અફલાતૂન કચ્છી માડું નીરજ વોરા
આશરે પાંત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. ત્યારે હજી પ્રાઇવેટ ચૅનલો આવી નહોતી. ગુજરાતી નાટકોનો દબદબો હતો. એમાંય પ્રાયોગિક નાટકો જોવા આઇ.એન.ટી.ની આંતરકૉલેજ એકાંકી નાટયસ્પર્ધા જોવા આવતા રસિકજનોથી નાટ્યગૃહ છલકાઈ જતું. એક સમયે વિલે પાર્લેની એન.એમ. કૉલેજ તરફથી આઇ.એન.ટી. નાટ્યસ્પર્ધામાં એકાંકી ‘મલખ વેગળા માનવી’ રજૂ થયું. પડદો ખૂલતાં પ્રેક્ષકોએ તાળીઓથી નાટકને વધાવી લીધું. ત્યારે ક્યાં ખબર હતી કે નાટકના ત્રણ યુવાન સર્જકો ભવિષ્યમાં પોતાના આ કસબથી નાટક, સિરિયલ, ફિલ્મોની દુનિયાને ઝળાહળ કરી ગુજરાતીઓનું ગૌરવ વધારી દેશે. આમાં એક હતા દિલીપ જોશી, બીજા મિહિર ભુતા અને ત્રીજા હતા ખરા અર્થમાં કચ્છનું રતન નીરજ વોરા.
એ એકાંકીમાં પ્રમુખ ભૂમિકામાં દિલીપ જોશી હતા. એ નાટકના લેખક મિહિર ભુતા જેમણે પાછળથી ‘ચાણક્ય’ નાટક લખી ભાષાસૌંદર્યનું અદ્ભુત રસપાન પ્રેક્ષકોને કરાવ્યું અને એકાંકી નાટકના દિગ્દર્શક હતા મૂળ માંડવીના મુંબઈમાં રહેતા નીરજ વોરા. જેમણે નાટકો, ફિલ્મો, સિરિયલોમાં અભિનય, લેખન અને દિગ્દર્શક દ્વારા કમાલ કરી. વાત કરવી છે આજે નીરજ વોરાની.
‘ભોરિંગ ભોરિંગ રમતા રમતા’માં નીરજે પ્રોફેશનલ ઍક્ટર તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યાર બાદ ફિલ્મકાર કેતન મહેતા દિગ્દર્શિત નાટક ‘ચાન્નસ’માં અભિનય કર્યો. નીરજે એક ગુજરાતી પ્રોફેશનલ નાટક ‘ભેલપૂરી તીખી-મીઠી બરાબર’ બનાવ્યું. નાટક નિષ્ફળ ગયું, પણ પ્રેક્ષકોને હસાવવાની કળા નીરજમાં નીખરી ઊઠી. પરિણામે ‘અફલાતૂન’ નાટકમાં નીરજે દિગ્દર્શક તરીકે હાસ્ય અને કરુણાનો અદ્ભુત સમન્વય સાધ્યો અને હાઉસફુલ શોની હારમાળા સર્જાઈ. ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીની નજર આ નાટક પર પડી અને નીરજ વોરાના નાટક પરથી ‘ગોલમાલ’ ફિલ્મ લખાઈ.
સંગીત, સાહિત્ય અને સંસ્કૃતમાં અતિપ્રતિષ્ઠિત ગણાતા નીરજ વોરાના કુટુંબમાં અનેક વિખ્યાત વ્યક્તિઓ થઈ ગઈ. નીરજ વોરાના દાદા આચાર્ય નાનાલાલ વોરા કચ્છના માંડવી શહેરમાં રહેતા અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમનું આયુર્વેદનું જ્ઞાન પણ જબરું હતું. તેમના પુત્ર અને નીરજ વોરાના કાકા ઉપેન્દ્રરાય વોરા પ્રખ્યાત કવિ અને સંસ્કૃત તથા જૈન દર્શનના વિદ્વાન હતા. નીરજ વોરાના બીજા કાકા પ્રમોદરાય વોરા ઇતિહાસના વિદ્વાન અને સારા ચિત્રકાર હતા, પણ તેમણે સંપૂર્ણ જીવન પિતા પંડિત નાનાલાલ વોરા સાથે માંડવીની પ્રખ્યાત રામકૃષ્ણ હાઈ સ્કૂલ માટે સમર્પિત કર્યું. તેમણે શરૂ કરેલી સ્કૂલને લોહી-પાણી સિંચી વટવૃક્ષ બનાવી. ત્યાં ભણીને અનેક વિદ્યાર્થીઓ લંડન, અમેરિકા, ગલ્ફ અને આફ્રિકન દેશોમાં સ્થાયી થયા છે. હાલમાં આ સ્કૂલનું સંચાલન મસ્કતની પ્રખ્યાત ખીમજી રામદાસની પેઢી દ્વારા થાય છે. ખીમજી રામદાસની પેઢીએ સ્કૂલમાં પિતા-પુત્ર બન્નેની છબી અનાવરણ કરી તેમની સ્મૃતિને કાયમ કરી છે.
નીરજ વોરાની કઝિન બહેન કીર્તિદા દેસાઈ પણ સંગીત વિશારદ, વર્ષો પહેલાં મુંબઈ દૂરદર્શનમાં જોડાયાં અને ગાયિકા દમયંતી બરડાઈ, સંજય લીલા ભણસાલી જેવી પ્રતિભાઓને રજૂ કરી. છેવટે મુંબઈ દૂરદર્શનના વડા તરીકે નિવૃત્તિ લીધી. તેમનાં બીજા બહેન શૈલજા પંડ્યા વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં નાટકમાં એમ.એ. કરી મુંબઈ દૂરદર્શનમાં જોડાયાં. છેવટે નિવૃત્તિ લઈ વિદેશમાં સ્થાયી થયાં છે.
નીરજ વોરા પર સૌથી વધુ પ્રભાવ પિતા પંડિત વિનાયક વોરાનો હતો. પંડિત વિનાયક વોરા પ્રખ્યાત સંગીતતજ્ઞ, સંગીતશિક્ષક અને તારશરણાઈના માસ્ટર હતા. તેમણે જૂના વાજિંત્રમાંથી તારશરણાઈનું સર્જન કર્યું અને માત્ર ભારતમાં જ નહીં, પરદેશમાં પણ બહુ પ્રખ્યાત થયા. જે જમાનામાં ટીવીનું આગમન નહોતું થયું એ સમયે રેડિયો કે નાટ્યગૃહમાં તેમના સોલો કે સંગતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. રાગ વિશેના તેમના અદ્ભુત જ્ઞાનની પંડિત જસરાજ, પંડિત રવિશંકર જેવા શાસ્ત્રીય કલાકારો અભિભૂત થઈ ઓવારણાં લેતાં. તેમણે એમ. એસ. યુનિવર્સિટી વડોદરા, એસ.એન.ડી.ટી. (મુંબઈ), મધ્ય પ્રદેશ, ચેન્નઈ ઇત્યાદિની કલા ઍકૅડેમીઓમાં વિદ્યાર્થીઓને તાલીમ આપી. આ કચ્છી માડુંએ વિશ્વસંગીતમાં અદ્ભુત પ્રદાન કર્યું. આજે પણ અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીની મ્યુઝિક લાઇબ્રેરીમાં તેમની સંગીતમઢેલી ડૉક્યુમેન્ટરી ‘કિંગડમ ઑફ ક્લાઉડ’ અભ્યાસુઓ માટે આકર્ષણ બની છે. તેમના પુત્ર નીરજ અને ઉત્તંકે નાનપણથી તેમની સંગીતસાધના જોઈ-જોઈને સંગીતમાં મહારથ હાંસલ કરી.
નીરજ વોરાનો જન્મ કચ્છના ભુજમાં થયો હતો, પણ ઉછેર મુંબઈમાં થયો. ખાર પ્યુપિલ્સ હાઈ સ્કૂલમાં તે ભણ્યા હતા. નીરજ અને નાનો ભાઈ ઉત્તંક એકબીજાને પૂરક હતા. માતા પ્રમીલાબેન તેમને ફિલ્મો જોવા લઈ જતાં ત્યારે નીરજના મનમાં ફિલ્મ બનાવી કઈક કરી બતાવવાની ચાનક ચડતી.
નીરજનું ફિલ્મોમાં આગમન થયું અભિનેતા તરીકે, પછી લેખક અને છેવટે દિગ્દર્શક તરીકે કલાનાં કામણ પાથર્યાં, પણ તેનો ખરો રસ હતો ગુજરાતી નાટક. સફળ ફિલ્મકાર બન્યા પછી પણ નીરજે ‘તને મળું છું રોજ પહેલી વાર’, ‘વાહ ગુરુ’, ‘ડબલ સવારી’, ‘પુત્રી દેવો ભવ’ જેવાં સફળ નાટકો બનાવ્યાં.
કેતન મહેતાની ફિલ્મ ‘હોલી’થી નીરજની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ. એ દરમિયાન શાહરુખ ખાન સાથે હિન્દી ટીવી સિરિયલ ‘સર્કસ’માં કામ કર્યું. પછી રામગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’માં ડાયલૉગ રાઇટર ઉપરાંત એક નાનકડો રોલ પણ કરેલો. એ જોઈને અનિલ કપૂર અને ડિરેક્ટર પ્રિયદર્શને ‘વિરાસતમાં’ સુખિયાના પાત્રમાં ઍક્ટિંગ કરાવી. ‘રંગીલા’ પછી આમીર ખાને નીરજને ‘મન’ ફિલ્મ માટે કાસ્ટ કરાવ્યો.
આશુતોષ ગોવારીકર માટે નીરજે ‘પહેલા નશા’ લખી અને ભાઈ ઉત્તંક સાથે એ ફિલ્મમાં સંગીત પણ આપ્યું. શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય માટે હિન્દી ફિલ્મ ‘જોશ’ લખી તો ડિરેક્ટર અબ્બાસ મસ્તાન માટે ‘બાદશાહ’ ફિલ્મ લખી. સલમાન ખાન, રાની મુખરજી અને પ્રીતિ ઝિન્ટા માટે ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ લખી. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અભિનીત વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘આવારા પાગલ દિવાના’ના ડાયલૉગ્સ લખ્યા. અબ્બાસ મસ્તાનની સસ્પેન્સ થ્રિલર ‘અજનબી’ લખી જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, કરીના કપૂર, બિપાશા બાસુએ અભિનય કર્યો.
નીરજ વોરાએ ફિલ્મ ‘હેરાફેરી’નું સ્ક્રીનપ્લે લખ્યું અને ‘ફિર હેરાફેરી’નું લેખન અને દિગ્દર્શન કર્યું. તો ‘ખિલાડી ૪૨૦’નું દિગ્દર્શન કર્યું, જેના લેખક પણ કચ્છી માડું ઉત્તમ ગડા હતા. એ સમયે આ ફિલ્મે ૧૦૪ કરોડ નિર્માતા કેશુ રામસેને કમાવી આપ્યા હતા. દિયા મિર્ઝા, અર્જુન રામપાલ અભિનીત ફિલ્મ ‘ફૅમિલી વાલા’નું લેખન-દિગ્દર્શક કર્યું.
ADVERTISEMENT
નીરજ વોરાના વ્યક્તિત્વને ઘડવામાં પિતા પંડિત વિનાયક વોરા, નાટ્ય દિગ્દર્શક મહેન્દ્ર જોશી, પરેશ રાવલ ઉપરાંત આશુતોષ ગોવારીકર અને મિત્રો ઉમેશ શુક્લ, સંજય છેલનો ફાળો હતો, પણ એનો સૌથી નજીકનો મિત્ર હતો ભાઈ ઉત્તંક વોરા. ઉત્તંક વોરાએ પણ પિતા પંડિત વિનાયક વોરાના પગલે ચાલી સંગીતકાર તરીકેની કારકિર્દી ઘડી. ઉત્તંક વોરાએ વિક્રમસર્જક હિન્દી સિરિયલ ‘એક મહેલ હો સપનો કા’, ‘ખીચડી’, ‘બા બહુ ઓર બેબી’, ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ જેવી સિરિયલો ઉપરાંત કચ્છી માડું વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ “વક્ત - રેસ અગેઇન ટાઇમ’માં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું. ‘માલામાલ વિકલી’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. ટ્રેડ સેન્ટર ગુજરાતી ફિલ્મ ‘ચtલ મન જીતવા જઈએ’માં મ્યુઝિક આપ્યું.
પત્ની છાયા વોરા હિન્દી સિરિયલો, ગુજરાતી નાટકોનું જાણીતું નામ છે. ‘બા બહુ ઓર બેબી’, ‘બંદિની’, ‘બાલવીર’, ‘ચાણક્ય’, ‘રજની’ જેવી હિન્દી સિરિયલો, ‘મહેક મોટા ઘરની વહુ’ ગુજરાતી સિરિયલ, ‘શરતો લાગુ’, ‘ચિત્કાર’, ‘કાચિંડો’ જેવી ફિલ્મો તેમણે કરી છે.
નીરજ વોરાને કચ્છીકાફિયો, કચ્છી સંગીતમાં અનહદ રસ હતો. એના પર રિસર્ચ કરી કચ્છીઓને મોટી ભેટ આપવા માંગતા હતા, પરંતુ એકાદ વર્ષની માંદગી બાદ નીરજનું અવસાન થતાં કચ્છીસંગીતમાં સીમાચિહન રૂપે કાર્ય અધૂરું રહ્યું. દિલદાર અને સ્વપ્નદૃષ્ટા આ સર્જકને ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતી શ્રદ્ધાંજલિ આપી વિરમું છું, અસ્તુ.