Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > થર્મલ વન્ડરલૅન્ડ એટલે જાણે રંગબેરંગી વિશાળ વરાળિયું ચોગાન

થર્મલ વન્ડરલૅન્ડ એટલે જાણે રંગબેરંગી વિશાળ વરાળિયું ચોગાન

Published : 17 March, 2024 07:45 AM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

ન્યુ ઝીલૅન્ડના રોટોરુઆમાં ગયા અઠવાડિયે લેડી નૉક્સના નકલી ફુવારા જોયા પછી હવે સફર કરીએ ઊકળતા પ્રવાહી ખનિજનાં રંગબેરંગી તળાવોની. કુદરતની કમાલની અભૂતપૂર્વ પ્રક્રિયાના સાક્ષી બનવાનો આ અનુભવ છે

ગંધકના કૂવામાં અમારા પડછાયા

શ્રી કુદરત શરણમ્ મમ

ગંધકના કૂવામાં અમારા પડછાયા


નૉર્થ આઇલૅન્ડના મધ્ય ભાગ એટલે કે રોટોરુઆ અને આજુબાજુના પ્રદેશમાં આમ તો જંગલો છવાયેલાં છે. આ પ્રદેશ ગાઢ છે, ગીચ છે, લીલોછમ છે. ગયા અઠવાડિયે લેડી નૉક્સના ફુવારાની પાછળ ફેલાયેલી લીલોતરી જોઈ જ હશે. આ ફુવારાની મુલાકાત પછી હવે વારો હતો વાય-ઓ-ટાપુ થર્મલ વન્ડરલૅન્ડની મુલાકાતનો. ૧૮ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો આ પાર્ક રોટોરુઆનું એક અમૂલ્ય નજરાણું છે એમ કહી શકાય.


ખંડીય અથડામણ અને જ્વાળામુખી ફાટવાને હિસાબે લગભગ એક લાખ સાઠ હજાર વર્ષ પહેલાં આ વાય-ઓ-ટાપુનો વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો હતો. એમાં વળી ૭૦૦ વર્ષ પહેલાં ફરી ફાટેલા જ્વાળામુખીને કારણે અહીં ઠેકઠેકાણે નાનાં-નાનાં ક્રેટર્સ એટલે કે મોટા કદનાં ખાબોચિયાં રચાઈ ગયાં હતાં જેમાંથી સતત વરાળ નીકળતી રહે છે. તમે વિહંગાવલોકન કરો તો આ બધાં વરાળિયાં જંગલ જ લાગે. અહીંની ખદબદતી ધરતી ન જાણે કેટલાંય મુખો વાટે ગરમી અને વરાળ ઓક્યા જ કરે છે. લગભગ ૬૫ મીટર એટલે કે ૨૦૦ ફુટ નીચે ધરતીના પેટાળમાંથી ૩૦૦ ડિગ્રીના તાપમાને જમીનમાં રહેલાં અનેક ખનિજ પીગળે છે. એમાંથી અનેક વાયુઓ (જેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ હોય છે) છૂટા પડે છે અને વાયુને હિસાબે પરપોટારૂપે આ વાયુ જમીન ભેદીને સપાટી પર આવે છે. પછી પરપોટા ફૂટે છે અને આપણને આ ગંધકયુક્ત પ્રવાહી સતત ઊકળતું હોય એ જોવા મળે છે. આ સતત ચાલતી પ્રક્રિયા ક્યારેક ખૂબ તીવ્ર હોય છે તો ક્યારેક પ્રમાણમાં મંદ. તીવ્ર હોય ત્યારે પરપોટાનાં કદ મોટાં અને ઉપર આવવાની ઝડપ વધુ હોય છે. મંદ હોય ત્યારે વિરુદ્ધ એટલે કે નાના કદના પરપોટા અને ઉપર આવવાની ઝડપ પણ ઓછી. આ બધું વાંચ્યા પછી અને ફોટો જોયા પછી આ કુદરતી અચરજ જોવાની ઉત્સુકતા તો હતી જ. આટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ અજાયબી નિહાળવાનો અમારો પ્રથમ અનુભવ હતો.



ભારતમાં ગરમ પાણીના કુંડ જોયા છે, ઝરા જોયા છે, મનાલી પાસે મણિકરણની ગરમ ધરતી પર ચાલ્યો છું, પરંતુ આ વિસ્તાર કાંઈક અલગ જ છે. આ ભૂગોળ વિશેષ છે એની ખબર હતી. ફુવારાની મુલાકાત લઈને વૅનમાં બેઠાં અને સીધાં પહોંચ્યાં થર્મલ વન્ડરલૅન્ડના આંગણે. વૅન પાર્કિંગ-લૉટમાં પાર્ક કરીને ટિકિટ લઈ અંદર પ્રવેશ્યાં. પ્રવેશતાવેંત જ ગંધ વધુ તીવ્ર અનુભવાઈ. થોડાં આગળ વધ્યાં અને એક વિશાળ વરાળિયા ચોગાનની ઝાંકી થઈ. અહીં પ્રવાસન ખાતાની કુશળતા નજરે ચડે છે. આખા વિસ્તારને અનેક લાકડાના વૉકવેના જાળાથી ગૂંથી નાખ્યો છે. જે મુલાકાતીઓને રસ નથી અને પ્રદેશનો ફક્ત ઉપર-ઉપરથી અનુભવ લેવો છે તેઓ માટે નાના વૉકવેનો અલગ ટૂંકો રૂટ છે. ફોટોગ્રાફર્સ અને જિજ્ઞાસુઓ માટે વળી લાંબો વૉકવે છે. જેને જેવી રુચિ એવી સગવડ ઊભી કરી દીધી છે. આ ઉપરાંત અલગ-અલગ બંધારણનાં ક્રૅટર્સને અલગ-અલગ નામ આપી દીધાં છે. આ નામ પણ વળી સરસમજાનાં, સાંભળવા-બોલવા ગમે એવાં છે. જરા વિચાર કરો ૨૦૦ ફુટ ઊંડેથી ૩૦૦ ડિગ્રી તાપમાનથી ધરતી ઊકળે, પ્રવાહી ખનિજ વાયુને હિસાબે ઉપર ગતિ કરે અને સપાટી પર પહોંચતાં તાપમાન થઈ જાય લગભગ ૭૪ ડિગ્રી સેલ્સિયસ. આટલા તાપમાનથી ઊકળી રહેલા પ્રવાહી ખનિજના સંપર્કમાં પણ આવો કે આંગળી પણ અડી જાય તો શું હાલત થાય? અહીં એણે કુદરતને નાથી છે એમ કહી શકાય. કેટલીયે જગ્યાએ ક્રૅટરની બરાબર વચ્ચેથી વૉકવે પસાર થાય છે.


માણો તમતમારે કુદરતને સંપૂર્ણ સલામત રીતે. કુદરતની કમાલની અભૂતપૂર્વ પ્રક્રિયાના સાક્ષી બનવાનું અનુભવો. અમે બે જણે લાંબો વૉકવે લેવાનું નક્કી કર્યું. બીજાં બધાંએ ટૂંકો.

થોડે સુધી તો એક જ વૉકવે છે, પછી ફાંટા પડે છે. પ્રવેશદ્વારથી અંદર દાખલ થઈને લગભગ સોએક મીટર ચાલતાં જ સૌપ્રથમ નજરે પડે છે એક વિશાળ તળાવ, જેને આર્ટિસ્ટ્સ પેલેટ એટલે કે કલાકારની અલગ-અલગ રંગો ભરેલી રકાબી નામ આપ્યું છે અને વાચકમિત્રો, ખરેખર એવું જ છે. સૌપ્રથમ તમને તળાવના એક ભાગમાં એકદમ આછો આકાશી કહો કે ગ્રે રંગનું પ્રભુત્વ ધરાવતો હિસ્સો નજરે ચડે છે જેને ઓપેલ પૂલ કહે છે. સ્ફટિકનો રંગ હોય એવો એકદમ પારદર્શક નહીં પરંતુ થોડો ધુમાડિયો કહી શકાય એવો રંગ. હજી થોડા આગળ વધો અને તમારો વૉકવે આ ક્રૅટરની વચ્ચોવચથી પસાર થાય છે. તમારી ડાબી બાજુના હિસ્સાનું નામ છે શૅમ્પેન પૂલ અને જમણેનો હિસ્સો છે આપણો આર્ટિસ્ટસ પેલેટ. શૅમ્પેન પૂલની વિશેષતા છે સતત ઉપર આવતા રહેતા પરપોટા. શૅમ્પેનની બૉટલ ખોલો અને પછી ગ્લાસમાં નાખો ત્યારે કેવા પરપોટા થાય અને પછી પરપોટા ગ્લાસની સપાટી પર આવે એવી જ રીતે અહીં પરપોટા સતત સપાટી પર આવ્યા જ કરે છે એથી એને નામ આપી દીધું શૅમ્પેન પૂલ. પૂલનું પાણી લગભગ સફેદ જ છે, કારણ કે લાગે છે કે આ ડાબા હિસ્સાની જમીનમાં કોઈ ખનિજ તત્ત્વ નથી અથવા બચ્યાં નથી. આ પ્રવાહી એક ફાંટામાંથી નીકળીને ઠલવાય છે આર્ટિસ્ટસ પેલેટમાં. આ જમીન છીછરી છે. હવે અહીં જમીનના આ ભાગમાં ખવાઈ રહેલી ખુલ્લી થઈ રહેલી સપાટી પર વળી અનેક ખનિજ તત્ત્વો રહેલાં છે. ૭૪ ડિગ્રીથી તપી રહેલું પ્રવાહી અહીં ઠલવાય ત્યારે સપાટી પર રહેલા કોઈક ખનિજ સાથે ભળી જઈને તામ્રવર્ણ ધારણ કરે છે. તાંબાનો રંગ જાણે. જમીન તાંબાવર્ણી થઈ ગઈ છે. લગભગ કિનારાથી દસેક ફુટ સુધી ગંધકના પાણીની નીચેની આ તાંબાવર્ણી જમીન એકદમ આકર્ષક લાગે છે. થર્મલ વન્ડરલૅન્ડની દરેક જાહેરાતોમાં આ તાંબાવર્ણી જમીનના ફોટો જોવા મળે છે. ૧૦ ફુટ પછીની જમીનમાં કોઈ બીજા ખનિજનું પ્રમાણ વધારે છે એટલે પાણીનો રંગ લીલો છે. અહીં આ પેલેટમાં તમને કેટલા રંગ જોવા મળે છે? ચાલો ગણીએ. સૌપ્રથમ તો સફેદ. પછી ઓપેલ એટલે કે ગ્રે. એ પછી આવે આ તામ્રવર્ણ. એ પછી છે લીલો. અરે, લીલા રંગના પણ બેથી ત્રણ શેડ્સ છે. હવે વારો છે પીળા રંગનો. આમ આ પેલેટમાં ચાર મૂળભૂત રંગ અને એ સિવાયના અનેક મિશ્ર રંગો પણ જોવા મળે છે.


ખૂબ જ આકર્ષક લાગી રહેલા આ રંગો ખરેખર બધાને આશ્ચર્યચકિત કરી દે છે. અમે પણ આમાં અપવાદ નહોતાં. ગંધકની વરાળ પણ હવાના ઑક્સિજન સાથે મળીને માટીની ભેખડોની ઊભી સપાટીને ખૂબ જ સુંદર લીલો રંગ પ્રદાન કરે છે. આંખોને શાતા વળે એવો આ લીલો રંગ તમને સર્વત્ર જોવા મળે છે. આનું એટલે કે આ સુંદરતાનું બધું શ્રેય ગંધક, ઊકળતા પાણી અને અહીં રહેલાં ખનિજથી સમૃદ્ધ ભૂમિને જાય છે. જ્વાળામુખી ફાટવાના અનેક ફાયદાઓમાં આ ખનિજ પદાર્થોનું ઊઘડવું કે ખુલ્લા થઈ જવું પણ ગણી શકાય. આગળ વધતાં એક વિશાળ સપાટ ખદબદી રહેલો હિસ્સો પણ આવે છે એનું નામ આપ્યું છે ફ્રાઇંગ પૅન ફ્લૅટ એટલે કે ઊકળતી લોઢી!

હજી થોડા આગળ વધો. ફિરોઝી રંગના પાણીનું વિશાળ જળાશય તમને સંમોહિત કરી નાખે છે. આ છે પોતાના આવા વિશિષ્ટ રંગને હિસાબે વિશ્વવિખ્યાત એવું નાકોરો સરોવર. આટલું વિશાળ સરોવર અને એ પણ આવા ફિરોઝી રંગનું! અદ્ભુત! કુદરતને સો સો સલામ! ફોટો લીધા પછી પાંચેક મિનિટ એમ ને એમ ઊભાં રહીને આ સરોવરને મન ભરીને માણ્યું હતું. આમ ને આમ નિહાળતાં-નિહાળતાં, અચરજ પામતાં, ફોટો લેતાં-લેતાં બે કલાક ક્યાં વીતી ગયા એની ખબર જ ન પડી. બહાર પહોંચી જ રહ્યાં હતાં અને ટ્રેઇલનો છેલ્લો ભાગ આવ્યો.

એક ડાબો વળાંક અને અમે થંભી ગયા. પગ રોકાઈ ગયા. એકદમ આશ્ચર્યચકિત! આવો રંગ તો ક્યારેય જોયો જ નથી અને આના સિવાય કદાચ જોવા પણ મળશે નહીં. સાંભળ્યું છે કે ઝેરનો રંગ લીલો હોય છે. આ તો જાણે ઝેરનું નાનું તળાવ જોઈ લો. એવો ચમકદાર લીલો રંગ. આ જગ્યાએ જરૂરથી કોઈક અલગ જ ખનિજ તત્ત્વ હશે અને ગંધક અને આ ખનિજ તત્ત્વના સમન્વયનું અદ્ભુત પરિણામ તમારી નજર સમક્ષ! વાહ! આને નામ આપ્યું છે ડેવિલ્સ બાથ. ખરેખર આ નામ સાર્થક લાગે. ડેવિલ એટલે કે રાક્ષસ અને બાથ એટલે કે તળાવ. ઝેર જેવા લીલા તળાવનું નામ ‘રાક્ષસનું તળાવ’ સાર્થક છે. ખરેખર, આ એક ખતરનાક રંગ છે. ગંધકની વરાળ, જમીન, પાણી, ખનિજ સાથે ભળી જઈને ઊકળી જઈને કેવા-કેવા ચમત્કાર સર્જી શકે એ તો આ જગ્યાની મુલાકાત લો તો જ ખબર પડે. આ વન્ડરલૅન્ડની મુલાકાત ચૂકવી નહીં.

લેડી નૉક્સના ફુવારાનો આઘાત ઊડીને વરાળ થઈ ગયો હતો અને આ ૧૦૦ ટચના સોના જેવો અનુભવ કોઈ અલગ દુનિયા સમું આ સ્થળ ખરેખર કુદરતની ન્યુ ઝીલૅન્ડને આપેલી વિશિષ્ટ ભેટ છે એ નક્કી. આ સ્થળનો આવો અનુભવ કરાવવા માટે આટલી નજીકથી નિહાળવા માટેની તમામ સગવડ ઊભી કરવા બદલ ન્યુ ઝીલૅન્ડના પ્રવાસન ખાતાને જેટલો બિરદાવીએ એટલું ઓછું જ છે. દોઢ વાગી રહ્યો હતો. બીજાં બધાં જમીને અમારી વાટ જ જોઈ રહ્યાં હતાં. અમે તૃપ્ત હતાં. જમવામાં સમય વેડફવાની કોઈ જરૂર જ નહોતી.

ફટાફટ વૅનમાં ગોઠવાયાં અને નીકળી પડ્યાં. હવે વારો હતો પ્રવૃત્તિઓનો, સાહસનો. વૅન હંકારી મૂકી અહીંથી લગભગ ૩૫ કિલોમીટરના અંતરે આવેલા રોટોરુઆ કેનોપી ટૂર્સના સેન્ટર પર જ્યાં કેનોપી વૉક અને ઝિપલાઇનિંગ માટેનું અમારું બુકિંગ હતું, લગભગ ૭૦૦ વર્ષ જૂના જંગલ પરથી ઝિપલાઇનિંગ કરવાનો, ઊંચાઈએ આવેલા ઝૂલતા પુલ પર ચાલવાનો અનોખો લહોવો લેવા માટે. ઝિપલાઇનિંગ આગળ કવીન્સ ટાઉનમાં કર્યું હતું, પરંતુ ઊંચાં મહાકાય વૃક્ષોની ટોચ પરથી અલગ-અલગ લંબાઈની પાંચ ઝિપલાઇનિંગ કરવાનો મોકો છોડવો નહોતો. છોકરાંઓ ખાસ્સાં ઉત્સાહિત હતાં. સેન્ટર પર પહોંચ્યાં ત્યાં અમને થોડી ઘણી માહિતી આપી અને બધાને હારનેસ પહેરાવી દીધાં. કોઈ પણ સાહસિક પ્રવૃત્તિઓમાં આ હારનેસ ખૂબ કામ આવે છે અને સલામતીની ખાતરી પણ ખરી. હવે અમારે અમારી વૅન અહીં જ છોડી દેવાની હતી અને કંપનીની વૅનમાં બેસીને જંગલમાં જવાનું હતું.

ત્રણ ગાઇડ અમારી સાથે હતા. બધાં વૅનમાં ગોઠવાયાં અને જંગલ જે કંપનીને આ પ્રવૃત્તિ માટે ખાસ ભાડે આપ્યું હતું ત્યાં પહોંચી ગયાં. જંગલનો આ હિસ્સો ખૂબ સરસ હતો, પરંતુ ન્યુ ઝીલૅન્ડના કમનસીબે અહીં કોઈ પણ મોટાં પ્રાણી છે જ નહીં. અહીં એટલે આખા ન્યુ ઝીલૅન્ડમાં કોઈ પણ મોટા કદનાં પ્રાણીઓ છે જ નહીં. ટાપુ હોવાને કારણે કાળક્રમે પ્રાણીઓ નષ્ટ થઈ ગયાં. જંગલ ખરાં પણ કોઈ પ્રકારનો ડર નહીં, જંગલનો રોમાંચ નહીં, એમ કેમ મજા આવે? મને તો અનેક પ્રશ્ન ઊઠ્યા. જવાબ પણ ખબર હતા અને વધુ સવાલનો કાંઈ અર્થ સરવાનો નહોતો એટલે ગાઇડને પૂછવાનું માંડી વાળ્યું. પધારો, જંગલમાં તમારું સ્વાગત છે.

શરૂઆત જ થઈ એક ઝૂલતા પુલને પસાર કરવાથી. પુલ ખાસ્સો એવો ઝૂલી રહ્યો હતો. છોકરાંઓએ વધુ ઝુલાવ્યો અને પહેલી ઝિપલાઇન પર પહોંચ્યાં. અહીંનું એક સારું પાસું હતું એકબીજાની સમાંતર બે ઝિપલાઇન લગાવેલી હતી જેથી સમયની પણ બચત થાય અને સથવારો પણ રહે. રોમાંચની વહેંચણી તમારા સાથીદાર સાથે કરી શકાય. આ ઝિપલાઇન તો નાની હતી. લગભગ ૧૦૦ મીટરની હશે. બેઠાં અને સરક્યાં ત્યાં તો ઊતરવાનું આવી ગયું, પરંતુ અડાબીડ જંગલમાં, પ્રાચીન વૃક્ષોની ટોચ પરથી વિહંગાવલોકન... ઉફ્ફ શું વર્ણન કરું? કોઈ પક્ષીના માળા હોય તો ગોતવાની કોશિશ કરી, પરંતુ નકામી ગઈ. બીજી ઝિપલાઇન પણ એવી રીતે જ ગઈ. વચ્ચે-વચ્ચે જંગલમાં ચાલવાનો, વૃક્ષો વિશે જાણકારી લેવાનો કાર્યક્રમ તો ચાલુ જ હતો.

વાચકમિત્રો, ન્યુ ઝીલૅન્ડનાં જંગલો બારમાસી જંગલોની શ્રેણીમાં જ આવે. વરસાદ અહીં ગમે ત્યારે ખાબકતો હોય છે. આખું વર્ષ વરસાદની સતત આવન-જાવન ચાલુ જ રહે છે. અહીંનાં વૃક્ષોના થડ પર, ડાળીઓ પર પણ વેલાઓનું લીલું આવરણ છવાયેલું હતું. ક્યાંક-ક્યાંક લીલનું પણ સામ્રાજ્ય દેખાતું હતું. થડનો કે ડાળીનો કથ્થઈ રંગ દેખાય પણ નહીં એવું લીલું આવરણ. મજા પડી ગઈ. બધું ચાલી રહ્યું હતું ત્યાં તો એક મહાકાય વૃક્ષ આવ્યું. ગાઇડના કહેવા પ્રમાણે આ વૃક્ષ લગભગ ૭૦૦ વર્ષ જૂનું હતું. આ ઝાડની ફરતે લાકડાની પગદંડી બનાવાઈ હતી. હા જી, પગદંડી. ખૂબ મોટો ઘેરાવો ધરાવતા આ ઝાડની પ્રદક્ષિણા આ સાંકડી પગદંડી જે કદાચ એક-દોઢ ફુટ જ પહોળી હતી એના પર ચાલીને કરવાની હતી. તમે પગદંડીની રેલિંગથી જોડાયેલા જ રહો છો, પરંતુ આ રેલિંગ વૃક્ષ બાજુ એટલે કે તમારી ડાબી બાજુ. જમણી તરફ તો ખુલ્લું જ હતું. લગભગ ૫૦ મીટરની ઊંચાઈ પર અમે પ્રદક્ષિણા કરી રહ્યાં હતાં. ૧૬૦ ફુટની ઊંચાઈ ગણી લો અને એ પણ જમણી બાજુ સંપૂર્ણ ખુલ્લી. રેલિંગ સાથે લાગેલી સાંકળને હિસાબે એક ધરપત રહે અને એટલે જ જમણી બાજુએ ઉપરથી દેખાઈ રહેલું નિતાંત, વિહંગમ દૃશ્ય, જંગલનું શાશ્વત સૌંદર્ય તમને આભા કરી દે છે. વૃક્ષનો વૈભવ, શું ઘટા, શું છટા! જાણે કોઈ સાધુ મહાત્મા જોઈ લો. પ્રદક્ષિણાના અંતે બે મિનિટ હાથના પંજા ટેકવીને હું આ મહાત્માના શરણમાં શાંતિથી ઊભો રહ્યો. જંગલની પ્રગાઢ શાંતિ મારી અંદર પણ ઊતરે એવી યાચના કરી.

હું એટલો બધો ઓતપ્રોત થઈ ગયો હતો કે ત્યારે કદાચ એ વૃક્ષને મારી અંદર સંવેદી રહ્યો હતો, ધબકાર અનુભવી રહ્યો હતો. સાવ આવો જ અનુભવ આપણા મુંબઈના આરે રોડ પર આવેલા સદીઓ જૂના બાઓબાબના વૃક્ષ સાથે પણ જોડાયેલો છે.

બધાની કિલકારીઓથી આ સંધાન છૂટ્યું અને આગળ વધ્યાં. હવે વારો હતો આ મુલાકાતના ખરા રોમાંચનો. લગભગ ૪૦૦ મીટરની ઝિપલાઇન રાઇડનો, અને શું કહું? ગજબનાક, દિલધડક અનુભવ. ૪૦૦ મીટર સરકતાં ભલે એટલી વાર ન લાગે, પરંતુ ઝડપ, ઊંચાઈ અને રોમાંચ એ મિશ્રણ ભલભલાને જલસો કરાવી દે એ નક્કી. એક તબક્કે કલાકનાં ૪૦ કિલોમીટરની ઝડપે તમે સરકી રહ્યાં હો છો. જંગલને નિહાળવામાં ૪૦૦ મીટર ક્યાં નીકળી જાય છે એની ખબર જ પડતી નથી. બીજો એક ઝૂલતો લાંબો પુલ આવ્યો. આ પુલ વટાવીને નીચે ઊતરવાનું હતું. આમાં ગાઇડે એક ગમ્મત કરીને ઊંધા માથે બધાંને નીચે ઉતાર્યાં અને છેક છેલ્લે તે એક લિવર ખેંચે એટલે તમે ચત્તા થઈ જાઓ. છોકરાઓને આ શીર્ષાસનમાં ઊતરવાની ખરી મજા પડી ગઈ. આમ ને આમ ત્રણ કલાક ક્યાં વીતી ગયા એની ખબર જ ન પડી. એક ચિરંજીવ અવિસ્મરણીય અનુભવ.

હવે કકડીને ભૂખ લાગી હતી. બહાર નીકળ્યાં. નાસ્તો કર્યો અને હોટેલ તરફ નીકળ્યાં. હવે જેને શૉપિંગ કરવું હોય તે શૉપિંગ કરે, જેને આરામ કરવો હોય તે આરામ કરે એમ નક્કી કર્યું. હોટેલ પંદરેક મિનિટના અંતરે જ હતી. હોટેલની પાછળ એકદમ જ મોટો એક સ્ટો હતો એની મુલાકાત લેવાનું નક્કી કર્યું. થોડી વાર હોટેલની લૉબીમાં બેઠા. ગ્લાસ-હાઉસનાં પણ બે ચક્કર માર્યાં, એ પછી દુકાનમાં ગયાં. અતિશય વિશાળ દુકાન પરંતુ લોકો દેખાય જ નહીં. આમ પણ વસ્તી ઓછી. પ્રવાસીઓ પર જ આ સ્ટોર ચાલતો હોય એવું લાગ્યું. સારી ગુણવત્તાયુક્ત ઘણી સ્થાનિક વસ્તુઓ દેખાઈ. ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનોની. અહીંની માટીની ખાસ્સી એવી લોકપ્રિયતા હોય એવું લાગ્યું.

રોટોરુઆની ગંધકયુક્ત માટી આમ કાળી લાગે, પરંતુ ગુણ ઘણા છે. મોઢા પર લેપ કરવા માટે, હાથ-પગમાં લગાવી રાખવા માટે અને એવું બધું. અહીં દુકાનવાળાને તડાકો પડી ગયો. ચપોચપ પૅકેટ લેવાઈ ગયાં. આપવા માટે, વ્યવહાર સાચવવા માટેની ગણતરી શરૂ થઈ ગઈ. દિવસના નક્કી કરેલા ત્રણેય તબક્કા સફળ. બપોર, સૉરી, સાંજ સુધી કુદરતના સાંનિધ્યમાં અને હવે શૉપિંગમાં બધાં મશગૂલ થઈ ગયાં. હોટેલની સામેના મકાનમાંથી નીકળતી ધૂમ્રસેરોએ ધ્યાન ખેંચ્યું. વરાળ, રોટોરુઆની વરાળ! સ્પા સેન્ટર અથવા મસાજ સેન્ટર હોય એવું લાગ્યું. રોટોરુઆ ગરમ પાણીની ધરતી પર કુદરતની આવી મહેર, આટલી કૃપા! સવાર યાદ આવી ગઈ. વાય-ઓ-ટાપુ થર્મલ વન્ડરલૅન્ડ દૃષ્ટિ સમક્ષ ઊપસ્યું, પરંતુ પાછળ ને પાછળ લેડી નૉક્સનો ફુવારો પણ. સાબુની ગોટી... મુખ પર સ્મિત રેલાઈ ગયું. જંગલો અને વિશાળ વૃક્ષ યાદ આવ્યાં. ફળદ્રુપ દિવસ, ભરપૂર દિવસ. કુદરતની સાથે, કુદરતની સાખે! શ્રી કુદરત શરણમ્ મમ.

રોટોરુઆના આખરી દિવસ અને એક વધુ કુદરતી કરિશ્માની વાત લઈને ઑકલૅન્ડ તરફ આગળ વધીશું પ્રવાસના આખરી ચરણમાં પ્રવેશ. આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2024 07:45 AM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK