ચાલો ફરવા કૉલમમાં ચાદર ટ્રેકની માહિતી મેળવી, તસવીરો જોઇને જો ત્યાં પહોંચી જવું હોય તો પ્લાનિંગ કરવાની માહિતી મળશે આ તમામ સવાલોના જવાબોમાં
Travelogue
ઝંસ્કાર રિવર - તસવીર ધર્મિષ્ઠા પટેલ
ચાદર ભારતનો સૌથી પ્રસિદ્ધ વિન્ટર ટ્રેક છે. મોટા ભાગના ટ્રેકર્સના બકેટ લિસ્ટમાં આ જોવા મળે છે. આ બાકીના ટ્રેક કરતાં ઘણો અલગ છે. કેમ કે આ ટ્રેક પહાડ પર નહીં પણ થીજી ગયેલી નદી પર થાય છે. આની સમસ્યાઓ પણ જરાક જુદા પ્રકારની છે. અહીં એવલોન્ચની સમસ્યા નથી પણ પગ નીચેની બરફની જમીન(ચાદર) સરકી જવા જેવુ જોખમ છે. જો તમે પણ ચાદર ટ્રેક કરવાનું મન બનાવ્યું હોય અને આ ટ્રેકને લગતા કેટલાક સવાલો તમારા મનમાં ઉદ્ભવ્યા હોય તો મેં અહીં તેના કેટલાક જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્રણ વર્ષ બાદ ફરી આ વર્ષે ચાદર ટ્રેક ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે ઘણા લોકો આ ટ્રેક માટે તૈયારી કરતા હશે. જેથી ચાદર ટ્રેક કરનારા માટે આ આર્ટિકલ ખૂબ મદદરુપ થઈ શકે છે.
1. આ ટ્રેક ક્યાં છે અને એવું તો શું છે, કે તે લોકોને આકર્ષે છે?
ADVERTISEMENT
ચાદર ટ્રેક લદ્દાખમાં છે. જે સિંધુ નદીની સૌથી પ્રથમ અને મુખ્ય ધારા એવી થીજેલી ઝાંસ્કાર નદી પર કરવામાં આવે છે. ઝાંસ્કાર રિજનમાં થતા ટ્રેકનું આકર્ષણ થીજી ગયેલી નદી પર ચાલવાનો રોમાંચ છે. 11,500 ફીટ પર સીધી સપાટી પર ચાલતા હોય ત્યારે નોર્થ પોલ પર ટ્રેક કરતા હોવ એવો અનુભવ થતો હોય છે. થીજેલા નેરાક વૉટર ફોલ અને ચારે બાજુ રહેલા ગોલ્ડન પહાડની વચ્ચે વહેતી નદી પર રહેલું સૌંદર્ય, માઈનસમાં જતું તાપમાન અને માર્ગમાં ક્યારેક મળી જતા નેરાકના લોકો અને તેમની સંસ્કૃતિ સાથે અહીં સર્વાઈવ કરવાનો રોમાંચ ટ્રેકર્સને આકર્ષે છે.
આ પણ વાંચો- ચાલો ફરવાઃ એક એવો ટ્રેક જે પહાડ ચઢીને નહીં, પણ થીજેલી નદી પર ચાલીને કરાય છે
2. કેવી રીતે પહોંચશો ?
ચાદર ટ્રેક કરવા માટે સૌથી પહેલા તમારે લદ્દાખના લેહ પહોંચવું પડશે. ત્યાં બાય રોડ બસ, બાઈક કે કારથી પહોંચી શકાય છે. આ ઉપરાંત ટ્રેન અને વિમાનની મુસાફરી પણ કરી શકાય છે. મોટા ભાગે લોકો બાય રોડ અને વિમાનથી પહોંચવાનું પસંદ કરે છે. જે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. ટ્રેનની મુસાફરી ઘણી લાંબી થઈ જતી હોય છે. ફ્લાઈટથી સીધા લેહ `કુશૌક બાકુલા રિમ્પોચી એરપોર્ટ` (Kushok Bakula Rimpochee Airport) આવી શકાય છે. શિયાળા અને ઉનાળામાં વિમાનના ટાઈમિંગ અલગ અલગ હોય છે. તે ધ્યાન રાખજો. અહીં બાય રોડ પહોંચવાના બે માર્ગ છે. જેમાં પહેલો શ્રીનગરથી લેહ અને બીજો મનાલીથી લેહ છે. શ્રીનગર લદ્દાખ જોજિલા પાસ થતાં પહોંચી શકાય છે. જ્યારે મનાલીથી લદ્દાખ રોહતાંગ પાસ થતા પહોંચી શકાય છે. તમે ઈચ્છો તો દિલ્હી ISBTથી સીધી બસ પકડીને આવી શકો છો. જો ટ્રેનની વાત કરીએ તો સીધી લેહની કોઈ ટ્રેન નથી. લદ્દાખ આવવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન જમ્મુ છે. જે લદ્દાખથી 700 કિમી દુર છે. ત્યાંથી તમે બાય રોડ બસ, ટેક્સી અથવા ફ્લાઈટથી લેહ પહોંચી શકો છે.
આ પણ વાંચો - ચાલો ફરવાઃ તે દિવસે મહેશ અને તેન્ઝિંગ મારી આસપાસ ન હોત તો? કલ્પના માત્ર પણ...
3. આ ટ્રેક ક્યારે થાય છે અને કેટલો ડિફિકલ્ટ છે?
ચાદર ટ્રેક જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી એટલે કે 45 દિવસ માટે થાય છે. આ સમય દરમિયાન નદીનું પાણી થીજી ગયું હોય છે જેથી તેના પર ચાલવું શક્ય બને છે. અહીં ભલે હાઈ એલ્ટીટ્યૂડ પર સીધી સપાટી ઉપર ચાવવાનું હોય પણ આ એક મોડરેટ ટુ ડિફિકલ્ટ કેટેગરીનો ટ્રેક છે. અહીં સૌથી મોટી સમસ્યા તાપમાન છે. જે માઈનસમાં જતું હોવાથી અનેક સમસ્યાઓની વચ્ચે સર્વાઈવ કરવુ પડે છે. આ ટ્રેક માટે શારીરિક અને માનસિક રીતે મજબૂતાઈ હોવી જરુરી છે. અનેક વાર બરફની આ ચાદર તુટવા, ચાદર ન બનવા તો ક્યારેક સ્નોફોલની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાની વચ્ચે ઘણીવાર એકાદ બેચ એટલે કે ઓછામાં ઓછા 200 થી 250 લોકો અહીં ફસાતા હોય છે અને તેમને રેસ્ક્યૂ કરવા પડતા હોય છે. કેટલીક પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લીધે કેટલાક ટ્રેકર્સને રેસ્કયૂ કરવા પડતા હોય છે. જેના કારણે આ ટ્રેક એકદમ તંદુરસ્ત લોકો કરે એ વધારે સલાહભર્યુ છે.
4. શું આ ટ્રેક બિગનર માટે છે? અને શું આને સોલો કરી શકાય છે?
બન્ને સવાલના જવાબ `ના` છે. આ ટ્રેક બિગનર્સ માટે નથી. મેં કહ્યું તેમ આ મોડરેટથી ડિફિકલ્ટ છે અને અહીં શારીરિક કરતા વધારે મનોબળની મજબૂતાઈની જરુર છે. આ ટ્રેકને સામાન્ય ભાષામાં સર્વાઈવલ સ્કીલ ડેવલોપમેન્ટ એક્સપિરિયન્સ કહી શકો છો. અહીંની પરિસ્થિતિને સમજવા માટે પહેલા એકાદ બે ટ્રેકના અનુભવની સાથે ટ્રેકિંગમાં મજા આવતી હોવી જરુરી છે. બીજું કે આ ટ્રેક ડિફિકલ્ટ હોવાની સાથે જોખમી પણ છે. જેથી તેને સોલો કરવાની સલાહ યોગ્ય નથી. આ ટ્રેક માટે પુરતી માહિતી અને ગાઈડન્સની જરુર હોય છે. ચાદર ટ્રેકમાં બરફના કયા ભાગમાં ચાલવું, ક્યાં ન ચાલવું જેવા અનેક સવાલના જવાબ અનુભવી ગાઈડ દ્વારા મળે તે યોગ્ય છે. જેથી તમે સારા અનુભવી ટ્રેક ઓપરેટર સાથે આ ટ્રેક કરવાનું પસંદ કરો તે વધારે યોગ્ય છે.
આ પણ વાંચો - ચાલો ફરવાઃ ભયનો માહોલ ન ફેલાય એટલે યુવકના મોતના સમાચાર સવાર સુધી છુપા રાખ્યા
5. આ કેટલા દિવસનો અને કેટલા કિમીનો ટ્રેક છે? અહીં કેટલી હાઈટ ગેઈન કરવાની હોય છે?
ટોટલ ટ્રેકના દિવસ 9 છે. હકિકતે ટ્રેકિંગ 5 દિવસનું છે. જેમાં પહેલા 2 દિવસ અક્લેમટાઈઝેનના હોય છે. ત્રીજા દિવસે મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં પાસ થયા તો તમને ટ્રેક કરવાની પરવાનગી આપવામાં આવે છે. એ બાદ 5 દિવસનું ટ્રેકિંગ શરુ થાય છે. નવમાં દિવસે તમારું ચેકઆઉટ હોય છે. કહેવાનો અર્થ એ છે કે 5 દિવસ ટ્રેકિંગ કરવાનું છે. જેમાં 62 કિમીનું અંતર માઈનસ 30થી 35 તાપમાનમાં કાપવાનું હોય છે. અહીં પહાડ ચઢવાના નથી. હું જેમ વારંવાર કહું છુ તેમ, કે આ એક સીધી સપાટી પર છે. જે 11, 500 ફિટની હાઈટ ધરાવે છે.
6. ટ્રેકની આઈટિનરી કેવી હોય છે?
પહેલા બે દિવસ લેહમાં અક્લમટાઈઝેશન અને ત્રીજા દિવસે મેડિકલ ટેસ્ટ હોય છે. ચોથા દિવસે લેહથી બાકુલા વાહનથી ડ્રોપ કરવામાં આવે છે અને ત્યાંથી જ ટ્રેક શરુ થાય છે. આજ દિવસે બાકુલાથી શીંગરા કોમા 3 કિમીનો ટ્રેક કરવાનો હોય છે. જેમાં અંદાજીત 2 કલાક લાગશે. પાંચમાં દિવસે શીંગરા કોમાથી તીબ (Tibb) 16 કિમીનો ટ્રેક હોય છે. જેમાં અંદાજીત 6-7 કલાકનો સમય લાગી શકે છે. છઠ્ઠા દિવસે તીબથી નેરાક વોટર ફોલ 16 કિમીનું અંતર કાપવાનું હોય છે. સાતમાં દિવસે નેરાકથી તીબ 12 કિમીનું અંતર કાપવાનું હોય છે. જેમાં અંદાજીત 6- 7 કલાક લાગે છે. ટ્રેકના છેલ્લા એટલે કે આઠમાં દિવસે તીબથી બાકુલા 15 કિમીનું અંતર અંદાજીત 5થી 6 કલાકમાં કાપવાનું રહશે. બાકુલાથી લેહ વાહનથી પહોંચાડવામાં આવે છે. જ્યારે નવમાં દિવસે ચેકઆઉટ કરવાનું હોય છે.
7. ટ્રેક પર જતા પહેલા શું તૈયારી કરશો?
સૌથી પહેલા તમે જ્યાં જઈ રહ્યા છો તેની ભૌગોલિક સ્થિતિ અને તાપમાન વિશે માહિતી હોવી જોઈએ. અહીં તાપમાન માઈનસમાં હોય છે એટલે તમને ગરમ રાખે તેવા કપડાં અચૂક રાખો. આ ભારતનો એક સેન્સેટિવ ભાગ છે. અહીં સેના છાવણી છે. જેથી ફોટો આઈડી હંમેશા સાથે રાખવુ. ટ્રેક દરમિયાન મોબાઈલ નેટવર્ક નહીં આવે તે યાદ રાખવું. તાપમાન માઈનસમાં હોવાથી કેમેરા, પાવરબેંક અને મોબાઈલની બેટરી ઝડપથી ઉતરી જશે. જેથી તેને પણ કપડામાં વિંટાળીને સાચવવા. માઈનસ તાપમાન હોવાથી પ્લાસ્ટીક બોટલમાં રહેલું પાણી પણ થીજી શકે છે. જેથી થર્મસ બોટલ ખૂબ જરુરી છે. 45 લીટરની રક્સેક બૅગ, એક નાની ડે બૅગ, બૅગનું વોટર પ્રૂફ રેઈન કવર, 1 વુલન કેપ, 2 સન ગ્લાસીસ, 1 બલકલાવા, 2 પેર થર્મલ, 2 ફુલ સ્લીવ ટીશર્ટ, 2 સિન્થેટીક ટ્રેક પેન્ટ, 1 ફ્લિશ જેકેટ, 1 વોટર પ્રૂફ અથવા ડાઉન જેકેટ, 1 પોન્ચો, 1 વોટર પ્રૂફ હેન્ડ ગ્લવ્સ, 2 પેર ટ્રેકિંગ સોક્સ, 3 પેર વુલન સોક્સ, 1 ગમ બૂટ, 1 ટ્રેકિંગ શૂઝ, હેડ ટોચ, મેડિકલ કીટ, સનસ્ક્રીન લોશન(50થી 70 SPF), મોશ્ચરાઈઝર, ટોઈલેટ ટિશ્યૂ અને ફોટો આઈડી હંમેશા સાથે રાખવું. માઈક્રો સ્પાઈક્સ અથવા કેમ્પ્રોન્સ કે વોકિંગ સ્ટિકની આ ટ્રેકમાં જરુર નથી. જેથી તેને લઈ જવાની જરુર નથી. ભૂલથી લઈ ગયા હોવ તો વાપરવા નહીં કેમ કે આ તમામ ઈક્વીપમેન્ટ ચાદર ટ્રેકને નુકસાન કરે છે. તેમજ વેટ ટીશ્યૂ ન લઈ જવા તે કોઈ કામ નહીં આવે.