શ્રાવણિયા સોમવારે શિવલિંગ પર ચડાવાતાં બહુગુણાં બિલ્વપત્ર
બિલ્વપત્ર
શ્રાવણમાં શિવભક્તિનો મહિમા છે. ભોળાનાથને રીઝવવા માટે કંઈ મોટા ભોગની જરૂર નથી પડતી. તેમના શિવલિંગ પર દૂધ અને બીલી ચડાવો એટલે પ્રભુ ખુશ. શિવમંદિરોમાં અત્યારે ઢગલેઢગલા બિલ્વપત્ર જોવા મળશે. આપણે આ ત્રિદળી પાંદડાંને માત્ર પૂજા પૂરતાં જ વાપરીએ છીએ, પરંતુ હજારો વર્ષ જૂના આયુર્વેદશાસ્ત્રમાં એના ઔષધીય પ્રયોગોનો પણ ઉલ્લેખ છે. શા માટે શિવજીને બિલ્વપત્ર ચડાવવામાં આવે છે એનું માહાત્મ્ય અને આ ચડાવેલાં પત્રો કઈ રીતે ઔષધમાં વાપરી શકાય એમ છે એ વિશે કેટલાક આયુર્વેદ-નિષ્ણાતો પાસેથી જાણીએ.
સૃષ્ટિનો સિમ્બૉલ
ADVERTISEMENT
સંસ્કૃતમાં બિલ્વપત્ર અને મરાઠીમાં બેલ તરીકે જાણીતાં આ ત્રિદલ ત્રણ દેવતાઓનું પ્રતીક છે એમ જણાવતાં ચર્ની રોડમાં વર્ષોથી પ્રૅક્ટિસ કરતા અનુભવી આયુર્વેદ-નિષ્ણાત ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘બિલ્વ હંમેશાં ત્રણ પાંદડાંનાં જ હોય છે. એનાં ત્રણ દળ ત્રણ દેવતાઓનું સિમ્બૉલ છે; બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ એનું નિર્વહન કરે છે અને મહેશ એનો વિનાશ કરે છે. બીજી રીતે જોઈએ તો આ ત્રણ ગુણોનું પણ નિદર્શન કરે છે. રજસ, સત્ત્વ અને તમસ. મિડલનું જે મોટું પાંદડું છે એ સત્ત્વ ગુણ દર્શાવે છે. આજુબાજુમાં રજસ અને તમસ છે. સત્ત્વનું પાંદડું બહુ પૉઝિટિવ એનર્જી આપનારું છે. આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો બીલીનું આખુંય વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે. એનાં ફળ, પત્ર અને મૂળ સુધ્ધાં અનેક ઔષધોમાં વપરાય છે. શ્રાવણમાં એની પવિત્રતાને કારણે ધાર્મિક મહિમા હોવાથી એ શિવજીને ચડાવવામાં આવે છે, પરંતુ આરોગ્યની વાત કરીએ તો બીલીપત્ર શ્વસનતંત્ર અને સોજાની સમસ્યામાં બહુ કામનાં છે. બીલીનાં ફળ ડાયાબિટીઝ, ઍસિડિટી, ડાયેરિયા, પાઇલ્સ અને કબજિયાતમાં કામ આવે છે.’
ત્રિદળના ત્રિગુણ વિશે વધુ સમજાવતાં ઘાટકોપરના અનુભવી આયુર્વેદશાસ્ત્રી ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવોના પ્રતીક ઉપરાંત બીલીમાં સત્ત્વ ગુણની જબરદસ્ત પૉઝિટિવ એનર્જી છે. શિવજીને ત્રિનેત્ર છે એનું પણ પ્રતીક એમાં છે. સૃષ્ટિના અસ્તિત્વને ટકાવવા માટે પણ ત્રણેય ગુણોનું સંતુલન હોવું જરૂરી છે. તમે જોશો તો બીલીમાં વચલું દળ મોટું હોય છે જે સત્ત્વ ગુણ ધરાવે છે. તમસ ગુણ એની જગ્યાએ સૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એટલો જ ઉપયોગી છે. જરા ઉદાહરણ સાથે વાત કરું તો તમસ એટલે પિત્ત. આપણા શરીરમાં પિત્ત ૧૩ પ્રકારના અગ્નિરૂપે હાજર હોય છે. એમાંથી એક જઠરાગ્નિની જ વાત કરું તો એના વિના પણ શરીર અનેક રોગોનું શિકાર બની જઈ શકે છે. ત્રણેય ગુણો પણ સત્ત્વ ગુણના પ્રાધાન્યની સાથે એની દોરવણી મુજબ સંતુલિત રીતે કાર્યરત હોય ત્યારે જ સ્વસ્થ તન, મન સંભવ છે. બીલીપત્ર એનું સંતુલન દર્શાવે છે અને એટલે એના સ્પર્શમાત્રથી પણ અનેક ફાયદા થાય છે. જોકે માત્ર સ્પર્શથી મળતી પૉઝિટિવ એનર્જી આપણા માટે પૂરતી નથી અને એટલે જ જ્યારે શરીરને ઔષધીય જરૂરિયાતો ઊભી થાય ત્યારે બીલીનાં પત્રનું સેવન પણ કરવામાં આવે છે.’
ઔષધીય ગુણોની ખાણ
આયુર્વેદના મહાગ્રંથ આર્યભિષક મુજબ બીલીપત્ર મધુર, રુચિકર, દીપન, ઉષ્ણ, રુક્ષ અને જ્વરનો નાશ કરે છે. ચોમાસામાં થતા રોગના નિવારણમાં પણ ઉપકારક છે એમ સમજાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘જેમ ચૈત્ર મહિનામાં લીમડા અને એના મોરનું સેવન કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે એવું જ કંઈક બીલી માટે પણ કહી શકાય. વર્ષાઋતુ પછી શરદ અને હેમંત આવે. શરદ ઋતુમાં સૌથી વધુ માંદગીઓ જોવા મળશે. શરદી-કફ અને તાવ જેવી સીઝનલ માંદગીઓની વાત હોય કે હાર્ટ-અટૅક, આ સીઝનમાં તમને હૉસ્પિટલો ઊભરાતી જોવા મળશે. બીલીનો સ્વરસ લેવાથી વાત અને કફનના સંચયને કારણે થતા પ્રકોપોનું પ્રમાણ ઘટે છે. શ્રાવણમાં જો બીલીનાં પાનનો રસ લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ સબળ બને, વાત-કફને કારણે થતા રોગોની તીવ્રતા ઘટે અને શરદમાં સ્વાસ્થ્ય સારું રહે. એનાં પાનમાં ખૂબ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ભરેલાં છે એટલું જ નહીં એ ઍન્ટિ-ઇન્ફલમેટરી અને ઍન્ટિ-માઇક્રોબિયલ હોવાનું પણ જોવા મળ્યું છે. ગૅસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન, ડાયેરિયા-મરડો કન્ટ્રોલ કરવામાં પણ એ કામનાં છે. ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, કૉલેરા, પાઇલ્સ, સફેદ ડાઘ (વિટિલિગો) જેવા રોગોમાં પણ દવારૂપે વપરાય છે.’
સેવન કઈ રીતે?
ચોમાસું રોગોની ઋતુ છે એટલે મહાદેવજીને બીલીપત્ર ચડાવવા ઉપરાંત રોજ એક-બે પાન જાતે ખાવામાં આવે તો પણ ફાયદો થાય છે. ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘પાંદડાં વાટીને એનો પાંચ મિલીલીટર જેટલો રસ કાઢીને લઈ શકાય અથવા તો આખાં પાન પણ ચાવીને ખાઈ શકાય. વ્યક્તિની પ્રકૃતિ અને શારીરિક અવસ્થા જોઈને નિષ્ણાત વૈદ્યના કન્સલ્ટેશનમાં પાંચ-સાત કે અગિયાર એમ કેટલાં પાંદડાં ખાવાં અને કેટલા દિવસ ખાવાં એ નક્કી થઈ શકે.’
દક્ષિણ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં બીલીપત્રનો કાઢો ચોમાસાની સીઝનમાં ખૂબ વપરાય છે. આ કાઢો તાવ ઉતારવામાં પણ અક્સીર છે એમ જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘બીલીનાં પાન પરસેવો લાવે છે એટલે જો તાવ દરમ્યાન લેવામાં આવે તો પરસેવો વળીને શરીરનું ટેમ્પરેચર નીચું આવે છે. સીઝનલ ચેન્જ દરમ્યાન આવતા તાવ અને ફ્લુમાં બીલીનાં પાન લેવાથી ફાયદો થાય છે. એ માટે બીલીનો કાઢો બનાવીને લેવો જાઈએ. કાઢો બનાવવા માટે દોઢથી બે ગ્લાસ પાણીમાં અડધી ચમચી છીણેલું આદું, બે-ત્રણ વાટેલાં કાળાં મરી અને એક ચમચી શેકીને વાટેલું જીરું નાખીને પાણી ઉકાળવું. એમાં એક મુઠ્ઠી જેટલાં બીલીપત્ર ક્રશ કરીને નાખવાં. પાણી અડધું બળી જાય એટલે ઉતારી લેવું. એમાં ચપટીક સિંધવ ઉમેરીને સહેજ હૂંફાળું પીણું ઘૂંટડે-ઘૂંટડે પીવું. એનાથી વરસાદી વાતાવરણમાં થતા ફ્લુ અને ઝીણા તાવનું નિવારણ થાય છે અને જો તાવ આવ્યો હોય તો પરસેવો વળીને ઊતરી જાય છે. ડાયાબિટીઝના દરદીઓને યુરિનમાં શુગર જતી હોય તેમને માટે પણ એ ગુણકારી મનાય છે. કૉલેસ્ટરોલના દરદીઓએ રોજ સવારે અડધો કપ જેટલો બીલીપત્રનો રસ પીવાનું રાખવું. એનાથી લોહીનું શુદ્ધીકરણ થાય છે. મૉડર્ન સાયન્સે પણ બીલીના પાનમાં હાઇપોગ્લાયસેમિક અને ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ હોવાનું સ્વીકાર્યું છે. એ હાઇપોગ્લાયસેમિક હોવાથી શુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ થાય છે.’
બીલીના ઘરગથ્થુ પ્રયોગો
આર્યભિષક અને ચરકના ગ્રંથોમાં બિલ્વપત્રના કેવા-કેવા ઔષધીય પ્રયોગો થઈ શકે એની વિગતવાર છણાવટ થઈ છે. એમાંથી કેટલાક પ્રયોગો જોઈએ...
મોંમાં વારંવાર ચાંદા પડી જતા હોય અને રુઝાતા જ ન હોય તો બીલીપત્રને વાટીને એનો કલ્ક ચાંદા પર લગાવવો. સાત-આઠ દિવસ રોજ કરવાથી ચાંદા રુઝાઈ જશે. એમ ન કરવું હોય તો બીલીનાં પાન ચાવવાં અને મોંમાં મમળાવ્યા કરવાં.
શરીરમાં પરસેવાની વાસ આવતી હોય તો
બીલીનાં પાંદડાંનો રસ કાઢીને એનો શરીર પર લેપ કરવો. અડધો કલાક રાખીને પછી ચોખ્ખા પાણીથી નાહી લેવું.
પડવા-વાગવાને કારણે થયેલા જખમ પર બીલીનાં પાન પીસીને એનો લેપ લગાવવાથી સોજા ઊતરે છે અને પીડા શમે છે.
બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી શ્વસનતંત્રના દરદીઓને શ્વાસની તકલીફમાં બહુ લાભ થાય છે અને હાર્ટ-અટૅકનો ખતરો ઘટે છે.
પેટમાં કૃમિ થયા હોય અથવા તો આમ ભરાઈ રહ્યો હોય તો બીલીનો રસ આપવાથી ફાયદો થાય છે. જુલાબ વાટે કચરો નીકળીને પેટ સાફ થઈ જાય છે.
આ પણ વાંચો : શ્રાવણમાં કરો બિલિપત્રના ચમત્કારિક ઉપાય, થશે ઘણા ફાયદા
બીલીને સૂકવીને એનું ચૂર્ણ બનાવીને રોજ રાતે સૂતાં પહેલાં અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી કિડની પર સોજાની સમસ્યામાં આરામ મળે છે.