મૉન્સૂનમાં સમગ્ર ભારતમાં મહારાષ્ટ્રની તોલે એક પણ રાજ્ય ન આવે એવું મારું માનવું છે. સહ્યાદ્રિના ડુંગરાઓ જાણે ખીલી ઊઠે છે, ઉનાળામાં કોઈ ભઠ્ઠીની જેમ ગરમ થઈ ગયેલી કાળમીંઢ ભેખડો વરસાદનો સ્પર્શ થતાં જ આળસ મરડીને ઊભી થયેલી અહલ્યાની જેમ જાગૃત થાય છે...
લોનાવલાનું સૌંદર્ય
વરસાદી વિરામ વાચકમિત્રો,
અત્યારના વરસાદી માહોલને જોતાં અનુભવાતો રોમાંચ તમારી સાથે વહેંચવા બેથી ત્રણ અઠવાડિયાં પૂરતો ધ ગ્રેટ હેરિટેજ સિરીઝને વિરામ આપીએ અને આવકારીએ વર્ષારાણીના રુઆબને. આ મહારાણીના ઠસ્સાને થોડી અલગ રીતે માણીએ. મારાં વરસાદનાં સાહસો અને અનુભવો વિશે થોડી વાત માંડીએ. ફક્ત બેથી ત્રણ અઠવાડિયાં અને પછી બૅક ટુ ગ્રેટ હેરિટેજ સિરીઝ. તો ચાલો માણીએ લિજ્જત, લહેજત આ વરસાદી વૈભવની.
ADVERTISEMENT
તારી બોલકણી આંખો અને સાદું આ રૂપ,
મારા રુદિયાને લૂંટી નહીં જાયને??
વરસાદી મોસમના ઓરતા અમાપ,
મારું ચોમાસું છૂટી નહીં જાયને??
તારાં રિસામણાં અને મારાં મનામણાં, નેહનો આ બંધ ,
એમ આટલામાં તૂટી નહીં જાયને??
વરસાદી મોસમના ઓરતા અમાપ,
મારું ચોમાસું છૂટી નહીં જાયને??
યુગયુગથી ધખધખતો એક જ સવાલ,
લોનાવલા
તારો પ્રેમ કદી ખૂટી નહીં જાયને??
વરસાદી મોસમમાં ઓરતા અમાપ,
મારું ચોમાસું છૂટી નહીં જાયને??
ફક્ત પાંચ જ મિનિટમાં રચાયેલા આ કાવ્યને વરસાદનો જાદુ કહો કે એક રખડુ જીવના હૃદયની તાલાવેલી, આ રચનાએ મારું કામ સાવ જ સરળ બનાવી દીધું. વરસાદનું આગમન આ વર્ષે થોડું મોડું થયું એટલે હૃદય થોડું ઉચાટમાં તો હતું જ. મુંબઈમાં ઘણા લોકો એવા હશે જેઓ ચાતક નજરે વરસાદની રાહ જોતા હશે. પહેલા, બીજા કે ત્રીજા વરસાદે જો બહાર ન નીકળે તો માનવજન્મ નિષ્ફળ થઈ ગયો હોય એવા નિસાસા નીકળતા હોય, અફસોસ વ્યક્ત થતો રહેતો હોય. આવા જ ગાંડાઘેલા સમૂહમાં મારી ગણતરી કરી શકાય ખરી. વરસાદ પડ્યો નથી કે મુંબઈ તથા આજુબાજુના વિસ્તારો ધમરોળવાનું શરૂ થઈ જ જાય. બોરીવલીનો નૅશનલ પાર્ક, તુંગારેશ્વર, ચિંચોટી, નાગલા બ્લૉક આ બધાં જ જંગલોમાં હાજરી પુરાવવી એ વણલખ્યો નિયમ અને સાથે-સાથે લોનાવલા, માલશેજ ઘાટ, ઇગતપુરી, માથેરાન વગેરે જગ્યાઓની લૉન્ગ ડ્રાઇવ. ભારતના ઘણા પ્રદેશો ફર્યો છું, પરંતુ ચોમાસામાં સમગ્ર ભારતમાં મહારાષ્ટ્રની તોલે એક પણ રાજ્ય ન આવે એવું મારું ચોક્કસ માનવું છે. સહ્યાદ્રિના ડુંગરાઓ જાણે ખીલી ઊઠે છે, ઉનાળામાં કોઈ ભઠ્ઠીની જેમ ગરમ થઈ ગયેલી કાળમીંઢ ભેખડો વરસાદનો સ્પર્શ થતાં જ આળસ મરડીને ઊભી થયેલી અહલ્યાની જેમ જાગૃત થાય છે અને લીલા રંગના વાઘા ધારણ કરી ઊઠે છે. ધ્યાનથી જોશો તો ફક્ત લીલા રંગના જ પાંચ શેડ્સ જોઈ શકાય છે આ ડુંગરાઓના વાઘાઓમાં! મહારાષ્ટ્રના વરસાદ વિશે તો ઘણુંબધું લખેલું પણ છે, લખાયેલું પણ છે અને લખાશે પણ ખરું. આ ઉપરાંત આ વરસાદ માણવાનાં અલગ-અલગ સ્થળો વિશે પણ અઢળક લખાયેલું છે એટલે આપણે આડે પાટે ન ચડીએ. વર્ણન કરવા કરતાં તમને અનુભવ કરવા માટે ધક્કે ચડાવું છું એ જાણજો.
ધુમ્મસ એટલું કે આગળની કાર માંડ દેખાય
શરૂઆતનું સંધાન સાધીએ? ઉપર લખ્યા મુજબ વર્ષાઋતુની મોડે-મોડે પણ પધરામણી થઈ ચૂકી હતી અને અંદરનો રખડુ જીવ ટળવળી ઊઠ્યો હતો. બે ટ્રેકિંગ તો થઈ ગયાં, પરંતુ લૉન્ગ ડ્રાઇવ માટે મારું મન ઉછાળા મારી રહ્યું હતું. અંદરનો જીવ જાણે હીબકે ચડ્યો હતો. દસ દિવસથી એટલે કે બે શનિ-રવિથી બીનાની પાછળ પડ્યો હતો, પણ ખબર નહીં કેમ પાછળ હડસેલી રહી હતી. લાખ વિનવણીઓ છતાં મચક નહોતી આપી રહી અને લંબાવી રહી હતી. આખરે ઝબકારો થયો અને પાંચ જ મિનિટમાં મારી લાગણીઓને અક્ષરદેહ પ્રાપ્ત થયો. શરૂઆત એક જ વાક્યના ગુંજારવથી થઈ, ‘મારું ચોમાસું છૂટી નહીં જાયને?! આ ડર હતો કે શંકા? પણ સત્ય હતું અને ધારી અસર થઈ ગઈ. હકાર મારા ખોળે આવી પડ્યો અને હું તૈયારીમાં લાગી ગયો. નકારનાં પણ અનેક કારણો હતાં. એમાં પણ મુખ્ય કારણ હતું પ્રવાસના કિલોમીટર. એક જ દિવસમાં લગભગ સાતસો કિલોમીટર થઈ રહ્યા હતા અને જે હિસાબે વરસાદ આવી રહ્યો હતો... કોઈને પણ થોડો તનાવ થઈ જ જાય. આ કારણ થોડું વાજબી પણ હતું, પરંતુ શું થાય? લૉન્ગ ડ્રાઇવ કોને કહેવાય? એક રીતે ગણતાં લૉન્ગ નહીં તો લૉન્ગર ડ્રાઇવ થઈ રહી હતી, પરંતુ લૉન્ગેસ્ટ તો નહોતી જને? આ મુખ્ય કારણ સિવાયનાં નાનાં-મોટાં કારણો તો ટકવા જ ન દીધાં. તૈયારીઓ શરૂ થઈ ગઈ. લૉન્ગ ડ્રાઇવની ઘણી સર્કિટ્સ મુંબઈગરાને ઉપલબ્ધ છે, પરંતુ આ એક સર્કિટ એકાદ વર્ષથી મનમાં ઘોળાઈ રહી હતી. આ સર્કિટનો અડધો હિસ્સો આકસ્મિક રીતે ગયા વર્ષે એટલે કે સવા વર્ષ પહેલાં કવર કરેલો અને ત્યારે જ નક્કી કર્યું હતું કે પૂરી સર્કિટ ચોમાસામાં કરવી જ કરવી. ગયા ચોમાસામાં મેળ ન બેઠો એટલે આ વર્ષે મનમાં ગાંઠ વાળી રાખી હતી.
લોનાવલા
અહીં એક ખાસ વાત લખવાની કે આવી લૉન્ગ ડ્રાઇવની થોડીક તકેદારીઓ અચૂક રાખવી, જેથી પ્રવાસ દરમ્યાન કોઈ પણ રીતે તમે અટકી ન પડો જેથી મજા અને નશો બંને ખરાબ ન થઈ જાય. સૌપ્રથમ તકેદારી એટલે વાહનની કન્ડિશન. આ અત્યંત જરૂરી છે. તમારી જેમ વાહન પણ એકદમ જ ફિટ જોઈએ. એકદમ ચુસ્ત. ઑઇલ, પાણી, બ્રેક્સ, લાઇટ્સ, વાઇપર્સ, હૉર્ન આ બધું એકદમ જ વ્યવસ્થિત રીતે ચકાસી લેવું. આ ઉપરાંત સ્ટેફની ટાયર, વ્હીલ પાનું, જૅક આ બધું જ એક ચેકલિસ્ટ બનાવીને ટિક મારતા જવું. થોડી આગોતરી તકેદારીઓ અચાનક આવી પડતી આફતોથી આપણને અચૂક બચાવી લે છે એ તો અનુભવે જ સમજાય. આ સિવાય થોડીક વિશેષ તકેદારીઓનું મારું લિસ્ટ પણ તમારી સાથે શૅર કરી જ લઉં છું . છત્રી, પાવરફુલ ટૉર્ચ,એક જાડું દોરડું, મૅચ-બૉક્સ, ફર્સ્ટ એઇડ કિટ, દસ બાય દસ ફુટનું પ્લાસ્ટિકનું ફીંડલું, વરસાદના હિસાબે એક જોડી એક્સ્ટ્રા કપડાં. આ ઉપરાંત વાચકોને ખ્યાલ હોય તો ઍલ્યુમિનિયમનું એક ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ જેવું આવે છે, જે આમ તો એક બૅગ જેવું હોય છે, પરંતુ એને ખોલતાં જ એ ચાર જણ બેસીને આરામથી જમી શકે એવા ડાઇનિંગ ટેબલમાં ફેરવાઈ જાય છે. વચ્ચે પાછી છત્રી પણ ગોઠવી શકાય એવી સગવડ એમાં હોય છે. ન હોય તો એક વસાવી લેવું એવો મારો નમ્ર હુકમ છે. ઘણું જ કામમાં આવશે. આ બધી થઈ સ્થૂળ તકેદારીઓ. સૂક્ષ્મ તકેદારીમાં થોડી હિંમત, થોડી ચોકસાઈ અને ઠંડું મગજ આ ત્રણ પરિબળો હૈયાસરસાં રાખવાં. પ્રવાસ સફળ થશે જ થશે.
હવે આજ્ઞા હોય તો આગળ વધીએ? થોડું ઊંચું વાહન એટલે કે SUV હોય તો સૌથી સારું, પરંતુ એકાદ નાનો ટુકડો બાદ કરતાં આ સર્કિટમાં થોડી નીચી ગાડી હોય તો પણ વાંધો નહીં આવે. બીજું ખાસ લખવાનું કે મેં તો આ સર્કિટ એક દિવસમાં જ પૂરી કરી, પરંતુ જો સમયનો અભાવ ન હોય તો બે દિવસમાં આ સર્કિટ કરવી એવું મારું સૂચન છે.
લીલુંછમ મહાબળેશ્વર
આ સર્કિટની ખરી મજા તો કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર સમગ્ર મુસાફરી આરામથી માણી શકાય એવી રીતે કરીએ એમાં છે. આ એક જ સર્કિટ મહિનાભરનો ઑક્સિજન તમારાં ફેફસાંમાં ભરી આપશે. આંખોના નંબર પણ ઘટવાની શક્યતા ખરી. મગજ શાંત, હૃદય તાજુંમાજું. મનની તો વાત જ ન કરતા. કુતૂહલ, કૌતુક, અચરજ, ક્ષુબ્ધ, શાતા, તરબતર, તૃપ્ત, બાગ-બાગ... આ બધા જ શબ્દોના અર્થ સમજાઈ જશે એ મારી ગૅરન્ટી છે. પ્રિયજનનો સંગાથ હશે તો કેટલુંય બધું વહી જશે, કેટલુંય નવું ફૂટી નીકળશે, અભાવનો ‘અ’ ક્યારે સરી જશે અને ભાવ રહી જશે એ ખબર જ નહીં પડે. સંવાદ વગર પણ સંવેદવું કોને કહેવાય એ સમજાઈ જશે. તુષાર શુક્લના શબ્દોમાં કહી શકાય કે ભીંજાવા અને પલળવા વચ્ચેનો ભેદ સમજી શકાશે, પાણી વગર પણ ભીના થઈ શકાય એ ખબર પડશે, વરસાદ અને પવનનાં ઝાપટાં તમને ભીતરથી ક્યાં-ક્યાંથી ઝાપટી નાખશે એ ખબર જ નહીં પડે, મનના કોઈ અવાવરું ખૂણે બાઝેલાં જાળાંઓ ખરી પડશે અને થઈ જશો સાફ-સૂથરા, નવાનક્કોર. પ્રકૃતિનો આ જ જાદુ છે. હળવેકથી ખબર પણ ન પડે એમ કેટલું બધું સાચવી લે છે, સેરવી લે છે, ખેરવી લે છે... એમ ને એમ ‘મા’ થોડી કહેવાય છે? છોડી દો બધું જ એના હવાલે... પરમને શરણે. શેની ખબર પાડવી અને શેની ખબર ન પાડવી એને જ નક્કી કરવા દો. બાળક બનાવી દેશે એ નક્કી. અને આવી સર્કિટમાં જો ભાઈબંધ સાથે હોય તો-તો જાણે સોનામાં સુગંધ ભળી... મિત્રો સાથેની તો પળેપળ એક મહેફિલ બનીને રહી જાય છે. એક હજી સૂચન. વધારેમાં વધારે બે ગાડી એટલે કે આઠેક જણ. બને તો સંઘ ન કાઢવો. આ મારું સૂચન છે. બાકી તો વાચકોની ઇચ્છા.
મહાબળેશ્વરમાં એટલું ધુમ્મસ છે કે થોડે દૂરનું દેખાય પણ નહીં
ચાલો, તો શરૂઆત કરીએ. હું મારી એક દિવસની સર્કિટ વિશે લખીશ. બે દિવસમાં એને બદલવાનું વાચકો પર છોડું છું. સવારે સાડાપાંચે અથવા મોડામાં મોડું છ વાગ્યે તમારા વાહનનું પ્રથમ ગિયર પડી ગયું હોવું જ જોઈએ. થર્મોસમાં ચા ભરી લેવી. જેટલું વહેલું મુંબઈ છોડો એટલું આપણા ફાયદામાં છે. આપણું પહેલું વિરામસ્થળ છે મહાબળેશ્વર. હા જી, મહાબળેશ્વર. અંતર ૨૫૦ કિલોમીટર. મુંબઈથી એક્સપ્રેસવે પકડી, લોનાવલા વટાવી, પુણે અને આગળ સાતારા રોડ પકડીને પહોંચી જાઓ મહાબળેશ્વર. રસ્તામાં નાના-નાના વિરામની છૂટ છે. આ આપણી સર્કિટનો સૌથી લાંબો પૅચ છે એટલે જેટલો સરળતાથી અટક્યા સિવાય વટાવી શકાય એટલું આગળ જતાં સારું પડશે એ જાણશો. ચોમાસું હોય અને લોનાવલા, પુણે વટાવીને મહાબળેશ્વર એટલે એક સ્વર્ગીય અનુભૂતિની શરૂઆત તો થઈ જ જાય છે. વહેલી સવારે નીકળવાથી લોનાવલાનું ધુમ્મસમાં જકડાયેલું સૌંદર્ય હૃદયમાં કોતરાઈ જશે. કેટલીયે વાર લોનાવલા ગયા જ હોઈશું, પરંતુ સવારે સાત વાગ્યે લોનાવલા વટાવીને આગળ? વાહ, વિન્ડસ્ક્રીન પર જોશભેર પછડાતો રહેતો વરસાદ, કોઈ-કોઈ જગ્યાએ ધુમ્મસના હિસાબે દસથી પંદર ફુટ સુધી જ જોઈ શકાતો આગળનો રસ્તો, આળસ મરડીને ધીમે-ધીમે અનાવૃત થઈ રહેલું ચોમાસી સૌંદર્ય, હૃદયના તાલે-તાલે નૃત્ય કરતાં વાઇપર્સ અને આંખોમાં તાજગી ભરી દેતી આ વરસાદી ઠંડક. કોઈ મનગમતું ગીત હોઠેથી ટપકી ન પડે તો જ નવાઈ!
મહાબળેશ્વરનું વરસાદી સૌંદર્ય
પુણે વટાવો અને સાતારા રોડ પકડો. એકાદ નાની ટપરી પર ચા માટેનો વિરામ? હા... હા... શું કામ નહીં. ઘડિયાળ સાડાઆઠ દેખાડતી હોય તો બધું બરાબર જઈ રહ્યું છે. ન ઊભા રહેવું હોય તો ઘરનું થર્મોસ છેને? લગાવો ચૂસકીઓ. ગાડી આગળ ધપાવો. હું એક પણ વિરામ વગર સાડાદસે મહાબળેશ્વર પહોંચી ગયો હતો અને સૅન્ડવિચ અને ચાની લિજ્જત માણી રહ્યો હતો. કાંદાભજી સાથે ચાનો બીજો રાઉન્ડ. મોડામાં મોડું અગિયાર વાગ્યે પહોંચ્યા હો તો સારું. મહાબળેશ્વરના સૌંદર્યની શું વાત કરું? વર્ષોથી અનુભવ્યું છે કે દસ જૂનથી લઈને દસ સપ્ટેમ્બર એટલે કે ચાર મહિના મહાબળેશ્વર એકસરખું હોય છે. ચોવીસે કલાક. 24 x 7. સવારે આઠ વાગ્યા હોય કે સાંજના ચાર, એકસરખું દૃશ્ય. ધુમ્મસ, સતત વરસી રહેલો વરસાદ, સખત ફૂંકાઈ રહેલો પવન અને તમામને તરબતર કરી નાખતું સૌંદર્ય! હવે તો ઘણું જ વિસ્તરી ગયું છે મહાબળેશ્વર. પંચગનીથી દાખલ થાવ. મહાબળેશ્વર છે હજી ઓગણીસ કિલોમીટર દૂર, પરંતુ રસ્તાની બંને બાજુ અતિક્રમણ? બાપ રે, ડઘાઈ જઈએ એટલું બધું અતિક્રમણ. એક સમયે આ ઓગણીસ કિલોમીટરનો રસ્તો એટલો બધો આહલાદક હતો કે જલસો થઈ પડતો. પંચગનીની માર્કેટ વટાવતાં રસ્તાની બંને બાજુ ધુમ્મસથી ઘેરાયેલી અનેક શાળાઓ, બ્રિટિશ સમયની શાળાઓ. ભવ્ય વારસો બરાબર યાદ છે. નાના હતા ત્યારે પંચગનીની હૉસ્ટેલ્સ વિશે સાંભળવાનો એક અનેરો રોમાંચ રહેતો, હંમેશાં. કેટલીયે વાર ધમકીઓ મળી હશે હૉસ્ટેલમાં મૂકી જવાની. એક અનેરું દૃશ્ય રચાતું હતું ત્યારે અને એક મિત્રને તો ખરેખર મૂકી પણ આવ્યા હતાં તેનાં મા-બાપ. તેને મળવાનું થાય ત્યારે હૉસ્ટેલના એ કિસ્સાઓ, તોફાન, મસ્તી, રૅગિંગ! આહ પંચગની. અત્યારે શાળાઓ તો છે, પરંતુ રોનક નથી રહી પહેલાં જેવી. આટલા ધુમ્મસમાં પણ એક ઉદાસી નજરે ચડે જ છે અને હજી કળ વળે એ પહેલાં તો દુકાનોની હારમાળા કબજો લઈ લે છે જાણે. આડેધડ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી દુકાનો એક અજંપો જન્માવે છે. બંને બાજુ દુકાનો જ દુકાનો. વિકાસ કે પછી? જવા દો, આગળ વધો. શેરબાગ વટાવીને થોડે આગળ જતાં વિશાળ પરિસરમાં ફેલાયેલો મનામાનો શોરૂમ. જમણી તરફ માલા’સનો શોરૂમ. વળી પાછા વિશાળ ગેમિંગ ઝોન્સ. આ બધું વટાવો એટલે આવે જૂનો અને જાણીતો મૅપ્રોનો ડેપો. આ બધા શરબત, સ્ક્વૉશ, ચિક્કી, જેલી પીપર બનાવનારાઓએ ઠીક-ઠીક કાઠું કાઢ્યું છે; પરંતુ મૅપ્રોનો દારોદમામ ઑર જ છે. એની વાત ફરી ક્યારેક.
પંચગનીની ગ્રીન વૉલ
અત્યારે આગળ વધીએ? હવે થોડો લીલો પૅચ છે. થોડું આગળ વધતાં ડાબી તરફ છે નાગફણી જળપ્રપાત કે લિંગમાળા? જે હોય એ ઊતરી શકાય. બેશક. મકાઈવાળાને ખટાવીએ. દેશી મકાઈ સાવ જ ખૂણામાં ધકેલાઈ ગઈ છે. બધે જ સ્વીટકૉર્નનું સામ્રાજ્ય છે. ત્રણેક જણને પૂછ્યા પછી એક જણ પાસેથી દેશી મકાઈ મળી ખરી. સરખી શેકજે ભાઈ. દાણા મોટા, નરમ. લીંબુ દબાવીને મીઠું-મરચું દિલથી દોસ્ત. આ... હા... હા... ધુમ્મસના હિસાબે ધોધ તો માંડ દેખાતો હતો, પરંતુ ગરમાગરમ મકાઈ! શું વાત કરું? મહાબળેશ્વરનો વરસાદ, વરસાદી ધુમ્મસ અને તમને હડસેલી રહેલો જોશભેર ફૂંકાતો પવન... બીજું શું જોઈએ?
શુકન તો સારા થઈ ગયા છે. વરસાદી વધામણાં લઈને આગળ વધીશું આવતા અઠવાડિયે.

