વન્ય સૃષ્ટિના જીવો જેટલી માનવતા તો માનવોને પણ નથી આવડતી એવો અનુભવ રશિકન સાવલાનો છે. છેલ્લાં સાત વર્ષથી અનાયાસ જ વાઇલ્ડ-લાઇફ ટ્રાવેલ તરફ વળેલા આ બિલ્ડરે જંગલમાં જંગલી પશુઓ પાસેથી શીખેલી વાતો આજે‘વર્લ્ડ થૅન્ક્સ ગિવિંગ ડે’ નિમિત્તે જાણીએ
અલગારી રખડપટ્ટી
રશિકન સાવલા
બે વાર પેન્ચ, બે વાર રણથંભોર, બે વાર કાન્હા, છ વાર તાડોબા, ઉમરેડ, બાંધવગઢ, પન્ના, કોર્બેટ, ભીગવાન બર્ડ સૅન્ક્ચ્યુરી જેવાં દેશનાં મેજર વાઇલ્ડ-લાઇફ સૅન્ક્ચ્યુરીમાં જઈ આવેલા ૬૩ વર્ષના રશિકન સાવલા હવે ઘરે ઓછું અને જંગલોમાં વધારે રહે છે. એવું નથી કે તેઓ પહેલેથી જ જંગલોમાં ફરતા હતા. તેમણે ટૂરિસ્ટ તરીકે દેશ-વિદેશની ઘણી જગ્યાઓ કવર કરી છે, પરંતુ તેમનું ખરું જીવવાનું શરૂ થયું આજથી સાત વર્ષ પહેલાં. તેમની ઉંમર હતી ૫૬ વર્ષની. અનાયાસ એક કઝિન સાથે આંટો મારવાના પર્પઝથી પેન્ચ નૅશનલ પાર્ક ગયા. એ જીવનની પહેલી ટ્રિપ, પછી તેઓ વાઇલ્ડ-લાઇફના એવા તે પ્રેમમાં પડ્યા છે કે બાકી તમામ પ્રકારના પ્રવાસો તેમણે બાજુ પર રાખી દીધા છે. વન્ય પશુપંખીઓ કેટલાં લવિંગ અને કૅરિંગ હોય છે એ વિશેના તેમના ફર્સ્ટ હૅન્ડ અનુભવો જાણીએ તેમની જ પાસેથી.
ADVERTISEMENT
ફરવાનો શોખીન
નાનપણથી જ ફરવાનો શોખ હતો, પણ ત્યારે તો મોટા ભાગે ટૂરિસ્ટ પ્લેસ પર જ ફૅમિલી સાથે જવાનું હોય. રશિકનભાઈ કહે છે, ‘વાઇલ્ડ-લાઇફ સૅન્ક્ચ્યુરી ખૂંદવાનું શરૂ કર્યું એ પહેલાં પણ હું આગરા, જયપુર, ફતેહપુર સિક્રી, કન્નુર, ગોવા જઈ આવેલો. વિદેશમાં પણ આઇસલૅન્ડ, આયરલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ સહિત યુરોપ, કૅનેડા, થાઇલૅન્ડ, હૉન્ગકૉન્ગ, સિંગાપોર, બાલી, મૉરિશ્યસ અમેરિકા ગયેલો. વાઇલ્ડ-લાઇફ માટે સાઉથ આફ્રિકા પણ જઈ આવ્યો છું. આટલું ફર્યા પછી પણ કહીશ કે ખરું ફરવાનું તો ૫૬ની ઉંમરમાં પહેલી વાર મધ્ય પ્રદેશના પેન્ચ વાઇલ્ડ-લાઇફ સૅન્ક્ચ્યુરીમાં ગયો ત્યારે જ શરૂ થયું. મારો કઝિન આગ્રહ કરીને લઈ ગયો હતો. જંગલોમાં શું ભટકવાનું, થાકી જવાય જેવા વિચારો સાથે હતા ત્યારે જંગલ અને જંગલી જીવને નજીકથી જોવાનો પહેલો અનુભવ મળ્યો. શું એ પણ પ્રકૃતિનું ગજબ રૂપ છે. શબ્દો નથી કહેવા માટે. બેસ્ટ બાબત શું હતી ખબર છે? મને ફોટોગ્રાફીનો ખૂબ શોખ અને હ્યુમન ઇમોશન્સને કૅપ્ચર કરવામાં થોડીક હથોટી પણ ખરી. પરંતુ વાઇલ્ડ-લાઇફમાં જ્યારે સક્રિય થયો ત્યારે સમજાયું કે ઇમોશન્સ અને એક્સપ્રેશનમાં તેઓ આપણા કરતાં ક્યાંય ચડિયાતા છે.’
અઢળક રોમાંચક અનુભવો
રશિકનભાઈ દીકરી અંકિતા સાવલા સાથે
અત્યાર સુધીમાં ભારતનાં ૭૦ ટકા વાઇલ્ડ-લાઇફ સૅન્ક્ચ્યુરીને ખૂંદી ચૂકેલા અને હવે બર્ડિંગની શોખીન દીકરી અંકિતા સાથે નાની-મોટી બર્ડિંગ ટ્રિપ કરવા ઊપડી જતા હોય છે. વાઇલ્ડ-લાઇફ ટૂરના પોતાના જીવનના યાદગાર અનુભવો શૅર કરતાં રશિકનભાઈ કહે છે, ‘હું કૉર્બેટમાં હતો. અમારી વૅન નૅશનલ પાર્કમાં આગળ વધી રહી હતી. ત્યાં હાથીઓનું એક ઝુંડ આવ્યું. એક હાથી અમારી ગાડી સામે એવી રીતે ઊભો રહી ગયો કે બીજા હાથીઓ ત્યાંથી પસાર થઈ શકે અને સામેની બાજુમાં રહેલા તળાવમાં બધાએ પાણી પીધું અને પાછા ત્યાંથી ફર્યા ત્યાં સુધી એ હાથી ત્યાં ઊભો રહ્યો. લગભગ વીસથી પચ્ચીસ મિનિટ પાછળ બધી જ ગાડીઓ ઊભી રહી, પણ પેલા હાથીઓ પોતાનું કામ પતાવે એની પૂરી ચોકસાઈ આ વચ્ચે ઊભેલા હાથીએ રાખી. જાણે કે હેડ ઑફ ધ ફૅમિલી હોય એમ એણે પોતાના પરિવારજનોને પૂરી મોકળાશ આપી. હાથીમાં પણ ફૅમિલી બૉન્ડિંગ આવું હોય જે જોઈને હું તાજ્જુબ હતો. એવો જ એક બનાવ રણથંભોરની જંગલ સફારી વખતે બનેલો. એક વાંદરી અને તેનું નાનકડું બચ્ચું છૂટાં પડી ગયાં. બચ્ચું રમતાં-રમતાં રોડને પેલે પાર જતું રહ્યું. એની મમ્મી એની પાસે જાય એ પહેલાં જ એક પછી એક ગાડીઓની અવરજવર ચાલુ થઈ ગઈ. અમારો ડ્રાઇવર થોડોક વધુ સંવેદનશીલ હતો. તેણે આ જોયું એટલે પોતાની ગાડી ઊભી રાખી દીધી, જેથી પેલી વાંદરીને રસ્તો ક્રૉસ કરવાનો અવસર મળે. થોડીક ક્ષણોમાં પેલી વાંદરી રસ્તો ક્રૉસ કરીને સામે છેડે ગઈ. દોડતું એનું બચ્ચું એની પાસે આવ્યું અને પેલી એને ચૂમવા માંડી. એની આંખો ભીની થયેલી દેખાતી હતી. એમ મૂંગા પશુમાં પણ માતૃત્વની કેવી પ્રબળ લાગણી હોઈ શકે એ જોઈને અમારા સૌની આંખો ભીની થઈ ગઈ હતી.’
સૌથી મોટી ભૂલ
અન્ય ટૂરિસ્ટ પ્લેસિસમાં ફરવું અને જંગલો ખૂંદવા એ બન્નેમાં ભેદ છે અને એ ભેદ લોકો નથી સમજતા જેનો ખેદ રશિકનભાઈને છે. તેઓ કહે છે, ‘તમે વનવગડામાં જંગલી પશુઓની ટેરિટરીમાં જતા હો ત્યારે એમની આઝાદી કે એમના રૂટીનને ડિસ્ટર્બ ન કરો એટલી જવાબદારી દાખવવી જોઈએ. લોકો ગાંડાની જેમ સેલ્ફી માટે અહીં-તહીં ભાગતા હોય છે. તમારી અને એ પશુઓની બન્નેની સુરક્ષાનું તમારે ધ્યાન રાખવાનું છે. તમારે સાઇલન્સ રાખવાની છે. જંગલમાં ઘોંઘાટ કરવા તમે નથી જઈ રહ્યા. ત્યાંની શાંતિ અને એ વચ્ચે પ્રકૃતિના અવાજને સાંભળો. બેશક, ત્યાં ગયા પછી ફોટો પાડવાનું મન હોય, પણ એની પણ એક પદ્ધતિ હોય.’
જંગલોના પ્રવાસે રશિકનભાઈને જીવન પ્રત્યે અને સંબંધો પ્રત્યે વધુ સહિષ્ણુ બનાવ્યા છે. તેઓ કહે છે, ‘હું જૈન ધર્મમાં જન્મ્યો છું અને નાનપણથી જ કર્મની થિયરીની સમજણ મળી છે. જ્યારે એ સમજણ સાથે તમે વન્ય સૃષ્ટિ જુઓ ત્યારે એમની હિંસામાં પણ કર્મનો ખેલ દેખાય અને જેનો શિકાર એમણે કર્યો છે એ શિકારની અવસ્થામાં પણ કર્મનાં દર્શન થાય. તમે જંગલી પ્રાણીઓના એક્સપ્રેશનને ધ્યાનથી જુઓ તો તમે અંદરથી હચમચી જાઓ. એ પોતાનાં બાળકો માટે, પોતાના પાર્ટનર માટે એટલાં જ પઝેસિવ અને પ્રોટેક્ટિવ હોય છે જેટલા આપણે હોઈએ છીએ.
ફોટોગ્રાફર બની ગયા!
આમ તો રશિકન સાવલા કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા છે, પરંતુ વાઇલ્ડ-લાઇફ સૅન્ક્ચ્યુરીના પ્રવાસ વધ્યા પછી તેમનો ફોટોગ્રાફીનો શોખ અને આવડત બન્ને વધ્યાં છે. હ્યુમન અને ઍનિમલ ઇમોશન અને એક્સપ્રેશનને કૅપ્ચર કરવાં તેમની ખૂબી છે. આવતા મહિને એકથી છ ડિસેમ્બર દરમ્યાન યોજાનારા એક આર્ટ એક્ઝિબિશનમાં તેમના દ્વારા લેવાયેલો એક યુનિક ફોટો સામેલ થવાનો છે.
રશિકન એટલે?
થોડુંક યુનિક નામ છે મારું એમ જણાવીને રશિકન સાવલા કહે છે, ‘અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડમાં જૉન રસ્કિન નામના એક વિદ્વાન લેખક થઈ ગયા. અઢળક વિષયો પર તેમણે લખ્યું છે. મારા પરિવારજનો તેમનાથી પ્રભાવિત હતા અને તેમના પરથી જ મારું નામ પાડ્યું છે. એ સિવાય એનો અર્થ શું થાય એ આજે પણ મને નથી ખબર.’