મુંબઈથી જસ્ટ બે કલાક દૂર કુદરતના ખોળે ગ્રામીણ જીવનની નિરાંતવી મોજ માણવી હોય અને ઑર્ગેનિક ખેતીને નજરે જોવી હોય : ગ્રામ્ય કલા, સંસ્કૃતિ અને પરંપરાગત પ્રવૃત્તિઓ એન્જૉય કરવી હોય તો ખાલાપુર પાસેનું વિલેજ રિસૉર્ટ તમને જરૂર ગમશે
મસ્ટ વિઝિટ
વન્ડરફુલ વિલેજ
ફિર વહી રફતાર સાથેના ધમધમતા મુંબઈમાં નિરાંતની પળો ક્યાં શોધવી? વીકએન્ડ બ્રેક જોઈતો હતો, પણ રેગ્યુલર રિસૉર્ટમાં રાત ગાળવાને બદલે કોઈ એવી જગ્યાએ જવાની ઇચ્છા હતી જ્યાં... ખુલ્લું ખેતર અડખે-પડખે, માથે નીલું આભ; વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ?
અમે મહિલા મિત્રમંડળીએ મુંબઈની ભીડ છોડીને કુદરતને માણવાની ઇચ્છા સાથે મૉન્ટેરિયા વિલેજ જવાનું નક્કી કર્યું. મુંબઈથી બે કલાક દૂર આવેલું મૉન્ટેરિયા સ્પેશ્યલી વિસ્તારવામાં આવેલું એક વિલેજ સ્ટાઇલ રિસૉર્ટ છે. મુંબઈ અને પુણેથી માત્ર બે કલાકની સરળ ડ્રાઇવ કરીને તમે રાયગઢ જિલ્લામાં આવેલા ખાલાપુરના આ વિલેજમાં પહોંચી શકો છો. ટ્રેનમાં કર્જત સ્ટેશન પહોંચીને શૅર-એ-વેહિકલમાં પણ જઈ શકાય છે.
ADVERTISEMENT
ગ્રામીણ જીવનનો દરવાજો
એન્ટ્રી ગેટનાં મસમોટાં કમાડ ખૂલતાંની સાથે તમે ગ્રામીણ જીવનને આલિંગન આપતા હો એવો અનુભવ થાય છે. બુકિંગની ફૉર્માલિટીઓ પતી કે એક ગોલ્ફ કાર્ટ અમને સામાન સહિત અમારા ટેન્ટ સુધી મૂકી ગયું. એક મોટા મેદાનમાં વર્તુળાકારમાં આશરે પચ્ચીસ જેટલા ટેન્ટ ઊભા કરેલા હતા. ટેન્ટ સ્પેશિયસ તો ન કહી શકાય, પણ એક્સ્ટ્રા ગાદલા સહિત ડબલ બેડ, નાનકડું સાઇડ ટેબલ અને ટેબલફૅન સાથે એ સુસજ્જ હતો. સૌથી પહેલાં પેટપૂજા કરવા અમે અહીંની રેસ્ટોરાંમાં પહોંચી ગયાં. ‘સબરસ’ રેસ્ટોરાંમાં પોષક ઘરેલુ સ્વાદિષ્ટ ભોજન પીરસાય છે. અહીંના ફાર્મમાંથી મેળવેલી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવેલા મેનુમાં શાક, રોટલી, દાળ, કઢી-ભાત, ફરસાણ-મિષ્ટાન્નનો સમાવેશ હતો. ટેન્ટની લગોલગ જૂની ભુલાઈ ગયેલી લગોરી, સાંકળી, લખોટી, ટાયર કે ભમરડો ફેરવવા જેવી રમતો રમવા માટે એક મોકળું મેદાન છે.
ગામડું કેવું હોય?
ધૂળ, ઢેફાં ને પાણા હોય, ભીંતે-ભીંતે છાણાં હોયગાય, ગોબર ને ગારો હોય અને આંગણ તુલસીક્યારો હોય.
આ જ રસ્તે આગળ વધો એટલે ગામનું મેઇન માર્કેટ સ્ટાર્ટ થાય છે. ક્રીએટિવિટી તમારો ફેવરિટ સબ્જેક્ટ હોય તો ગામડાની પ્રવૃત્તિઓમાં તરબોળ કરી દેતા અહીંના કલાના અનુભવો માણવાની મજા પડશે. માર્કેટમાં બેઠા ઘાટની નાનકડી ડેલીઓમાં કુંભાર, લુહાર, સુથાર, વાંસ અને ખાટના વણકરો જેવા કુશળ કારીગરોની મદદથી તમે જુદી-જુદી વસ્તુઓ બનાવી શકો છો. કુંભારના ચાકડે અમે નાનકડી માટલી, કુંજો જેવાં માટીનાં વાસણ બનાવવાની કોશિશ કરી. વાઉ, ભીની માટીને ગૂંદવાની અને એના પિંડમાંથી આકાર સર્જવાનો આનંદ અદ્ભુત રહ્યો. આવનારા ગેસ્ટ અહીં થોડો સમય વિતાવી કોઈ પણ કલા પર હાથ અજમાવી શકે છે. અહીંની કલાકારીગરીનો નમૂનો વેચાતો ખરીદીને પણ લઈ જઈ શકાય છે. માર્કેટમાં દવાખાનું, મોચી, દરજી જેવી જીવનજરૂરિયાતની બીજી ડેલીઓ સહિત અન્ય પ્રવૃત્તિઓમાં વાળંદ પાસે વાળ કપાવવા, માલિશ કરનારાઓ પાસે ચંપી, મહિલા સરકારી વિક્રેતાઓ પાસેથી પાપડ, અથાણાં જેવી સ્વાદિષ્ટ બનાવટો ખરીદી શકાય છે. ગાવઠી વસ્ત્રો પહેરીને અહીંની યાદગીરીને કચકડામાં કેદ કરી લેવા માટે એક ફોટો-સ્ટુડિયો પણ છે.
મૂળિયાં સાથે જોડાવાની મજા
હાઇડ્રોપોનિક પ્રૅક્ટિસના આધુનિક અનુકૂલનથી લઈને ખુલ્લી ખેતીની વર્ષો જૂની તકનીક અહીં છે. બાયોગૅસ, વર્મિકમ્પોસ્ટ, ગોબર સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, ગોધન અર્ક અને ફ્લોરિકલ્ચર ગ્રીનહાઉસનો ઉપયોગ કરી ગામડાની પરંપરાગત તકનીકો અમલમાં મૂકવામાં આવી છે. અહીં આવેલા ગેસ્ટ ધનવંતરિ ગાર્ડનમાં સર્વગ્રાહી ખેતી અભ્યાસક્રમ માટે નોંધણી કરાવી શકે છે. અહીં ટ્રેનનું એક મોટું ખોખું છે જેની અંદર વૉક લઈને તમે બહારની ખેતીનો નજારો નિહાળી શકો છો. ઉગાડેલો તાજો ભીંડો કે અન્ય શાકભાજીની ખરીદી પણ તમે કરી શકો. ગૌશાળા, નર્સરી, પાણીની ટાંકી, ગ્રામપંચાયતનાં ખોરડાં, ગાર, છાણ-માટીનું આભલાં મઢેલું રસોડું, દેરું જેવી ગ્રામીણ જીવનની રહેણીકરણી નાનકડા કબીલાનો અહેસાસ કરાવે છે અને આપણાં મૂળિયાં સાથે ફરી એક વાર જોડાવાની અપીલ કરે છે.
મેળો અને બાળપણની યાદ
યાદ છે? આપણે નાના હતા ત્યારે મેળામાં રાઇફલ શૂટિંગ, બલૂન શૂટ, બૉલથી ગ્લાસનું પિરામિડ તોડવું, ફન મિરરમાં આપણું જ વિચિત્ર પ્રતિબિંબ જોવાનો આનંદ લૂંટતા. નાનું બાળક તેની નાનકડી હથેળીમાં લખોટીઓ સંતાડવા મથે, પણ એ છુટ્ટી વેરાઈ જાય એવી જ ફીલિંગ આનંદમેળાની ગેમ્સ જોઈને થઈ. જૂની યાદો તાજી થઈને ધસમસતી આવી પહોંચી. એ સિવાય અહીંની મોકળાશમાં વૉકિંગ ટ્રૅક, લક્ષ્મણઝૂલા, હેમોક (મૅક્રેમેના ઝૂલા), ટાયર અને લાકડાના પાટિયાના દોરી બાંધેલા હીંચકાઓ, છકડાની મોજ, બોટિંગ, વૉટરફૉલ પણ છે જે તમને ટૂંક સમયની મોજ કરાવે છે.
નક્ષત્ર ગાર્ડન
નક્ષત્ર ગાર્ડનમાં રાશિઓનું વર્ણન સ-રસ આલેખાયેલું છે. રાશિચક્રમાં જેનો સમાવેશ છે એ બાર રાશિના સિમ્બૉલિક સાઇનના બારીક કોતરણી અને નકશીકામ કરેલા પથ્થરો ધ્યાન ખેંચે એવા છે. જોકે, જેટલી બારીકાઈથી શિલ્પો તૈયાર થયાં છે એટલી સફાઈથી આ ગાર્ડન મેઇનટેઇન નથી કરવામાં આવ્યું. ગાર્ડન સિવાય પણ અહીં ઠેકઠેકાણે કોતરકામ કરેલાં અનેક શિલ્પ જોવા મળે છે, જેનું બારીકાઈભર્યું કામ કાબિલેદાદ છે.
છોટી-છોટી ભૂખ કે લિએ...
અહીંના તમારા ફુલ ડે પૅકેજમાં નાસ્તો, લન્ચ, હાઇ-ટી સાથે અમુક ચાર્જેબલ પ્રવૃત્તિઓ છોડીને મૉન્ટેરિયા વિલેજનો સંપૂર્ણ અનુભવ સામેલ છે. તેમ છતાં પાણીપૂરી, મસાલેદાર ચણા જોર ગરમ, ચાટ, બરફના ગોળા, મટકા દહીં જેવા સ્થાનિક સ્ટૉલ્સ તમારી છોટી ભૂખ મિટાવે છે. તરસ છિપાવવા અહીં મટકા કોલા આઇ મીન મટકાનું ઠંડુ, મીઠું પાણી ઠેર-ઠેર છે. એ સિવાય નારિયેળ પાણી, કોકમ શરબત, લીંબુ-ગોટી સોડા, છાશ, ચા, કૉફી જેવા વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
વન-ડે સ્ટે ડેસ્ટિનેશન
ગોવિંદભાઈ વાઘાણીના આ પ્રોજેક્ટમાં અમને તેમના ભત્રીજા જય અને વિજય મળ્યા. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં જય કહે છે, ‘મૉન્ટેરિયા ૩૬ એકરમાં પથરાયેલું ઇકો-સિસ્ટમ પર આકાર પામેલું છે. અહીં દરેક વયજૂથના લોકોને એન્ટરટેઇનમેન્ટ મળે છે. ઍમ્ફી થિયેટરમાં જાદુ, લોકકલાનું પ્રદર્શન ઉપરાંત રેઇન ડાન્સ, સ્વિમિંગ પૂલ, લાઇવ ડીજેની પણ મજા છે.’ અહીં ફરવા માટે લાંબું અંતર ચાલી ન શકતા લોકો માટે છકડા તેમ જ ઇલેક્ટ્રિક ગાડીની સુવિધા છે. આ સવારીનો સામૂહિક ઉત્સાહ મેળવવા માટે તમારે અલગથી ચાર્જ આપવા પડે છે. અહીંની હાર્નેસ સ્વિંગ, બોટિંગ, આનંદમેળાની ગેમ્સ જેવી અમુક ઍક્ટિવિટીના ચાર્જિસ પણ અલગ છે.
અહીં તમે ખોવાઈ જાવ એવી કોઈ ભુલભુલૈયા નથી. છતાં અહીંનો વૉકીટૉકી લઈને સતત ફરતો રહેતો સ્ટાફ અત્યંત ફ્રેન્ડલી અને હેલ્પફુલ હતો. અહીંનો મોટા ભાગનો સ્ટાફ નજીકના કલોતે ગામનો છે. અમે અહીં ટેન્ટમાં રાત ગાળી. દરેક ટેન્ટની બહાર લોખંડી થાંભલા પર લટકતું ફાનસ તમારા માર્ગને અજવાળતું હતું. જોકે, ટેન્ટની સાવ નજીવા અંતરે છતાં બહાર આવેલાં કૉમન ટૉઇલેટ્સ ચોખ્ખાં અને ભલે અસ્સલ ગામડે રહેવાનો અનુભવ કરાવતાં હોય, છતાં શહેરી લોકો માટે કદાચ એ થોડાં અગવડભરેલાં લાગી શકે. વિજય કહે છે, ‘લોકોના ફીડબૅકને ધ્યાનમાં લઈને અહીં એસી તેમ જ નૉન-એસી કૉટેજીસ તૈયાર થયાં છે જે ટૂંક સમયમાં મહેમાનો માટે ખુલ્લાં મુકાવાનાં છે. આ વિલેજ રિસૉર્ટમાં કૉર્પોરેટ કંપનીની કૉન્ફરન્સ, ઑફસાઇટ પર્યટન, ટીમ-બિલ્ડિંગ ઇવેન્ટ્સ માટે કસ્ટમાઇઝેશન અને શેડ્યુલની સરળતા સાથે પણ અમે પ્રોવાઇડ કરીએ છીએ. પ્રકૃતિની નજીક ડેસ્ટિનેશન વેડિંગની ઇચ્છા હોય તો ૧૫૦૦ લોકોને
સમાવી શકે એવી વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ છે.’
ગામડાની જૂની ક્ષણોને ફરી જીવી શકાય `
આ વર્ષના જાન્યુઆરી મહિનાથી મૉન્ટેરિયા વિલેજ રિસૉર્ટના દરવાજા લોકો માટે ખુલ્લા થયા છે. ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપતા આ પરિસરમાં તમે ગામડાનો હિસ્સો બની જાવ છો. રેસ્ટોરાં કિચનમાં દેશી જમણનો અનુભવ મળે છે. જૂના કલા-કૌશલ્યને પ્રોત્સાહન આપતી અહીંની વિવિધ પ્રવૃત્તિઓ ગામડાના પરિસરમાં સહજતા ઉમેરે છે. મૉન્ટેરિયા વિલેજ રિસૉર્ટ ઉપરાંત ખાલાપુર વિસ્તારની આજુબાજુ કર્નાલા ફોર્ટ, કર્નાલા બર્ડ સૅન્ક્ચ્યુરી, અષ્ટવિનાયક ટેમ્પલમાંનું એક બલ્લારેશ્વર પાલી ટેમ્પલ, કલાવંતી દુર્ગ ટ્રૅકિંગ અને આર્કિટેક્ચર હેરિટેજ, અદાઈ વૉટરફૉલ જેવાં આકર્ષણ છે.