૧૩૦ વર્ષના ઇતિહાસમાં અનેક સંઘર્ષો, રાજવી પરિવારોની ચડતી-પડતી, કાવાદાવા અને અનેક કાળખંડોનો જે સાક્ષી રહ્યો છે એવા હૈદરાબાદના ફલકનુમા પૅલેસના નિર્માણની ભવ્યતમ વાતોથી હેરિટેજની એક નવી યાત્રાની શરૂઆત કરીએ આજથી
શ્રી કુદરત શરણમ્ મમઃ
ફલકનુમા પૅલેસનું પ્રત્યક્ષ દર્શન
ફલકનુમા ઉર્દૂ ભાષાનો એક શબ્દ છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય ‘આકાશની આરસી’. એક સમયે જગતના સૌથી ધનવાન માણસ હોવાનો મોભો ધરાવતા હૈદરાબાદના નિઝામની આ સંપત્તિ છે, પરંતુ ખરી હકીકત કંઈ બીજી જ હતી. આ મહેલ ઈસવીસન ૧૮૮૪માં બાંધવાની શરૂઆત કરી હતી.
મિત્રો, રાજ-રજવાડાંઓની મહેલાતો અને રાજવી કળાકૃતિઓનું, વસ્તુઓનું કાયમ એક કુતૂહલ રહ્યું છે. ઇતિહાસમાં વિશેષ રુચિ હોવાથી જૂનાં રજવાડાંઓની વાતો, જાહોજલાલી, રહેણીકરણી વગેરે અનેક પરિબળો વિશે જાણવાનું આકર્ષણ પણ હંમેશાં રહ્યું છે. બ્રિટિશકાળના આ રાજવી પરિવારોના ઠાઠમાઠ, બ્રિટિશ સંસ્કૃતિનું અનુકરણ, વિદેશી ભણતરની ઘેલછા, વિદેશી તાલીમનું અહીં તેમના રાજ્યમાં ભારતીયકરણ તથા બ્રિટિશરોની વિદાય પછી સરદાર પટેલ અને તેમના અનુયાયીઓની વિલીનીકરણ માટેની અથાક મહેનત આ બધી વાતો ખાસ્સી રસપ્રદ છે. જેટલું જાણ્યું છે, વાંચ્યું છે, કાયમ વધુ ને વધુ જાણવાની તાલાવેલી રહી જ છે. ૧૯મી અને ૨૦મી સદીનો રાજવીઓનો ઇતિહાસ હજી પણ અનેક જગ્યાએ ધબકી રહ્યો છે. મોટા ભાગના રાજવીઓ પાસે સ્થાવર માલમિલકતો ઘણી જ છે; પરંતુ સરકારી સાલિયાણાની નજીવી રકમમાં આ બધી મિલકતોની જાળવણી કઈ રીતે કરી શકાય, આ મહેલાતોના ભવ્ય ઇતિહાસ સાથે અત્યારની પેઢીને કેવી રીતે જોડી શકાય એવા અનેક પ્રશ્નો આ પરિવારોને સતાવી રહ્યા હતા, સતાવી રહ્યા છે.
અનેક રાજવી કુટુંબોએ ઘણી જ પ્રગતિ કરી, પરંતુ આ લોકશાહીના સમયમાં સદીઓ પહેલાંની એ રાજાશાહી તો ભોગવી ન જ શકાયને? ભારતના ઇતિહાસમાં અનેક રાજવી પરિવારોના ઘણા જ દાખલા છે. કોઈ સારા છે તો કોઈ વરવા પણ ખરા. ખેર, સમયના વહેણની સાથે જમાનો પણ બદલાઈ ગયો, સંસ્કૃતિ બદલાઈ ગઈ, માણસો બદલાયા અને એ રીતે જ રાજવીઓ પણ બદલાતા ગયા. જમાનાના વહેણ સાથે વહેવું જ પડેને? આ બધામાં એક સારું કામ પણ થયું. એ સમયનું, જાહોજલાલીનું, રહેણીકરણીનું અસ્તિત્વ વત્તે-ઓછે અંશે ટકી રહ્યું બદલાતા સમય સાથે આ પરિવારોના કુશળતાપૂર્વકના તાલમેલથી. અનેક રાજવીઓએ પોતાના મહેલો પંચતારક હોટેલોને જાળવવા અને આના બદલામાં હોટેલ તરીકે ચલાવવા માટેના હક આપી દીધા. માલિકીભાવ મૂળભૂત રાજવીઓનો ખરો, પરંતુ હોટેલની જાળવણી અને ચલાવવા માટેના હકો આ પંચકારક હોટેલ ચલાવતાં ઉદ્યોગગૃહોના. રાજવીઓ ભાગીદાર બની ગયા. સામાન્ય લોકોનું પણ જીવનસ્તર ઉપર આવતાં, નવી પેઢીઓનો આર્થિક વિકાસ થતાં જે મહેલાતો સામાન્ય લોકો અથવા કહો કે ઉચ્ચ મધ્યમવર્ગીય લોકો માટે પણ ક્યારેક સમણા સમાન હતી એ હવે તેમની પહોંચમાં ઉપલબ્ધ થવા લાગી. એ જાહોજલાલી માણવાની, જાણવાની અનેક તકો અત્યારે આજની પેઢી પાસે છે. વધુ ન લંબાવતાં કહેવાનું કે થોડી પ્રખ્યાત ભારતીય હેરિટેજ હોટેલોનો લોકોને પરિચય કરાવવાનો આ એક પ્રયાસ છે. આ પરિવર્તિત મહેલાતોનો ઇતિહાસ સમજાય, પુરાતન કલાકૃતિઓ અને રાચરચીલાને માણી શકાય તથા રાજવી સંસ્કૃતિનો ખ્યાલ આવે, એ સમયગાળાનો ધબકાર અનુભવાય તથા આપણી વિરાસતની પિછાણ થાય એ તે દિશામાં આ એક પગલું છે.
ચાલો, તો આ શ્રેણીના પ્રથમ મણકાની વાત માંડીએ. આજે વાત કરવી છે ખૂબ જ ખ્યાતનામ મહેલ અને હવે હેરિટેજ હોટેલ, જેણે ૧૩૦ વર્ષનો ઇતિહાસ અનુભવ્યો છે, અનેક સંઘર્ષો જોયા છે, રાજવી પરિવારોની ચડતી-પડતી, કાવાદાવા અને અનેક કાળખંડોનો જે સાક્ષી રહ્યો છે એવા હૈદરાબાદસ્થિત ફલકનુમા પૅલેસની. આ મહેલનો ઇતિહાસ ભવ્યાતિભવ્ય છે, ભૂગોળ બેજોડ છે અને ધબકાર હજી પણ જીવંત છે. અહીં સંઘરાયેલી અને પ્રદર્શિત કરેલી અનેક બેનમૂન કલાકૃતિઓનો પોતપોતાનો આગવો ઇતિહાસ છે, રોચક ગાથાઓ છે. ફક્ત ઇતિહાસના નહીં, કળાના શોખીનો માટે પણ આ મહેલ-કમ-હોટેલ કોઈ મ્યુઝિયમ કે કલામંદિરથી ઊતરતી નથી. એને જાણો, માણો કે કળાના ઉપાસક તરીકે ક્યારેક અંદરનો ધબકાર અનુભવો. અહીં બધું જ સુંદર છે, બેમિસાલ છે. ફલકનુમા ઉર્દૂ ભાષાનો એક શબ્દ છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય ‘આકાશની આરસી’. આ મહેલનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. એક સમયે જગતના સૌથી ધનવાન માણસ હોવાનો મોભો ધરાવતા હૈદરાબાદના નિઝામની આ સંપત્તિ છે, પરંતુ ખરી હકીકત કંઈ બીજી જ હતી. આ મહેલ ઈસવીસન ૧૮૮૪માં બાંધવાની શરૂઆત કરી હતી હૈદરાબાદ રાજ્યના છઠ્ઠા નિઝામ મીર મહેબૂબ અલી ખાનના તત્કાલીન પ્રધાનમંત્રી, જે તેમના બનેવી પણ હતા, તે નવાબ વિકાર ઉલ ઉમરાએ. પછીથી તેમને કૈસર-એ-હિન્દના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા એવા આ પ્રધાનમંત્રી ખૂબ જ વિચક્ષણ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ પણ રાજવી પરિવાર ‘પાઈગાહ’ના વંશજ હતા, જે નિઝામ વંશ પછીના નંબરે મુકાતો હતો. તેઓ વિદેશ ફરવા ગયા હતા અને ત્યાંથી આંખોમાં એક સપનું આંજીને આવ્યા હતા કે યુરોપ જેવો જ અસલ એક મહેલ પોતાના માટે પણ ઊભો કરવો. પ્રધાનમંત્રી અને તે પણ વળી જગતના સૌથી ધનવાન રાજ્યના, એટલે બીજું કંઈ તો વિચારવાનું રહે જ નહીં. શહેરની નજીક જ આવેલા ૨,૦૦૦ ફુટ ઊંચા ટેકરા પર પસંદગીની મહોર મારી અને શરૂઆત થઈ એક અદ્વિતીય બાંધકામની. ઇંગ્લિશ આર્કિટેક્ટ વિલિયમ મારેટને કૉન્ટ્રૅક્ટ અપાઈ ગયો. રૂપિયાની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી. કોઈ પણ પ્રકારની કચાશને અવકાશ જ નહોતો. આ બાંધકામ પૂરું થયું નવ વર્ષે એટલે કે ઈસવીસન ૧૮૯૩માં. સ્વર્ગ સમા આ મહેલમાં એક-એકથી ચડિયાતી કલાકૃતિઓ, આરસ અને અનેક વિદેશી સામગ્રીઓ વપરાઈ હતી. નિઝામસાહેબના કાને વાત પડી અને નિઝામસાહેબ મહેલની મુલાકાતે પધાર્યા, અઠવાડિયું રોકાવા માટે.
હવે વાતના બે ફાંટા પડે છે, તમારી મતિ પ્રમાણે નક્કી કરજો. એક લોકવાયકા એમ કહે છે કે અઠવાડિયાને બદલે નિઝામ એક મહિનો રોકાઈ ગયા અને એક મહિના પછી નવાબ વિકારસાહેબે તેમને સામેથી આ મહેલ ખરીદી લેવા આગ્રહ કર્યો, જ્યારે બીજી અને કદાચ સાચી લોકવાયકા એમ કહે છે કે નિઝામસાહેબથી જીરવાયું નહીં કે તેમના પ્રધાનમંત્રીનું ઘર નિઝામસાહેબના ખુદના ઘર કરતાં વધારે ઊંચાઈ પર તથા વધારે સુંદર હોય એટલે તેમણે વટ પર વાત લઈને આ ઘર ખરીદી લેવાનું જણાવ્યું. જે પણ સાચું હોય, પરંતુ એક વાત નક્કી કે ઈસવીસન ૧૮૯૭માં આ મહેલ નિઝામસાહેબે ખરીદી લીધો. પૈસા પણ ચૂકવી દીધા; પરંતુ કોઈનું સપનું રોળાઈ ગયું, છીનવાઈ ગયું. ૨,૦૦૦ ફુટ ઊંચા ટેકરા પર સ્થિત ફલકનુમા પૅલેસ ખરેખર જાણે આકાશ સાથે વાત કરતો હોય એવું લાગે. ૩૨ એકરના પરિસર સાથેનો આ મહેલ કોઈ સ્વપ્નનગરી જેવો લાગે છે. મારી મે ૨૦૧૪ની મુલાકાતે તો જાણે મારી સામે ઇતિહાસનો દાબડો ખોલી નાખ્યો. આ બીજી લોકવાયકા મને ત્યાંના એક અતિ વૃદ્ધ ચાકરે આપી હતી.
આ મહેલ વિશે થોડું વધુ જણાવું. નિઝામ છઠ્ઠા પાસેથી વારસો મળ્યો નિઝામ સાતમાને જેમના કિસ્સા મશહૂર છે. તે પ્રતિષ્ઠિત ટાઇમ્સ મૅગેઝિનના કવરપેજ પર ચમક્યા હતા. હવે ઇતિહાસમાં વળાંક આવે છે. નિઝામ સાતમા ૧૯૬૭માં ગુજરી ગયા ત્યારે તેમના પુત્ર આઝમ જાહને નિઝામપદું આપવાને બદલે તેઓ તેમના પૌત્ર મુક્કર્રમ જાહને આઠમા નિઝામ તરીકે ઘોષિત કરતા ગયા. એટલે મુક્કર્રમ ઉર્ફે અસફ જાહ આઠમા નિઝામ તરીકે પ્રસ્થાપિત થયા. આમ તો ભારતની સ્વતંત્રતા સાથે જ બધા રાજવીઓની પડતી શરૂ થઈ ગઈ હતી, પરંતુ હૈદરાબાદનો દબદબો હજી પણ જળવાયો હતો. ઈસવીસન ૧૯૬૭માં નિમાયેલા આ નિઝામ આઠમાના તમામ અકરામ-ઇલકાબ રદબાતલ થયા ઈ.સ ૧૯૭૧માં. રાજા ગયા, રજવાડાં રહ્યાં. નિઝામ આઠમાનો અહમ્ તો ઘવાયો હતો જ અને એ દરમિયાન તેઓ ઑસ્ટ્રેલિયા ફરવા ગયા. તેમને ઑસ્ટ્રેલિયા એટલું બધું પસંદ પડી ગયું કે ત્યાં તેમણે સાડાત્રણ લાખ, હા જી, ૩,૫૦,૦૦૦ એકર જમીન ખરીદી લીધી, મહેલો ખરીદ્યા અને ત્યાં જ ઠરીઠામ થઈ ગયા. મિત્રો, ખરી રસાકસી હવે આવે છે. તેમનાં પત્ની જે તુર્કી હતાં તેમણે ઑસ્ટ્રેલિયા જવાની ના પાડી દીધી. ખલાસ... તલાક, તલાક, તલાક. છૂટાં કરી દીધાં. જોકે આ તો રાજવી પરિવાર. તલાકની સામે હૈદરાબાદના બે મહેલ અને ખૂબબધી જમીન-જાયદાદ પણ આપી દીધી. આ નિઝામ આઠમાએ તો પછી તેમના જીવન દરમ્યાન બીજાં ચાર લગ્ન કર્યાં, પરંતુ એનો એક અલગ ઇતિહાસ છે. આપણે ભારતમાં જ રહીએ. પ્રથમ બેગમ બંને સંતાનોને લઈને લંડન ચાલ્યાં ગયાં અને બંને મહેલ અને બધી મિલકત અહીં જ રહી. વરસોવરસ બંધ રહેવાને કારણે બિસમાર હાલત વધુ ને વધુ વકરતી રહી. મહેલો અકબંધ ખરા, પરંતુ અતિશય ખરાબ અવસ્થામાં જ પડી રહ્યા. આ બાજુ ભારતમાં પ્રવાસન ઉદ્યોગ તેજીમાં હતો. આ પૅલેસ પર નજર પડી તાતા ગ્રુપની. રાણી એટલે કે બેગમસાહેબાનો સંપર્ક કર્યો. ઈસવીસન ૨૦૦૦માં કૉલ-કરાર થયા. બેગમ ભારત પધાર્યાં. તાતા ગ્રુપે ફલકનુમા પૅલેસ હાથમાં લીધો અને બેગમે બીજો મહેલ, ચૌરાહા પૅલેસ, અંગત વપરાશ માટે રાખ્યો. આ પૅલેસ નૂતનીકરણ માટે આપ્યો પ્રખ્યાત આર્કિટેક્ટ રાહુલ મેહરોત્રાને. ફલકનુમા પાછળ તાતા ગ્રુપ અને બેગમસાહેબાની દસ વર્ષની અથાગ, અવિરત મહેનત રંગ લાવી ખરી. એ જ ૧૯મી સદીની જાહોજલાલી સાથે ફલકનુમા પૅલેસનો ઈસવીસન ૨૦૧૦માં પુનર્જન્મ થયો. અદલોઅદ્દલ યુરોપનો એ સમયગાળો જીવંત થઈ ઊઠ્યો. ફલકનુમા ફરી આકાશ સાથે વાત કરવા લાગ્યો. તાજ હોટેલ્સની મહેનત, મૂળભૂત સ્વરૂપ જાળવવાની નિષ્ઠા રંગ લાવી. તુર્કીશ બેગમનો પણ પૂરેપૂરો ફાળો અને સમયનો ભોગ પણ ખરો. એમ કહે છે કે પૅલેસમાં જેટલું પણ ફર્નિશિંગ છે એટલે કે પડદા, ચાદર વગેરે... વગેરે.... એ બધી જ વસ્તુઓની પસંદગી આ બેગમને આભારી છે. અવ્વલ પસંદગી, માનવું પડે. આ પુનર્જન્મ સાથે કેટકેટલા આત્માઓને શાંતિ થઈ હશે, પિતૃતર્પણ થયું હશે એનો તો અંદાજ મૂકવો રહ્યો. સૌપ્રથમ આ સ્વપ્ન સેવનાર નવાબ વિકાર ઉલ ઉમરા. બીજા આવે પેલા આર્કિટેક્ટ વિલિયમ મારેટ. ત્રીજા નંબરે નિઝામ છઠ્ઠા અને આ બધાની સાથે-સાથે એ તમામ કારીગરો અને કલાકારો જેમણે આ મહેલ બાંધવા માટે જીવનનાં અમૂલ્ય વર્ષોનો ભોગ આપ્યો હતો. તાતા ગ્રુપની ગરિમાનો એક વધુ પુરાવો .
આગળ વધીએ. પેલેડિયન આર્કિટેક્ચર શૈલીમાં બંધાયેલા આ મહેલની ડિઝાઇન વીંછીના આકારની છે. વચ્ચે મુખ્ય માળખું અને આજુબાજુ બે વિંગ્સ એટલે કે મુખ્ય માળખાને બંને બાજુથી જોડતી રૂમ્સની હારમાળા. ઘણું સાંભળ્યા, વાંચ્યા પછી મે ૨૦૧૪માં મોકો મળ્યો અને મેં રૂમ બુક કરાવી લીધી. હજી જોઈએ તો આ હોટેલ તાજી જ હતી. સ્ટાફમાં અનેરો ઉત્સાહ હતો. તાજ ગ્રુપના ચુનંદા કર્મચારીઓને વીણી-વીણીને અહીં લાવ્યા હતા. હોટેલનો પોતાનો જ એક ઇતિહાસકાર હતો જેણે આ બધાં પરિબળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેની પાસે તો જાણે વાતોનો ખજાનો હતો. જૂના નોકરોના વંશજોને પણ અહીં માળી તરીકે, સફાઈ કર્મચારી તરીકે કામે રાખ્યા હતા એટલે પોતીકાપણું જળવાઈ રહે. મે મહિનો હતો: પરંતુ આ ઊંચાઈ પર, હૈદરાબાદમાં પણ, જરાય ગરમી લાગતી નહોતી. ચાર મિનાર અહીંથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે જે હોટેલના બગીચામાંથી દેખાઈ રહ્યો હતો. આખું હૈદરાબાદ શહેર આ ઊંચાઈ પરથી દૃશ્યમાન થઈ રહ્યું હતું. ૬૦ રૂમ અને નાના-મોટા ૨૨ ખંડ ધરાવતા આ મહેલની અવનવી વાતો અને કલાકૃતિઓની વિસ્તૃત વાતો સાથે મળીશું આવતા અઠવાડિયે.