કેશુભાઈ પટેલને મેં જ દગો આપ્યો એની પીડા મેં ભોગવી
રાઘવજી પટેલ
ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખની કાર્યવાહી દરમ્યાન એક એવી નિખાલસ કબૂલાત બીજેપીના વિધાનસભ્ય રાઘવજી પટેલે કરી હતી કે ‘કેશુબાપાની સરકાર ઊથલાવવામાં મેં ભાગ લીધો હતો અને એના કારણે કુદરતે એની સજા કરીને મને ડાયાબિટીઝ અને બીપી થયું.’
ગુજરાત વિધાનસભામાં રેર કેસમાં આવી કબૂલાત વિધાનસભ્ય દ્વારા થતી હોવાનો કિસ્સો ગઈ કાલે પ્રકાશમાં આવ્યો હતો. પોતે કરેલી કબૂલાત વિશે જામનગર ગ્રામ્ય વિસ્તારના બીજેપીના વિધાનસભ્ય રાઘવજી પટેલે આ મુદ્દે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિધાનસભાગૃહમાં કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપતાં મેં નિખાલસ રીતે કબૂલ્યું હતું કે ૧૯૯૫ના અંતમાં કેશુબાપાની સરકાર ઊથલાવવામાં મેં ભાગ લીધો હતો. એ અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. મને એ વાતનો રંજ હતો. કેશુબાપાના કારણે હું પહેલી વાર વિધાનસભ્ય બન્યો હતો, પણ અમુક લોકોના દોરવાયા મેં આવા કૃત્યમાં ભાગ લીધો હતો અને એ વખતે કેશુબાપાને જવુ પડ્યું હતું. મને થતું હતું કે જે માણસે મને વિધાનસભ્ય બનાવ્યો તેને મેં અન્યાય કર્યો. મારા રાજકીય જીવનની મોટામાં મોટી એ ભૂલ હતી, જેના કારણે મને બીપી અને ડાયાબિટીઝ થઈ ગયો.’