‘યૂં હી ચલા ચલ રાહી... કિતની હસીન હૈ યે દુનિયા’ ગીત સાંભળીને ખભે થેલો લઈને હુંય ફરવા નીકળી પડું... આવો વિચાર ક્યારેક પણ આવ્યો હોય તો આ લેખ તમારા માટે જ છે
ભૂમિ રાંભિયા તેના ટ્રાવેલ બડી હસબન્ડ અનિશ સાથે
૨૦૨૪નો ગૂગલ સર્ચ રિપોર્ટ કહે છે કે છેલ્લા છ મહિનામાં ૩૪ ટકા ભારતીયોએ સોલો ટ્રિપ વિશે સંશોધન કર્યું છે. આપણા દેશમાં સોલો ટ્રાવેલર્સની સંખ્યા વધી રહી છે. જેન્ડરનો ભેદ ભુલાવીને એકલા પ્રવાસ પર ઊપડી જવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે અમને થયું કે જો લોકોએ એકલા ફરવું જ છે તો અમુક ચોક્કસ સાવધાની અનિવાર્ય છે. સોલો ટ્રાવેલિંગના શોખથી પ્રેરાઈને પોતાનું સોલો ટ્રાવેલર ગ્રુપ શરૂ કરનારા ત્રણ મુંબઈકરો પાસેથી જાણીએ તેમના અનુભવો અને સોલો ટ્રાવેલિંગને લગતી મહત્ત્વપૂર્ણ ટિપ્સ વિશે.
અત્યાર સુધીમાં વર્ષ ૨૦૨૪માં ૩૪ ટકા ભારતીયો સોલો ટ્રાવેલ કરવા વિશે ગૂગલ સર્ચ કરી ચૂક્યા છે. આ નવા ટ્રાવેલ ટ્રેન્ડમાં જોડાતા મોટા ભાગના નવશિખિયા લોકો કાં તો એકલા નીકળી પડે છે અથવા સોલો ટ્રાવેલ ગ્રુપ જૉઇન કરે છે. જોકે સોલો ટ્રિપ ઊલમાંથી ચૂલમાં પાડનારી ન બને એ માટે અમે અનુભવી સોલો ટ્રાવેલર્સના ઇન્ટરવ્યુ કરીને તેમના અનુભવો શૅર કર્યા છે તેમ જ એક ગાઇડ તૈયાર કરી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી પહેલીવહેલી સોલો ટ્રિપ પ્લાન કરી શકો છો અને બિન્દાસ ‘અકેલે હૈં તો ક્યા ગમ હૈ’ ગીત ગણગણતાં પહાડોની સૈર પર નીકળી શકો છો.
ADVERTISEMENT
જાતને સારી રીતે ઓળખવા માંગતા હો તો એકલા ફરો પણ ધ્યાન રહે કે....
‘હું ૧૩ વર્ષની હતી ત્યારથી મને ટ્રેકિંગનો ભારે શોખ હતો. મારો પહેલો ટ્રેક હતો માઉન્ટ સંદકફૂ, જેની ઊંચાઈ ૩૬૩૬ મીટર હતી. અત્યાર સુધી હું હિમાલયના ૧૧ ટ્રેક્સ કરી ચૂકી છું અને આમ મારી સોલો ટ્રાવેલની જર્ની શરૂ થઈ. આ શોખ મારા જીવનનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે. મારા મતે સોલો ટ્રાવેલ તમને સ્ટ્રૉન્ગ બનાવે છે. કોઈની મદદ વગર પડકારોનો સામનો કરીને એમાંથી બહાર આવવું એક અલગ જ અનુભવ છે.’
દાદરમાં રહેતી વ્યવસાયે શિક્ષિકા એવી ૩૫ વર્ષની સોલો ટ્રાવેલર ભૂમિ રાંભિયાના આ શબ્દો છે. ભૂમિ આગળ કહે છે, ‘સોલો ટ્રાવેલિંગ તમને વિચારવાનો સમય આપે છે, તમે સ્વતંત્રતા અનુભવો છો, તમે પોતાની જાતને વધુ સારી રીતે ઓળખી શકો છો, તમે આત્મનિર્ભર બની જાઓ છો, ઘણી યાદગાર મેમરીઝ બનાવો છો અને તમે વધુ સારા સેલ્ફી લેતાં શીખી જાઓ છો. મારી મમ્મીએ મારા પ્રવાસના શોખને બહુ ટેકો આપ્યો હતો, પણ જૉઇન્ટ ફૅમિલીમાં લગ્ન થયાં ત્યારે ટ્રાવેલિંગની વાત કરવી જ મુશ્કેલ હોય, એમાં પણ સોલો ટ્રાવેલિંગ માટે બધા ના પાડશે એવો ડર મને હતો. જોકે તેમ છતાં મેં ઉત્તરાંખડની માઉન્ટ પાંગરચુલાની દસ દિવસની સોલો ટ્રિપ કરવાની વાત મારા પતિ અનીષને જણાવી. તે બહુ સપોર્ટિવ હતા, પણ એકલા મોકલવાની વાતથી ચિંતિત થઈ ગયેલા; કારણ કે આ એક મુશ્કેલ ટ્રેક છે. ૧૫ હજાર મીટરથી વધુ હાઇટ, હવામાનના અનેક પડકારો અને ત્યાં મોટા ભાગે મોબાઇલ નેટવર્ક પણ નથી હોતું. આખરે થોડા દિવસમાં તેમણે મને પરવાનગી આપી દીધી. આ ટ્રિપ દરમિયાન જ્યારે સુરક્ષિત બેઝકૅમ્પ પહોંચીને મેં મારો ફોટો તેમને મોકલ્યો એ અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. જોકે આટલો કૂલ અનુભવ હોવા છતાં મને હવે લાગે છે કે સોલો ટ્રાવેલ દરેક માટે નથી.’
ભૂમિ પાર્ટનરને સોલો ટ્રિપમાં સાથે લઈ જવાની સલાહ આપતાં કહે છે, ‘સોલો ટ્રાવેલમાં અજાણ્યા મિત્રો બને, પણ આ મિત્રતા ફક્ત પ્રવાસ પૂરતી જ મર્યાદિત હોય છે. તેથી જો તમારા ફેવરિટ સાથી (ફ્રેન્ડ કે જીવનસાથી) સાથે તમે આવા ટ્રેક કરો તો આવી ટ્રિપ્સ વધુ મેમરેબલ બની જાય છે. તેથી મેં મારા હસબન્ડને જ ટ્રાવેલ-બડી બનાવી લીધા. અત્યાર સુધીમાં મેં અને મારા હસબન્ડે સાથે મળીને ભારત અને બીજા નવ દેશોમાં ટ્રાવેલ કર્યું છે. ૨૦૧૧માં પહેલી વાર અમે મૉરિશ્યસ ગયેલાં. હું રિસર્ચ કરીને ઑફબીટ પ્લાન બનાવું છું, એવાં સ્થળોએ જ્યાં ઓછા લોકો જતા હોય. અમારી ટ્રિપ્સ પૈકી ઓમાનની ટ્રિપ સૌથી યાદગાર રહી છે. એ નૅચરલ બ્યુટીથી ભરપૂર છે. ઇજિપ્તની પણ મારી વન ઑફ ધ બેસ્ટ ટ્રિપ્સ હતી.’
ભૂમિ ઉમેરે છે, ‘મને વૉટરનો ફોબિયા હતો. હું ક્યારેય સ્વિમિંગ પણ નથી શીખી પણ મને મારા પતિએ સ્કૂબા ડાઇવિંગ માટે ફોર્સ કર્યો અને ઓમાનમાં મેં જે એક્સ્પીરિયન્સ કર્યો એને વર્ણવવો શક્ય નથી. મારે સ્કાય-ડાઇવિંગ કરવું હતું અને અનીષે દુબઈની ટ્રિપ પ્લાન કરી, આ અનુભવ પણ મારો યાદગાર રહ્યો છે. અમે માત્ર ટ્રાવેલ નહીં પણ સંગાથે ઍડ્વેન્ચર પણ કરીએ છીએ. ૩૫૦૦ કિલોમીટરની બાઇક-રાઇડ કરીને અમે મુંબઈથી કચ્છના રણની મુલાકાતે ગયાં હતાં. અમે આ ટ્રિપમાં અનેક સ્થળો આવરી લીધાં હતાં. અમે હવે સાથે નાના ગ્રુપમાં ટ્રિપ ઑર્ગેનાઇઝ પણ કરીએ છીએ.’
પોતાના આટલા રોચક અનુભવો પછીયે એક મહત્ત્વની સલાહ આપતાં ભૂમિ કહે છે, ‘તમે જ્યારે સોલો ટ્રાવેલ કરતા હો ત્યારે તમારી ખુશી કે ઉત્તેજના કોઈ સાથે શૅર કરી શકતા નથી. ઘણી વાર ખૂબ જ એકલતા અનુભવાય છે. એકલા ટ્રાવેલ કરો છો ત્યારે વધુ પૈસાનો ખર્ચ થાય છે. તેથી મને હવે લાગે છે કે સોલો ટ્રાવેલમાં રિસ્ક લેવું એના કરતાં કોઈ ટ્રાવેલ-બડી શોધી લેવો જોઈએ. વુમન સોલો ટ્રાવેલર્સ માટે સેફ્ટી એ સૌથી મોટો પડકાર છે. તમારે સતત અલર્ટ રહેવું પડે કે કોઈ તમારો પીછો તો નથી કરતુંને? તમારી સાથે લૂંટફાટ પણ થઈ શકે છે. મદદ કરવા માટે ત્યાં કોઈ હોતું નથી. સેફ્ટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફૉર મી.’
થિંગ્સ ટુ કૅરી
પાણી
ટૉર્ચ
મોબાઇલ
પાવર બૅન્ક
ચાર્જર
ફર્સ્ટએઇડ કિટ
બે-ત્રણ જોડી લાઇટવેઇટ કપડાં
પ્રૉપર ટ્રેકિંગ કે સ્પોર્ટ્સ શૂઝ
સોલો ટ્રાવેલર્સને સ્થાનિકોનું ગાઇડન્સ અકસ્માત કે જાનહાનિથી બચાવી શકે છે
જિગર દેઢિયા
છેલ્લા દાયકાથી સોલો ટ્રાવેલ કરતા હાર્ડરૉક ઍડ્વેન્ચરના ફાઉન્ડર ૪૮ વર્ષના જિગર દેઢિયા પોતાની જર્નીની વાત કરતાં કહે છે, ‘બાળપણથી મને ફરવાનો શોખ હતો. લોકલ મહારાષ્ટ્ર હું ઘણું ફરેલો, પણ ૧૯૯૬માં પહેલી વાર ઉત્તરાંખડસ્થિત ઔલી ગયો અને પ્રકૃતિના પ્રેમમાં પડ્યો. અને પછી મેં ક્યારેય પાછું વળીને નથી જોયું. હવે તો વર્ષમાં ઉત્તરાંખડ, લદાખ, હિમાચલ, કેદારનાથ, ચારધામ એમ ૮-૧૦ કસ્ટમાઇઝ્ડ ટ્રિપ કરું અને કરાવું છું. સાફ આકાશ, ખળખળ વહેતી નદીઓ, લીલાંછમ વૃક્ષો અને જંગલના મધુર અવાજે મને નવી રીતે જીવન જીવતાં શીખવી દીધું છે. ટ્રાવેલિંગ મારા સ્વની ખોજની સફર છે અને સોલો ટ્રાવેલિંગ મને મારા જીવનનો અર્થ શોધવામાં મદદ કરે છે.’
ગૂગલ પર બધી ઇન્ફર્મેશન મળી જાય, પરંતુ તમે જ્યારે સોલો ટ્રિપ કરતા હો ત્યારે હ્યુમન કનેક્શન અનિવાર્ય છે એમ જિગર દૃઢપણે માને છે. તે કહે છે, ‘સ્થાનિક લોકો સાથે કનેક્ટ કરો. તેમને પ્રૅક્ટિકલ સમસ્યાઓનું વધુ જ્ઞાન હોય છે. તેઓ એકલા ફરતા સોલો ટ્રાવેલર્સને વધુ હેલ્પફુલ થઈ શકે છે. તેમનું ગાઇડન્સ તમને અકસ્માત કે જાનહાનિથી બચાવી શકે છે. જો ફિલ્મો જોઈને તમે સોલો ટ્રાવેલિગનું વિચારતા હો તો ફરી વિચારજો. સોલો ટ્રાવેલિંગનો નિર્ણય દરેક વ્યક્તિના સ્વભાવ અને તમે જે સ્થળે પ્રવાસ કરવા માગતા હો એ બન્ને પર નિર્ભર કરે છે. નવી જનરેશનનો પ્રૉબ્લેમ જ અલગ છે. પૈસા બચાવવા તેઓ ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી પછી અમારા જેવા ચાર-પાંચ ટ્રાવેલર્સ પાસેથી પ્રવાસની વિગતો મેળવી પોતાની રીતે પ્લાન બનાવી નીકળી પડે છે. જોકે આના કારણે તેમની સેફ્ટીનો પ્રશ્ન પણ ઊભો થાય છે.’
એકલા ફરવાની કેટલીક ટિપ્સ
આગળથી યોજના બનાવો : તમારા ગંતવ્યનું સંશોધન કરો, ટ્રાવેલ બ્લૉગ્સ અને સમીક્ષાઓ વાંચો અને રફ આઇટનરી બનાવો.
બજેટ બનાવો : વિચાર કરો કે તમે કેટલો ખર્ચ કરી શકો છો અને તમે કેટલો ખર્ચ કરવા તૈયાર છો.
મુસાફરી વીમો લો : મુસાફરી વીમો ફ્લાઇટ મિસ થવી, અકોમોડેશનની સમસ્યાઓ, તબીબી ખર્ચ અને સામાન બદલવા જેવી વસ્તુઓને આવરી શકે છે.
એકલા ફરવા માટે અનુકૂળ સ્થળ પસંદ કરો : સ્થાનિક ભાષાને ધ્યાનમાં લો અને ખાતરી કરો કે તમારી પાસે અપ-ટુ-ડેટ પાસપોર્ટ અને જરૂરી વીઝા છે.
સભાન રહો : તમારા વાતાવરણ પ્રત્યે, તમે જે લોકો સાથે વાતચીત કરો છો તેમના પ્રત્યે અને આસપાસ ફરતી વખતે ધ્યાન આપો.
સ્વસ્થ રહો : તમારી હેલ્થનું ધ્યાન રાખો.
અન્ય લોકો સાથે રહો : નવા લોકોને મળવા અને પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હૉસ્ટેલમાં રોકાવાનું વિચારો. તમે અન્ય એકલા પ્રવાસીઓને મળવા માટે ગ્રુપ ટૂર પણ બુક કરી શકો છો.
સ્થાનિકો સાથે મિત્રતા કરો : સ્થાનિક લોકો તમને પ્રવાસ કરવા માટેની જગ્યાઓ માટે ઉત્તમ જાણકારી આપી શકે છે.
એકલા ફરવામાં પહેલાં મુશ્કેલી થતી, પણ હવે તો ટ્રાવેલ બહુ સહેલું થઈ ગયું છે
ભક્તિ સાવલા
કચ્છ ટ્રેકર્સ નામની ટૂર એજન્સી ચલાવતી ભક્તિ સાવલાને નાનપણથી ફરવાનો શોખ હતો. ૨૭ વર્ષની મુલુંડની રહેવાસી ભક્તિ કહે છે, ‘મારા પિતા યંગસ્ટર્સ માટે ટ્રેક્સ ઑર્ગેનાઇઝ કરતા હતા અને હું ત્રીજા ધોરણમાં હતી ત્યારે મેં મારો પ્રથમ ટ્રેક કર્યો હતો. વર્ષમાં બાવન વીક-એન્ડ્સ હોય એમાંથી ૪૮ વીક-એન્ડ્સ અમે લગભગ ટ્રેકિંગ કરતા હોઈએ. આમ આ જ મારું પૅશન કહો તો પૅશન અને જીવન કહો તો જીવન બની ગયું. ટેન્થ પછી મેં ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો કોર્સ કર્યો અને કચ્છ ટ્રેકર્સ કંપની શરૂ કરી. હું એકદમ ઓછા ખર્ચે ટ્રાવેલ કરવામાં માનું છું. મોટા ભાગે એવું બને કે હું એક સોલો ટ્રાવેલ કરીને આવું અને પછી લોકોને એ ટ્રેક કરાવું. આમ આવા અનેક રૂટ પર મેં લોકલ ગ્રામજનો સાથે એક સંબંધ બાંધ્યો છે. મોટા ભાગે હું ત્યાંની લોકલ સંસ્કૃતિ અને રહેણીકરણીથી પરિચિત થઈ જાઉં. સૌથી વધુ ખર્ચ રેલવે કે ઍર ટિકિટનો અને ફૂડનો થાય, પણ ઘણી વાર લોકલનાં નાનાંમોટાં કામ કરીને હું એના બદલે મારા રહેવા-ખાવાનો જુગાડ કરી લઉં. હું સોલો ટ્રાવેલ કરું ત્યારે મારો કોઈ ફિક્સ્ડ પ્રોગ્રામ નથી હોતો. રિટર્ન ટિકિટ પણ હું કરાવતી નથી. લેહમાં જ્યારે હું એક મહિનો રોકાયેલી ત્યારે મેં ત્યાંની જુદી-જુદી અનએક્સ્પ્લોર્ડ જગ્યાઓ કવર કરી હતી. મને ભીડભાડ બહુ પસંદ નથી એટલે હું વીક-ડેઝ, ઑફ સીઝન એવી રીતે જ ટ્રાવેલ કરું છું.’
૨૦૧૬માં પહેલી વાર સોલો ટ્રાવેલ કરેલું, આજે સાત-આઠ વર્ષ થઈ ગયાં એમ જણાવતાં ભક્તિ કહે છે, ‘પહેલાં મુશ્કેલી થતી, પણ હવે તો ટ્રાવેલ બહુ સહેલું થઈ ગયું છે. ઇન્ટરનેટે તમારી ટ્રિપ સરળ બનાવી દીધી છે. તમે ચૅટ GPTની મદદથી આઇટનરી બનાવી શકો છો. સોશ્યલ મીડિયા પર લોકો સાથે જોડાઈને તેમના એક્સ્પીરિયન્સ જાણી શકો છો. બધી જ માહિતી ફિંગર-ટિપ પર હાજર છે. મારે ફક્ત લોકોને એટલું જ કહેવું છે કે રીલ જોઈને પ્લાન ન બનાવો, નવા અનુભવ મેળવવા પર ફોકસ કરો. જે સ્થળે જતા હો ત્યાંનું હવામાન કેવું હશે, લોકલ ભાષા-કલ્ચર વિશે જાણવું જોઈએ. ક્યારેક તમે વિચાર્યું હોય કે આ સ્થળે જઈશું પણ કોઈક કારણવશ તમે ત્યાં ન જઈ શકો તો તમારો દિવસ બગડે નહીં. તેથી બૅકઅપ પ્લાનિંગ પણ કરવું જરૂરી છે. જ્યાં જાઓ ત્યાંના થઈ જાઓ, લોકલ ફૂડ, પહેરણ જરૂરથી ટ્રાય કરો. લોકલ ફેસ્ટિવલનો નવો યુનિક એક્સ્પીરિયન્સ લો જેથી તમને લાઇફ-ચેન્જિંગ અનુભવ મળે.’
વુમન અને સોલો ટ્રાવેલિંગની વાત સાંભળીને આજે પણ આપણા દેશમાં લોકોનાં ભવાં ઊંચાં થઈ જાય છે. જોકે આ એક મિથ છે, મારો અનુભવ તદ્દન વિપરીત રહ્યો છે એમ જણાવતાં ભક્તિ ઉમેરે છે, ‘આપણા દેશના લોકો બહુ પ્રેમાળ અને મિલનસાર છે. હું એક સ્થળે ૧૦ મિનિટ થોભું તો લોકો મને સામેથી પૂછવા આવે કે તમને કાંઈ મદદ જોઈએ છે. મારા ૯૦ ટકા અનુભવ સારા રહ્યા છે. મેં તો લોકલ પાસે, ટ્રક-ડ્રાઇવર્સ પાસે લિફ્ટ માગીને પણ ઘણું ટ્રાવેલ કર્યું છે અને એનો પણ એક્સ્પીરિયન્સ સુંદર રહ્યો છે. મારે પહેલાં આખું ભારત ફરવું છે, પછી જ હું અન્ય દેશની મુલાકાતે જઈશ. ભારતમાં જેટલી વિવિધતા અને કુદરતી સુંદરતા છે એટલી બીજા કોઈ દેશમાં નથી. મેં ફક્ત એવરેસ્ટ બેઝકૅમ્પ માટે નેપાલની મુલાકાત લીધી છે.’
છેલ્લે ભક્તિ કહે છે, ‘ફર્સ્ટ ટાઇમ ટ્રાવેલરે અજાણ્યા લોકો સાથે સેમી સોલો ટ્રિપ કરવી જોઈએ.’