આ દેશ પર, આ પ્રદેશ પર કુદરત મહેરબાન છે. છૂટથી વરસી પડી છે મા પ્રકૃતિ અહીં. પળેપળ બદલાતું રહેતું મા પ્રકૃતિનું સ્વરૂપ આપણને સમયની, પળોની ક્ષણભંગુરતા સમજાવે છે. ઑકલૅન્ડમાં ઍડ્રિનાલિન રશ થાય એવી ઍક્ટિવિટીઝ કરવાનો જે રોમાંચ છે એ જરાય ચૂકવા જેવો નથી
શ્રી કુદરત શરણમ્ મમ
ઑકલૅન્ડ બ્રિજ બન્જી - ૧૫૦ ફુટ ઉપરથી દરિયાઈ છલાંગ.
ઑકલૅન્ડમાં અમારી હોટેલ હતી શહેરના મુખ્ય ભાગમાં આવેલી નોવોટેલ ઑકલૅન્ડ એલરસ્લી. સુંદરમજાની આ હોટેલ નોવોટેલ હોટેલ્સની આંતરરાષ્ટ્રીય શૃંખલાનો એક ભાગ છે અને આ હોટેલનું સૌથી સુંદર પાસું છે એનું લોકેશન. બધાં જ મુખ્ય આકર્ષણો એકદમ જ નજીકમાં આવેલાં હતાં. ઑકલૅન્ડ એટલે જેમ ભારત માટે મુંબઈ એમ ન્યુ ઝીલૅન્ડ માટે ઑકલૅન્ડ. વેલિંગ્ટન ભલે રાજધાની, પરંતુ મુખ્ય શહેર તો ઑકલૅન્ડ જ. એકદમ પ્રવૃત્ત અને વિકસિત. ઘણા ભારતીયો અને એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતીઓનું વસવા માટેનું પ્રિય સ્થળ એટલે ઑકલૅન્ડ. તાજેતરના આંકડાઓ મુજબ ભારતીયોમાં ગુજરાતીઓએ પંજાબીઓને ન્યુ ઝીલૅન્ડમાં બીજા સ્થાને ખસેડી નાખ્યા છે. જય જય ગરવી ગુજરાત. આમ છતાં ન્યુ ઝીલૅન્ડના આ મુખ્ય શહેરની વસ્તી કેટલી છે ખબર છે? ૧૭ લાખ. જી હા, ફક્ત ૧૭ લાખ! આ શહેરનું કુલ ક્ષેત્રફળ છે ૬૩૭ સ્ક્વેર કિલોમીટર. એક સરખામણી કરીએ. ક્ષેત્રફળની દૃષ્ટિએ આપણા શહેર મુંબઈનું ક્ષેત્રફળ છે ૬૦૩ સ્ક્વેર કિલોમીટર અને ઑકલૅન્ડનું છે ૬૩૭ સ્ક્વેર કિલોમીટર. લગભગ સરખું થયું અને વસ્તી ઑકલૅન્ડની ૧૭ લાખ અને મુંબઈની એક કરોડ ૧૭ લાખ! કદાચ એથીયે વધુ. આમાં શું માંડીએ? કોઈ વિસાત જ નથી. જાવા દ્યો.