કાનમાં પાણી જાય ત્યારે શું કરો છો?
કાનમાં પાણી જવું એ રોજબરોજની ઘટનાઓમાંની એક છે. ચોમાસામાં વરસાદમાં પલળતી વખતે કે નહાતી વખતે કે સ્વિમિંગ કરતી વખતે કાનમાં પાણી જતું હોય છે અને યેન કેન પ્રકારેણ આપણે એને બહાર કાઢી લેતા હોઈએ છીએ. કાનમાં ગયેલા પાણીને
બહાર કાઢવાની સામાન્ય રીત એટલે સહેજ માથું હલાવીને જે કાનમાં પાણી ગયું હોય એ જ બાજુ સહેજ માથું ઝુકાવો એટલે એ નીકળી જાય. જોકે ન્યુ યૉર્કની કોરોનેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કાનમાં પાણી જાય અને જો માથું હલાવાય તો બ્રેઇન ડૅમેજની સંભાવના રહે છે. ખાસ કરીને બાળકોમાં આ સંભાવના વિશેષ હોય છે. હેડ શેકને બદલે
જો વિનેગર જેવું કોઈ પ્રવાહી કાનમાં નાખવામાં આવે તો પાણી ઈયર કનાલમાં ફસાશે નહીં અને બહાર નીકળી જશે. કાન આપણી પાંચ ઇન્દ્રિયમાંની એક હોવાને કારણે સાંભળવા માટે તો એની અનિવાર્યતા છે જ, પણ એ સિવાય પણ કાનનાં અનેક અન્ય ફંક્શન પણ છે જે આપણા અસ્તિત્વમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કાનમાં પાણી જવાની બાબત ગંભીર નથી, પરંતુ એને વ્યવસ્થિત રીતે ટૅકલ ન કરાય તો એ ગંભીર રૂપ લઈ શકે છે. આજે ‘વર્લ્ડ હિયરિંગ ડે’ છે ત્યારે કાનની આ સામાન્ય સમસ્યાને કઈ રીતે હૅન્ડલ કરવી એ વિશે ઈએનટી સર્જ્યન ડૉ. પલક પારેખ સાથે વાતો કરીએ.
પાણીનું સ્થાન
ADVERTISEMENT
કાનમાં પાણી જાય ત્યારે એ કાનના કયા હિસ્સામાં એ છે એ જાણવું મહત્ત્વનું છે એમ જણાવીને ડૉ. પલક પારેખ કહે છે, ‘આપણા કાન ત્રણ હિસ્સામાં વહેંચાયેલા છે. આઉટર ઈયર એટલે કે તમે બહારથી સ્થૂળ રૂપે કાનની જે કનાલ જોઈ શકો છો એ ભાગ. બીજો ભાગ છે મિડલ ઈયર, જે યુસ્ટેચિઅન નામની એક ટ્યુબના માધ્યમે નાક સાથે પણ અટૅચ્ડ છે. આ હિસ્સામાં ત્રણ મહત્ત્વનાં
હાડકાં હોય છે જે સાઉન્ડ એકો કરીને કાનના ત્રીજા ભાગ ઇનર ઈયર સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઇનર ઈયરમાં એક ખાસ પ્રકારનું ફ્લુઇડ હોય છે જે શરીરમાં બૅલૅન્સિંગનું કામ કરે છે. હવે જ્યારે કાનમાં પાણી જાય ત્યારે મોટા ભાગે એ શરૂઆતના હિસ્સામાં અથવા બહુ-બહુ તો મિડલ ઈયર સુધી હોય છે જેને આપણે ઘરગથ્થુ મેથડથી જ દૂર કરી શકીએ છીએ. પરંતુ જો ખોટી રીતે માથું હલાવીએ તો એ ઇનર ઈયર સુધી પહોંચીને બ્રેઇન ડૅમેજને નિમંત્રણ આપી શકે છે. ધારો કે કોઈ ઘડિયાળ છે. એને તમે અજુગતી રીતે અથવા ફોર્સફુલી હલાવો તો એના કાંટા આમતેમ થઈ શકે છેને? બિલકુલ એ જ રીતે કાનમાં ગયેલા પાણીને જો સિસ્ટમૅટિક મેથડને બદલે માથું હલાવીને કાઢવાના પ્રયાસ થાય તો એ નુકસાન કરી શકે છે.’
લક્ષણો શું?
મોટા ભાગે કાનમાં પાણી જાય ત્યારે આપણને ખબર જ પડી જતી હોય છે. એનું મુખ્ય લક્ષણ એટલે કાન બંધ થઈ જવા. ડૉ. પલક કહે છે, ‘ઓછું સંભળાય, કાનમાં માઇલ્ડ દુખાવો થઈ શકે, કાન ભારે-ભારે લાગે, શરદી પણ હોય તો માથું ભારે લાગી શકે, કાનમાં ઘર્રાટી જેવો અવાજ આવવો, કોઈ વાર કાનમાં ખંજવાળ આવે જેવાં લક્ષણો દેખાતાં હોય છે. ઘણી વાર કાનમાંથી પસ નીકળવું, બૅલૅન્સિંગનો પ્રૉબ્લેમ થવો, ચક્કર આવે અને સ્થિર ઊભા ન રહી શકાય એવી લાગણી થવી જેવું થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટા ભાગે કાનમાં પાણી જવાને કારણે દેખાતાં લક્ષણો ઘરગથ્થુ ઇલાજ કરીને જ દૂર થઈ જાય છે પણ જો એવું ન થાય તો ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ, કારણ કે જો કાનમાં પાણી રહી જાય તો કાનમાં ફંગસ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.’
કાનની હેલ્થ માટે મહત્ત્વની ટિપ્સ
આ ક્યારેય ન કરો
1 - ઈયરબડ્સનો ઉપયોગ નહીં એટલે નહીં જ. આઉટર ઈયર અને મિડલ ઈયર વચ્ચે બે સેન્ટિમેટર જેટલું ડિસ્ટન્સ જ હોય છે. એવામાં જો ઈયરબડ્સ વધારે અંદર જાય તો પડદાને ટચ થઈ શકે, વાગી શકે, પડદામાં કાણું પડી શકે. એટલે ઈયરબડ્સનો ઉપયોગ ન કરો. જો કરવો હોય તો માત્ર એકદમ બહારના ભાગમાં. એક વાત યાદ રાખો કે કાનને દરરોજ ક્લીન કરવાની જરૂર નથી. કનાલમાં હેર હોય છે જે કાનમાં કચરો જતાં રોકે છે. છતાં પણ એવું લાગે તો ડૉક્ટરની મુલાકાત લો પણ જાતે સાફ કરવાના ચક્કરમાં ઈયરબડ્સનો ઉપયોગ ટાળો.
2 - કાનમાં થતા દુખાવાને ઇગ્નૉર ન કરો. દુખાવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. કેટલીક વાર ગળામાં ટૉન્સિલ્સ અથવા શરદી હોય તો પણ કાનમાં દુખાવો થાય. દાંતમાં કૅવિટીઝ હોય તો પણ કાનમાં દુખાવો થઈ શકે. કારણના મૂળ સુધી જવું જરૂરી છે.
3 - કાનમાં હેડફોન નાખીને લાઉડ વૉલ્યુમ પર મ્યુઝિક નહીં સાંભળવાનું. એ તમારા કાનના પડદાને નુકસાન
કરે છે.
4 - કાનમાંથી પાણી આવે તો એક દિવસથી વધારે આવે તો એને ઇગ્નૉર ન કરો. જુઓ કે એ પતલું છે કે સ્ટિકી છે, એમાંથી વાસ આવે છે. જો એમ હોય તો તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લો.
5 - કાનમાં તમને મનફાવે એવા ઈયર ડ્રૉપ્સ કે ગરમાગરમ તેલ વગેરે ક્યારેય ન નાખો. આ પ્રકારના પદાર્થથી તમારા કાનના પડદામાં હોલ પણ થઈ શકે છે.
આ અવશ્ય કરો
1 - નાહ્યા પછી કે સ્વિમિંગ પછી કૉટનના સૂકા કપડાથી તરત જ કાનને ડ્રાય કરી દો.
2 - ફ્લાઇટમાં જઈએ ત્યારે કૉન્સ્ટન્ટ પાણી પીતા રહો અથવા ચ્યુઇંગ-ગમ ખાઓ જેથી કાન બંધ ન થાય.
3 - મોટી ઉંમરે કાનની નસોમાં વીકનેસ આવતી હોય છે. એને રોકવા માટે ઝીંકોબેલોમા નામની આયુર્વેદિક મેડિસિન લઈ શકાય. એનાથી નબળી થયેલી નસો સબળી તો નહીં પણ એ વધુ ખરાબ નહીં થાય. ટિનિટસ માટે પણ આ દવા યુઝ કરી શકાય. એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી.
4 - કાનમાં પાણી જાય જ નહીં એ માટે રૂ પર વૅસલિન લગાવીને એને કાનમાં હળવે હાથે ખોસી દો. આ નૅચરલ ઍર-ટાઇટનરની જેમ કામ કરશે. પરંતુ ધ્યાન રહે કે વૅસલિનવાળું રૂ બહુ અંદર ન જતું રહે.
કાનમાંથી પાણી કાઢવાના કેટલાક રસ્તાઓ
કૉટનનું કપડું - કાન જે દિશામાં હોય એ દિશામાં ઝુકાવીને આંગળીથી કાનની બૂટને સહેજ ઉપર-નીચે કરો તો પાણી નીકળી જશે, પણ જો એમ ન થાય તો જે કાનમાં પાણી ભરાયું છે એ બાજુ તરફ પડખું ફેરવીને સૂઈ જવાનું અને કાનને કૉટનના કપડા પર રાખવાનો. થોડીક જ ક્ષણોમાં પાણી આપમેળે બહાર આવી જશે.
લંગડી મેથડ - આ મેથડમાં જે કાનમાં પાણી ગયું હોય એ દિશામાં સહેજ કાનને નમાવવો અને એ ઝૂકતી વખતે એક અથવા બન્ને પગથી લંગડી કરીએ એમ કૂદકો મારવાનો. ફોર્સ આવવાને કારણે પાણી તરત જ ઈયર કનાલમાંથી બહાર નીકળી જશે.
સ્ટીમ ઇન્હેલેશન - કાન અને નાક બન્ને સાથે જોડાયેલી એક ટ્યુબ છે એટલે જો તમે નાકથી ગરમ પાણીની બાફ લેશો એટલે મિડલ ઈયરમાં રહેલા પાણીનું બાષ્પીભવન થઈ જશે.
ગરમ પાણીનું કપડું - કૉટનના એક નૅપ્કિનને ગરમ પાણીમાં નાખીને એને કાન પાસે રાખો. એની બાફથી પણ કાનના પાણીનું બાષ્પીભવન થઈ જશે.
કફ થાય એવું ન ખાવું - ઘણી વાર કાનમાં પાણી જાય અને સાથે શરદી પણ હોય તો કફ મિડલ ઈયરની કનાલમાં જમા થઈ જતો હોય છે. એવા સમયે કફ થાય એવું ન ખાવું અને અન્ય પ્રયોગો દ્વારા પાણીને બહાર કાઢવું.
હેરડ્રાયર - હેરડ્રાયરને કાનથી દસ-બાર ઇંચ દૂર રાખીને વૉર્મ મોડ પર કાનને સહેજ ખેંચીને કાનના કાણા તરફ ૩૦થી ૪૦ સેકન્ડ રાખો તો પણ કાનમાં ગયેલું પાણી આપમેળે સુકાઈ જાય.
વાલસાલ્વા મેથડ - કંઈ જ કામ ન આવે ત્યારે આ મેથડથી પણ કાનનું પાણી બહાર કાઢી શકાય અને બંધ થઈ ગયા હોય તો એમાં પણ રાહત થાય. આ મેથડમાં તમે નાક દબાવો, મોઢું બંધ કરો અને ઇન્ટર્નલી હવાનું પ્રેશર ક્રીએટ કરો, જેનાથી ઑટોમૅટિકલી પાણી બહાર ફેંકાશે. ઘણી વાર ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી વખતે કે હાઈ ઍલ્ટિટ્યુડમાં જાઓ ત્યારે પણ હવાનું દબાણ ક્રીએટ થતું હોય છે જેને કારણે કાન બંધ થઈ જતા હોય છે. ત્યારે તમે આ મેથડ યુઝ કરી શકો છો.