ જાય એમ સવંત્સરી દિનના પ્રતિક્રમણ વખતે જીવનમાં અહિંસા, અનેકાંત અને અપરિગ્રહની ભાવનાનાં પૂર વધશે તેમ જ ક્ષમાપનાનાં જળ હિલોળે ચડશે.
ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે છે એ જ રીતે જે માનવી પોતાના જીવનમાં ક્ષમાને સ્થાન આપે છે તેના જીવનમાં આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. આજે ક્ષમા એ કાયક ફૉર્માલિટી બની ગઈ છે. હાલતાં ને ચાલતાં માણસ આદતના જોરે ‘એક્સક્યુઝ મી’ કહેતો હોય છે, પણ આ તો કેવળ શિષ્ટાચાર છે, માત્ર આદત છે. જેમ કેટલાકને વારેઘડીએ ‘થૅન્ક યુ’ કહેવાની ટેવ પડી ગઈ હોય છે. પાણીનો નળ ચાલુ કરે અને પાણી આવે એટલે તરત ‘થૅન્ક યુ’ બોલે પણ આ તો આભાર અને ક્ષમાનું એક સામાન્ય સ્વરૂપ છે.
પર્યુષણમાં આપણે જે ક્ષમાની વાત કરીએ છીએ તે તો હૃદયની વ્યાપકતામાંથી, ગુણોની સમૃદ્ધિમાંથી અને ચિત્તની ઉપશાંતતામાંથી પ્રગટેલી હોય છે. સંસ્કૃતમાં ‘ક્ષમા’નો અર્થ ‘પૃથ્વી’ છે. આ પૃથ્વી પર રહેતો માનવી એ પૃથ્વીને ખોદે છે, ખૂબ ઊંડે જઈને ખાણ રચે છે. આ બધું હોવા છતાં પૃથ્વી સહન કરે છે. સહનશીલતાનું પ્રતીક પૃથ્વી ગણાય છે. સાચો ક્ષમાવીર પૃથ્વી જેવો સહનશીલ હોય. આથી જ મહાભારતમાં કહ્યું છે કે દૃષ્ટ પુરુષોનું બળ છે હિંસા, રાજાઓનું બળ છે દંડ, સ્ત્રીઓનું બળ છે સેવા અને ગુણવાનોનું બળ છે ક્ષમા.
એ જ મહાભારતમાં આપણે જોઈએ છીએ કે પાંડવોના વિજય પછીની મધરાતે અશ્વત્થામાએ છાનામાના આવીને દ્રૌપદીના પાંચ પુત્રોની ક્રૂર હત્યા કરી. વિજયનો મહાસાગર વિષાદના ઉલ્કાપાતમાં ફેરવાઈ ગયો. આનંદને બદલે ચોમેર આક્રંદ સંભળાવા લાગ્યું. માતા દ્રૌપદી તો પોતાનાં સંતાનોની આવી ક્રૂર હત્યા જોઈને બેશુદ્ધ બની ધરતી પર ઢળી પડી.
નાસી છૂટેલા હત્યારા અશ્વત્થામાને પકડવા માટે ભીમ અને અર્જુને દોટ મૂકી. વેરાન જંગલમાંથી તેને પકડી લાવીને દ્રૌપદી સામે હાજર કર્યો.
શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું, ‘આ છે તારાં સંતાનોનો હત્યારો. તેના અપરાધની તેને કેવી સજા મળવી જોઈએ? ભીમની ગદાનો પ્રહાર કે અર્જુનના શસ્ત્રનો એક જ વાર તેનું માથું ધડથી જુદું કરી શકે એમ છે. કહે, શી સજા કરીએ?’
દ્રૌપદીની આંખોમાંથી ચોધાર આંસુ વહેતાં હતાં. પાંચ-પાંચ પુત્રોની હત્યાની વેદનાના બોજથી તેનું હૃદય દબાઈ ગયું હતું. તેણે હીબકાં ભરતાં કહ્યું,
‘ઓહ, પુત્રવિયોગની પીડા કેટલી દારુણ હોય છે? મને તો એનો સાક્ષાત્ અનુભવ થઈ ચૂક્યો, પણ હું અશ્વત્થામાની વૃદ્ધ માતાને આવો અનુભવ કરાવવા માગતી નથી. તેને મારશો નહીં. માતૃહૃદયની વેદના કેટલી બધી પીડાદાયક હોય છે! મારે એ વેદના અશ્વત્થામાની માતા અનુભવે એવું કરવું નથી. તેને છોડી દો.’
અને હત્યારા અશ્વત્થામાને છોડી દેવામાં આવ્યો.
આ પણ વાંચો : આટલા ધન-વૈભવ વચ્ચે પણ પોતે પોતાનો માલિક નહીં?
ક્ષમાની આ મહત્તા છે. ક્ષમા માગતાં પહેલાં આપણા હૃદયમાં રહેલાં વેર અને ક્રોધ શમવાં જોઈએ. જે ઉપશાંત થાય છે એ આરાધનાને પાત્ર છે. આનો અર્થ એ કે ક્ષમા માગ્યા વિના આધ્યાત્મિક આરાધના ન થાય. જીવન એવું છે જેમાં વારંવાર ભૂલ થાય છે અને વેરભાવ બંધાય છે, પરંતુ કોઈને હાથ અડે અને ‘સૉરી’ કહી દઈએ કે વ્યવહારે ક્ષમાપનાનું કાર્ડ લખી નાખીએ એ તો દ્રવ્ય ક્ષમા થઈ. આવી યંત્રવત્ દ્રવ્ય ક્ષમા જીવનમાં ચાલતી હોય છે, પણ એનું કશું પરિણામ આવતું નથી. દેખાવની ક્ષમા વ્યર્થ છે. કેટલાક તો ક્રોધના અભાવને ક્ષમા કહે છે. પહેલાં ક્રોધ કરવો અને પછી ક્ષમા માગવી એ ક્ષમા નથી. આ ક્રોધને ભગવાન મહાવીરે ભભૂકતી આગ કહી છે. પુરાણોમાં નરકનું દ્વાર કહ્યું છે. ‘કુરાન’માં ક્રોધને શેતાનનું સંતાન કહ્યો છે અને ‘બાઇબલ’માં માણસ માત્રને ખાખ કરનાર જ્વાળામુખી બતાવ્યો છે.