મહાભારતકાળના આ શિવાલયમાં આજે પણ કોઈ અગોચર આત્મા મધરાતે આવી ભોળિયા શંભુને અભિષેક, ફૂલ પૂજા કરી જાય છે
તીર્થાટન
કુંતેશ્વર મહાદેવ મંદિર
બારાબંકીમાં બેગમ ગંજ ચૌરાહા પાસે ફેમસ અને હિસ્ટોરિકલ ૧૫૦ વર્ષથી વધુ પ્રાચીન ધનોખર હનુમાન મંદિર છે. એમાં ગણેશ, નંદી, પાર્વતી, શંકર, રામ-લક્ષ્મણને ખભે બેસાડેલા મહાવીર હનુમાનની સાથે શનિદેવની પ્રતિમા છે.
દુનિયામાં કેટલાંક સહસ્યો કાયમ રહસ્ય રહેવા જ સર્જાયાં હોય છે. વિજ્ઞાન અને અદ્યતન ટેક્નૉલૉજી કેટલાય ધમપછાડા કરે પણ કોઈ ભેદનો તાગ મેળવી શકતો નથી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી ૬૬ કિલોમીટરના અંતરે આવેલા કિન્તૂર ગામે આવેલા શિવાલયની જ વાત કરોને. આ મહાદેવધામમાં સાંધ્ય આરતી બાદ રાત્રે અહીંના મહંત શિવલિંગ પર કરેલો બધો શણગાર, પુષ્પો વગેરે કાઢી નાખી, જગ્યા ચોખ્ખી કર્યા બાદ મંદિર મંગલ કરે છે છતાં સવારના દેવાલયનાં દ્વાર ઊઘડતાં શંભુનાથનો અભિષેક થયેલો હોય છે, લિંગ પર ફૂલો વગેરે ચડાવેલાં હોય છે.
મંદિરના દરવાજા જડબેસલાક બંધ હોય છે. ગર્ભગૃહમાં કોઈ બારી, અરે હવાબારી સુધ્ધાં નથી. બહારથી પ્રકાશનું કિરણ પણ અંદર પહોંચે એવી શક્યતા નથી. છતાં રોજ સવારે પૂજારી શિવજીની પૂજા કરે એ પૂર્વે કોઈએ મહાદેવનો જળાભિષેક કરી જ લીધો હોય છે. અને આવું એકાદ-બે વખત નહીં, દરરોજ બને છે અને એ પણ સેંકડો વર્ષોથી બને છે.
અહીં કોણ આવે છે, ક્યાંથી આવે છે, કઈ રીતે મંદિરમાં ઘૂસે છે એ જાણવા ગ્રામ્યજનોથી લઈ નામી ન્યુઝ ચૅનલના રિપોર્ટરે પણ પ્રયત્નો કર્યા છે. એક ખબરપત્રીએ આ રાઝ જાણવા સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. તે શિવાલયને અંદરથી બરાબર ચેક કર્યા બાદ પૂજારીની સાથે બહાર નીકળ્યો. મંદિરના ડોરને મોટું ખંભાતી તાળું માર્યું એ બે વખત ચેક પણ કર્યું, ગર્ભગૃહમાં શું હિલચાલ થાય છે એ જોવા ‘ગો પ્રો’ કૅમેરા પણ ગોઠવ્યો અને સંવાદદાતા અન્ય બે વ્યક્તિઓ સાથે મંદિરની બહાર પહેરો દેતાં આખી રાત જાગતો બેઠો, પણ બીજી સવારે મંદિરનાં દ્વાર ઊઘડતાં સેમ સિચુએશન. મંદિરનાં તાળાં એમને એમ હતાં પણ શિવલિંગની અર્ચના થઈ ગઈ હતી. કૅમેરા ઊંધો પડી ગયો હતો. એ ચાલુ કન્ડિશનમાં હોવા છતાં એમાં કાંઈ કૅપ્ચર નહોતું થયું. ને આ મિસ્ટરીનો કોઈ ઉકેલ ન જડ્યો.
ADVERTISEMENT
ગ્રામ્યજનો માને છે કે આ શિવલિંગના સ્થાપક, પાંચ પાંડવોની માતા કુંતી દરરોજ અગોચર રીતે અહીં આવી પાર્વતીપતિને પૂજે છે. કહેવાય છે કે પાંચ પાંડવો જ્યારે વનવાસમાં હતા, ત્યારે અહીં આવ્યા હતા. એ વખતે માતાને પોતાના પ્રિય સુવર્ણ પુષ્પથી ભોળાનાથની પૂજા કરવાનું મન થયું. પુત્ર ભીમ એક પહાડ પરથી બે શિલા લઈ આવ્યા. પાંડુ પત્નીએ એ શિલાને શિવલિંગ સ્વરૂપે સ્થાપના કરી દીધી. પણ સુવર્ણ પુષ્પ લાવવાં ક્યાંથી? એ વખતે જગતગુરુ શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું, સમુદ્રમંથન દરમિયાન સુવર્ણ વૃક્ષ ઉત્પન્ન થયું છે અને ઇન્દ્ર એને ઇન્દ્રલોકમાં લઈ ગયા છે. તું ઇન્દ્રલોકમાં જઈ એ વૃક્ષ લઈ આવ. પ્રખર બાણાવળી તો ઊપડ્યા ઇન્દ્રલોક. અને ત્યાંથી પારિજાતના વૃક્ષને લઈ આવી શિવલિંગની નજીક ઘાઘરા નદીના તટે વાવી દીધું. એનાં કેસરી દાંડીવાળાં ધવલ પુષ્પથી માતાએ શિવજીની પૂજા કરી અને દેવોના દેવ પ્રસન્ન થઈ ગયા. તેમણે માતાને વર માગવાનું કહ્યું અને કુંતીએ મહાભારતના યુદ્ધમાં પાંડવોના વિજયના આશીર્વાદ માગ્યા. ત્યારથી એ શિવલિંગ પણ અહીં છે અને એ પારિજાતનું વૃક્ષ પણ અહીં છે.
પાંચ હજાર વર્ષથી વધુ પ્રાચીન ધરોહરને સાચવીને બેઠેલી કિન્તૂર ગામની મજબૂત ધરતી, ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી છે. આ વિલેજ શિવભક્તોમાં ખાસ્સું પૉપ્યુલર છે પણ વિકાસથી વંચિત છે. આ જ કારણે અહીંની પવિત્રતા, શાંતિ, પ્રકૃતિ મૂળ સ્વરૂપે જળવાઈ રહી છે. કુંતીમાતાએ સ્થાપિત કર્યું હોવાથી અહીં બાબા કુંતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અને અહીં બાબાને બીલીપત્ર કરતાં પારિજાતનાં પુષ્પ વધુ પ્રિય છે. સ્થાનિકો માને છે કે આ ફૂલોથી ચન્દ્રમૌલેશ્વરની આરાધના કરવાથી પ્રભુ સર્વ મનોકામના સિદ્ધ કરે છે.
અનેક ભક્તો એમ પણ માને છે કે કુંતીની સાથે દુર્યોધનની માતા ગાંધારીએ પણ અહીં પૂજા કરી ભોળિયા શંભુ પાસે પોતાના પુત્રોના વિજયની કામના કરી હતી. એ વખતે આકાશવાણી થઈ હતી કે બીજા દિવસના સૂર્યોદય પૂર્વે જે સૌથી પ્રથમ સુવર્ણ પુષ્પોથી પૂજા કરશે તેમના પુત્ર વિજયી થશે. માતા કુંતી તો આ સાંભળી નિરાશ થઈ ગયા, કારણ કે અજ્ઞાતવાસ દરમિયાન તો તેમની પાસે એક દમડી પણ નહોતી. ત્યારે પાર્થસારથિએ જાતે ઇન્દ્રલોકમાં જઈ સ્વર્ણમયી આભા ધરાવતાં પારિજાત વૃક્ષની એક ડાળ તોડી લીધી અને બરોલિયા ગામે રોપી દીધી અને માતા કુંતીએ ગાંધારી પહેલાં એ સુમનથી શિવલિંગની અર્ચના કરી આથી પાંડવોની જીત થઈ. આ કહાની સાથે ઓર એક કહાની પ્રમાણે આ શિવલિંગની સ્થાપના અહીંના શાસક ભારશિવની માતા કનતસાએ કરી છે. જોકે પારિજાત વૃક્ષ સાથે ભારશિવનું કોઈ કનેક્શન નથી.
ખેર, ઇન્ડિયાના કહેવાતું આ ઓલ્ડેસ્ટ ટ્રી પણ અનોખું છે. હાઇટ કરતાં વધુ ઘેરાવો ધરાવતું આ વૃક્ષ જુલાઈ-ઑગસ્ટમાં લાખો ફૂલોથી તરબતર થઈ જાય છે. રાત્રે ખીલીને સુંગધી ફેલાવનાર આ પુષ્પો આમ તો સફેદ અને ચટક કેસરી દાંડી ધરાવનારાં છે પણ એ સુકાઈ જતાં કંચનવર્ણાં દેખાય છે. પારિજાતનાં ફૂલોથી ભગવાન શિવનો શૃંગાર થાય છે આથી એ ફૂલને હરસિંગાર પણ કહેવાય છે. આમ તો વિકીપીડિયા અનુસાર આ વૃક્ષનું કાર્બન ડેટિંગ કરાતાં એ ૭૫૦થી ૮૦૦ વર્ષ જૂનું માલૂમ પડ્યું છે. પરંતુ ભાવિકોનું માનવું છે કે આ ચમત્કારી તરુવર છે, કારણ કે બીજા કોઈ પારિજાતની ડાળખી વાવતાં એ ઊગી નીકળે છે અને એમાંથી વૃક્ષનું વિરાટ સ્વરૂપ થાય છે. પણ આ વૃક્ષની શાખ અન્યત્ર રોપતાં એમાં કૂંપળ પણ ફૂટતી નથી કે છોડ પાંગરતો નથી. કિન્તૂરથી અઢી કિલોમીટર અંતરે બરોલિયા ગામના મનોરમ વાતાવરણમાં રહેલા આ અલૌકિક પારિજાતની પણ બે દિલચસ્પ કહાની છે. એક તો આપણે આગળ વાંચી કે શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન ઇન્દ્રલોકમાં જઈ આ વૃક્ષની શાખા અહીં લઈ આવ્યા. પણ બીજી વાર્તા અનુસાર એક વખત મોહન તેમની પટરાણી રુક્મિણી સાથે કોઈ સમારોહમાં રૈવતક પર્વત ગયા. ત્યાં સેંકડો દેવો, ઋષિમુનિઓ હતા. વીણાવાદક નારદજી પણ હતા. નારદજીના હાથમાં ત્યારે પારિજાતનું પુષ્પ હતું. દ્વારકાધીશને જોઈ નારદે એ પુષ્પ તેમને ભેટ કર્યું. મથુરાના નાથે એ પુષ્પ પોતાનાં વહાલાં પટરાણી રુક્મિણીને ભેટ કરી દીધું અને રુક્મિણીએ પતિએ આપેલા આ ઉપહારને વાળમાં શોભિત કર્યું. આ આખી ઘટના સત્યભામાની દાસીએ જોઈ લીધી અને સત્યભામાને જણાવી દીધી. આ બાજુ શ્રીકૃષ્ણ પરત પોતાના રાજ્યમાં પધાર્યા ત્યારે રાણી સત્યભામાએ એક ફૂલ નહીં, એ ફુલનું વૃક્ષ લાવવાની હઠ કરી. પ્રિય પત્નીને ખુશ રાખવા કિશનજીએ પારિજાતનું વૃક્ષ ઇન્દ્રલોકમાંથી લઈ આવવા દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું અને તેમને હરાવી આ વૃક્ષને ભૂ લોકમાં લાવી દ્વારિકા લઈ આવ્યા અને એ સોનાની નગરીથી અર્જુને કિન્તૂરની બાજુમાં સ્થાપિત કર્યું. હવે જે કથા સત્ય હોય તે, પણ આ કુદરતી સ્થાન આજે પણ શાતાદાયક છે જ અને કુંતેશ્વર મહાદેવમાં પણ કુછ તો બાત હૈ.
સ્થાનિકોના અને અહીંના પૂજારીઓના મતે મા કુંતી અહીં સૂક્ષ્મ રૂપે વાસ કરે છે, કારણ કે કુંતી અહીં સાવર-સાંજ શિવજીની આરાધના કરતાં અને તે એમાં રમમાણ થઈ જતાં. આથી જ્યારે તેમનું આયુષ્ય પૂર્ણ થયું અને દેહનો ત્યાગ કર્યો ત્યારે આત્માના જે અંશમાં મહાદેવનો અંશ હતો તે આ મંદિરમાં આવી ગયો. મંદિર ક્યારે બન્યું એનો કોઈ ઉલ્લેખ નથી પણ એક સાદા છતાં સુંદર દેવાલયની આભા અનેરી છે.
રામાયણ કાળમાં ગૌરવ રાજ્યનો હિસ્સો હોવા સાથે બારાબંકીની આ આખી ભૂમિ અનેક મહર્ષિ, મુનિઓનું તપોસ્થળ છે. રામાયણ પછી મહાભારતના સમયમાં પણ આ વિસ્તાર જાહોજલાલી ધરાવતો હતો. વેદિક કાળ બાદની વાત કરીએ તો ૧૫મી સદીમાં લૂંટારા મહમૂદ ગજનીના ભાઈ સૈયદ સાલાર મસૂદે પણ અહીં મોટા પ્રમાણમાં લૂંટફાટ-ખૂનામરકી કરી હતી. અંગ્રેજોના આવ્યા બાદ ૧૮૫૭ના બળવા વખતે અહીંના રાજા બલભદ્ર સિંહે ૧૦૦૦ ક્રાંતિકારીઓ સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે યુદ્ધ કર્યું હતું એનો ઉલ્લેખ ભારતના સ્વતંત્રતા સંગ્રામની તવારીખમાં પણ છે. ૪૫ સ્ક્વેર કિલોમીટરનો આખોય બારાબંકી જિલ્લો દેશમાં ફેમસ છે અને કિન્તૂર તેમ જ બરોલિયા એનાં નાનાં ક્યુટ વિલેજ છે.
લખનઉથી ફક્ત ૬૬ કિલોમીટર અને રામ જન્મભૂમિ અયોધ્યાથી ૧૦૮ કિલોમીટરના અંતરે આવેલા કિન્તૂર જવા અયોધ્યા કે લખનઉ જતી ગાડી પકડવી પડે અને નાનકડું ગામડું હોવાથી રાત્રિવાસ પણ એ બેઉ જગ્યાએ જ કરવો પડે. એ જ રીતે બેઉ ટાઇમનું ભાણું પણ આ શહેરોમાં જ સચવાય. બાકી અહીં ચા અને ગ્લુકોઝ બિસ્કિટ ચોક્કસ મળી જાય.
રહેવા-ખાવા-પીવાની સગવડ ન હોવા છતાં પણ ભક્તોએ આ અલૌકિક સ્થળે આવવું જ રહ્યું, કારણ કે અહીં પ્રભુનાં પગલાં થયાં છે. આજે પણ મા કુંતીનું હૃદય અહીં ધબકે છેને. કૃષ્ણ કે અર્જુને રોપેલો પારિજાત આજે પણ મહોરે છે.
ગુજરાતના કુંતેશ્વર...
વાપી-દમણની સીમા પાસે કુંતા ગામે સ્થિત કુંતેશ્વર મહાદેવનો સંબંધ પણ દ્વાપર યુગના મહાભારતકાળ સાથે છે. કહેવાય છે કે માતા કુંતી, પાંચ પુત્રો, પુત્રવધૂ દ્રૌપદી અને માનેલા ભત્રીજા કૃષ્ણ સાથે વનવાસ દરમિયાન દંડકારણ્ય તરીકે જાણીતી આ ભૂમિ પર આવ્યા હતા. અને અહીં શિવજીની પ્રતિષ્ઠા કરી હતી એટલું જ નહીં, સાથે પાંચ પાંડવ, દ્રૌપદી અને કૃષ્ણએ પણ ગંગાધરની સ્થાપના કરી. કુંતી માતાને ભોળાનાથે અર્ધનારીશ્વર રૂપમાં દર્શન આપ્યાં હતાં. એટલે એ મળી અહીં કુલ નવ શિવલિંગ છે. સમસ્ત ભારતમાં નવ શિવલિંગ ધરાવતું ક્વચિત આ એકમાત્ર પૌરાણિક મંદિર છે. ગુજરાતના જાણીતા કવિ નર્મદે જય જય ગરવી ગુજરાત ગીતમાં જે કુંતેશ્વરનો ઉલ્લેખ કર્યો છે એ ભોળાનાથ આ જ!