હાલમાં સોશ્યલ મીડિયામાં ચારેક મહિના પહેલાં શરૂ થયેલો નવો ટ્રાવેલ-ટ્રેન્ડ ‘રૉ-ડૉગિંગ અ ફ્લાઇટ’માં લોકો આ નિયમોનું પાલન કરી ફક્ત ખુદ સાથે રહીને આખી ફ્લાઇટની જર્ની પૂરી કરે છે. આ ટ્રેન્ડની સાઇકોલૉજી પર કરીએ વિચાર...
પ્રતીકાત્મક તસવીર
લાંબી ફ્લાઇટ હોય ત્યારે ન બુક્સ, ન ફોન, ન કોઈ ગૅજેટ, ન કોઈ ગેમ, ખાવાનું પણ નહીં અને પીવાનું પણ નહીં, એનાથી પણ વધુ કે સૂવાનું પણ નહીં અને આજુબાજુવાળા સાથે વાત સુધ્ધાં નહીં કરવાની હોય તો તમને કેવું લાગશે? હાલમાં સોશ્યલ મીડિયામાં ચારેક મહિના પહેલાં શરૂ થયેલો નવો ટ્રાવેલ-ટ્રેન્ડ ‘રૉ-ડૉગિંગ અ ફ્લાઇટ’માં લોકો આ નિયમોનું પાલન કરી ફક્ત ખુદ સાથે રહીને આખી ફ્લાઇટની જર્ની પૂરી કરે છે. આ ટ્રેન્ડની સાઇકોલૉજી પર કરીએ વિચાર...
જ્યારે વ્યક્તિની ૧૨ કલાકથી લઈને ૨૦ કલાક સુધીની લાંબી ટ્રેનની મુસાફરી હોય ત્યારે તેને ખાસ પ્રશ્નો નડતા નથી કે તે આટલા કલાકો ટ્રેનમાં કરશે શું. કદાચ ટ્રેનનો માહોલ જ એવો હોય છે. એમાં તમને ભાગ્યે જ એકલું લાગે. બધા એકબીજા સાથે વાતો કરતાં-કરતાં, ખાતાં-પીતાં, પત્તા કે અંતાક્ષરી રમતાં આખી ટ્રેન જર્ની પસાર કરી નાખતા હોય છે. પરંતુ ફ્લાઇટમાં એવું થતું નથી. એમાં ભાગ્યે જ બે અજાણી વ્યક્તિઓ એકબીજા સાથે વાતો કરવા લાગે. કરે તો પણ થાય એટલું ટૂંકાણમાં પતે. એટલે જો બે કલાકની પણ ફ્લાઇટ હોય તો એમાં વ્યક્તિ કંટાળે. મોટા ભાગે ફ્લાઇટમાં લોકો બુક વાંચતા હોય, લૅપટૉપ કે ટૅબ પર ગેમ રમતા હોય, નહીં તો આજકાલ તો OTT પ્લૅટફૉર્મ પર પોતાની મનગમતી ફિલ્મ કે વેબ-સિરીઝ ડાઉનલોડ કરીને કાનમાં ઇયરફોન ભરાવીને બેસી જાય, ક્યારે ટેક-ઑફ થાય અને ક્યારે લૅન્ડ થાય એ જ ન ખબર પડે. લાંબા કલાકોની ફ્લાઇટમાં સૌંથી વધુ સમય ખાવા-પીવામાં પસાર થાય, ફ્લાઇટવાળા કૉમ્પ્લીમેન્ટરી શું આપવાના છે એની ઇન્તેજારીમાં અડધો કલાક નીકળી જાય અને એ જોયા પછીનો અડધો કલાક ‘લે, ખાલી બે બ્રેડ વચ્ચે ચીઝ નાખીને આપી દીધું અને આ જૂસનું પૅકેટ પકડાવી દીધું’ના વસવસામાં જાય. આટલું કર્યા પછી પણ જ્યારે ફ્લાઇટ લૅન્ડ થાય ત્યારે જેલમાંથી કેદીઓ છૂટ્યા હોય એવી ભાગાભાગી સાથે લોકો બહાર નીકળવા માટે બેચેન બની ગયા હોય છે.
ADVERTISEMENT
ફ્લાઇટની જર્ની
ડોમેસ્ટિક ફ્લાઇટ હોય તો હજી ઓછી પરંતુ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ માટેની તૈયારી આનાથી પણ વધુ હોય છે, કારણ કે આ ફ્લાઇટ ૪ કલાકથી લઈને ૧૮ કલાક સુધીની હોય છે. એકના બદલે ૪-૫ મૂવી ડાઉનલોડ કરવાં પડે, બે કે ત્રણ બુક્સ અને બીજાં ૩-૪ મૅગેઝિન રાખવાં પડે, કેટલીયે રમતો કે પઝલ્સ રાખવી પડે, પ્લે લિસ્ટમાં ગીતો વધારવાં પડે અને બીજું કંઈ નહીં હોય તો એક શાલ ઓઢી અને આંખ પર પટ્ટી બાંધી સૂઈ જવું પડે. તોય જ્યારે ફ્લાસટ પતે ત્યારે એમ લાગે કે ભાઈ! ગંગા નાહ્યા. માંડ પહોંચ્યા. હવે વિચારો કે આ લાંબી ફ્લાઇટમાં તમારી પાસે કશું જ નથી. ન બુક્સ, ન ફોન, ન કોઈ ગૅજેટ, ન કોઈ ગેમ, ખાવાનું પણ નહીં અને પીવાનું પણ નહીં, એનાથી પણ વધુ કે સૂવાનું પણ નહીં અને આજુબાજુવાળા સાથે વાત સુધ્ધાં નહીં કરવાની તો તમને કેવું લાગશે? તમે કહેશો કે આવી કાળા પાણીની સજા શેના માટે? આ છે હાલમાં સોશ્યલ મીડિયામાં ચારેક મહિના પહેલાં શરૂ થયેલો નવો ટ્રાવેલ-ટ્રેન્ડ ‘રૉ-ડૉગિંગ અ ફ્લાઇટ’. આમ તો રૉ-ડૉગિંગ એક અર્બન સ્લૅન્ગ છે. આ શબ્દ અસુરક્ષિત સેક્સ માટે વાપરવામાં આવે છે. આ શબ્દને આ પ્રકારની ચૅલેન્જ માટે વાપરવો વિચિત્ર તો છે પરંતુ આ અર્થ જાણશો તો ચૅલેન્જ સાથે આભડછેટ નહીં રાખો.
શું છે આ ચૅલેન્જ?
પોતાના ઇન્ટરનૅશનલ ટ્રાવેલ દરમિયાન આજકાલ લોકો આ પ્રયોગ કરી રહ્યા છે. આટલા કલાકો ફક્ત પોતાની સાથે, પોતાના વિચારો સાથે રહેવાનું; બીજું કશું જ નહીં કરવાનું. આજકાલ સોશ્યલ મીડિયા પર ઘણા લોકો પોતાના આ પ્રકારના અનુભવો શૅર કરે છે એ રસપ્રદ છે. ઘણા લોકોએ ૭-૮ કલાકથી લઈને ૧૧-૧૪ કલાક પોતાની સાથે રહેવાના અનુભવો શૅર કર્યા છે. ઘણા લોકો એવા પણ છે જેમણે આ પ્રયોગ માટે કોશિશ કરી અને અમુક મિનિટોમાં જ તેઓ ફેલ થઈ ગયા તો ઘણા એવા છે જેમણે આ ચૅલેન્જ ખૂબ સફળ રીતે પાર પાડી અને એ પૂરી કરવાની તેમને અઢળક ખુશી હતી. આ ચૅલેન્જ સોશ્યલ મીડિયા પર ફક્ત ટાઇમપાસ માટેના નવા-સવા પડકારોમાંની જ એક છે કે ખરેખર આ ચૅલેન્જમાં કોઈ તથ્ય છે ખરું એ સમજવાની કોશિશ આજે કરીએ.
જરૂરત શું?
મોટા ભાગે સોશ્યલ મીડિયા પર આવતી જુદી-જુદી ચૅલેન્જિસમાં જેને રસપ્રદ લાગે એ એને ફૉલો કરતા હોય છે. પરંતુ આ પ્રકારની ચૅલેન્જ પાછળ શું હોઈ શકે? આવી ચૅલેન્જ વિશે લોકોએ શું કામ વિચાર્યું હશે એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘અત્યારે જ્યારે પૂરી દુનિયા ગૅજેટ્સની દુનિયામાં વ્યસ્ત બની ગઈ છે ત્યારે અમુક કલાકો તમે એના વગર રહી શકો તો એનાથી સારું શું હોઈ શકે? જમીનથી જ્યારે ૩૦-૩૭ હજાર ફીટ ઉપર હોય ત્યારે કોઈ તમને ફોન કરીને હેરાન કરવાનું નથી, કોઈ મેસેજ તમે ચેક કરી શકો એમ નથી, કોઈ ન્યુઝ તમે ઇચ્છો તો પણ તમને મળવાના નથી. તો આ પરિસ્થિતિનો ફાયદો ચોક્કસ ઉઠાવી શકાય. એક એવી જગ્યા જ્યાં તમે ગૅજેટ વગર રહી શકો એમ છો તો ચોક્કસ રહેવું જોઈએ. આ પ્રયોગ આજના સમયે કોઈના પણ માટે અઘરો છે પરંતુ એનાં રિઝલ્ટ ઘણાં સારાં મળી શકે.’
નવું નથી, જૂનું જ છે
કોઈ પણ કન્સેપ્ટ, જે આપણને સાંભળવામાં નવો લાગે એનાં મૂળિયાં ખરેખર ઊંડાં હોય જ છે. સ્પિરિચ્યુઅલ પાથ પર તમે આગળ વધતા હો તો પહેલાં એ શીખવવામાં આવે કે ફક્ત જાત સાથે કઈ રીતે રહેવું. જાત સાથે રહેવું, ફક્ત ખુદ સાથે રહેવું કેટલું કપરું હોય છે એ રહો તો જ ખબર પડે. એ વિશે વિસ્તારથી વાત કરતાં કિંજલ પંડ્યા કહે છે, ‘એ અઘરું છે એટલે જ ધ્યાન માટે કૅમ્પમાં જતા અડધોઅડધ લોકો કૅમ્પમાંથી ભાગી જતા હોય છે. માણસ જ્યારે ખુદના વિચારોનો સામનો કરે છે ત્યારે એ સામનો ક્યારેક ખૂબ અઘરો થઈ જાય છે. દરેક વ્યક્તિ હંમેશાં સારું જ વિચારતી હોય એવું હોતું નથી. પોતાના નકારાત્મક વિચારોને લોકો હૅન્ડલ નથી કરી શકતા એટલે બહારની દુનિયા તરફ ભાગે છે, પરંતુ અંદરની દુનિયામાં જવું જરૂરી છે. તમને ગભરામણ થાય, ડર લાગે, ઘૃણા છૂટે, દુખી થઈ જવાય તો કંઈ વાંધો નહીં. હજારો લોકોના અનુભવ એ જ કહે છે કે થોડો સમય આપો તો એ ભાવ પણ ધીમે-ધીમે દૂર થઈ જાય છે અને એના પછી તમે ખુદને વધુ ખુશ, વધુ હળવા અને વધુ સ્ટ્રૉન્ગ ફીલ કરો છો.’
અતિરેક યોગ્ય નથી
જો તમે ક્યારેય ખુદની સાથે એકલા રહ્યા ન હો તો ૧-૨ કલાકનો આ પ્રયોગ તમારા માટે યોગ્ય છે. જો તમે રહેતા જ હો તો વધુમાં વધુ ૪-૫ કલાક આ રીતે રહી શકો છો પરંતુ એનાથી વધુ કલાકો પરાણે એમ રહેવાની જરૂર અને ફાયદો નથી. આ પ્રયોગ ભારતથી દુબઈ જાઓ ત્યારે કરાય, અમેરિકા જાઓ ત્યારે કરવાનું ભારે પડે એમ સ્પષ્ટતા કરતાં કિંજલ પંડ્યા કહે છે, ‘જાત સાથે મુલાકાત કરવી હોય એની પણ એક સીમા હોઈ શકે. કોઈ પણ વસ્તુ પરાણે ઠોકી બેસાડવામાં આવે, કરવી પડે તો એનો ફાયદો નથી. તમારી કંપની તમે જ્યાં સુધી સહી શકો ત્યાં સુધી બરાબર છે. બીજું એ કે ખાવું, પાણી પીવું કે સૂવું એ આપણે આપણા આનંદ માટે નથી કરતા, એ શરીરની જરૂરિયાતો છે. ભૂખ ન લાગે તો વાત જુદી છે, ન ખાઓ તો ચાલે પણ લાંબી ફ્લાઇટમાં પાણી પણ ન પીવું એ વધુપડતું થઈ ગયું. વળી ધ્યાન જેવી ક્રિયાઓમાં પણ કહેવાય છે કે જો તમને ઊંઘ આવે તો સૂઈ જજો. તો પછી આમાં સૂવાનું પણ નહીં જ એવું ન હોવું જોઈએ. તમે ગૅજેટ નહીં જ એવા નિયમો બનાવો એ સારું છે પણ આ બધાની જરૂર નથી. અંતે આ એક પ્રકારનો પ્રયોગ છે, જેના અનુભવ દરેક વ્યક્તિના જુદા જ હોવાના. અનુભવ કરવા માટે એ ચોક્કસ કરી શકાય, પરંતુ બધા કરે છે એટલે હું પણ કરું એ ભાવ સાથે આવું કરવાની જરૂર નથી.’