અમદાવાદઃ અજાણી વાવની અજાણી વાતો (ભાગ - 2)
અમદાવાદની વાવની અજાણી વાતો
આજે પણ વાત ચાર વાવની. જે અમદાવાદના જ ગીચ અને ધમધમતા વિસ્તારમાં આવેલી છે, પરંતુ ભાગ્યે જ લોકોને તેના વિશે ખ્યાલ હશે. કારણ કે અહીં પણ મંદિર બની ચૂક્યા છે, ક્યાંક ઘર બની ચૂક્યા છે. વાવને તો દીવો લઈને ગોતવા નીકળવું પડે તેવી સ્થિતિ છે.
ખોડિયાર માતાની વાવ
ADVERTISEMENT
આ વાવ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ પાસે આવેલી છે. વાવની અંદર ખોડિયાર માતાજીનું સ્થાનક અને મૂર્તિ હોવાથી વાવનું નામ ખોડિયાર માતાની વાવ પડ્યું છે. આ વાવનો ઈતિહાસ કહે છે કે ઈસ્લામિક શાસન દરમિયાન વાવનું બાંધકામ થયું હતું. વાવ સાદી છે અને ઢાળ ઓછો રખાયો છે. વાવનો કૂવો 12 મીટર ઉંડો છે. જો કે અમદાવાદની અન્ય વાવની જેમ જાણે તૈયાર ભાણું મળ્યું હોય તેમ આ વાવને પણ મંદિરમાં ફેરવી નખાઈ છે. એટલે સુધી કે વાવની દિવાલો પર ટાઈલ્સ ચિપકાવી દેવાયા છે. હેરિટેજ સિટી અમદાવાદનો વારસો આ વાવમાં ક્યાંય ખોવાઈ ચૂક્યો છે.
બીજી ચોંકાવનારી વાત એ છે કે વાવનો કૂવો કચરો નાખવાનું સ્થાન બની ચૂક્યો છે. એક તરફ જ્યાં વાવના ફ્લોર પર મંદિર બનાવી દેવાયું છે તો વાવના કૂવાને લોકોએ કચરાપેટી બનાવી દીધું છે.
રખિયાલની વાવ
આ વાવ જોઈને કદાચ તમને હાશકારો થાય. કારણ કે વાવના નસીબ કહો કે વારસાના કે પરંતુ આ વાવ મંદિરમાં ફેરવાવાથી બચી ગઈ છે. રખિયાલ વિસ્તારમાં આવેલી હોવાને કારણે આ વાવ રખિયાલની વાવ તરીકે ઓળખાય છે. આ વાવ વિશે ખાસ માહિતી મળતી નથી, જો કે આસપાસના લોકો તેને પૌરાણિક વાવના નામથી પણ ઓળખે છે. આ વાવનું પણ 2 વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમારકામ કરાયું હતું.
રખિયાલની વાવનું કરાયું છે રિનોવેશન
કહી શકાય કે હેરિટેજ સિટીમાં ભલે ઓછે વત્તે અંશે પરંતુ ક્યાંક કોર્પોરેશનના પ્રયત્નોથી વારસો સચવાઈ તો રહ્યો છે. પરંતુ હે હેરિટેજ સિટીના વાસીઓ, આપણા શહેરની ઓળખ એવા વારસાને સાચવવાની, જાળવવાની જવાબદારી આપણી પણ છે.
આશાપુરાની વાવ
અમદાવાદ શહેર એક સમયે નદીની પૂર્વમાં જ વસ્તું હતું. એટલે જ કદાચ કોટ વિસ્તારમાં જ સૌથી વધુ વાવ આવેલી છે. તેમાંય આજની સ્થિતિ જોતા લાગે છે કે રખિયાલ, બાપુનગર જેવા વિસ્તારોમાં પાણીની તંગી રહેતી હશે, એટલે જ અહીં 2-3 વાવ બનેલી છે. અનિલ સ્ટાર્ચ પાસે જ આશાપુરાની વાવ પણ આવેલી છે.
આ તો મંદિર કે વાવ !
આ વાવમાંથી કેટલાક સમય પહેલા આશાપુરા માંની આંગી મળી આવી હતી એટલે આસપાસના લોકો તેને આશાપુરાની વાવ તરીકે ઓળખે છે. આ વાવ ખાસ છે કારણ કે સામાન્ય વાવથી વિપરિત તેમાં બે કૂવા બનેલા છે. સાથે જ આ વાવની ઉપરનું બાંધકામ ચોરસ આકારમાં કરાયું છે.
આશાપુરાની વાવના નિર્માણને લઈને પણ જાતભાતની માન્યતા છે. એક મત છે કે આશાભીલે આ વાવ બનાવડાવી હતી, તો બીજી તરફ કેટલાક લોકો માને છે કે વિ. સં. 1216માં વણઝારા કોમે આ વાવ બનાવી હતી. વાવની અંદરની સ્થાપત્ય શૈલી હિન્દુ પદ્ધતિની છે. વાવમાં ભૌમિતિક આકારના તેમજ વેલની આકૃતિના સુશોભનો પણ જોવા મળે છે.
વાવમાં જ બન્યું છે મંદિર
અહીં પણ રહેણાંક વિસ્તાર હોવાથી વાવ ક્યાં છે તે શોધવા તમારે થોડી જહેમત ઉઠાવવી પડશે.
મહાકાળી માતાની વાવ
બાપુનગર ચાર રસ્તા પાસે પટેલ સમાજની વાડી સામે આવેલી છે. અહીં પણ બીજી અન્ય વાવની જેમ મૂર્તિ મળી આવી હતી. આ વાવમાંથી મહાકાળી માતાની મૂર્તિ મળી હોવાથી તેનું નામ મહાકાળી માતાની વાવ પડ્યું છે.
વાવમાં જવાનો રસ્તો
અહીં પણ અન્ય વાવની જેમ બાંધકામ થઈ ચુક્યું છે. અહીં તો બાંધકામ બાદ વાવનો રસ્તો જ એટલો સાંકડો કરી દેવાયો છે કે માત્ર એક જ વ્યક્તિ જઈ શકે. પહેલીવારે તો નીચે કોઈ ઘરનું ભોંયરું હોય તેવો જ અહેસાસ થાય. કદાચ આ વાવ છે કે નહીં તે પણ એક સવાલ છે. કારણ કે વાવનું મૂળ સ્વરૂપ ક્યાંથી પણ અનુભવી શકાતું નથી.
આ પણ વાંચોઃ અમદાવાદઃ અજાણી વાવની અજાણી વાતો (ભાગ - 1)
તો આવી તો કુલ 20 વાવ અમદાવાદમાં આવેલી છે. બસ એટલું જ ઈચ્છીએ કે પોળની સાથે સાથે અમદાવાદની આ વાવ માટે પણ એક વૉક શરૂ થાય. અને અમદાવાદનીઓ સાથે અન્ય લોકો પણ હેરિટેજ સિટીના વારસાને ઓળખી શકે.