આમ તો કોઈ પણ ધાર્મિક સ્થળોએ, મંદિરોમાં કે પવિત્ર સ્થાનોમાં જવા-બેસવાથી મન-મસ્તિષ્ક રિલૅક્સ થઈ જાય છે, શાતા અનુભવે છે; પરંતુ કસારદેવી મંદિરમાં તો અલૌકિક દૈવી શાંતિની અનુભૂતિ થાય છે
તીર્થાટન
કસાર દેવી મંદિર
કસારદેવીના મંદિરમાં જે પ્રસાદ મળે એ અને એની સાથે અલ્મોડાની ફેમસ બાલ મીઠાઈ તેમ જ મે-જૂન મહિનામાં મળતા પીચની નાની આવૃત્તિ જેવા ખુમાની ઘરે લઈ આવવાનું વીસરતા નહીં.
તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે પર્યટન અર્થે કોઈ સ્થળે ગયા હો ૭, ૮, ૯ દિવસની ટૂર કરી, એ આખા એરિયાને સરસ રીતે એક્સપ્લોર કર્યો હોય અને પછી ત્યાંથી પરત આવ્યા બાદ એ જ વિસ્તારમાં આવેલી કોઈ વિશેષ જગ્યા વિશે જાણવા મળે, એની સ્પેશ્યલિટી, એના મહત્ત્વ વિશે ખબર પડે ત્યારે તમને કેવું થાય? થાય કે આ તો હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો... જેવો તાલ થયો.
ADVERTISEMENT
વેલ, ઉત્તરાંચલના કુમાઉં વિસ્તારમાં ફરવા જતાં મોટા ભાગના ટૂરિસ્ટને આવું થાય છે જ્યારે તેમને ખબર પડે છે કે અલ્મોડાની સાવ પડખે કસાર પર્વતની ઉપર કાત્યાયની માતાનું ઉદ્ગમ સ્થાન છે. એ તો ખરું જ પણ આ ભૂમિ એવી જીઓ મૅગ્નેટિક છે જેના જેવી જગ્યા આખા વિશ્વમાં માત્ર ત્રણ જ છે અને એનાથીયે ખાસ વાત તો એ કે આ વિશિષ્ટ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશમાત્રથી ડિવાઇન શાંતિનો એહસાસ થાય છે.
યસ, કસાર નામક ઉચ્ચ પ્રદેશ વાન ઍલન બેલ્ટ ઇફેક્ટની અંદર આવે છે જે ઇફેક્ટ પેરુના માચૂ પીચૂ તથા ઇંગ્લૅન્ડના સ્ટોનહેન્જમાં પણ છે. વૈજ્ઞાનિક અને જિઓલૉજિસ્ટ વાન ઍલને પૃથ્વીની આજુબાજુ સૌર કિરણો, ઊર્જા તેમ જ સનમાંથી છૂટા પડેલા ઉલ્કાપિંડોથી રચાતા ભિન્ન-ભિન્ન રેડિયેશન લેવલની શોધ કરી હતી. તેમણે શોધ્યું કે ધરતીનાં અમુક ક્ષેત્રોમાં એક ખાસ પ્રકારનો ચુંબકીય પાવર છે, જે મનુષ્યને ચાર્જ્ડ અપ કરી દે છે. માનસિક રીતે હળવા અને સ્થિર બનાવી શાંત કરે છે. વિજ્ઞાનની જ વાતો ચાલી રહી છે તો આપણે એ જાણીએ કે દરેક ગ્રહની ચારે બાજુ સૂર્યમાંથી નીકળેલી ઊર્જાના કણોનો એક જાડો પટ્ટો હોય છે, જેને સહેલી ભાષામાં રેડિયેશન બેલ્ટ કહેવાય. આ પટ્ટાની બહારની બાજુએ સૂરજદાદાના વિકિરણનું બીજું એક લંબગોળ વલય હોય છે. આ બે વલય કોઈ પૉઇન્ટ પર એકબીજાને સ્પર્શે એ ક્ષેત્ર જિઓ મૅગ્નેટિક એરિયા. કુદરતની દરેક લિવિંગ થિંગ આવા વિસ્તારના વાતાવરણમાં સહજપણે ઉલ્લાસિત રહે છે. જે-તે વ્યક્તિ એ ભૂમિના સંપર્કમાં આવે તેને ઑટોમૅટિક લાઇટનેસની અનુભૂતિ તેમ જ હૅપીનેસની ફીલિંગ થાય છે.
જ્યાં સ્વામી વિવેકાનંદે મેડિટેશન કરેલું એ ગુફા
જોકે વિજ્ઞાને તો આ કુદરતી નિયમ થોડાં વર્ષો પૂર્વે સાબિત કર્યો પણ આપણા પરાપૂર્વના માણસો તો વિશે જાણતા જ હશે. એટલે જ માચૂ પીચૂ ઉપર ખાસ પ્રકારનો ગઢ કે કિલ્લો છે જે ૧૫મી સદીમાં ઇન્કા જાતિના સ્થાનિકોએ બનાવ્યો છે. એ જ રીતે ઇંગ્લૅન્ડનું સ્ટોનહેન્જ બનાવવાની શરૂઆત પાંચ હજાર હજાર વર્ષ પૂર્વે થયેલી હોવાનું મનાય છે. અહીં ૧૪ ફુટ ઊંચા અને ૭ ફુટ પહોળા હજારો કિલોના પથ્થરો ખાસ આકારમાં ગોઠવાયા છે. પહેલી નજરે સાવ સામાન્ય દેખાતા પિલરની જેમ આડાઅવળા ઊભા કરેલા પથ્થરોનું આ મૉન્યુમેન્ટ કોણે, કેમ, કઈ રીતે બનાવડાવ્યું હશે એ વિશે અનેક માન્યતાઓ છે પરંતુ કોઈ એના મેકિંગની પ્રક્રિયા વિશેનું ઠોસ કારણ આપી શકતા નથી. બટ, આપણા કસાર પ્લૅટુનો ઉલ્લેખ પુરાણોમાં છે. કહે છે કે શુમ્ભ અને નિશુમ્ભ અસુરોનો વધ કરવા દુર્ગામાતાએ આ સ્થળે મા કાત્યાયનીનો અવતાર ધારણ કર્યો હતો. ગૌરીનો છઠ્ઠો અવતાર ગણાતાં કાત્યાયની માતાનું પ્રાગટ્ય સ્થાન ગણાતા આ મંદિરમાં છે તો કાત્યાયની માતાની પ્રતિમા, પરંતુ આ વિસ્તારનું નામ કસાર હોવાથી એને કસારદેવી માતા કહે છે. કહે છે કે બે હજાર વર્ષ પૂર્વે અહીં રાજા રુદ્રકે મંદિરની સ્થાપના કરી હતી પરંતુ કાળક્રમે એ નાશ પામ્યું. હાલમાં અહીં સરસ નાજુક મંદિર છે જે ૭૫ વર્ષો પૂર્વે નિર્માણ થયું છે.
અલ્મોડા-બાગેશ્વર હાઇવે પર અલ્મોડા સિટી સેન્ટરથી ફક્ત ૮ કિલોમીટરના અંતરે આવેલા કસારની ટેકરી સમુદ્રતટથી ૨૧૧૬ મીટરની ઊંચાઈએ છે. આભને અડતાં દેવદાર, પાઇન વૃક્ષોથી સુશોભિત આ ટેકરીની ટોચે પહોંચવા વૉકિંગ ટ્રૅક પણ છે અને ડ્રાઇવ રૂટ પણ છે. જોકે વાહન પાર્ક કર્યા પછી પણ ૧૦૦ જેટલાં સહેલાં પગથિયાં ચડવાનાં રહે છે, પછી જ ચમત્કારિક મંદિરમાં પહોંચાય છે અને નીચેથી ટ્રેકિંગ કરીને જાઓ તો એ પણ ૪ કિલોમીટરનું સરળ ચડાણ છે. તરુવરોની વચ્ચેથી ડોકાતું નીલું આકાશ, ક્યાંક-ક્યાંક હાઉકલી કરી જતા આઘે રહેલા હિમાલયના ધવલ પહાડો, પંખીઓનું સુગમ સંગીત અને સહપ્રવાસી બની જતા હસમુખા સ્થાનિકો.... બૉસ, રિલૅક્સ થવા બીજું કાંઈ જોઈએ ખરું?
ખેર, મંદિરમાં માનાં ચરણોમાં શીશ ઝુકાવ્યા પછી મંદિર જે પહાડની કોતરમાં બનાવ્યું છે ત્યાં જરૂર જજો, આ જ તો આખાય સ્થળનું ઊર્જા કેન્દ્ર છે. સ્વામી વિવેકાનંદ અહીં ૧૮૯૦ના સપ્ટેમ્બર મહિનામાં આવ્યા હતા. કહે છે કે યુથ આઇકન સ્વામીજીને અલ્મોડાથી ૨૨ કિલોમીટર પહેલાં કાકડી ઘાટ નામક સ્થળે પરમ જ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો અને ત્યાંથી તેઓ કસાર ટેકરીની ચટ્ટાને આવ્યા અને અહીં ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા. ખૂબ જ નાના આયુષ્યમાં પણ આખી દુનિયામાં પોતાની વિચારધારા, જ્ઞાનનો ડંકો વગાડનાર વિવેકાનંદે અહીં જ નક્કી કરેલું કે મારે મારી જાતને મનુષ્યના કલ્યાણ અર્થે ધરી દેવી છે.
કોઈ જ તપ, જપ, તંત્ર, મંત્ર, સાધના, ધૂણી કે તાંત્રિક વિદ્યા વગર આજે પણ આ ગુફા એટલી જ ચેતનવંતી છે, જેમાં પ્રવેશતાં જ સહજતાથી ધ્યાન લાગી જાય છે. તમને મેડિટેશનનો કક્કોય ન આવડતો હોય તો પણ કશુંય કર્યા વગર થોડી ક્ષણો માટે પણ આંખ બંધ કરી અહીં બેસો. અને એવી ગજબની હળવાશ ફીલ થશે જાણે કે વર્ષોથી મન પર જામી ગયેલાં પડળ ખરી ગયાં હોય. સાંભળો, આ અમે નથી કહેતા, ૨૦૧૩માં નાસાના અધિકારોઓ અહીં આવ્યા હતા અને તેમણે આ ચુંબકીય શક્તિનું વિસ્તારથી રિસર્ચ કર્યું અને સાબિત કર્યું કે કસાર ટેકરીના એરિયામાં જિઓ મૅગ્નેટિક પાવર છે જે પ્રકૃતિ અને હ્યુમન બૉડી અને બ્રેઇન પર ઇફેક્ટ કરે છે. કદાચ આ જ કારણોસર ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં આ એરિયા ક્રેન્ક્સ રિજ કહેવાતો. ક્રેન્ક્સ રિજ એટલે હૅપી લૅન્ડ. આજથી અર્ધ શતક પહેલાં દુનિયાભરના યુવાનોમાં જે હિપ્પી થવાનો ટ્રેન્ડ ચાલ્યો તો એ હિપ્પીઓનો અહીં અડ્ડો હતો. ઘર-પરિવાર છોડી, રોજિંદાં કાર્યો, જવાબદારીથી વિમુખ થઈ. પોતાની મસ્તીમાં મસ્ત, કુદરતના, સમાજના નિયમોને બહિષ્કાર કરી સ્વૈરવિહાર કરતા હિપ્પીઓ અહીં મોટા પ્રમાણમાં આવતા અને રહેતા. ઘણી હૉલીવુડ હસ્તીઓ, ઇન્ટરનૅશનલ આર્ટિસ્ટ, રાઇટર્સ અહીં અગોચર કિક માટે કે સ્વની શોધમાં આવ્યા અને ગયા.
ઍન્ડ થૅન્ક ગૉડ, હવે અહીં તેમનો વસવાટ નથી. પણ બુદ્ધિસ્ટ સાધના કેન્દ્ર અને બુદ્ધ આશ્રમ જરૂર છે. એ જ રીતે કસારદેવી મંદિરથી ૫૦ પગથિયાં ઉપર એક શિવાલય છે જે દોઢસો વર્ષ જૂનું છે. દુર્ગામાં બાદ ભોલાબાબાને દંડવત્ કર્યા પછી ત્યાંથી જે ૩૬૦ ડિગ્રીનો નજારો દેખાય છે એ માઇન્ડ-બ્લોઇંગ છે. અલ્મોડા ટાઉન, હિમાલયની બંદરપુંચ પીક અને હવામાન સાફ હોય તેમ જ પાસે શક્તિશાળી દુરબીન હોય તો-તો અહીંથી કેદારનાથ પર્વત, નંદાદેવી પહાડ, પંચચુલી, ત્રિશૂલ પર્વત પણ દેખાય છે.
મુખ્ય મંદિરથી ઉપર આવેલું શિવાલય
આ કોસ્મિક એનર્જી ધરાવતા ક્ષેત્ર માટે પુરાણમાં શ્લોક છે કે ‘કૌશિકી શુમલ્લી મધ્યે પુણ્ય કાસાય પર્વત, તસ્ય પશ્ચિમ ભાર્ગેવ ક્ષેત્ર વિષ્ણો પ્રતિષ્ઠિતમ્.’ સવારના ૭થી ૭ ખુલ્લા રહેતા આ મંદિરમાં સ્થાનિકો સાથે દુનિયાભરના શ્રદ્ધાળુઓ, ટૂરિસ્ટ અને ટ્રેકર્સ આવે છે. કસાર પર્વતના પરિસરમાં જ ૩-૪ નાનાં ગામડાંઓ છે જ્યાં હોમ સ્ટેના ઑપ્શન અવેલેબલ છે અને સાદું ભાણું પીરસતી રેસ્ટોરાં પણ છે. બાકી અલ્મોડા ટાઉન નજીકમાં જ છે જ્યાં રહેવા અને ખાવા-પીવાના ફાઇવ સ્ટાર ઑપ્શન સુધ્ધાં અવેલેબલ છે. દેવભૂમિ ઉત્તરાંચલનો કુમાઉં વિસ્તાર હવે દુનિયાથી બહુ દૂર નથી. પંતનગરમાં ઍરપોર્ટ છે અને દિલ્હીથી પંતનગરની ડાયરેક્ટ ફ્લાઇટ સર્વિસની ભરમાર છે. પંતનગરથી અલ્મોડા જસ્ટ ૧૧૬ કિલોમીટર. અગેઇન, ત્યાં પહોંચવા અનેક રોડ પરિવહન છે. એ જ રીતે કાઠગોદામ કુમાઉં વિસ્તારનું આખરી રેલવે-સ્ટેશન છે. દિલ્હીથી એક રાત્રિ જર્ની કરો એટલે ઉત્તરાખંડ રાજ્ય મેં આપકા હાર્દિક સ્વાગત હૈ. ઍન્ડ યસ, રાજધાની દેહરાદૂનથી પણ અલ્મોડા રીચેબલ.
પૉઇન્ટ બ્લૅન્ક
વિવેકાનંદજીએ કસાર ઘાટીને પોતાની સ્વપ્નસૃષ્ટિ કહેતાં લખ્યું છે કે ‘આ જગ્યા વિશે તેમને નાનપણમાં ખ્યાલ નહોતો પણ બાલ્યવયથી જ તેમણે આવા સ્થાને જવાનું સપનું સેવ્યું હતું.’ પશ્ચિમી દુનિયાને હિન્દુ વેદશાસ્ત્રનો ચસકો લગાડનાર સ્વામીજી કહે છે કે ‘દરેક ભારતીયએ આ સ્થળે એક વખત તો જવું જોઈએ અને પરમ જ્ઞાનનો એહસાસ કરવો જ જોઈએ.’ કુમાઉં વિસ્તારના બિનસર અને કૌસાનીની સુંદરતા તો માદક છે જ. સાથે જોગેશ્વર, પાતાલ ભુવનેશ્વર, બૈજનાથમાં શંકરનાં બેસણાં ભોળેનાથના ભક્તોનાં શ્રદ્ધેય સ્થાન છે.