અનેક કલાકારોને P-3 વીઝા વિશે જાણ નથી હોતી. અનેકોના આયોજકો P-3 વીઝા મેળવવા માટે જે ખર્ચો કરવો પડે એ ટાળવા માટે તેમને P-3 વીઝાની જરૂર છે એવું જણાવતા નથી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અનેક ભારતીયો જેઓ અમેરિકામાં ટૂંક સમય માટે કોઈ ખાસ કાર્ય માટે જતા હોય છે તેઓ એ કાર્ય માટે જે પ્રકારના વીઝા ઉપલબ્ધ હોય છે એ ન મેળવતાં B-1/B-2 વીઝા પર અમેરિકામાં પ્રવેશે છે અને પછી જે કાર્ય અન્ય પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર કરવાનું હોય એ કરે છે. આમ જાણતાં કે અજાણતાં તેઓ કાયદાનો ભંગ કરે છે.
આ પ્રકારનું વર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા અમેરિકામાં જતા કલાકારોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવ્યું છે. કોઈ સારો ગાયક હોય યા વાદ્ય વગાડનાર હોય, સ્ટૅન્ડઅપ કૉમેડિયન હોય કે પછી નાટકમાં કામ કરતો ઍક્ટર હોય, તેમના માટે ખાસ પ્રકારના P-3 વીઝા ઘડવામાં આવ્યા છે. અનેક કલાકારોને P-3 વીઝા વિશે જાણ નથી હોતી. અનેકોના આયોજકો P-3 વીઝા મેળવવા માટે જે ખર્ચો કરવો પડે એ ટાળવા માટે તેમને P-3 વીઝાની જરૂર છે એવું જણાવતા નથી.
ADVERTISEMENT
જો તમે અમેરિકામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા જનાર હો, ત્યાં ભજવાતા નાટકમાં ઍક્ટિંગ કરવાના હો અને તમને એ માટેનું મહેનતાણું ભારતમાં જ રૂપિયામાં આપવામાં આવશે એવું કહેવામાં આવે તો પણ તમારે P-3 વીઝા મેળવવાની જરૂરિયાત રહે છે. એવા ઘણા આર્ટિસ્ટો છે જેમને આ P-3 વીઝાની જાણ નથી હોતી અને તેઓ B-1/B-2 વીઝા પર અમેરિકામાં પ્રવેશીને ત્યાં યોજાતા કાર્યક્રમોમાં ભાગ લે છે. તેમને એ વાતની ખબર નથી હોતી કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે, કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવા કલાકારો અનેક વાર સત્તાવાળાઓની નજરમાં આવે છે અને પછી તેમને અમેરિકામાં ક્યારે પણ, કોઈ પણ પ્રકારના વીઝા પર પ્રવેશવા ન દેવા એવો પ્રવેશનિષેધ લાગી જાય છે. ઘણા ત્યાર બાદ તેમણે કરેલું કાર્ય અજાણતાં કર્યું હતું એવું જણાવીને માફી માગે છે. વેવરની અરજી કરે છે. દરેકેદરેક કલાકારે તેમની પોતાની સલામતી ખાતર અમેરિકા જતાં પહેલાં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના સલાહકારને મળીને તેઓ જે પ્રકારના વીઝા પર અમેરિકામાં પ્રવેશવાના છે એ યોગ્ય છે કે નહીં એ જાણી લેવું જોઈએ. P-3 વીઝા માટે અમેરિકામાં સૌપ્રથમ પિટિશન દાખલ કરવાનું રહે છે. એને પ્રોસેસ થઈને અપ્રૂવ થતાં ખાસ્સો સમય લાગે છે, પણ જો વધારાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી આપવામાં આવે તો એ પિટિશનનો જવાબ પંદર દિવસમાં મળે છે. પિટિશન અપ્રૂવ થાય પછી તેમણે ભારતમાં આવેલી અમેરિકન કૉન્સ્યુલેટમાં અરજી કરીને, વીઝા ફી ભરીને, બાયોમેટ્રિક્સ કરાવીને ઇન્ટરવ્યુ આપવા જવાનું રહે છે. ઇન્ટરવ્યુમાં તેમણે તેમની લાયકાતો દર્શાવી આપવાની રહે છે. તેમનો ઇરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી એની ખાતરી કરાવી આપવાની રહે છે. ત્યાર બાદ તેમને P-3 વીઝા આપવામાં આવે છે.

