આજે આપણે એવા પરિવારોને મળીએ જેમણે વર્ષોથી બેસતા વર્ષે પ્રભુનાં દર્શન કરી નવી શરૂઆત કરવાનો નિયમ જાળવી રાખ્યો છે
દિવાળી સ્પેશ્યલ
મહેતા ફૅમિલી
દિવાળીના મિની વેકેશનમાં હિલ-સ્ટેશન જઈને જલસો કરવાના ટ્રેન્ડને સાઇડ ટ્રૅક કરી પર્વના ઉત્સાહ સાથે આખા વર્ષની ઊર્જાને તન-મનમાં ભરી લેવાં અને નવી જનરેશનમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય એવા હેતુથી અનેક પરિવારો દીપાવલિની રજામાં જાત્રાએ જવાનું પસંદ કરે છે. આજે આપણે એવા પરિવારોને મળીએ જેમણે વર્ષોથી બેસતા વર્ષે પ્રભુનાં દર્શન કરી નવી શરૂઆત કરવાનો નિયમ જાળવી રાખ્યો છે
ભારતીય પરંપરાગત તહેવારોમાં દિવાળીનું માહાત્મ્ય સૌથી વધુ છે. અગાઉ વિવિધ પકવાનોની સોડમ, ઘર-ઘર દીવાનો પ્રકાશ, આંગણામાં રંગોળી, ફટાકડાનો અવાજ અને મહેમાનોની અવરજવરથી ઉત્સવનો માહોલ બનતો. ધીમે-ધીમે ઉજવણીની પદ્ધતિ બદલાતી ગઈ. છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરની ભીડભાડથી દૂર જઈને પ્રકાશના પર્વની ઉજવણી કરવાનો ટ્રેન્ડ ખાસ્સો ફૂલ્યોફાલ્યો છે. દિવાળીના મિની વેકેશનમાં હિલ-સ્ટેશનોએ સહેલાણીઓ ઊમટી પડે છે. હવે તો તીર્થસ્થાનોમાં પણ ભક્તોનાં ઘોડાપૂર જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈ દિવાળીએ એકલા પાવાગઢમાં દોઢ લાખ ભક્તોએ શક્તિપીઠનાં દર્શનનો લાભ લીધો હતો. ડાકોર, શામળાજી, પાલિતાણા, સોમનાથ, નાથદ્વારા વગેરે તીર્થમાં આસ્થા અને ઉમંગનો મેળો જામે છે. એકાદશીથી લાભપાંચમ સુધી દેવાલયોમાં હૈયેહૈયું દળાય એવી ભીડમાં પણ હર કોઈના ચહેરા પર અનેરો આનંદ જોઈ શકાય છે. નવા વર્ષની શરૂઆત ઇષ્ટદેવના આશીર્વાદથી થવી જોઈએ એવી શ્રદ્ધા દૃઢ બની છે ત્યારે મળીએ મુંબઈના એવા પરિવારોને જેમણે વર્ષોથી દિવાળીએ જાત્રા કરવાની પરંપરા જાળવી રાખી છે.
ADVERTISEMENT
બાર મહિનાની એનર્જી
વર્ષોથી ગુજરાતના અગાસસ્થિત શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં દિવાળીની ઉજવણીના નિયમનું પાલન કરનારા ઘાટકોપરનાં પૂનમ કતીરા કહે છે, ‘અગાસની દિવાળી એટલે મારા માટે આખા વર્ષની ઊર્જા ભરી લેવાના દિવસો. દિવાળીમાં કોઈના ઘરે નહીં જવાનું. ફક્ત જાત્રા કરવાની અને ભક્તિમાં લીન રહેવાનું. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને નવું વર્ષ આ ચાર દિવસની ભગવાનની માળાઓનો લાભ લેવા લગભગ ૪૦ વર્ષથી ધનતેરસથી લઈને જ્ઞાનપાંચમ (લાભપાંચમ) સુધી આશ્રમમાં વિતાવું છું. વહેલી સવારે ચાર વાગ્યે ભગવાનનો ઘંટ વાગે, પૂજા અને માળા થતી હોય ત્યારે મનને ખૂબ શાંતિ મળે. મુંબઈમાં આપણે જેને લાભપાંચમ કહીએ છીએ એને અહીં જ્ઞાનપાંચમ કહે છે. આ દિવસે ભક્તો પોતાના ઘરેથી લાવેલાં ધાર્મિક પુસ્તકોને મંદિરમાં ગોઠવીને મૂકે અને એની પૂજા થાય. શ્રીમદ્ રાજચંદ્રને મારાં સાસુ ખૂબ માનતાં. તેમની પ્રેરણાથી હું પણ જાત્રા કરવા લાગી. અત્યાર સુધીમાં માત્ર બે દિવાળી મુંબઈમાં ઊજવી છે. એ પણ ફરજિયાતપણે અહીં રહેવું પડ્યું. મને છ દીકરીઓ છે. એમાંથી એક દીકરી નવરાત્રિમાં જન્મી છે. એનો જન્મ થયો એ વર્ષે અને ત્યાર બાદ ઘણાં વર્ષે કોવિડમાં જઈ નહોતી શકી. શરૂઆતમાં બધી દીકરીઓને લઈને જતી. જેમ-જેમ તેઓ પરણીને સાસરે ગઈ પોતાની અનુકૂળતા પ્રમાણે ફૅમિલીને લઈને આવવા લાગી. સૌથી નાની દીકરીને પરણાવવાની બાકી હોવાથી કન્ટિન્યુ આવી શકે છે. આપણે એવું માનીએ છીએ કે આજની જનરેશનને પિકનિક સ્પૉટમાં જલસો કરવો ગમે છે, પરંતુ મારો અનુભવ જુદો છે. શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં આવતા અંદાજે ચાળીસ હજાર શ્રદ્ધાળુઓમાં યુવાનોની સંખ્યા વધુ હોય છે. રબારીઓની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં આવેલા આશ્રમની આજુબાજુ કંઈ મળતું નથી એમ છતાં અહીંનું વાતાવરણ યુવાપેઢીને આકર્ષે છે. આશ્રમમાં આવીને પાંચ વર્ષનું બાળક પણ ભાવથી માળા કરે એવું સુંદર સ્થાન છે. સારા વિચારો, સારો સત્સંગ અને સારા લોકો વચ્ચે રહીને દિવાળીની ઉજવણી કરનારને મુંબઈની દિવાળી ન ગમે.’
અગાસની દિવાળી એટલે મારા માટે આખા વર્ષની ઊર્જા ભરી લેવાના દિવસો. દિવાળીમાં કોઈના ઘરે નહીં જવાનું. ફક્ત જાત્રા કરવાની અને ભક્તિમાં લીન રહેવાનું. સારા વિચારો, સારો સત્સંગ અને સારા લોકો વચ્ચે રહીને નવા વર્ષની શરૂઆત કરનારને મુંબઈની દિવાળી ન ગમે. પૂનમ કતીરા
દિવાળી તો નાથદ્વારાની જ
કતીરા ફૅમિલી
મુંબઈમાં દિવાળી જેવું લાગતું જ નથી. ઘરે બેઠાં-બેઠાં પણ જાણે થાકી ગયા હોઈએ એવો સુસ્ત માહોલ હોય. જ્યારે નાથદ્વારામાં સવારે પાંચ વાગ્યે મંગળાની ઝાંખી કરવા દોટ મૂકીએ ત્યાં શરીરમાં જોમ આવી જાય. નાથદ્વારા જેવી દિવાળી ક્યાંય જોવા નહીં મળે એવી વાત કરતાં ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ ધરાવતા અંધેરીના જયંત મહેતા કહે છે, ‘એક દાયકાથી અમે હસબન્ડ-વાઇફ કાળી ચૌદશથી ભાઈબીજ સુધી નાથદ્વારામાં રહીએ. કોઈક વર્ષે દીકરી-જમાઈ તો ક્યારેક દીકરો-વહુ પણ જોડાય. જાત્રાનાં સ્થળોએ આપણને ઉત્સવ જેવું લાગે છે. ઈષ્ટદેવના શરણમાં નવા વર્ષની શરૂઆત થાય એનાથી રૂડું શું જોઈએ? શ્રીજીબાવાનાં અલૌકિક દર્શન કરીને આનંદ-આનંદ થઈ જાય. અન્નકોટનાં દર્શનની વાત જ નિરાળી છે. ગૌશાળામાં જવાની અલગ જ મજા છે. ઘણા લોકોની માન્યતા છે કે દિવાળીના વેકેશનમાં ખૂબ ભીડ હોય એટલે જાત્રા કરવા ન જવું. વાસ્તવમાં લાઇનમાં ઊભાં રહીને વ્યવસ્થિત દર્શન થાય છે. ખાણી-પીણી અને રહેવાની સારી સુવિધા હોવાથી હવે દરેક પેઢીને જાત્રાનાં સ્થળો ગમવા લાગ્યાં છે. એનાથી નવી પેઢીમાં આપણી ધાર્મિક પરંપરાઓ પ્રત્યે આસ્થા જાગે છે. નાથદ્વારા વૈષ્ણવોનું એવું ધામ છે જ્યાં સગાં-સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંગમ થઈ જાય. ઘણી વાર એવું થયું છે કે મુંબઈમાં રહેતાં હોવા છતાં એકબીજાને મળવાનું નથી થતું, પરંતુ નાથદ્વારામાં ભેટો થઈ જાય. એક અંદાજ મુજબ અમારી જ્ઞાતિના લગભગ ૩૫૦ લોકો દર વર્ષે શ્રીજીબાવાનાં દર્શન કરવા આવે છે. નાનકડું ગામ અને મંદિરમાં જવાનો મારગ એક હોવાથી નવા વર્ષના જય શ્રીકૃષ્ણ કરવા એકબીજાના ઘરે જવાની જરૂર નથી રહેતી. કપોળ જ્ઞાતિના પરિવારોનો ધસારો જોઈ થોડાં વર્ષથી નાથદ્વારામાં સ્નેહસંમેલનનું આયોજન કરીએ છીએ. મુંબઈથી ઊપડીએ એ પહેલાં જ માઉથ ટૂ માઉથ પબ્લિસિટીથી બધાને ખબર પડી જાય કે બેસતા વર્ષે અન્નકોટનાં દર્શન કરી બધાએ ફલાણી જગ્યાએ ભેગા થવાનું છે. બેસતા વર્ષના ગેટ-ટુગેધરનો પ્રોગ્રામ થઈ જાય પછી ભાઈબીજના મુંબઈ તરફ રવાના થઈએ.’
નવું વર્ષ નવા ધામમાં
ગાંધી ફૅમિલી
બાથરૂમ ઍક્સેસરીઝ અને મિરર ફ્રેમ મૅન્યુફૅક્ચરિંગનો વ્યવસાય ધરાવતા મલાડના ગાંધી પરિવારના ૧૩ સભ્યો દર દિવાળીએ જુદાં-જુદાં સ્થળે જાત્રા કરવા ઊપડી જાય છે. ગઈ દિવાળી જૂનાગઢમાં ઊજવી હતી અને આ વખતે તેઓ બેટ-દ્વારકા, રાજકોટ, જામનગર, નાગેશ્વરના પટ્ટામાં આવેલાં જૈનમંદિરોમાં દર્શનનો લાભ લેશે. ૨૫ વર્ષથી આ સિલસિલો ચાલે છે એવી માહિતી આપતાં સૌથી મોટા દીકરા પરેશભાઈ કહે છે, ‘દિવાળી દરમ્યાન જાત્રા કરવાનાં કારણો છે. સૌથી પહેલાં તો ત્રણ ભાઈઓનું સંયુક્ત કુટુંબ અને ફૅમિલી બિઝનેસ હોવાથી એકસાથે બહારગામ જવાની તક ઓછી મળે છે. બાળકોનાં શેડ્યુલ પણ જોવાં પડે. દિવાળી એકમાત્ર એવો તહેવાર છે જ્યારે અમારી ફૅક્ટરી બંધ હોય અને નાના-મોટા દરેક સભ્યને રજા હોય. પરિવારને એકતાંતણે બાંધી રાખે એવા સુંદર દિવસોની ઉજવણી પ્રભુનાં દર્શન સાથે અને સાધુ-સંતોનાં ચરણોમાં થાય એવો નિયમ વર્ષોથી જાળવી રાખ્યો છે. અમે એક જ વાત માનીએ છીએ, જીવતેજીવત સાથે કરેલી જાત્રા સાચી, બાકી બધું મિથ્યા છે. જાત્રાએ જવાનું ફિક્સ, ધામ નવું. દિવાળીજાત્રામાં આટલાં વર્ષોમાં ભારતનાં એંસી ટકા જૈનમંદિરોમાં દર્શન કર્યાં છે. બેસતા વર્ષનું માંગલિક સાંભળવાનું જ. ગૌતમસ્વામીનો દેરો કરવાનો જ. આ વખતે દ્વારકાની આસપાસનાં ૩૫૦ કિ.મી.ના અંતરમાં આવેલાં દેરાસરોમાં જઈશું. સાથે દ્વારકાધીશ અને સાળંગપુરના હનુમાનજીના આશીર્વાદ પણ લઈશું. જૈન દેરાસરો ઉપરાંત મારગમાં આવતાં અન્ય હિન્દુ ધાર્મિક સ્થળો તેમ જ સિટી ટૂર પણ અમારી જાત્રાનો હિસ્સો હોય છે. આજે જાત્રાનાં સ્થળોએ થ્રી-સ્ટાર હોટેલ્સને ટક્કર મારે એવી ધર્મશાળાઓ બની ગઈ છે. જાત્રાની સાથે બીજાં સ્થળો કવર કરવાથી નવી પેઢીના જ્ઞાનમાં વધારો થાય છે અને તેઓ આપણી સંસ્કૃતિની વધુ નજીક આવે છે.’