આ શહેરનું હવામાન આમ તો સદાય ખુશનુમા જ હોય છે, પરંતુ નવેમ્બર-ડિસેમ્બરના મહિનાઓ પ્રમાણમાં કોરા હોય છે. અહીં ઍટલાન્ટિક મહાસાગરનો રંગ નીલો છે, ઘેરો નીલો અને આ મહાસાગર જે ઊઘડે છે અહીં, વાત જ ન પૂછો.
શ્રી કુદરત શરણમ્ મમઃ
સાગર સંગાથે ગોઠડી
ગયા અઠવાડિયે લખ્યા મુજબ કાસા બ્લાન્કાના નામનો રોમાંચ મને ઘેરી વળ્યો હતો. હવે જ્યારે જવાની વાત આવી એટલે જવાની ઉત્કંઠા અને આદતવશ ઘણો ઇતિહાસ પણ વાંચી લીધો. આ નામ પાછળનો ઇતિહાસ પણ ઘણો જ રસપ્રદ છે. આ નામ માટે આપણે અનેક ‘ફોઈઓ’નો આભાર માનવો જ રહ્યો. ભૌગોલિક રીતે ઍટલાન્ટિક મહાસાગરના કાંઠે આવેલા આ શહેરનાં પહેલાં ફોઈ હતાં રોમન્સ. દસમી સદીથી આ દરિયાઈ બારું એટલે કે બંદરગાહ યુરોપ અને બીજા અનેક પાડોશી દેશો માટે ખૂબ જ મહત્ત્વનું વ્યાપારી મથક હતું. નામ હતું ‘અન્ફા’. આફ્રિકાનું પ્રવેશદ્વાર ગણાતું ‘અન્ફા’ એના વ્યૂહાત્મક સ્થાન અને અતિશય ફળદ્રુપ જમીનને કારણે અનેકાનેક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું. જોકે હાય, કોઈની નજર લાગી ગઈ હોય એમ અહીં દરિયાઈ ચાંચિયાઓનું વર્ચસ વધતું ચાલ્યું. ‘અન્ફા’ બદનામ થઈ ગયું અને યુરોપીય દેશો વચ્ચે વધી રહેલી પ્રાદેશિક સામ્રાજ્યની હોડને કારણે ઈસવીસન ૧૪૬૮માં ‘અન્ફા’ને તહસનહસ કરી નાખ્યું પોર્ટુગીઝોએ. ખતમ કરી નાખ્યું, વર્ચસ જમાવ્યું અને પછી પોતાની રીતે ફરી બેઠું કર્યું છેક ઈસવીસન ૧૫૧૫માં. જોકે કોઈ વ્યાપારી મથક નહીં, લશ્કરી થાણા તરીકે. દરિયાની સામે રહેલી ટેકરી પર આવેલું સફેદ ચૂનાના રંગથી રંગાયેલું આ થાણું પોર્ટુગીઝ ફોઈબાઓ દ્વારા કહેવાયું કાસા બ્રાન્કા, જેનો અર્થ થાય સફેદ મકાન (white house). એ પછી જ્યારે સ્પેન અને પોર્ટુગલની કોઈક સમજૂતીને હિસાબે સ્પેન પાસે કારોબાર આવ્યો ત્યારે બ્રાન્કાનું નામકરણ કર્યું સ્પૅનિશ ફોઈબાએ બ્લાન્કા એટલે કહેવાયું કાસા બ્લાન્કા. અર્થ એ જ, ફક્ત ઉચ્ચાર અલગ. ફરી એક નામકરણ, ૧૭૫૬ના ભૂકંપ પછી જ્યારે સુલતાન મોહમ્મદ બિન અબદુલ્લાએ સમગ્ર મૉરોક્કોની કમાન સંભાળી અને સ્પૅનિશ રહેવાસીઓની મદદથી આ શહેરને ફરી બેઠું કર્યું, મૉરોક્કન ફોઈએ અરેબિક નામ આપ્યું ‘અદ્દર અલ બાયદા’. જોકે વ્યર્થ. કાસા બ્લાન્કા મારી જેમ દરેકના મગજમાં ઘર કરી બેઠું હતું અથવા જાણે કે અંકાઈ ગયું હતું. હવે વારો હતો ફ્રેન્ચ ફોઈબાનો. ૧૯૧૨માં આક્રમણ કરીને જીત્યા પછી નિષ્ફળ નામકરણ થયું ‘મેશન બ્લાન્ઝ’. અર્થ એ જ, ઉચ્ચારણ ફ્રેન્ચ. આ નામ પણ નબળું પડ્યું અને છપાઈ ગયું કાયમ માટે કાસા બ્લાન્કા. શેક્સપિયર માટે સારો સંદેશ છે, નહીં?
એક આડ વાત. વિદેશી ફિલ્મોના ચાહકો આ જ નામની ફિલ્મથી અજાણ તો નહીં જ હોય. નવેમ્બર ૧૯૪૨માં આવેલી દ્વિતીય વિશ્વયુદ્ધ પર આધારિત આ સુપરડુપર હિટ ફિલ્મે તો ઘણા જ રેકૉર્ડ્સ તોડી નાખ્યા. ત્રણ ઑસ્કર અવૉર્ડ્સ જીતનારી આ ફિલ્મને આઠ શ્રેણીઓમાં નૉમિનેટ કરવામાં આવી હતી. અત્યાર સુધીની ગ્રેટેસ્ટ ૧૦૦ ફિલ્મોમાં સ્થાન પામેલી આ પ્રણયકથા અદભુત છે. દ્વિતીય વિશ્વયુદ્ધની પશ્ચાદભૂમિમાં ઊછરતી રહેતી આ કથા ૧૯૪૨ની યુરોપિયન, અમેરિકન અને મૉરોક્કન સંસ્કૃતિનાં અનેક પાસાંઓને આવરી લે છે. શોખીન વાચકોએ આ ફિલ્મ જોવી જ રહી અને એના નાયકના મુખેથી નાયિકા માટે બોલાયેલો સદાબહાર શાશ્વત સંવાદ ‘here’s looking at you, kid’ માણવો જ રહ્યો. પ્રિય પાત્રને બેબી, બબુ કે બેટા કહેવાની શરૂઆત ૧૯૪૨થી જ થઈ ગઈ હતી અને એનાં મૂળિયાં ઘણાં ઊંડાં છે એ ગમ્મત ખાતર લખવું તો પડશે.
ADVERTISEMENT
આધુનિક ટ્રામ - કાસા બ્લાન્કા
આ ફિલ્મમાં કાસા બ્લાન્કાસ્થિત એક કૅફેટેરિયા ‘Rick’s cafe’ આ આખીયે પ્રણયકથાનું અભિન્ન અંગ છે. આ કૅફેટેરિયા એટલી પ્રખ્યાત થઈ ગઈ કે આ શહેરની મુલાકાતે આવતા મહત્તમ સહેલાણીઓ એની અચૂક મુલાકાત લે જ છે. આખી કૅફેટેરિયા એમ જ સાચવવામાં આવી છે. ફર્નિચર, બાંધણી, પ્રવેશદ્વાર સઘળુંય... અને તમે માનશો નહીં પરંતુ આ મુલાકાત માટે ત્રણેક મહિનાનું વેઇટિંગ લિસ્ટ ચાલે છે. મેં તો આ કૅફેટેરિયાની બહાર જ ઊભા રહી ફોટો પડાવીને સંતોષ લીધો. કાસા બ્લાન્કાના ઇતિહાસ પછી અમારા પ્રવાસની વાત કરીએ. આગલા પ્રકરણમાં મૂકેલી તસવીર પ્રમાણે અમે અમારો પ્રવાસ ક્લૉકવાઇઝ કરવાના હતા. ટોટલ ડ્રાઇવ કરવાના હતા લગભગ ૧,૮૦૦ કિલોમીટર અને મારા પોતાના પ્રવાસના બે દિવસ વધારે ગણીએ તો થઈ જાય લગભગ ૨,૩૦૦ કિલોમીટર.
કાસા બ્લાન્કાથી શરૂ કરીને આગલો પડાવ ઉત્તરમાં આવેલા શેફશોવેન નામના ગામમાં અને ત્યાંથી ક્લૉકવાઇઝ આગળ... આવી રીતનું આયોજન હતું. તો ચાલો શરૂઆત કરીએ કાસા બ્લાન્કામાં અમારા આગમનથી.મારા એક વધારે દિવસના રોકાણને હિસાબે મને સારોએવો સમય આ શહેરને ખૂંદી વળવા મળવાનો હતો. ડ્રોન ફોટોગ્રાફી કરવાનો પણ વિચાર હતો, પરંતુ નિયમો વાંચતી વખતે ખબર પડી કે સમગ્ર દેશમાં ડ્રોન ફોટોગ્રાફીની પરવાનગી નથી એટલે ડ્રોનને ઘરે જ મૂકવું પડ્યું. જોકે આ પ્રવાસ વખતે સમજાઈ ગયું કે જો ડ્રોન ફોટોગ્રાફી કરવા મળત તો ફોટોગ્રાફી કરવાનો આનંદ અનેક ગણો વધી જાત. ખેર, જે મળ્યું એનાથી સંતોષ માનીએ. આ શહેરનું હવામાન આમ તો સદાય ખુશનુમા જ હોય છે, પરંતુ નવેમ્બર-ડિસેમ્બરના મહિનાઓ પ્રમાણમાં કોરા હોય છે. અહીં ઍટલાન્ટિક મહાસાગરનો રંગ નીલો છે, ઘેરો નીલો અને આ મહાસાગર જે ઊઘડે છે અહીં, વાત જ ન પૂછો. પુરજોશમાં ફૂંકાતો પવન, પવનને હિસાબે પુરજોશમાં રચાતાં મોજાંઓ, કિનારા પર આવીને તૂટતાં મોજાંનું ખરું સૌંદર્ય જોવું હોય તો અહીંના દરિયાકિનારાની મુલાકાત લેવી ખરી. આમ તો મુંબઈવાળાને કે ગુજરાતવાળાને દરિયાઈ સૌંદર્યની નવાઈ નથી, પણ અહીંનું મુખ્ય લક્ષણ છે અહીંના દરિયાનો રંગ. સરખામણી કરવી હોય તો આપણા ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારિકાના દરિયાનો રંગ ઘેરો નીલો જ છે. શ્રી કૃષ્ણના રંગ જેવો જ, ઘેરો નીલો. કદાચ શ્યામ. શ્યામ એટલે કાળો રંગ તો નહીં જ થતો હોય એવુંબધું હું મારી હોટેલની રૂમમાંથી ઍટલાન્ટિક મહાસાગરને મુગ્ધ નજરે નિહાળતાં વિચારી રહ્યો હતો. મનોમન હસી પડાયું. મનની વાત અને ગતિ ન્યારી છે. ક્યાં મૉરોક્કોમાં નજર સામે ખૂલી રહેલો અફાટ ઍટલાન્ટિક અર્ણવ અને ક્યાં મારા મનમાં છેક દ્વારિકા સાથે થઈ રહેલી સરખામણી, સંધાન સાધતો સેતુ. દરિયાને અને મનને અગાધ એમ ને એમ થોડાં કહ્યાં છે?? માંડો નજર, લગાવો ડૂબકી અને નીકળી પડો એક અંતરયાત્રાએ. ક્યાં પહોંચશો નક્કી નથી, પરંતુ સાચી યાત્રા હશે તો મોતી અને રત્નો મળશે એ નક્કી. વાચકમિત્રો, અહીંની મારી હોટેલ Val D’anfa એકદમ દરિયાની સામે જ આવેલી હતી. બારીમાંથી જ દરિયો દેખાઈ રહ્યો હતો. પરંતુ એમ કેમ ચાલે? દરિયા અને આપણી વચ્ચે શું જરૂર છે કોઈ પણ પ્રકારના અવરોધની? ના ચાલે અને એમાં પણ આ તો ઍટલાન્ટિક. ઉછાળા મારીને, પવનનાં તેડાં મોકલીને બોલાવી રહ્યો હતો. ફટાફટ સામાન મૂક્યો અને નીકળી પડ્યા દરિયાલાલ સાથે ગોઠડી માંડવા. સવારનો સમય હતો અને વાર હતો સોમવાર એટલે અમે ત્રણેય જણ સાવ જ નવરા હતા. અરે વાહ, દરિયાકિનારે પહોંચ્યા અને સામે જ દેખાઈ એક નાનીશી ટેકરી. ટેકરી તો ન કહી શકાય, પરંતુ મોટી શિલા કહી શકાય. દસેક ડગલાંમાં ઉપર અને પછી ગોઠવાણા સામોસામ. કંઈ જ જરૂર ન રહી. જૂની પિછાણ તાજી થઈ ગઈ, સંધાન થઈ ગયું. પૃથ્વીના ૭૧ ટકાને આવરી લેતો જળસમૂહ... ઝરણાં, નદી, તળાવ, સરોવર, અખાત, સાગર, અર્ણવ... કેટકેટલા પ્રકાર જોયા? બધું જ જાણે જીવંત થઈ ગયું, મનમાં ઘૂઘવાઈ રહ્યું. મુંબઈ, ગુજરાત, ગોવા, લક્ષદ્વીપ, આંદામાન, નિકોબાર, મૉલદીવ્ઝ, મૉરિશ્યસ, મડાગાસ્કર, દુબઈ, અબુ ધાબી, ફ્રાન્સ, સિંગાપોર અને હજીયે કેટલા? ખેડેલા, વણખેડેલા; પરંતુ દરેકનો અનુભવ જુદો, આગવો, અલગ. એક પુસ્તકનું નામ યાદ આવ્યું કે પછી કાવ્યસંગ્રહ? મનની ભીતર, એક સમુંદર. માફ કરજો, ભાવાવેશમાં જરા ફંટાઈ ગયો, પરંતુ ફુરસદથી ક્યારેક ગોઠડી માંડીશું એ નક્કી.
રસ્તાઓ પર બિછાવેલા ટ્રામના પાટા
એક વાત કહું. દરિયા સામે બેસજો ક્યારેક. કોઈ પણ સ્થળે. દરિયો તમને ઉઘાડી નાખશે એ ચોક્કસ. મારી ગૅરન્ટી. જોકે અત્યારે આગળ વધીએ. અડધો-પોણો કલાકના સફળ સંધાનથી મન પ્રફુલ્લિત થઈ ઊઠ્યાં. આજે અમે બંને જણ એકલા જ હતા એટલે નક્કી કર્યું કે બને એટલા જલદી તૈયાર થઈને નીકળી પડીએ આ શહેરને જાણવા-માણવા. આગળ કરેલા હોમવર્કના હિસાબે આછીપાતળી રૂપરેખા તો તૈયાર જ હતી, પરંતુ હોટેલ પહોંચીને રિસેપ્શન પર હાજર મૅનેજરને પૂછતાં એક ચોક્કસ ચિત્ર તૈયાર થઈ ગયું. કોઈ પણ પ્રવાસની શરૂઆત થોડો સમય પગપાળા કરવી એ એક અમારો વણલખ્યો નિયમ છે. આના અનેક ફાયદા છે એ તો અનુભવે જ સમજાય, પરંતુ આ નિયમ અપનાવવા જેવો ખરો. સૌપ્રથમ ફાયદો, જે સ્થળે હો એની હવા તમે શ્વસો છો. આની અનુભૂતિ, અસર અલગ જ છે. ત્યાંની સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે તમે ધીરે-ધીરે જોડાઈ જાવ છો. ત્યાંના રહેવાસીઓ અને વિસ્તારની ઓળખ થતી જાય છે. કોઈ અજાણ્યા સ્થળની મુલાકાત વખતે થોડોઘણો જે અનિશ્ચિતતાનો ડર હોય એ નીકળી જાય છે. જોકે આ બધા પ્રયોગો દિવસે કરવા, રાત્રે જોખમ લેવું નહીં. આવા રાત્રિખેડાણના પણ અજબ-ગજબ અનુભવોના આધારે આ વાત લખું છું. અમે નાસ્તો કર્યો, પરવાર્યા અને નીકળી પડ્યા ઍટલાન્ટિકને સમાંતર. આ વિસ્તાર એટલે શહેરનો પ્રસિદ્ધ વિસ્તાર કોર્નિશ. આમ તો દરિયાને સમાંતર જે પણ વિસ્તાર - પછી તે વિલા કોઈ હોટેલ્સ હોય કે મોટી ફુટપાથ હોય એ વિસ્તારને બધે જ કોર્નિશ કહેવાય છે, પરંતુ એના માટેનો ખરો શબ્દ છે પ્રોમેનેડ. મુંબઈમાં જેમ મરીન ડ્રાઇવ છે એમ. જોકે આ બધી ઝંઝટમાં ન પડતાં આપણે કોર્નિશને જ વળગી રહીએ.
આ પણ વાંચો: હાડ અને લોહી થીજવી દે તેવા તાપમાનમાં થતો ચાદર ટ્રેક કરવો હોય તો આ જરૂર વાંચો
ઓગણીસમી સદીનાં ફ્રેન્ચ મકાનો
કાસા બ્લાન્કામાં પ્રવેશતાં એક વાત તો સાફ થઈ ગઈ કે જે ધારેલું-વિચારેલું એના કરતાં તો તદ્દન વિરુદ્ધ છે આ શહેર. અત્યાધુનિક મકાનો, વ્યવસ્થિત અને વિકસિત વિસ્તારો અને એવા જ રહેવાસીઓ. વેશભૂષાથી માંડીને વાતચીતમાં કે રહેણીકરણીમાં સદંતર અમારી ધારણાથી વિપરીત. અમે તો શું-શું વિચારેલું... બધી જ ભ્રમણા ભાંગીને ભુક્કો. દુનિયાના કોઈ પણ વિકસિત શહેર જેવું જ. કદાચ વધારે શિસ્તબદ્ધ, ચોખ્ખું અને સુઘડ. આંખો ઠારે એવું આ શહેર. કદાચ આ બધું પચાસેક વર્ષોના ફ્રેન્ચ શાસનને આભારી હશે, પણ કોઈ મધ્યકાલીન યુગના અરેબિક શહેર જેવું તો નથી જ નથી. મૅનેજરે કહેલું કે કોર્નિશ પર ચાલતાં-ચાલતાં જ કોઈને ટ્રામ સ્ટેશન વિશે પૂછી લેજો. અહીંથી જ કામ શરૂ થાય છે અને આગળ જઈને આ ટ્રામ બદલાવીને, બીજી ટ્રામ પકડીને તમે પહોંચી જશો ‘મડીના’. આ ‘મડીના’ કહો કે ‘મદીના’ એટલે મક્કા-મદીનાવાળું મદીના નહીં; પરંતુ અહીં એટલે કે સમગ્ર આફ્રિકામાં ‘મડીના’ એટલે એ શહેરનો જૂનો રહેણાક વિસ્તાર જ્યાં સદીઓ પૂર્વે લોકો સમૂહમાં રહેતા હતા. બેશક રહેવાસીઓનાં રહેઠાણ અલગ-અલગ હોય; પરંતુ સમગ્ર મડીનામાં સાંકડી શેરીઓ, સામસામે બાંધેલાં રહેઠાણો, દુકાનો વગેરે... વગેરે... એક કિલ્લો જોઈ લો. મધ્યકાલીન યુગમાં આક્રમણખોરોથી બચવાનો અને પ્રતિકાર કરવાનો એક અસરકારક ઉપાય. રહેઠાણો પણ કેવાં? તમે મડીનામાં ચાલી રહ્યા હો ત્યારે બંને બાજુ પાક્કી દીવાલ જ દેખાય. નાના-નાના દરવાજા અને હવાની આવનજાવન માટેનાં નાનાં-નાનાં ચોરસ બાકોરાંઓ. માટીના રંગકામ કરેલા ચૂનાથી લીંપણ કરેલાં રૂપકડાં ઘરો. આ જ તો જોવું હતું, જાણવું હતું એટલે જ બીજાં બધાં આકર્ષણોને પાછળ ધકેલીને નક્કી કર્યું આ પ્રાચીન વિસ્તારને ધમરોળવાનું. અમારી હોટેલ ઐન ડિયાબ નામના વિસ્તારમાં હતી અને અમારે પહોંચવાનું હતું મડીના. અડધોએક કલાક આમતેમ ફર્યા પછી એક પોલીસવાળાને પૂછ્યું ટ્રામ સ્ટેશન માટે. તો તેણે અમારી હોટેલ તરફ જ ઇશારો કર્યો. અરે વાહ, આ ટ્રામ સ્ટેશન તો અમારી હોટેલથી દસેક મિનિટના અંતરે જ હતું. ત્યાં પહોંચ્યા અને જોયું તો એક નાની રૂપકડી ટ્રેન એટલે કે ટ્રામ ઊભી હતી. જાણે આપણા મુંબઈની મેટ્રો ટ્રેન. વળી એક ભ્રમ ભાંગીને ભુક્કો. આ કીમિયો સારો લાગ્યો. જો શહેરમાં ફાજલ જગ્યા હોય તો ના ભૂગર્ભમાં જવું કે ના થાંભલાઓ ચણવા. પાટા બિછાવી દો રસ્તા પર અને ટ્રામ દોડાવો. સસ્તું અને સુગમ. ઐન ડિયાબથી જ શરૂઆત હતી એટલે શાંતિ લાગી. વેન્ડિંગ મશીનથી ટિકિટ લીધી અને ત્યાં હાજર રહેલા સુરક્ષા કર્મચારીને પૂછવા ગયો ત્યાં તો જે આગળ અનેક વખત સાંભળવા મળવાનું હતું એ વાક્ય પહેલી વાર સાંભળ્યું.
ઓગણીસમી સદીનાં ફ્રેન્ચ મકાનો
ઇન્ડિયા? yes... શાહરુખ ખાન, કરીના કપૂર... yes... અને અમારા બંનેના હાસ્યથી વાતાવરણ ભરાઈ ગયું. તત્કાળ જોડાણ. અજાણ્યા પળભરમાં જાણીતા થઈ ગયા. ટ્રામમાં ગોઠવાયા અને નીકળી પડ્યા મડીના તરફ. મડીના, જોઈએ... તું કેવી રીતે આવકારે છે?
મડીના અને બીજાં અનેક આકર્ષણોની વાત લઈને મળીએ આવતા અઠવાડિયે.
પુરજોશમાં ફૂંકાતો પવન, પવનને હિસાબે પુરજોશમાં રચાતાં મોજાંઓ, કિનારા પર આવીને તૂટતાં મોજાંનું ખરું સૌંદર્ય જોવું હોય તો અહીંના દરિયાકિનારાની મુલાકાત લેવી ખરી.