ગરબા કેપિટલ વડોદરાઃ જ્યાં હજુ પણ સચવાઈ છે પરંપરા
સંસ્કારી નગરીના પ્રખ્યાત ગરબા
ગરબા એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબા. નવરાત્રિ એટલે દુનિયાનો સૌથી લાંબો ડાન્સ ફેસ્ટિવલ. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં અને વિદેશમાં પણ ગરબાની ધૂમ છે. જેમાં સૌથી મોટો ફાળો છે સંસ્કારી નગરી વડોદરાનો. જ્યાં આજે પણ પરંપરા તેના મૂળરૂપમાં જળવાઈ રહી છે. સમય સાથે સ્વરૂપ જરૂર બદલાયું છે પણ હાર્દ આજે પણ એ જ છે. એક સમયે જ્યાં શેરીમાં ગરબાનું આયોજન થતું હતું તે આજે મેદાનમાં થાય છે. સમય સાથે પરિધાન અને સંગીતના વાદ્યો પણ બદલાયા છે. જો કે આજે પણ અહીં પશ્ચિમનો વાયરો નથી પહોંચ્યો.
સંસ્કારી નગરીના ગરબાનો ઈતિહાસ
ADVERTISEMENT
પરંપરાગત ઢોલ અને મંજિરાના સ્થાને હવે આવ્યા છે ઈલેક્ટ્રોનિક ગિટાર અને ડ્રમ્સ. શેરી કે પોળના બદલે હવે મેદાનમાં થાય છે આયોજન. પરંપરાગત ચણિયાચોળીનું સ્થાન લીધું છે ડિઝાઈનર કે થીમ બેઈ્ઝડ પરિધાનોએ. 16મી સદીથી શરૂ થયેલા ગરબા 21મી સદી સુધીમાં જાણે એક ઉત્ક્રાંતિ જોઈ છે. જો કે પરંપરાઓને આજે પણ કેન્દ્રમાં રાખીને રમાતા આ ગરબાએ જ વડોદરાને બનાવ્યું છે ગુજરાતનું ગરબા કેપિટલ.
લગભગ 16મી સદીથી વડોદરામાં ગરબા પ્રચલિત હોવાના પુરાવાઓ મળ્યા છે. એ સમયે પ્રેમાનંદે સ્થાનિક રાજાઓ, લોકો અને જગ્યાઓને વર્ણવતા ગરબા લખ્યા છે. આઝાદી પછી ગરબા વધુ લોકભોગ્ય બન્યા. સમય જતા તેમાં રાધા કૃષ્ણના પ્રેમનો રંગ પણ ઉમેરાયો, અને રાસની રચના પ્રચલિત બની.(સામાન્ય રીતે રાસ અને ગરબાનો એક જેવા અર્થમાં પ્રયોગ થાય છે, પરંતુ ગરબામાં માતાજીની સ્તુતિ થાય છે અને રાસમાં રાધાકૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે.)
એક એવી પોળ જ્યાં પુરુષો રમે છે ગરબા
કમર્શિયલ અને બૉલીવુડના રંગે રંગાયેલા ગરબાના જમાનામાં આજે પણ વડોદરાની પોળમાં પરંપરા જળવાઈ રહી છે. સંસ્કારી નગરીની જૂની પોળ જેવી કે અંબા માતાની પોળ, ઘડિયાળી પોળમાં આજે પણ જૂની રૂઢિ પ્રમાણે ગરબા લેવામાં આવે છે. અહીંની અંબા માતાની પોળમાં તો માત્ર પુરુષો જ ગરબે રમે છે. કહેવાય છે કે જગતજનની મા અંબાને પ્રસન્ન કરવા પુરૂષો જોગણનો વેશ ધારણ કરે છે અને ગરબે ઘૂમે છે. આજે પણ 600 જેટલા પુરુષો દર વર્ષે આ રીતે ગરબા રમે છે. પેઢીઓથી આ પરંપરા ચાલતી આવી રહી છે.
ઘડિયાળી પોળ, જ્યાં માત્ર પુરૂષો જ રમે છે ગરબા(તસવીર સૌજન્યઃ સરલ પટેલ)
સમય જતા બદલાયું ગરબાનું સ્વરૂપ
1980 પછીના સમયમાં સંસ્કારી નગરીના ગરબાનું સ્વરૂપ બદલાયું. દરેક શેરીઓમાં આયોજન કરવાના બદલે આસપાસની સોસાયટી કે શેરીના લોકોએ સાથે મળીને ગરબા રમવાનું આયોજન કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ ગરબા મેદાનમાં રમાવા લાગ્યા, જ્યાં શહેરભરના નાગરિકો આવે અને એક સાથે એક જ તાલ પર ઝૂમે. આ જ તો છે વડોદરાના ગરબાની વિશેષતા. આજે સાઉન્ડ સિસ્ટમ અત્યાધુનિક બની છે. સો-બસોના બદલે હજારો લોકો એક સાથે ગરબાના તાલે ઝૂમે છે. નવરાત્રિ માટે ખાસ ફેશન ટ્રેન્ડ પણ પ્રચલિત બન્યા છે.
એક જ તાલ પર ઘુમતું ચક્રવાત
વડોદરાના મેદાનમાં આયોજિત થતા ગરબાઓમાં એક જ તાલમાં હજારો લોકો ગરબા લે છે. કહેવાય છે કે અહીં ચાર-ચાર પેઢીઓ એક જ જગ્યાએ એક સરખા સ્ટેપ સાથે ગરબા રમે છે. અને જ્યારે તેનો આકાશી નજારો જુઓનો ત્યારે એવું લાગે જ્યારે એક આખુ રંગબેરંગી, મેઘધનુષી ચક્રવાત એક જ તાલ પર ગરબે ઘુમી રહ્યું છે. મેદાનમાં રમાતા ગરબામાં લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ અને ઈન્સ્ટ્રુમેન્ટ હોય છે પરંતુ અહીં હજી પશ્ચિમી વાયરાની અસર નથી થતી. અહીં ફિલ્મી ગરબાને નો એન્ટ્રી છે.
એક એવા ગરબા જ્યાં એક જ તાલમાં લોકો ઘૂમે છે ગરબા(તસવીર સૌજન્યઃ ધવલ ડામર)
વડોદરાના ગરબા કલ્ચર પર વાત કરતા જાણીતા ગાયક અતુલ પુરોહિત કહે છે કે, 'મેદાનમાં રમાતા ગરબામાં અને શેરી ગરબામાં આયોજનનો ફરક છે. મેદાનમાં વધારેમાં વધારે લોકો એકસાથે રમી શકે છે. હું 28 વર્ષથી ગરબાનું આયોજન કરું છું, ચાર-ચાર પેઢીઓ અહીં ગરબે ઘૂમે છે પરંતુ ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો. ગરબામાં આજે વિવિધતા જોવા મળે છે પરંતુ અહીં ફિલ્મી ગરબા નથી વાગતા. આજે પણ વચ્ચે માતાજી હોય છે અને તેની આસપાસ ગરબા રમવામાં આવે છે, જેથી તેની ઊર્જા પણ કામ કરે છે. સમય બદલાયો છે પણ ભક્તિ, શક્તિ અને ઉક્તિ આજે પણ યથાવત છે'.
વિદેશ પહોંચ્યા વડોદરાના ગરબા
વડોદરાના પરંપરાગત ગરબા વિદેશમાં પણ પ્રચલિત બન્યા છે. ડૉક્ટર કલહંસ પટેલે શરૂ કરેલી પરંપરા આજે પણ જીવંત છે. એવા પણ ગ્રુપ છે જેઓ પોતાની રીતે ગરબા કમ્પોઝ કરે છે અને તેની ધૂન પર જ ગરબે ઘૂમે છે. આ ગરબા એટલા પ્રચલિત થયા છે કે તેમને વિદેશમાં પણ ગરબા રમવા માટે ખાસ આમંત્રણ મળે છે.
વિદેશીઓમાં ધૂમ છે ઋષભ ગ્રુપના ગરબાની(તસવીર સૌજન્યઃ અચલ મહેતા)
આવા જ એક ઋષભ ગ્રુપના સભ્ય અને ગાયક અચલ મહેતા કહે છે કે, 'મૂળ સ્વરૂપમાં આજે પણ સચવાયેલા વડોદરાના ગરબાને વિદેશમાંથી પણ સારો આવકાર મળે છે. અમને પણ વિદેશમાંથી ગરબા માટે આમંત્રણ મળે છે. 35 હજારથી વધુ લોકો એક જ મેદાનમાં એક જ તાલ પર ગરબે રમે છે. સૌથી મોટી વાત એ છે કે અમારા ગરબાને હજી વ્યવસાયિકતાનો રંગ નથી ચડ્યો. અમે મિત્રો સાથે મળીને આયોજન કરીએ છે, અને તેમાં કોઈ સ્પોન્સર નથી હોતા. અને હા, અમારા ગરબામાં બૉલીવુડ, જાઝ કે હિપહોપને બિલકુલ એન્ટ્રી નથી.'
આકાશી આંખે આવા દેખાય છે વડોદરાના ગરબા(તસવીર સૌજન્યઃ ધવલ ડામર)
વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, અને ફેશન, મ્યુઝિક સહિતના વિદેશી આક્રમણ સામે આ શહેરે હજી પોતાના સંસ્કાર ખરેખર સાચવી રાખ્યા છે. આ વાતનો પુરાવો છે વડોદરાના ગરબા. આ જ છે વડોદરાના ગરબાની વિશેષતા. જ્યાં માતાજીની ભક્તિ અને તેની ઊર્જા સાથે લોકો ગરબે રમે છે. હજારો લોકો, એકબીજા સાથે કદમ મિલાવીને રમે છે ત્યારે નૃત્ય અને અલૌકિકતાનો અનન્ય સંગમ થાય છે. અને આ જ વાત તેને બનાવે છે ગુજરાતનું ગરબા કેપિટલ.
આ પણ વાંચોઃ પાટણના પટોળાઃગુજરાતે દત્તક લીધેલી કળા બની ગુજરાતની ઓળખ