અમદાવાદ નજીક આવેલું આ મંદિર જ છે ગણપતિના આકારનું
મહેમદાવાદનું ગણપતિ મંદિર
ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે દેશના જુદા જુદા ગણપતિ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જુદા જુદા ગણપતિ મંદિરમાં દર્શન કરવાનું ગણેશોત્સવ દરમિયાન અનેરું મહાત્મ્ય છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું આ ગણેશ મંદિર ખાસ છે. રસપ્રદ વાત એ છે કે આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. આ ઉપરાંત પણ આ મંદિરની ખાસ બાબત એ છે તેનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિર સાથે છે.
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર સાથે સંબંધ
ADVERTISEMENT
અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે.આ મંદિર અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે.
બનાવટ પણ અનન્ય
ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાંચ માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા તૈયાર કરવામાં આવી છે. અહીં સત્સંગ માટે ખાસ સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
કેમ નદી કિનારે છે મંદિર ?
દાદરના સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઇએ તેમજ તે સ્થળે સફેદ આકડો હોવો જરૂરી છે. એટલે જ વાત્રક નદીના કિનારે આ મંદિર બનાવાયું છે.
મંદિર ઉપરાંત આ છે આકર્ષણ
આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે સાથે અન્ય પણ આકર્ષણો છે. અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.
આરતીનો સમય
સવારે 6.30 ધૂપ
સવારે 7.15 મંગળા
સાંજે 6.30 ધૂપ
સાંજે 7.30 દર્શન
આ પણ વાંચોઃ ભાતીગળ સંસ્કૃતિની શાન છે તરણેતર મેળો, જુઓ તસવીરો
દર્શનનો સમય
સવારના 6.00થી સાંજના 10 વાગ્યા સુધી.
સંકટ ચતુર્થી જેવા ખાસ દિવસોમાં દર્શનનો સમય સવારના 5.00થી સાતના 11.00 વાગ્યા સુધી