ગુજરાતનું એક એવું હિલ સ્ટેશન, જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભૂલી જશો
ગુજરાતીઓ માટે સૌથી નજીક અને સરળ રીતે પહોંચી શકાય તેવા બે જ હિલ સ્ટેશનો જાણીતા છે. એક તો દક્ષિણ ગુજરાતનું સાપુતારા અને બીજું રાજસ્થાનનું આબુ. મોટા ભાગે ગુજરાતીઓ ઉનાળાની રજાઓ ગાળવા 2-3 દિવસ માટે આ જ હિલસ્ટેશનો પર પહોંચી જતા હોય છે. બંનેનું કુદરતી સોંદર્ય અપ્રતીમ છે, તેની ના નહીં. પરંતુ ગજરાતમાં હજીય એક એવું હિલ સ્ટેશન આવેલું છે, જેની સુંદરતા તમને આ બંને હિલ સ્ટેશન ભુલાવી દેશે.
માથુ ન ખંજવાળશો, આ ઉનાળામાં તમે એ હિલ સ્ટેશનની મુલાકાતે જઈ શકો છો. અને તમારા માટે જ અમે અહીં તે હિલ સ્ટેશન વિશેની બધી જ માહિતી. ગુજરાતમાં કુદરતી સોંદર્યનો છુપાયેલો ખજાનો એટલે હિલ સ્ટેશન 'ડોન'. ડાંગમાં આવેલું ડોન હિલ સ્ટેશન કુદરતના ખોળે વસેલું સુંદર સ્થળ છે. જે આહવાથી માત્ર 30 કિલોમીટર દૂર છે.
ADVERTISEMENT
1070 મીટરની ઉંચાઈએ
ડાંગમાં આવેલું આ હિલ સ્ટેશન સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ડોન હિલ સ્ટેશનની ઉંચાઈ 1070 મીટર છે, જે સાપુતારા કરતા પણ 100 મીટર વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્ર બોર્ડર 3 કિલોમીટર જ દૂર છે. એટલે તમે ડોનથી થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. અત્યાર સુધી અજાણ્યા આ હિલ સ્ટેશન છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓમાં લોકપ્રિય બન્યું છે.
Image Courtesy : Darpandodiya.com
ઉલ્લેખનીય છે કે હિલ સ્ટેશન પર ફરવા જવાની મજા તેના રોમાંચકારી રસ્તાઓ હોય છે. થ્રિલ આપે તેવા રસ્તાઓ પરથી ટોચ પર પહોંચવાની મજા અલગ જ હોય છે. ડોન હિલ સ્ટેશન પર પહોંચવાના રસ્તાઓ પણ સર્પાકાર અને શ્વાસ થંભાવી દે તેવા છે. તેમાં પણ તો તમે ચોમાસાની શરૂઆતમાં પહોંચો તો ઉપરથી ખાબકતા ઝરણા વાતાવરણને રોમાંચની સાથે રોમાન્સથી ભરી દે છે.
ડોન હિલ સ્ટેશનની મુલાકાત માટેનો બેસ્ટ સમય ચોમાસું છે. પર્વતીય વિસ્તારને કારણે એઠર ઠેર વહેતા ઝરણાઓ આ હિલ સ્ટેશનની સુંદરતા વધારે છે. અને લીલુંછમ બનેલું જંગલ આહલાદક આનંદ આપે છે. એક સ્થળ એવું પણ છે જ્યાં સ્વયંભુ શિવલીંગ પર ઝરણાંનો અભિષેક થાય છે.
કરી શકો છો ટ્રેકિંગ
જો તમે ટ્રેકિંગના શોખીન છો તો પણ ડોન હિલ સ્ટેશન ઉત્તમ સ્થળ છે. ઉંચા નીચા ઢોળાવ હોવાને કારણે અહીં ટ્રેકિંગ માટે પણ લોકો ઉમટે છે.
પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનો આનંદ
ડાંગ એ મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ છે. એટલે તમે તેમની રહેણીકરણી તેમના ઘર, તેમનું ભોજન જોઈને કંઈક નવું જાણી શકો છો.
આ પડ્યું ડોન નામ
ડાંગના આ હિલ સ્ટેશનનું નામ કેવી રીતે પડ્યું, તેની કથા પણ રસપ્રદ છે. લોકોનું કહેવું છે કે અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ, સીતા અને લક્ષ્મણ વનવા દરમિયાન અહીં આવ્યા હતા. ગુરૂ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામે ઓળખાવા લાગ્યો. ત્યાર બાદ અંગ્રેજાના આગમન સાથે આ પ્રદેશનું નામ પણ બદલાય ગયું. દ્રોણનું અપભ્રંશ થઇ ડોન થઇ ગયું.