અમદાવાદ: ધુળેટી પર્વમાં ઉત્તર ગુજરાતના વીસનગરમાં યોજાયું ખાસડા યુદ્ધ
વર્ષોથી વીસનગરમાં ધુળેટીના દિવસે ખાસડા યુદ્ધ યોજાય છે
ગુજરાત સહભસ્મિત આખા ભારતમાં ગઈ કાલે ધુળેટી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અને અબીલગુલાલથી એકબીજાને રંગીને હોળીના પર્વની ઉજવણી કરી હતી ત્યારે ઉત્તર ગુજરાતના વીસનગરમાં ગઈ કાલે ધુળેટી પર્વ પર ખાસડા યુદ્ધ થયું હતું. આ યુદ્ધ ધુળેટીની ઉજવણીના ભાગરૂપે થયું હતું અને એમાં હજારો નાગરિકોએ એકબીજા પર જૂનાં જૂતાં ફેંકીને ખાસડા યુદ્ધ કર્યું હતું. કોઈ પણ જાતની તકરાર વગર ખેલાતા આ ખાસડા યુદ્ધમાં સમગ્ર વીસનગરના નાગરિકો નાતજાતના ભેદભાવ વગર એકઠા થઈને ખાસડા યુદ્ધનો આનંદ માંણ્યો હતો.
વર્ષોથી વીસનગરમાં ધુળેટીના દિવસે ખાસડા યુદ્ધ યોજાય છે અને હજારો નાગરિકો એકઠા થઈ સામસામે ખાસડાં ફેંકીને નિર્દોષ આનંદ માણે છે. ખાસડું પોતાને વાગે એ માટે નાગરિકો પ્રયાસ કરે છે, કેમ કે એવી લોકવાયકા છે કે ખાસડું વાગે તો વર્ષ સારું જાય છે. જોકે હવે ખાસડા યુદ્ધમાં જૂનાં ખાસડાંની સાથે-સાથે ટમેટા, રવૈયા, રીંગણા જેવી શાકભાજી પણ ફેંકાવાની શરૂઆત થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરતમાં ધુળેટીનો તહેવાર બન્યો ગમગીન: તાપી નદીમાં ડૂબી જવાથી પાંચનાં મોત
વીસનગરમાં રહેતા અતુલ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘વર્ષોથી ખાસડા યુદ્ધની આ પરંપરા ચાલી આવે છે. લગભગ બસો વર્ષ કરતાં વધુ વર્ષોથી અમારા ગામમાં આ ખાસડા યુદ્ધ રમાતું આવ્યું છે. ખાસડા યુદ્ધ માટે નાગરિકો આખું વર્ષ જૂનાં બૂટ–ચંપલ એકઠાં કરી રાખે છે. ધુળેટીના દિવસે સવારના સમયે મુખ્ય બજારમાં નાગરિકો જૂનાં ખાસડાં લઈને આવી જાય છે અને એકબીજા પર છુટ્ટાં ખાસડાં ફેંકવામાં આવે છે. પોતાને ખાસડું વાગે એવું બધા ઇચ્છે છે, કેમ કે એવી લોકવાયકા છે કે ખાસડું વાગે તો વર્ષ સારું જાય છે. એટલે નાગરિકો તેમને ખાસડું વાગે એની રાહ જોતા હોય છે.