Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ક્રાઇસ્ટચર્ચના મૉલમાં ‘ઘૂસતી, આંટો મારીને બહાર નીકળતી ટ્રામ પર આફરીન થઈ જવાય

ક્રાઇસ્ટચર્ચના મૉલમાં ‘ઘૂસતી, આંટો મારીને બહાર નીકળતી ટ્રામ પર આફરીન થઈ જવાય

Published : 04 February, 2024 09:51 AM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

વળી આ ટ્રામ પણ કેવી? લાકડાની અને પિત્તળની બનેલી. કોઈ ૫૦ કે ૬૦ના દાયકાની યાદ આવી જાય એવી. ઍન્ટિક કહી શકાય. ટ્રામ જોઈને જ બેસવાનું મન થઈ જાય. ક્રાઇસ્ટચર્ચની આ ટ્રામની વાત એકદમ જ હટકે છે. એકદમ જ ઍન્ટિક લાગે

ક્રાઇસ્ટચર્ચ હૉપ આૅન, હૉપ આૅફ ટ્રામ.

શ્રી કુદરત શરણમ્

ક્રાઇસ્ટચર્ચ હૉપ આૅન, હૉપ આૅફ ટ્રામ.


ક્રાઇસ્ટચર્ચનો આ એકમાત્ર દિવસ પૂરેપૂરો માણી લેવો હતો. આકર્ષણોની યાદીમાંથી બે સ્થળોની મુલાકાત લેવાઈ ગઈ હતી. ઇન્ટરનૅશનલ ઍન્ટાર્કટિક સેન્ટર અને કાર્ડબોર્ડ કૅથીડ્રલ બન્ને પૂરેપૂરાં માણી લીધાં હતાં. હવે ત્રણ જગ્યાનો વારો હતો. ક્રાઇસ્ટચર્ચ બોટાનિકલ ગાર્ડન,  ક્રાઇસ્ટચર્ચ આર્ટ ગૅલરી અને ક્રાઇસ્ટચર્ચ હૉપ ઑન, હૉપ ઑફ ટ્રામની સવારી. હવેનો નિર્ણય લેવામાં બધાની સંમતિ જરૂરી હતી, કારણ કે દરેક સ્થાનનું પોતાનું મહત્ત્વ હતું, પરંતુ રસ અને રુચિ પણ જરૂરી હતાં. સર્વસંમતિથી પહેલું સ્થળ યાદીમાંથી બાકાત થઈ ગયું. બોટનિકલ ગાર્ડનમાં લગભગ કોઈને રસ નહોતો. સમયને કારણે સૌપ્રથમ ટ્રામની સવારી કરવાનું નક્કી કર્યું. આ સવારી એક પ્રકારની સિટી ટૂર જેવી જ હોય છે. દુનિયાનાં દરેક મુખ્ય શહેરોમાં આવા પ્રકારની સિટી ટૂર્સ ચાલતી હોય છે. શહેરના મુખ્ય વિસ્તારનાં અનેક સ્થાન પસંદ કરે અને એ બધાં સ્થાનોને જોડતી એક સર્કિટ બનાવે. હવે ટ્રામ અથવા ખુલ્લી બસ આ રૂટ પર સતત દોડતી રહે. તમે એમાંથી કોઈ પણ બસમાં બેસી શકો અને પસંદ કરેલા સ્થળમાંથી કોઈ પણ સ્થળે ઊતરો, આજુબાજુ ફરો, માણો અને ફરી કોઈ પણ પૉઇન્ટ પરથી પાછા ચડી જાઓ. આમ સર્કિટના કોઈ પણ પૉઇન્ટ પરથી ચડો એને કહેવાય હૉપ ઑન અને કોઈ પણ પૉઇન્ટ પર ઊતરો એને કહેવાય હૉપ ઑફ. અલગ-અલગ શહેરોના વિસ્તાર પ્રમાણે સર્કિટનો સમય વધુ ઓછો થતો રહે. અહીં એક વધારાનું પાસું એ હતું કે ક્રાઇસ્ટચર્ચની આ સર્કિટમાં તેઓ લાકડાની અને પિત્તળની બનેલી ટ્રામ દોડાવે છે. ૫૦ મિનિટની સર્કિટ છે અને એમાં લગભગ આઠથી દસ પૉઇન્ટ્સ પસંદ કરવામાં આવ્યા છે. વળી આ ટ્રામ પણ કેવી? લાકડાની અને પિત્તળની બનેલી. કોઈ ૫૦ કે ૬૦ના દાયકાની યાદ આવી જાય એવી. ઍન્ટિક કહી શકાય. ટ્રામ જોઈને જ બેસવાનું મન થઈ જાય. અમે આ ટ્રામસવારી લેવાનું વિચાર્યું. ક્રાઇસ્ટચર્ચની ભૂગોળનો પણ ખ્યાલ આવી જાય અને એ ઉપરાંત બધાં મુખ્ય આકર્ષણોની ઝલક પણ મળી જાય. ટિકિટ લીધી અને ટ્રામમાં ચડ્યાં.




ક્રાઇસ્ટચર્ચ આર્ટ ગૅલરી.


વાચકમિત્રો, આટલી સુંદર ટ્રામ મેં જોઈ નથી, ખરેખર. આપણા કલકત્તાની ટ્રામ જોઈ છે, મૉરોક્કોમાં પણ ટ્રામસવારી કરી છે, પરંતુ ક્રાઇસ્ટચર્ચની આ ટ્રામની વાત એકદમ જ હટકે છે. એકદમ જ ઍન્ટિક લાગે. આમ પણ અંદરના લોકો કરતાં બહારના લોકો વધુ ફોટો પાડી રહ્યા હતા. એક લહાવો છે, આ સવારી. વધુ નવાઈ તો ત્યારે પામી ગયા જ્યારે આ ટ્રામ એક મૉલમાં ઘૂસી. ઘૂસી શબ્દ જ બરાબર રહેશે, કારણ કે આજુબાજુ મૉલની દુકાનો જ હતી. મૉલની વચ્ચોવચ એક મોટો ચોક આવ્યો અને અમારી ટ્રામે રીતસરની આ ચોકની પરિક્રમા કરી. આખું વર્તુળ પૂરું કર્યું અને જે પાટા પરથી આવી હતી એ જ પાટા પર ફરી ચાલી નીકળી. અમને બધાને મજા પડી ગઈ. ક્રાઇસ્ટચર્ચનો મુખ્ય ભાગ આ સર્કિટમાં જ ફરી લીધો. છેલ્લા પૉઇન્ટ પર ઊતર્યા ત્યારે સાંજે લગભગ સાડાછ વાગી ગયા હતા. ખૂબ મજા પડી.


ખડક પર આરામ ફરમાવી રહેલી સીલ્સ.

હવે એક જ સ્થળ બાકી હતું અને એ સ્થળ એટલે ક્રાઇસ્ટચર્ચ આર્ટ ગૅલરી. ટ્રામ સ્ટેશનથી ફક્ત પાંચ મિનિટના અંતરે આવેલી આ આર્ટ ગૅલરી જોવા જેવી છે. સૌથી ભવ્ય તો એની રચના અને બાંધણી છે. કાચનો ભરપૂર છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે. સાંજે તો વળી એની શોભા કાંઈક ઑર જ હોય છે. અમે પહોંચ્યાં તો ખરાં, પરંતુ અમારી પાસે લગભગ ૧૫ મિનિટ જ બચી હતી. આર્ટ ગૅલરી ૭.૦૦ વાગ્યે તો બંધ... અરે યાર, ચાલો ઠીક છે. એક ઊડતી લટાર મારીને બધાં બહાર.

ખરેખર થાક લાગ્યો હતો. થોડું ચાલ્યાં અને એક બોર્ડ જોઈને બધાની આંખો ચમકી ઊઠી. હિમાલયા’ઝ ઇન્ડિયન રેસ્ટોરાં. ભૂખ જાગી ઊઠી. આજે ખરી જ્યાફત માણવી હતી. ભારતીય ખાણીપીણી મળે પછી બાકી શું રહે? ભરપેટ જમ્યાં અને  રિસૉર્ટ માટે નીકળ્યાં. ક્રાઇસ્ટચર્ચને અલવિદા કરવાની હતી, આમ જુઓ તો સાઉથ આઇલૅન્ડને પણ. પ્રવાસનું પ્રથમ ચરણ સમાપ્ત થઈ રહ્યું હતું. કાલે વહેલી સવારે નીકળી જવાનું હતું અને લગભગ ૩૫૦ કિલોમીટરની મુસાફરી કરી પહોંચવાનું હતું પિક્ટન, જ્યાંથી આ પ્રવાસ આગળ વધારવા માટે ફેરી પકડવાની હતી. આ ફેરીનો સમય હતો બપોરે સવાબે વાગ્યાનો એટલે સવારે જો વહેલાં નીકળીએ તો લગભગ ચારથી સાડાચાર કલાકમાં પિકટન પહોંચી જવાય. રસ્તામાં જો ક્યાંક ઊભા રહીએ તો વળી વધુ સમય પણ જોઈએ. આ ઉપરાંત અમારે પિક્ટન પર વૅન પરત કરવાની હતી અને વેલિંગ્ટનથી બીજી વૅન લેવાની હતી. જો આ જ વૅન અમે લઈ જઈએ તો નાહકના ઘણા પૈસા લાગી જાય એમ હતું એટલે સાઉથ આઇલૅન્ડ માટે એક વૅન અને નૉર્થ માટે એક એમ પહેલેથી જ બુક કરાવ્યું હતું. વળી પાછું આ ખૂબ જ સરળ હોય છે.

વિન્ગ્સ ઓવર વ્હેલ્સ - કાઇકોરા ગામનું નજરાણું.

તકલીફ પડતી નથી. સામાન ફેરી સ્ટેશન પર મૂકી દો, તેઓ ગોઠવી દેશે અને વેલિંગ્ટન પર ફેરી સ્ટેશન પર સામાન સુપરત પણ કરી દે છે. કોઈ ટેન્શન નહીં. આ બધું કામ હતું એટલે સવારે ૭ વાગ્યે નીકળવાનું નક્કી કરી, બધાં પોતપોતાનાં કૉટેજમાં ગયાં. સાત તો નહીં, પરંતુ સાડાસાતે નીકળ્યાં ત્યારે આકાશ ગોરંભાયેલું હતું, પવન ફૂંકાઈ રહ્યો હતો અને ઝીણો વરસાદ ચાલુ હતો. આમ તો વાંધો ન આવવો જોઈએ. નકશામાં જોયા પ્રમાણે આ ૩૫૦ કિલોમીટરની આખી મુસાફરી દરિયાની સમાંતર જ કરવાની હતી. સુંદર રસ્તો હોવાના દરેક અણસાર આવી રહ્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લાંબી મુલાકાત મુલતવી રાખી અમે નીકળ્યાં. રસ્તા ખાલી હતા. વાતાવરણ થોડું અંધારિયું હતું. પહેલો પડાવ હતો ૧૮૦ કિલોમીટર પછી આવતું કાઇકોરા ગામ. થોડાં કિલોમીટર વટાવતાં જ જમણી તરફ દરિયો ચાલુ થઈ ગયો. આ ઉપરાંત રસ્તા અને દરિયાની વચ્ચે પાછા રેલવેના પાટા પણ હતા. થોડી નવાઈ લાગે. દરિયો રસ્તાથી ખાસ્સો નજીક હતો એમાં વચ્ચે વળી આ પાટા? એ પણ એટલા નજીક કે ક્યારેક દરિયાનાં પાણી આ પાટા પર ફરી પણ વળતાં હશે એવી શક્યતા ખરી.  પિક્ટન જઈને વાંચ્યું ત્યારે ખબર પડી કે આ પાટા છે, પ્રખ્યાત કોસ્ટલ પૅસિફિક ટ્રેનના. આ ટ્રેન પણ દરિયાની સમાંતર ચાલીને તમને ક્રાઇસ્ટચર્ચથી પિક્ટન જ પહોંચાડે છે. સમય થોડો વધુ લાગે છે, પરંતુ આ મુસાફરી ચોક્કસ રોમાંચક હશે જ હશે. અમે આગળ વધી રહ્યાં હતાં. જમણે દરિયામાં કિનારા પર ખડક દેખાતા હતા. રેતાળ પટ નહોતો, પરંતુ ખડકો દેખાઈ રહ્યા હતા એટલે અંદાજ આવ્યો કે દરિયાને બૂરીને આ રસ્તો અને પાટા બેસાડ્યા હશે, કદાચ. આમ ને આમ આગળ વધી રહ્યાં હતાં. નજર ક્યારેક જમણે તો ક્યારેક સીધે એમ દોરાતી જતી હતી. આકાશ એકદમ જ દરિયા પર ઝળૂંબાયેલું હતું.

‘પાવા’ એટલે કે ગોકળગાયના કુદરતી કવચના બેનમૂન રંગ.

જમણે થોડી ભેખડો વટાવી રહ્યા હતા, ત્યાં જ ભેખડો પરથી થોડા આકાર હલ્યા. જાણે કાળી ભેખડનો કોઈ કાળો ભાગ છૂટો પડ્યો. હજી જોઈએ ન જોઈએ ત્યાં તો હલનચલન પરથી ખબર પડી ગઈ કે સીલ વિહાર કરી રહી હતી અને પછી તો વધુ ને વધુ સીલ દેખાવા લાગી. દરેક ખડક પર પાંચથી સાત સીલ હતી. કોઈ આરામ ફરમાવી રહી હતી, તો વળી કોઈ મોજાંની વાછટથી મજા લઈ રહી હતી. થોડો સમય થાય અને કોઈ વળી દરિયામાં ગરકાવ થતી પણ જોવા મળે. જાણે સીલની મોટી વસાહત અહીં વસવાટ કરી રહી હતી. આ જળચર સારું એવું કદ ધરાવે છે અને આમ જોઈએ તો આ ભારે કદના હિસાબે જ એને હલનચલનમાં પણ તકલીફ પડે છે. સીલ પાણીમાં તેમ જ જમીન પર બન્ને જગ્યાએ રહી શકે છે. સીલ મેમલની શ્રેણીમાં આવે છે, એને માછલી ન કહી શકાય. સીલ ઉત્ક્રાન્તિના સિદ્ધાંતનો એક ઉત્તમ દાખલો છે. નિષ્ણાતોના મતે સીલ પહેલાં ભૂચરના જીવ હતા અને એને પગ પણ હતા, પરંતુ કાળક્રમે જળચર થઈ રહ્યાં છે. પગને સ્થાને સીલને એક મોટો પંજો આવી ગયો છે, જે એને તરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે માછલીઓ ઠંડા લોહીનો જીવ હોય છે જ્યારે સીલ ભૂચરના જીવોની જેમ ઉષ્ણ લોહી ધરાવે છે. આમ અત્યારે સીલ કદાચ ઉત્ક્રાન્તિના મધ્ય તબક્કામાંથી પસાર થઈ રહેલો જીવ છે, જે કદાચ સદીઓ પછી પૂર્ણપણે જળચર બની જાય. આમ પાટા જોતાં-જોતાં,  સીલને નિહાળતાં-નિહાળતાં, દરિયાને, આકાશને માણતાં-માણતાં અમે પહોંચ્યાં કાઇકોરા ગામ. આ ગામ પ્રખ્યાત છે, દુનિયાની સૌથી મોટું કદ ધરાવતી સ્પર્મ વ્હેલનાં દર્શન માટે. નવાઈ લાગશે, પરંતુ અહીંથી સ્પર્મ વ્હેલને નિહાળવા માટે બોટ તો ખરી જ, પરંતુ નાનાં વિમાનોમાં પણ ખેપ કરાવાય છે. આને વિન્ગ્સ ઓવર વ્હેલ્સ કહેવામાં આવે છે. આ ૩૦ મિનિટની ખેપમાં દરિયાની ઉપર એકદમ નીચી સપાટીએ વિમાન ઉડાડાય છે. વ્હેલદર્શનનો આવો લહાવો ખરેખર જવલ્લે જ મળે. લગભગ બધે નાની બોટમાં જ વ્હેલ્સ કે ડોલ્ફિન્સ જોવા માટેની ટૂર્સ હોય છે અહીં ન્યુ ઝીલૅન્ડમાં વિમાનમાં. આવું પહેલી વાર જોયું. અમે પહોંચ્યાં. અમારી પાસે સમય હતો, પરંતુ વરસાદ હોવાથી આ સર્વિસ બંધ હતી.

કોસ્ટલ પૅસિફિક ટ્રેનના પાટા અને દરિયાને સથવારે-સથવારે.

વ્હેલ પણ મેમલ જ હોય છે એટલે વ્હેલ તો જોવા મળે જ, પરંતુ વરસાદ અને પવનનો કોઈ ભરોસો નહીં. નાના વિમાનને તો એકાદ ઝપાટે ફંગોળી નાખે. કોઈ જોખમ લેવું નહીં. એક રેસ્ટોરાં દેખાઈ. વૅન ત્યાં પાર્ક કરીને ગામ જોવા નાનો આંટો મારવાનું વિચાર્યું. વરસાદ હજી પણ ઝરમર-ઝરમર આવતો હતો. વધુ ભીંજાવાનું જોખમ નહોતું. ત્યાં તો એક ત્રિભેટે કંઈક અલગ જ દેખાતી, એક દુકાન પર નજર પડી.  સધર્ન પાવા ઍન્ડ પૅસિફિક જ્વેલ્સ નામનું બોર્ડ લાગેલું હતું. દુકાન આકર્ષક લાગી રહી હતી એટલે અંદર ડોકિયું કર્યું અને અંદર જોતાં જ આંખો ચમકી ઊઠી. દુકાનની અંદર કેટલીયે હાથબનાવટની વસ્તુઓ વેચાણ માટે રાખેલી હતી, પરંતુ બધી વસ્તુઓ દરિયાઈ પેટાળમાંથી મળી આવતા કુદરતી ખજાનામાંથી બનાવેલી. વાચકોની જાણ ખાતર, પાવા એટલે દરિયાઈ ગોકળગાય, જેને માંસાહારીઓ લહેજતથી ખાય છે અને આ જીવની રક્ષા માટેનું જે કુદરતી કવચ હોય છે એને આવી સુશોભનની કલાકૃતિઓ માટે વાપરવામાં આવે છે. આ કવચ અંદરની બાજુથી ખૂબ જ ચમકીલું અને લિસ્સું હોય છે, એટલે દેખાવમાં ખૂબ આકર્ષક લાગે. મુખ્યત્વે અહીં વેચાઈ રહેલી વસ્તુઓ આવા અલગ-અલગ કવચ, શંખલાં,  છીપલાં,  પરવાળા વગેરેમાંથી બનાવાયેલી હતી. સૈદ્ધાંતિક કારણસર આવી બધી વસ્તુઓ લેવાનો, વાપરવાનો નિષેધ છે એટલે ન લીધું, પરંતુ ખૂબ જ સુંદર દેખાતી આ વસ્તુઓની ઘણી ડિમાન્ડ રહે છે. 
કાઇકોરા એક દરિયાઈ ગામ છે અને અહીં માછીમારી તથા પર્યટન જ મુખ્ય ઉદ્યોગ છે. કૉફી પીધી. થોડો નાસ્તો કર્યો અને નીકળી ગયાં. વ્હેલદર્શનનો લહાવો ન મળ્યો એનો અફસોસ ખરો. ખેર આગળ વધીએ. દરિયો અને પાટા અમને અને અમે તેમને છોડતા નહોતા એમ કહી શકાય. આખો રસ્તો દરિયાને સમાંતર જ. કોઈ-કોઈ ઠેકાણે તો દરિયો ખરેખર ખૂબ જ નજીક કદાચ ૧૫ ફુટના અંતરે જ હોય. ગજબનાક હિંમત કહો કે તકનિકી કૌશલ. દરિયાની અને એ પણ પૅસિફિક મહાસાગરની આટલું નજીક ન ફરકાય, એ ચોક્કસ. કુદરત ક્યારે વીફરે, કાંઈ કહી ન શકાય. આ બધી વાતો કરતાં-કરતાં, વિચારતાં-વિચારતાં પહોંચ્યાં.

પિકટનથી વેલિંગ્ટનની ફેરી સર્વિસમાં ફક્ત બે જ કંપનીઓ કાર્યરત છે; પહેલી, અમે જે ટિકિટ લીધી હતી એ ઇન્ટરઆઇલૅન્ડર અને બીજી છે બ્લુ બ્રિજ.  ઇન્ટરઆઇલૅન્ડરનાં જહાજ વધુ મોટાં છે એટલે જોખમ ઓછું. આ ઉપરાંત ખરાબ હવામાનને કારણે સેવા રદ થવાની પણ શક્યતા ઓછી. મેં તો સલામતીના કારણસર જ  ઇન્ટરઆઇલૅન્ડરની ટિકિટ બુક કરાવી હતી. હવે આ કુક સામુદ્રધુની વિશે થોડું જાણીએ. આ સામુદ્રધુનીને ‘કુક’  કહેવા કરતાં ‘કૃક’ કહેવું યોગ્ય રહેશે, કારણ કે અહીંનો દરિયો સૌથી વધુ જોખમી અને અકળ છે. કોઈ ભરોસો ન કરી શકાય. પિક્ટનના બારાની શોધ પણ ઈસવી સન ૧૭૬૯માં મહાન ખગોળવિદ કકૅપ્ટન જેમ્સ કુકે જ કરી હતી અને તેમના નામ પરથી જ નામ પડ્યું કુક સામુદ્રધુની. પિક્ટન એકદમ સલામત બારું છે, કારણ કે દરિયામાંથી તમે માર્લબોરો સાઉન્ડ વટાવીને જ અંદર પ્રવેશી શકો છો. હવે અહીં કુદરતની મહેર, નાનીમોટી ભેખડના રૂપમાં વરસી છે. સમુદ્રમાંથી ડાબે-જમણે વળતાં આવી અનેક ભેખડ વટાવતાં, તમે પિક્ટન પહોંચો છો. ઊંડાઈ ૫૦૦ ફુટ જેટલી છે એટલે મોટાં જહાજોને પણ વાંધો આવતો નથી, પરંતુ દરિયાનું અથવા કહો કે દરિયાઈ તોફાનોનું કોઈ જોર આવા વળાંકવાળા જળમાર્ગો પર ટકી શકતું નથી. ભેખડ બધું જોર તોડી નાખે છે. આ છે કુદરતી કિલ્લો. એકદમ સલામત છે, પરંતુ એક પ્રાણપ્રશ્ન છે. બન્ને વચ્ચેના દરિયાનું શું? નકશો જોશો તો સમજાશે કે ક્રાઇસ્ટચર્ચ આવી ભેખડોથી ઘેરાયેલું છે અને પિક્ટન પણ, પરંતુ જેવા આ કિનારા વટાવો અને મહાસાગરમાં પ્રવેશો છો કે તમે સંપૂર્ણપણે કુદરતને હવાલે છો. ભગવાન ભરોસે. અમે પિક્ટન પહોંચ્યાં. સામાન જમા કરાવ્યો અને ગાડી પરત કરી. મસમોટા જહાજમાં પ્રવેશ્યાં. અનેક વાહનો, ટ્રક્સ બધું જ ભંડકિયામાં પાર્ક કરાયેલું હતું. આ ઉપરાંત દરેક વાહનને કાપડના મજબૂત પટ્ટાથી લોખંડના હુક સાથે બાંધ્યાં હતાં. ટ્રકને સાંકળથી બાંધીને હલનચલન મર્યાદિત કરવાની પૂરી તકેદારી, પરંતુ આમ છતાં કોઈ ભરોસો નહીં. આગળ લખ્યા મુજબ વરસાદી માહોલ તો છવાયેલો હતો જ. ઉપરાંત તીવ્ર ગતિથી ફૂંકાતો પવન પણ ખરો જ. બધાં ઉત્સુક હતાં. રોમાંચ ભારોભાર અનુભવાઈ રહ્યો હતો.

રસ્તાને સમાંતર પથરાળ દરિયાઈ પટ અને વાદળો.

થોડો સમય હતો એટલે ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરતાં આ રૂટ પર થયેલા અકસ્માતોની યાદી મળી. બે જીવલેણ હોનારત. એક ઈસવી સન ૧૯૦૯માં અને બીજી ઈસવી સન ૧૯૬૮માં, જેમાં સારીએવી માનવખુવારી થયેલી. એ સિવાય દરેક વર્ષે નાની-મોટી હોનારતો ખરી જ. ખરેખર આ સામુદ્રધુની છે કે અહીંનો સમુદ્ર ધૂની છે, ખબર નહોતી પડતી. જોખમ તો હતું, પરંતુ જોખમ સિવાય મજા, ખરો આનંદ પણ ક્યાં છે? ઓ પૅસિફિક મહાસાગર, આ મુસાફરી તારા હવાલે. તું તારે કે મારે, બધું જ તને સુપરત. જોઈએ આ યાત્રામાં રત્નાકરના, અર્ણવના પેટાળમાંથી શું-શું જડી આવે છે? બધા હૉલમાં ગોઠવાયાં. પ્લૅટફૉર્મ ઊંચકાયું. જહાજની તીણી વ્હિસલ ચારે દિશામાં ગુંજી ઊઠી. જાણે કોઈ શંખનાદ. જળયાત્રાનો આરંભ. શ્રી કુદરત શરણમ્ મમ... ફેરીનો અનુભવ, પૅસિફિક અર્ણવના સાંનિધ્યની વાતો અને નૉર્થ આઇલૅન્ડમાં પ્રવેશ આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2024 09:51 AM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK