૧૯૬૦માં પાકિસ્તાને એની રાજધાની કરાચીથી ઇસ્લામાબાદ ખસેડી એ પછી આ મંદિરના મકાનમાં છોકરીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવી હતી
રામ મંદિર
ભારતમાં આજે રામનવમીનો તહેવાર પૂરા જોમ અને ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ પાસે સઈદપુર ગામમાં આવેલું રામમંદિર ખંડેર અવસ્થામાં છે.
રામકુંડ મંદિર તરીકે ઓળખાતા આ મંદિરને મિર્ઝા રાજા માનસિંહ પહેલાએ ૧૬મી સદીમાં બંધાવ્યું હતું. ભારતના જ્યારે ભાગલા પડ્યા નહોતા ત્યારે ભાવિકો આ મંદિરમાં જતા હતા અને એમાં રહેલા રામકુંડમાં સ્નાન કરતા હતા. ૧૮૯૩-’૯૪ના રાવલપિંડી ગૅઝેટમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે મંદિર પાસે આવેલા કુંડમાં મેળો ભરાતો હતો. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના પરિવાર સાથે આ સ્થળે આવ્યા હતા અને કુંડમાંથી જળ ગ્રહણ કર્યું હતું. મંદિર પાસે રામ, સીતા અને લક્ષ્મણ એમ ત્રણ કુંડ હતા. ભાવિકો એમાં સ્નાન કરતા હતા.
ADVERTISEMENT
જોકે ૧૯૪૭માં ભાગલા પડ્યા બાદ આ મંદિરની કોઈ જાળવણી કરતું નથી અને હાલ તો મંદિરમાં રહેલી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓને પણ ખસેડી દેવામાં આવી છે. આ મંદિરમાં હિન્દુઓ પૂજા પણ કરી શકતા નથી.
૧૯૬૦માં પાકિસ્તાને એની રાજધાની કરાચીથી ઇસ્લામાબાદ ખસેડી એ પછી આ મંદિરના મકાનમાં છોકરીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ૨૦૦૬માં આ મંદિરના બિલ્ડિંગની જાળવણીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ હાલમાં કુંડ સુકાઈ ગયો છે અને ત્યાં રેસ્ટોરાં બાંધવામાં આવી છે. આ વિસ્તારમાં રહેતા હિન્દુઓએ આ મંદિરને ફરી શરૂ કરવાની માગણી કરી છે.