ક્યારેક પહેલી જ વાર ગયા હોઈએ એ સ્થળ આપણને તદ્દન પરિચિત લાગે, જાણે આપણે અગાઉ ત્યાં આવી ગયા હોઈએ એવી લાગણી થાય છે.
પ્રતીકાત્મક તસવીર
કેટલીક પરિસ્થિતિઓ, ઘટનાઓ, સ્થળો ને પાત્રો સાથે કોઈ ગજબની આહ્લાદક છતાં અકળ અનુભૂતિ ગૂંથાઈ જતી હોય છે. ક્યારેક પહેલી જ વાર ગયા હોઈએ એ સ્થળ આપણને તદ્દન પરિચિત લાગે, જાણે આપણે અગાઉ ત્યાં આવી ગયા હોઈએ એવી લાગણી થાય છે.
આજથી વીસેક વર્ષ પહેલાં અમે કેટલાક મિત્રો અનોખા પ્રકૃતિપ્રેમી હિમાંશુ પ્રેમ જોડે મનાલીના પ્રવાસે ગયા હતા. સાહિત્ય, સંગીત, કલા જેવાં ક્ષેત્રો સાથે સંકળાયેલા સર્જનાત્મક પ્રકૃતિના બધા મિત્રો માટે મનાલીનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે દેવિકારાણીનું નિવાસસ્થાન.
ADVERTISEMENT
એક ઢળતી બપોરે અમે દેવિકારાણીના એ આવાસની મુલાકાત લીધી. ત્યાં મેં એક ગજબની લાગણી અનુભવી. મને લાગ્યું કે હું આ ઘરમાં પહેલાં આવી ગઈ છું. એ તદ્દન અશક્ય હતું કેમ કે એ મારી મનાલીની પહેલી જ મુલાકાત હતી.
એ શાંત, સુઘડ ઘરમાં દાખલ થઈ તો એ વાતાવરણ ચિરપરિચિત લાગ્યું. એ કલાત્મક ઘરની દીવાલો, ફરસ, ફર્નિચર, ચિત્રો ને પુસ્તકોનો ખજાનો - એ બધાં જ દેવિકારાણી અને તેમના ફ્રેન્ચ સર્જક પતિના રોમૅન્ટિક સખ્યના મૂક સાક્ષીઓ જાણે મારી સાથે કંઈકેટલીયે વાતો કરવા ઉત્સુક હતા. ગજબનો નોસ્ટૅલ્જિક હતો એ માહોલ. અગમ્યપણે જાણે મને પોતાના તરફ ખેંચી રહ્યો હતો. ગ્રુપનો ગાઇડ અને બીજા મિત્રો બાકીનાં સ્થળો પર પહોંચવા ઉતાવળા થતા હતા પણ મારું મન ત્યાં રોકાઈ જવા તીવ્ર તલસાટ અનુભવી રહ્યું હતું. શું હતું એ માહોલમાં? નામ પાડીને અલગ તારવી શકતી નહોતી પણ એ સમગ્ર સાંજ એક અવર્ણનીય સમય-સ્થળનો ગુલદસ્તો બની સચવાઈ રહી છે મારી સ્મૃતિમાં.
lll
વર્ષો પછી હમણાં લાભચંદ મેઘાણી (મારા મોટા બાપુજી) વિશે એક લેખ તૈયાર કરવા માટે હું સંદર્ભસામગ્રી ફંફોસતી હતી અને માહિતી એકઠી કરતી હતી. લાભચંદ મેઘાણી કલાકાર હતા. ચિત્રો કરતા, સિનેમાનાં પોસ્ટરો ચીતરતા અને સિનેમામાં અભિનય કરવાના પણ કોડ હતા. પોતાની કલાના કસબના જોરે તેમણે હિમાંશુ રૉય અને દેવિકારાણીના બૉમ્બે ટૉકીઝમાં કામ મેળવેલું. અને આગળ જતાં તેઓ બૉમ્બૅ ટૉકીઝમાં આર્ટ-ડિરેક્ટરના હોદ્દે પહોંચ્યા હતા. હિમાંશુ રૉયના અવસાન બાદ દેવિકારાણીના શિરે બૉમ્બે ટૉકીઝની જવાબદારી આવી પડી ત્યારે લાભચંદ મેઘાણી તેમના ખાસ વિશ્વાસુ સ્ટાફ બની રહ્યા હતા. મુંબઈ છોડ્યા બાદ પણ દેવિકારાણી તેમના સંપર્કમાં રહ્યાં હતાં. આ બધું જાણ્યું ત્યારે મનાલીના દેવિકારાણીના ઘરમાં અનુભવેલી પેલી અકળ લાગણીનો તાળો મળી ગયો. -તરુ મેઘાણી કજારિયા

