તાજેતરમાં ભારતના શ્રેષ્ઠ ગામનો ખિતાબ મેળવનારા રાજસ્થાનના દેવમાલી ગામમાં જસ્ટ ૧૫૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામની બીજી ખાસિયતો જાણશો તો આજના કળિયુગમાં પણ આ વાતો દંગ કરી દેનારી છે
દેવમાલી ગામ
કી હાઇલાઇટ્સ
- ૩૦૦૦ વીઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે રાજસ્થાનનું દેવમાલી ગામ
- ગામમાં પૈસેટકે સુખી અને સમૃદ્ધ લોકો જબરદસ્ત સાદગીથી રહે છે
- ગામમાં નથી કોઈ દારૂ પીતું, નથી માંસાહાર કરતું કે નથી આજ સુધી કોઈ ગુનો નોંધાયો
૩૦૦૦ વીઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલા રાજસ્થાનના દેવમાલી ગામમાં પૈસેટકે સુખી અને સમૃદ્ધ લોકો જબરદસ્ત સાદગીથી રહે છે. ગામમાં નથી કોઈ દારૂ પીતું, નથી માંસાહાર કરતું કે નથી આજ સુધી કોઈ ગુનો નોંધાયો. તાજેતરમાં ભારતના શ્રેષ્ઠ ગામનો ખિતાબ મેળવનારા જસ્ટ ૧૫૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામની બીજી ખાસિયતો જાણશો તો આજના કળિયુગમાં પણ આ વાતો દંગ કરી દેનારી છે
હમણાં જ બે દિવસ પહેલાં મારા એક મિત્ર સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે‘‘મુંબઈમાં ભલે શિયાળા જેવું કશું ન હોય બાકી બીજે બધે ઠંડી મજાની પડે હોં!’ મેં હકારમાં મોઢું હલાવ્યું તો તરત તેમણે કહ્યું, ‘યાર કોઈ સારી જગ્યા હોય તો કહેને થોડા દિવસ ક્યાંક ફરવા જઈ આવું એમ થાય છે.’ મેં કહ્યું, શિયાળો અને રાજસ્થાન એક બેનમૂન જોડી બને. દેવમાલી જઈ આવો. ખબર જ હતી કે સામો પ્રશ્ન આવશે જ, દેવમાલી? એટલે એ ક્યાં આવ્યું અને ત્યાં વળી ફરવા જેવું શું છે? અને પ્રશ્ન આવ્યો જ.
ADVERTISEMENT
રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં મસૂદા સબડિવિઝનમાં આવેલું એક અનોખું ગામડું એટલે દેવમાલી. પણ મને ખબર છે કે તમને બધાને પણ મારા મિત્રની જેમ જ આટલી જ ઓળખાણ આપું તો વાતમાં કંઈ ખાસ રસ નહીં પડે. તો ચાલો આજે દેવમાલી તરફ એક શબ્દ સફર ખેડી આવીએ. હવે સાચું પૂછો તો દેવમાલી રાજસ્થાનનું માત્ર એક ગામડું જ નથી રહ્યું. રાજસ્થાનની સાથે-સાથે હવે એ ભારતનું પણ ગૌરવ બની ચૂક્યું છે. અરે, કેમ નહીં? સરકાર થોડી કંઈ એમ જ એ ગામને બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ તરીકેનો અવૉર્ડ આપી દે?
હા, હવે કંઈક રસ પડ્યોને? જી હા, તમે સાચું જ વાંચ્યું છે. અંદાજે ૩૦૦૦ વીઘા જેટલી રાજસ્થાનની સાંસ્કૃતિક ધરા પર વસેલું આ દેવમાલી ગામ ગયા સપ્ટેમ્બર મહિનાથી વધુ લાઇમલાઇટમાં આવ્યું છે. ભારત સરકારે આ ગામને ભારતની શ્રેષ્ઠ ટૂરિસ્ટ પ્લેસિસમાં મોખરાનું સ્થાન આપતાં ‘બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ’ તરીકેનો અવૉર્ડ આપ્યો છે. તો ચાલો આજે એક લટાર મારીએ એ બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસની.
આમ તો રાજસ્થાન ઘણાંય અનોખાં ગામોથી ભરેલું છે પરંતુ બ્યાવર જિલ્લાના મસુદા સબડિવિઝનમાં આવેલું એક ગામ છે દેવમાલી. ગયા સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા દેવમાલીને ભારતના ‘શ્રેષ્ઠ પ્રવાસી ગામ’ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. સૌથી પહેલાં તો આપણને આ ગામનું નામ જ અનોખું લાગે. દેવમાલી! કેવું મજાનું નામ! પહેલો પ્રશ્ન એ જ થાય કે ગામનું આ નામ પડ્યું કેવી રીતે?
દેવમાલી - દેવમાલી કઈ રીતે?
વાત કંઈક એવી છે કે વર્ષો પહેલાં, ના-ના યુગો પહેલાં આ ગામમાં દેવ વિહાર કરતાં-કરતાં આવ્યા હતા. ગામલોકો કહે છે કે એ ભગવાન વિષ્ણુ જ હતા. સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ સમૃદ્ધ જણાતા એ ગામમાં દેવે થોડો સમય નિવાસ કરવાનો નિર્ણય કર્યો. તેમણે ગામવાસીઓ પાસે રહેવા માટે ઘરની માગણી કરી. હવે એ વખતે તો આજના કૉન્ક્રીટના બાંધકામ જેવી ટેક્નૉલૉજી અને સુવિધા ક્યાંથી હોય? આથી ગામલોકોએ ચાર દીવાલ અને છતવાળું એક કાચું ઘર બનાવી મહેમાન થઈને આવેલા દેવને ભેટ ધર્યું.
ગામલોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે
ગામલોકો જેને દિવ્ય આત્મા ગણતા હતા એ તો હતા સ્વયં શ્રીહરિ વિષ્ણુ. તેઓ ગામમાં થોડા સમય માટે રહ્યા અને ગામલોકોની સેવા અને પરોણાગત માણી. કોઈ પણ જાતના સ્વાર્થ વિના અને સ્વચ્છ, નિર્મળ મને થયેલી એ સેવા અને પરોણાગત એટલી મનોહર હતી કે દેવ પણ ખુશ થઈ ગયા. હવે નિવાસનો સમય પૂર્ણ થતાં દેવ જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે તેમણે ગામલોકોને કહ્યું કે હું તમારી ભક્તિથી અત્યંત ખુશ થયો છું. તમારી કોઈ ઇચ્છા હોય તો તમે મારી પાસે વરદાન તરીકે માગી શકો છો. પણ આપણે આગળ કહ્યું એમ ગામમાં રહેતા લોકો સામાજિક અને સંસ્કારની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ. આથી તેમણે ઈશ્વર સામે હાથ જોડી કહ્યું કે દેવ, અમને કશું જ નથી જોઈતું. જ્યારે ઈશ્વર જાતે તમને વરદાન માગવા કહે ત્યારે પણ જો તમે નમ્ર રહીને ઈશ્વરને એમ કહી શકો કે મારે કશું જ નથી જોઈતું ત્યારે નિઃશંક તમે ઈશ્વરનું મન જીતી લો છો. આ ગામના લોકો સાથે પણ બરાબર એવું જ થયું. ઈશ્વર અત્યંત આનંદિત વદને ત્યાંથી રવાના થયા અને જતાં-જતાં ગામલોકોને માત્ર એક જ વાત કહેતા ગયા. જો જિંદગીભર સુખ-શાંતિથી રહેવું હોય તો મને ઘર આપ્યું હતું એ જ રીતના પાકી છત વિનાના ઘરમાં જ રહેજો.
બસ, ત્યારથી શ્રીહરિ વિષ્ણુ, નારાયણ આ ગામમાં રહેતા દરેક લોકોના ઇષ્ટદેવ બની ગયા અને ગામનું નામ પડ્યું દેવમાલી. ભગવાન દેવ નારાયણના નામ પરથી જે ગામનું નામ દેવમાલી પડ્યું એ જ ગામના એક ઊંચા ટીલા પર તેમનું એક સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું. સમૃદ્ધ સંસ્કૃતિ અને સામાજિક જીવનને આવરી લેતા આ ગામમાં આજે પણ એક પણ કાયમી પાકું મકાન નથી. આ ગામમાં એક પણ વ્યક્તિ દારૂ પીતી નથી કે માંસાહાર કરતી નથી. દેવમાલી નામ દેવનારાયણ મંદિર પરથી આવ્યું છે.
શ્રેષ્ઠ ગામનો અવૉર્ડ
દેવ નારાયણનું મંદિર અને આર્થિક, સામાજિક અને સંસ્કાર ત્રણે દૃષ્ટિએ સમૃદ્ધ એવા આ ગામના ડુંગરે બનેલા દેવ નારાયણના મંદિરે દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રેષ્ઠ પ્રવાસી ગામ સ્પર્ધા. આ સ્પર્ધા અંતર્ગત પ્રવાસન ખાતાએ ભારતનાં અનેક ગામડાંઓની મુલાકાત લીધી. ત્યાંનો ઇતિહાસ, ત્યાંની રહેણીકરણીથી લઈને પ્રવાસ યોગ્ય સ્થળ જેવા અનેક આયામો પર દરેક ગામડાને ચકાસવામાં આવ્યું. આ બધાં પૅરામીટર્સ પ્રમાણે શ્રેષ્ઠ પ્રવાસન ગામ માટેની જેટલી એન્ટ્રીઝ આવી હતી એ બધાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. પ્રવાસન સ્થળ તરીકેની જે-તે ગામની લોકપ્રિયતા, સ્થાનિક સંસ્કૃતિ જેવી અનેક બાબતો વિશે મૂલ્યાંકન થયું. આખરે ઇતિહાસની સાથે-સાથે દેવમાલી ગામના લોકોની આજની રહેણી પણ એવી હતી કે દરેક ગામની સામે આ ગામ નોખું તરી આવતું હતું. આખરે બાકીનાં બધાં ગામડાંઓને પાછળ છોડી દેવમાલી મોખરાના સ્થાને આવી ગયું અને ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં એને ભારતના શ્રેષ્ઠ પ્રવાસી ગામ તરીકેનો અવૉર્ડ આપવામાં આવ્યો. હવે આટલું જાણ્યા પછી સ્વાભાવિક રીતે કુતૂહલ થાય કે ઇતિહાસ તો જાણ્યો, પણ હાલના સમયમાં પણ ગામલોકોની રહેણી અનોખી છે, એટલે? એ કઈ રીતે?
અનોખું ગામ, ગૌરવવંતું ગામ
તો વાત કંઈક એવી છે કે ભારતનાં અનેક શહેરો તો ભૂલી જાઓ પણ ભારતનાં અનેક ગામડાંઓ કરતાંય આ ગામ રોજિંદી જિંદગીની દૃષ્ટિએ અનોખી જિંદગી જીવે છે. તમે માનશો, દેવમાલી ગામમાં આર્થિક માપદંડની દૃષ્ટિએ વાત કરીએ તો કરોડપતિઓ પણ રહે છે છતાં તેમનાં પણ પાકાં ઘર નથી! જી હા, તમે સાચું જ વાંચ્યું. ધનિકથી લઈને ગરીબ કે સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા દરેક, ટૂંકમાં આ ગામમાં રહેતા દરેક ગ્રામવાસીમાંથી કોઈ એકનાય ઘરની પાકી છત નથી. બધાં ઘર કાચી છત સાથેનાં જ છે. એ તો એ, કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે ખબર છેને? આ ગામમાં એ યોજના હેઠળ પણ એક પણ ઘર પાકી છતવાળું બાંધવામાં નથી આવ્યું. સરકારે પણ ગામલોકોની પરંપરાને માન આપ્યું છે. કળિયુગમાં પણ સતયુગની અનુભૂતિ કરાવતું આ ગામ આજે પણ તેમના પૂર્વજોની પરંપરા જાળવીને જીવી રહ્યું છે. દેવ નારાયણે તેમના પૂર્વજોને જે કહ્યું હતું એ આદેશ તરીકે માથે ચડાવી બધા એને અનુસરે છે. આખાય રાજસ્થાનમાં દેવમાલી એકમાત્ર ગામ છે જ્યાં દરેકેદરેક વ્યક્તિ કાચા ઘરમાં રહે છે.
આ તો અનોખાપણાની માત્ર એક વાત થઈ. હજી બીજી યુનિકનેસ જાણો... આ ગામમાં તમને ભૂલમાંય કોઈ એક વ્યક્તિયે એવી નહીં મળે જે માંસાહાર કરતી હોય. આખુંય ગામ સંપૂર્ણપણે શાકાહારી છે. વળી અહીં કોઈ શરાબપાન પણ કરતું નથી. આટલું ઓછું હોય એમ આ ગામ પોતાનામાં જ એ રીતે પણ અનોખું છે કે દેવમાલી ગુનામુક્ત ગામ છે. અર્થાત્ અહીં ક્યારેય કોઈ ચોરી, લૂંટ, ખૂન, બળાત્કાર, છેતરપિંડી કે બીજા કોઈ જ પ્રકારના ગુના થતા નથી. આજદિન સુધી દેવમાલી ગામમાં ચોરીનો એક પણ બનાવ બન્યો નથી. આથી જ આખાય ગામનાં કોઈ પણ ઘરોમાં તાળાં નથી. વળી આટલું ઓછું હોય એમ સેલ્ફ-ડિસિપ્લિનમાં માનતું આ ગામ એટલું તો ચુસ્ત છે કે અહીં કેરોસીનના ઉપયોગ પર મનાઈ છે. લીમડાનાં ઝાડ, ડાળખાં કે પાન બાળવાની પણ મનાઈ છે. અને મનાઈનો અમલ કરવા માટે કોઈ વ્યક્તિ પર ક્યારેય જોર જબરદસ્તી પણ કરવી પડતી નથી. આખાય ગામે વર્ષોથી આ નિયમ બનાવ્યા છે અને પોતે બનાવેલા એ નિયમોનું પેઢી-દર પેઢી નિઃશંકપણે પાલન થાય છે.
આમ તો દેવમાલીના લોકો તમામ પ્રકારનાં વૃક્ષોને પ્રેમ કરે છે અને જતનપૂર્વક તેની જાળવણી પણ કરે જ છે, પરંતુ લીમડાના વૃક્ષ માટે તેમને ખૂબ જ આદર છે. અહીંનું ભગવાન દેવ નારાયણને સમર્પિત પર્વતીય મંદિર માત્ર દર્શન હેતુ આવતા પ્રવાસીઓમાં જ લોકપ્રિય છે એવું નથી, ગામલોકો પણ એ મંદિરનો ખૂબ આદર કરે છે અને તેમના માટે આ મંદિર ઇષ્ટદેવનું મંદિર છે.
ગામમાં બે જ પાકાં બાંધકામ છે. એક, સરકારી મકાન અને બીજું, ટૂરિસ્ટોનું આકર્ષણ એવું દેવ નારાયણ મંદિર.
ગામની વસ્તી અને શ્રદ્ધા
દેવમાલી ગામ એટલે સંપૂર્ણપણે ગુર્જર સમાજના લોકોનું ગામ. ૧૦૦ ટકા ગુર્જરોની વસ્તી ધરાવતા આ ગામમાં દેવ નારાયણનું મંદિર અતૂટ શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણભાવ સાથે થતી ભક્તિનું એકમાત્ર સરનામું છે. ગામના જે ડુંગર પર આ મંદિર સ્થિત છે, ગામના લોકો રોજ સવારે ઉઘાડા પગે એ આખાય ડુંગરની પરિક્રમા કરે છે. ગામલોકોની આવી ઊંડી શ્રદ્ધાને કારણે જ કહેવાય છે કે ગામની એ ટેકરી પરના તમામ પથ્થરો નીચે તરફ નમેલા દેખાય છે. આ ટેકરી પરથી કોઈ એક પથ્થર પણ ક્યારેય ઉપાડતું નથી.
ક્યારેક તમે આ ગામ તરફ જાઓ તો જોશો કે આખાય ગામમાં માત્ર બે જ સ્થાયી બાંધકામવાળાં સ્ટ્રક્ચર છે, જેમાંનું એક સરકારી મકાન છે અને બીજું ડુંગરે આવેલું દેવનારાયણનું મંદિર. એવું નથી કે આ અતૂટ શ્રદ્ધાને ક્યારેય અંધશ્રદ્ધામાં નથી ખપાવવામાં આવી. કેટલાક એવા લોકો પણ હતા જેમણે ગામની એ જૂની પરંપરાને અવગણી પોતાનું સ્થાયી મકાન અને એના પર કૉન્ક્રીટની સ્થાયી છત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યોગાનુયોગ કહો કે એ ગામને મળેલું વરદાન કહો કે પરંપરા કહો જે ગણો તે, જ્યારે-જ્યારે જેટલા લોકોએ તેમનાં પાકાં ઘર કે પાકી છત બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે-ત્યારે કોઈ ને કોઈ કારણ કે પરિસ્થિતિને લીધે તેમને કોઈ મોટું નુકસાન થયું હોવાના દાખલાઓ છે. ત્યાર પછી કોઈએ ફરી પાકું ઘર કે પાકી છત બનાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો.
આ ગામના લગભગ ૧૫૦૦ જેટલા લોકોની આવકનું મુખ્ય સાધન પશુપાલન છે. લવડા ગોત્રના ગુર્જર લોકો અહીં રહે છે અને તેમના પૂજનીય દેવ સ્વાભાવિકપણે જ દેવ નારાયણ છે. સાથે જ આ લોકો પ્રકૃતિને પણ પૂજનીય ગણે છે અને એની પણ પૂજા કરે છે. સમર્પણની એક સૌથી અનોખી વાત જણાવીએ? આખાય દેવમાલી ગામમાં એક ઇંચ પણ જમીન કોઈ ગ્રામજનોના નામે નથી. અર્થાત્ ગામની એકપણ વ્યક્તિ જમીનના કોઈ એક ટુકડાનીય માલિક નથી. સમર્પણની ભાવના એટલી જબરદસ્ત છે કે ગામલોકો માને છે કે આખાય ગામની બધી જ જમીન ભગવાન દેવનારાયણની છે. એના પર અમારો હક નહીં હોય. વિસ્તારની દૃષ્ટિએ ગામ લગભગ ૩૦૦૦ વીઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે પણ એ બધીય જમીન ભગવાન દેવ નારાયણને સમર્પિત છે. લોકો ભલે આ ગામમાં વર્ષોથી રહેતા હોય છતાં કોઈ એક પાસે પણ જમીનની માલિકી સંબંધિત કોઈ દસ્તાવેજ નથી.
આ રીતનું જીવન અને એ પણ પેઢીઓથી જીવવા માટે ખરેખર જ સંસ્કારની દૃષ્ટિએ અનોખી સમૃદ્ધતા જોઈએ. એ સિવાય આટલા સમર્પણભાવ સાથે અને આજના આધુનિક યુગમાં પણ આવા નિયમો સાથે જીવવું દુષ્કર છે. કોઈ એક વ્યક્તિ પણ શરાબપાન નહીં કરે, માંસાહાર નહીં કરે, કેરોસીનનો ઉપયોગ નહીં કરે, લીમડાના લાકડાને નહીં બાળે... જમીન સુધ્ધાં, જેના માટે આજે બે સગા ભાઈઓ વચ્ચે પણ મારકાટની હદ સુધીના ઝઘડા થાય છે એ જમીન પર પણ માલિકી હક નહીં રાખવો એ વાત આ ગામને અનોખું જ નહીં મહાન પણ બનાવે છે અને ગૌરવપ્રદ પણ બનાવે છે.
મિત્ર સાથે આટલી વાત થઈ એટલે તે તો તરત ઊભો થતાં બોલ્યો, કાલે સવારે જ નીકળવું છે. મેં પૂછ્યું ક્યાં? તો કહે દેવમાલી. કેમ નહીં, આખરે ભારતનું શ્રેષ્ઠ પ્રવાસી ગામ છે. ક્યારેક મોકો મળે તો આંટો મારી આવજો, મજા આવશે.