પાબીબહેન રબારીનો કસબ સાત સમંદર પાર ક્યારનોય પહોંચી ગયો છે
પાબીબહેન રબારી
કહેવાય છે કે કલાને દેશની સીમાઓ નડતી નથી, એ ખરું પણ છે. આજે પ્રસાર માધ્યમો દ્વારા જગત એ જોઈ રહ્યું છે. ભારત જ નહીં, એશિયનો જગતના અન્ય લોકોથી જુદા પડતા હોય તો એમની વિવિધ કલાઓ અને હૈયા ઉકલત થકી. યંત્રો વગર, સામાન્ય સાધનો વડે એશિયન લોકો વિશ્વમાં પોતાની કલા દ્વારા વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ભારતનો પશ્ચિમ ભાગ એ બાબતમાં અગ્રેસર છે. રંગો તરફનું આકર્ષણ સ્ત્રીના લોહીમાં હોય છે. લોહીમાં રહેલા એ જ તત્ત્વે અનેરી કલાઓને જન્મ આપ્યો છે, એમાંની એક કલા છે ભરતકામ. ભરત અને ગૂંથણ એ પશ્ચિમ ભારતની સ્ત્રીઓની એક ખાસિયત છે. પોતાના આગવા ભરતકામની કલાથી આજે કચ્છની ચાર ચોપડી ભણેલી મહિલા પાબીબહેન રબારીનું નામ વિશ્વમાં જાણીતું બન્યું છે. હા, ભલે કેબીસીમાં મહાનાયક સામે દેખાઈને કચ્છીઓનાં ઘર-ઘરમાં તેઓ આજે જાણીતાં બન્યાં પણ તેમના કસબે તો સાત સમંદર ક્યારનો પાર કરી લીધો છે.
ઢેબર રબારી કચ્છની ઓળખ સમાન એક સમુદાય છે. પોતાની આગવી જીવનરીતિ અને વસ્ત્ર-પરંપરાથી નોખો પડી જતો ઢેબર રબારી સમાજ સદીઓથી પ્રકૃતિની સંગાથે રહ્યો છે. પશુપાલક ગણાતા આ સમાજની સ્ત્રીઓએ સહજ રીતે કુદરતના રંગોને જાણ્યા છે, માણ્યા છે અને પોતાની કલાઓમાં ઉતાર્યા છે. આમ તો આ માલધારી સમાજ હજુ પાંચ-છ દાયકા પહેલાં માત્ર પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હતો. કચ્છના ક્રૂર દુષ્કાળોમાં આ સમુદાયે ખૂબ જ મુશ્કેલીઓ વેઠી છે. દુષ્કાળના સમયમાં પોતાના માલને બચાવવા છેક મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની ધરતી ખૂંદી છે. પરિણામે આ સમુદાયને સ્થિર થતાં વર્ષો લાગી ગયાં છે. પોતાનાં પશુઓની સાથે અહીંતહીં ભટકવું પડતું, તેથી આ સમાજ શિક્ષણમાં અન્ય સમાજની સરખામણીમાં થોડો મોડો આવ્યો, પરંતુ વર્તમાન ચિત્ર સાવ જુદું છે. આજે એ જ સમાજના શાણા અને હૈયા ઉકલતવાળા આગેવાનો થકી એમનું યુવાધન શિક્ષિત બની રહ્યું છે. એમની પોતાની શાળાઓ અને છાત્રાલયો છે. જે સમુદાયની આગલી પેઢીઓ સીમમાં રઝળતી રહી તે ઢેબર રબારી સમાજની પ્રગતિ અન્યોને પ્રેરણા આપે તે કક્ષાની છે. આ બધું યોગ્ય સમય ઉપર લેવાયેલા સાચા નિર્ણયો અને દૂરંદેશીતાનું પરિણામ છે. એવા જ સમાજમાંથી આવતી એક મહિલાનું નામ આજે ભારતમાં જ નહીં, જગતમાં જાણીતું બન્યું છે. એ નામ એટલે પાબીબહેન રબારી.
ADVERTISEMENT
કચ્છમાં આહિર, રબારી, રાજપૂત, મુસ્લિમ, મેઘવાળ સમાજની સ્ત્રીઓને ભરતકામ પરંપરાગત વારસામાં મળેલી એક કલા છે, પરંતુ પોતાને મળેલી કલાને સમયના બદલાતા પ્રવાહને અનુરૂપ ઢાળવી અને તેને અનેક લોકો સુધી પહોંચાડવાનું કામ બહુ ઓછા લોકો કરી શક્યા છે. જેમાંના એક પાબીબહેન રબારી છે. આજે તેમની બનાવેલી ચોક્કસ ભરતકામની થેલી ‘પાબી બેગ’ તરીકે દુનિયાને ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે. કચ્છના પ્રવાસે આવતી વિદેશી મહિલાઓ જ્યારે પાબી બેગની પૃછા કરતી કરતી પાબીબહેનની સન્મુખ ઊભી રહે છે, ત્યારે પાબીબહેનના પરંપરાગત વસ્ત્રો જોઈને ભારતીય મહિલાઓના કૌવતને મનોમન જરૂર વંદન કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રી સાક્ષરતા અને સ્ત્રી સશક્તીકરણનું અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે પાબીબહેન જેવાં મહિલાઓનાં દૃષ્ટાંત સામે આવે છે ત્યારે એવું વિચારવાની ફરજ થઈ પડે છે કે શું સ્ત્રીઓ અબળા છે, અશક્ત છે ખરી? શું તેઓ પુરુષના ટેકા વગર પોતાની રીતે આગળ વધી શકે તેમ નથી? પાબીબહેન રબારીએ જેવી રીતે વારસામાં મળેલી એક સામાન્ય ગણાતી કલાને જે રીતે વિશ્વકક્ષાએ પહોંચાડી છે, તે જોતાં એવું કહેવું પડે કે પુરુષના સહકાર વગર સ્ત્રી આગળ વધી ન શકે તે માત્ર એક વહેમ છે, હકીકત જરાય નથી. કચ્છના નાનકડા ભાદ્રોઈ ગામની આ મહિલાએ એક એવો દાખલો બેસાડ્યો છે જે અન્ય મહિલાઓને પ્રેરણા આપે છે. નબળી આર્થિક સ્થિતિ, અલ્પ શિક્ષણ, અંતરિયાળ ગામડામાં વસવાટ - આવા તમામ અંતરાયોને અતિક્રમીને પાબીબહેને આજે બિઝનેસ મૅનેજમેન્ટ ભણેલાઓને આશ્ચર્યમાં નાખી દીધા છે. કેમ કે ન તો પાબીબહેનને વેપાર વારસામાં મળ્યો છે, ન તેમની પાસે કોઈ ડિગ્રી છે, ગુજરાતી સિવાય તેમને બીજી કોઈ ભાષા નથી આવડતી. તે છતાં તેમની પ્રોડક્ટસ વિશ્વભરમાં ચર્ચાય છે, વેચાય છે, એટલું જ નહીં, હૉલીવુડ અને ભારતીય ફિલ્મોમાં દર્શાવાય છે.
મુંદ્રા તાલુકાના નાનાં એવા કુકડસર ગામમાં જન્મીને માત્ર ચાર ચોપડીનું ઔપચારિક શિક્ષણ મેળવેલાં પાબીબહેન આજે પોતાની કલા દ્વારા વિદેશી ભાષા બોલનારા લોકો સાથે સરળતાથી વાત કરી શકે છે. નાનપણમાં જ પિતાને ગુમાવ્યા. સંતાનમાં સૌથી મોટાં હોવાને કારણે માતાને આર્થિક પ્રવૃત્તિઓમાં ટેકો આપવાની જવાબદારી તેમના ઉપર આવી. આ સાથે સાથે તેમણે ભરતકામ કરવાનું અને શીખવાનું શરૂ કર્યું. ઢેબર રબારી સમાજની સ્ત્રીઓના રોજબરોજના કપડાં અને ચીજવસ્તુઓમાં ભરતકામ હોય જ છે. ઉપરાંત ઘર શણગારની વસ્તુઓ પણ દીકરી તૈયાર કરે. આ કલા દીકરી પાસે હોવી જોઈએ એવું જરૂરી મનાતું. સમાજના ડાહ્યા આગેવાનોએ આ માન્યતા ૧૯૯૦ની આસપાસ બંધ કરાવી, પરંતુ લોહીમાં વહેતો કલાવારસો બહાર આવ્યા વગર રહેતો નથી. સમાજના નિર્ણય પછી રબારી સમાજની મહિલાઓએ પોતાની ભરતકામની કલાને વસ્ત્રો, બેગ અને અન્ય રોજિંદા ઉપયોગની વસ્તુઓમાં ઢાળી દીધી. તેઓએ વિવિધ પ્રકારના લેસનો ઉપયોગ કરી પોતાનાં વસ્ત્રો બનાવવાં શરૂ કર્યાં. તેમની એ કલા ‘હરી-જરી’ તરીકે ઓળખાવા લાગી. એ સમયમાં પાબીબહેને ‘હરી-જરી’નો પ્રયોગ કરીને એક બેગ બનાવી. બેગ તૈયાર થયા પછી તેમને પોતાને જ એ બેગ પસંદ ન પડી. તેમની કલાકાર દૃષ્ટિને હજુ એમાં વધુ ઉમેરવું હતું. તેમણે જાતે બજારમાં જઈને લેસ અને જરી ખરીદી અને એક જુદી જાતની બેગ તૈયાર કરી. આવી બેગના થોડા નમૂના બજારમાં મૂક્યા. આ બેગે પાબીબહેનના નસીબના દ્વાર ખોલી નાખ્યા. જેમ જેમ આ બેગ જુદા જુદા ગ્રાહકો પાસે પહોંચતી ગઈ તેમ તેમ મહિલાઓને પસંદ આવતી ગઈ. ખાસ કરીને વિદેશી મહિલાઓને આ બેગ ખૂબ જ પસંદ આવી એટલે પાબીબહેનનો આત્મવિશ્વાસ દઢ થયો. ૨૦૦૩માં પાબીબહેન પહેલીવાર અમદાવાદ ખાતે યોજાયેલા એક હસ્તકલા પ્રદર્શનમાં ગયાં ત્યારે તેમની ચકોર દષ્ટિએ નોંધ્યું કે આજના સમયમાં કલાના પ્રચાર પ્રસાર માટે ટેક્નૉલૉજી સાથે જોડાવું જરૂરી છે. એ માટે પોતાનાં ઉત્પાદનની ખાસિયતો અને વિશેષતાઓ લોકો જાણી શકે તે માટે વેબસાઈટ જરૂરી છે. આજે PABI BEG તરીકે ઓળખાતી જે કલાત્મક થેલી પોતાના ખભે ભેરવીને શિક્ષિત મહિલાઓ વટભેર ફરે છે તે કચ્છની એક અલ્પશિક્ષિત મહિલાના સાહસિક અને સૂઝબૂઝનું પ્રતીક છે.
આજે દુનિયાભરમાં પાબીબહેનના પરંપરાગત કસબના ચાહકો છે. પાબીબહેન ભારતના જ નહીં, વિશ્વના અન્ય દેશોનાં શહેરોમાં પોતાની કલાના કામણ પાથરી આવ્યાં છે. તેમને ગુજરાત સરકાર અને ભારત સરકારના પારિતોષિકો પણ મળી ચૂક્યાં છે. પાબીબહેન પાસે અત્યારે ખાસ્સી એવી કહી શકાય એટલી સંખ્યામાં મહિલા કારીગરો અને ડિઝાઈનર્સ કામ કરે છે. તેમની પાબી-બેગની ચાલીસ જેટલી વેરાયટીઓ છે. તેઓ બેગ ઉપરાંત ફાઇલ્સ, ગોદડી, કૂશન કવર, ચણિયા-ચોળી જેવી વસ્તુઓનું પણ ઉત્પાદન કરે છે. પાબીબહેન પાસે કામ કરનાર કારીગરો અને ડિઝાઈનર્સનું વેતન પાબીબહેન નહીં, ખુદ કારીગરો નક્કી કરે છે જે આજના સમયમાં એક પ્રેરક ઉદાહરણ છે. પાબીબહેનની બેગનું એક દૃશ્ય હૉલીવુડની ફિલ્મ ‘ધ અધર એન્ડ ઑફ લાઈન’ની એકટ્રેસ ઉપર ફિલ્માવવામાં આવ્યું છે. હિન્દી ફિલ્મ ‘સુઈ ધાગા’ના પ્રોમો માટે પાબીબહેનની સંઘર્ષકથા પર એક લઘુ ફિલ્મ બનાવવામાં આવી છે. કચ્છી માલધારી સમાજના મહિલાની સફળતાની ગાથા અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયી છે.