ઘાટકોપરનું આ દંપતી મહિનાના ૧૫ દિવસ મુંબઈની બહાર ગાળે છે, વિદેશ ઉપરાંત દેશભરમાં ફરે છે, લક્ઝુરિયસની સાથે સાદગીભર્યા ટ્રાવેલિંગને પણ ખૂબ જ માણે છે
નવનીત છાડવા અને પત્ની ભારતી
ઘાટકોપરના ૫૯ વર્ષના નવનીત છાડવા તેમ જ તેમનાં ૫૭ વર્ષનાં પત્ની ભારતી પ્રવાસનાં એટલાં શોખીન છે કે મહિનાના ૧૫ દિવસ તેઓ મુંબઈની બહાર જ ગાળવાનું પસંદ કરે છે. વિદેશના દસેક કન્ટ્રીમાં ફર્યું હોવા છતાં આ કપલને ભારતના અંતરિયાળ પ્રદેશોમાં ફરીને દરેક પ્રાંતના કલ્ચરને જાણવું અને માણવું ગમે છે. તેમનો ઉદ્દેશ ફક્ત જુદા-જુદા પ્રદેશોમાં હરવાફરવાનો જ નથી, ત્યાંના સ્થાનિક લોકો સાથે હળીમળીને તેમના જીવનનો અનુભવ પણ લેવાનો છે અને એટલે જ લક્ઝરી ટ્રાવેલની સાથે-સાથે સિમ્પલ હોમસ્ટેનો અનુભવ પણ તેમણે લીધો છે. લક્ઝરી સ્ટાર ક્રૂઝના અનુભવ સાથે જ લોકલ રિક્ષામાં ફરીને, જમીન પર બેસીને સ્વાદિષ્ટ ફૂડનો આસ્વાદ પણ તેમણે માણ્યો છે.
પ્રવાસ ભરે છે જીવનમાં રંગ
ADVERTISEMENT
પ્રવાસ આપણા જીવનમાં રંગ ભરે છે અને જીવનને સમજવાની દૃષ્ટિ આપે છે એમ જણાવતાં નવનીતભાઈ કહે છે, ‘અમને બન્નેને પ્રવાસનો શોખ છે, સાથે-સાથે અમે બેઝિક સગવડો સાથે રહેવા ટેવાયેલાં છીએ. અમને ફાઇવસ્ટાર સગવડો જ જોઈએ એવું નથી. ખોરાકની બાબતમાં પણ અમે ફ્લેક્સિબલ છીએ અને અમે કોઈ પણ પ્રકારના વાતાવરણમાં ઍડ્જસ્ટ થઈ જઈએ છીએ. આ જ કારણે અમારો પ્રવાસ આનંદદાયક બને છે.’
ટ્રેકિંગ, મૅરથૉન, સ્પોર્ટ્સ
ભારતી અને નવનીત બન્ને ઍથ્લીટ છે અને તેમણે બન્નેએ બાર-બાર વર્ષ સુધી જુદી-જુદી મૅરથૉનમાં ભાગ લીધો છે. આ ઉપરાંત બન્નેને ટ્રેકિંગનો પણ ખૂબ-ખૂબ શોખ છે અને તેમણે કિલિમાન્જારો ટ્રેક, ધ ગ્રેટ લેક ઑફ કાશ્મીર ટ્રેક, સિક્કિમમાં ગોએચલા ટ્રેક, વૅલી ઑફ ફ્લાવર્સ જેવાં અનેક સ્થળોએ ટ્રેકિંગ કર્યું છે. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્ર, ધરમશાલા, કેરલા, તામિલનાડુ, લદ્દાખ જેવાં અનેક સ્થળોએ પણ ટ્રેક કર્યા છે. આ કારણે પણ તેમને ભારતના વિવિધ પ્રાંતોમાં જવાનો લહાવો મળ્યો છે. દમણમાં પ્લાસ્ટિકની ફૅક્ટરી ધરાવતા નવનીતભાઈ કહે છે, ‘અમને સ્પોર્ટ્સ ઍક્ટિવિટી પણ ખૂબ ગમે છે એટલે અમે સ્કૂબા ડાઇવિંગ, પૅરાગ્લાઇડિંગ, રિવરરાફ્ટિંગ, સ્નોરકલિંગ, પૅરાસેઇલિંગ, ઝિપલાઇન, સ્કીઇંગ, રૅપલિંગ ઇન વૉટરફૉલ્સ જેવી દરેક ઍક્ટિવિટી કરી છે. આ બધું જ કરવા માટે અમે ઇન્ડિયા સહિત વિવિધ સ્થળોએ ફર્યાં છીએ.’
રોમાંચક અનુભવો સાથેનો પ્રવાસ
આ દંપતીને સેલ્ફ-ડ્રાઇવિંગનો ખૂબ જ શોખ છે અને એને કારણે ભારતમાં ઘણાં સ્થળોએ પ્રવાસ તેમણે સેલ્ફ-ડ્રાઇવિંગ કરીને કર્યો છે. ક્યારેક પ્લાન્ડ, ક્યારેક અનપ્લાન્ડ પ્રવાસમાં વિવિધ અનુભવો તો થયા જ હશે એ પ્રશ્નના જવાબમાં ભારતીબહેન કહે છે, ‘ઘણી વાર અમે રાત્રે ડ્રાઇવ કરતી વખતે એવા અજાણ્યા સ્થળે રસ્તો ભૂલી જઈએ કે જ્યાં કોઈ પણ પ્રકારનું ફોનનું નેટવર્ક પણ નથી હોતું અને આજુબાજુ અંધકારમાં કોઈ રસ્તો બતાવનાર પણ ન હોય, પણ અમે અમારા ઇનર ઇન્સ્ટિંક્ટથી આગળ વધીએ અને ગમેતેમ કરીને અમારા ગંતવ્યસ્થાને પહોંચી જ જઈએ. એક વાર કોડાઇકેનાલ જતાં રાત્રે અમારી ગાડીનું એક્સેલ તૂટી ગયું. એ ક્રિસમસ ઈવ હતી અને અમારો ડ્રાઇવર મદદ શોધવા ગયો ત્યારે પણ અમે બન્ને રોડ પર એકલાં જ હતાં. જોકે અમારી સાથે કોઈ અનિચ્છનીય ઘટના નથી ઘટી એટલી કુદરતની મહેર છે. ઘણી વાર સ્થાનિકો સાથે બેસીને તેમના જ ઘરે રાંધીને ત્યાંનું ભોજન અમે લીધું છે અને એ ભોજનનો સ્વાદ કોઈ પણ ફાઇવસ્ટાર હોટેલની રેસ્ટોરાંને પણ ટક્કર મારે એવો હતો. મારો દીકરો યશ અને તેની પત્ની શ્વેતા પણ અમારી જેમ પ્રવાસપ્રેમી છે એટલે અમે ઘણી વાર ફૅમિલી-ટૂર પણ કરી છે.’
જીવન જીવવાની રીત શીખ્યાં પ્રવાસથી
વિદેશમાં અમેરિકા, ઇંગ્લૅન્ડ, ઇજિપ્ત, દુબઈ, આયરલૅન્ડ, ચાઇના, હૉન્ગકૉન્ગ, તાઇવાન, બૅન્ગકૉક, નેપાલ જેવા દેશોનો પ્રવાસ કરનાર ભારતી અને નવનીતે ઇન્ડિયાનો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીનો ઘણો પ્રવાસ ખેડ્યો છે. તેઓ કહે છે, ‘પ્રવાસથી અમને ઘણું શીખવા મળ્યું અને ભારતના અંતરિયાળ પ્રદેશમાં ઓછામાં ઓછી સગવડો સાથે જીવતા લોકોને ખૂબ સુખી જીવન જીવતા જોયા ત્યારે અમને થયું કે જીવન જીવવાનું સાચું સુખ ભૌતિકવાદમાં નથી, પરંતુ સોસાયટીએ તમને જે આપ્યું છે એ તેમને પાછું વાળવામાં છે. ટ્રેકિંગના શોખના કારણે અમે ડિસિપ્લિન શીખ્યાં. મુશ્કેલીઓ વચ્ચે પણ લક્ષ્યને કેમ પાર પાડવું એ અમને શીખવા મળ્યું. પ્રવાસ એટલે સમય નામની રેત પર યાદોનાં પગલા પડ્યાં હોય અને ન તો રેત સુકાય છે, ન પગલાં ભૂંસાય છે.’