મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની બૉર્ડર પર આવેલા ઓરછામાં રાજા રામની સરકાર છે, અહીં તેમને દિવસમાં ચાર વખત બાકાયદા ગાર્ડ ઑફ ઓનર અપાય છે
તીર્થાટન
ઓરછા ફોર્ટ
બુંદેલખંડના કિલ્લાઓ, મંદિરોની વિઝિટ સાથે અહીંની માવા બાટી, માલપૂઆ ઍન્ડ મોસ્ટ યુનિક ભુટ્ટે કા કીસ (લીલી મકાઈના દાણામાંથી બનાવેલો મસાલેદાર હલવો) ખાવો પણ કમ્પલ્સરી છે.
૨૦૨૪ના જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ અયોધ્યામાં ઓપન થનારું રામમંદિર આવનારી શતાબ્દીઓ માટે ભારતનું ઓળખચિહ્ન બની રહેનારું છે. કેટલાંય વર્ષોની લડત બાદ રામ લલ્લાને હવે કાયમી નિવાસસ્થાન મળવાનું છે એનો ઉમંગ ફક્ત અવધવાસીઓ જ નહીં, સમસ્ત દુનિયાના રામભક્તોને છે. આપણે સૌ રાજા દશરથના જાયાને અયોધ્યામાં રાજા સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવા ઉત્સુક છીએ પણ એ પૂર્વે આપણે જઈએ ઓરછા, જ્યાં ઑલરેડી શ્રીરામ રાજારૂપે પુજાય છે અને ફક્ત ઓરછાના સ્થાનિકો જ નહીં, સરકાર ખુદ અહીં મર્યાદા પુરુષોત્તમ રામને સરકાર ગણી દરરોજ પોલીસ દ્વારા સશસ્ત્ર સલામી અર્પે છે.
ADVERTISEMENT
ઓરછા... મધ્ય પ્રદેશનું આ એક એવું ઍન્ટિક ઘરેણું છે જે ભારતના દિલ કહેવાતા રાજ્યને અલૌકિક બ્યુટી પ્રદાન કરે છે. અંગ્રેજોના શાસનકાળમાં બુંદેલખંડ તરીકે જાણીતા આ વિસ્તારનો એવો ભવ્ય ઐતિહાસિક વારસો છે કે એ જાણી ઇતિહાસ, પુરાતત્ત્વ, સ્થાપત્યોના શોખીનોને આવા કાળા ઉનાળામાંયે ઓરછા ઊપડી જવાનું મન થાય. જોકે ફક્ત આ શોખીનો કે સહેલાણીઓ જ નહીં પણ જેને તીર્થની યાત્રાએ જવું ગમતું હોય, જે અંતરથી અને અંદરથી પ્રભુ રામના ભક્ત હોય તેઓ પણ અહીંના મંદિરની વિશેષતા, રામજીની કહાણી જાણી-સાંભળી પહેલી જાત્રા ઓરછાની જ કરશે.
રામ રાજા મંદિર
વેલ, તો જાણીએ રામ રાજા મંદિરની રોચક કથા. ૧૫મી સદીની મધ્યમાં અહીં રાજા મધુકરશાહ રાજ કરતા હતા. રાજા મુધકર પાકા કૃષ્ણભક્ત અને તેમનાં રાણી ગણેશકુંવરી રામભક્ત. એક વખત રાજા મધુકર રાણીને વૃંદાવન બાંકે બિહારીજીના મંદિરમાં લઈ ગયા. પતિવ્રતા રાણી તેમની સાથે ગયાં અને રાજા સાથે મળી બેઉએ ખૂબ ભાવથી મોહનની ભક્તિ કરી, નૃત્ય કર્યાં. બંસીધર આ રાજા-રાણીના સ્નેહથી પીગળી તેમની સાથે નૃત્યમાં જોડાઈ ગયા. મધુકર શાહને એનો ખ્યાલ આવી ગયો અને તેમણે રાણીને કહ્યું કે જુઓ મારો કાનુડો તો કેવો! ભક્તોનો ભાવ જોઈ તેની સાથે જોડાઈ જાય. તમારો રામલલા આવું કરે કે? ગણેશકુંવરીને આ વાત દિલમાં ઘર કરી ગઈ અને શુભ ચોઘડિયે ઓરછાથી અયોધ્યા એ પ્રણ લઈ પ્રયાણ કર્યું કે ‘હું મારા રામને મારી સાથે ઓરછા લઈ જ આવીશ. અવધપુરીમાં આવી રાણીસાહેબ તો રામની સાધના, ભક્તિમાં લીન થઈ ગયાં. પણ એમ કાંઈ ભગવાન પોતાનું સ્થાન છોડી દરેક ભક્તની સાથે થોડા ચાલવા લાગે!
ચતુર્ભુજ મંદિર
સમય વીતતો ગયો. દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા. રાજા મધુકરને રાણીના અપ્રતિમ ભક્તિભાવનો અંદાજ તો હતો જ. એટલે તેમણે તેમના રાજ્ય ઓરછામાં રામમંદિર બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવી દીધી. પરંતુ આ બાજુ ગણેશકુંવરીનો સંકલ્પ નહોતો ફળી રહ્યો. વર્ષો વીત્યાં પણ પ્રભુ મળી નહોતા રહ્યા એ શોકમાં તેમણે સરયુ નદીના જળમાં સમાધિ લેવાનું નક્કી કર્યું અને જળમાં હજી પહેલી ડૂબકી ખાધી ત્યાં તેમના હાથમાં શ્રીરામની મૂર્તિ આવી અને ગણેશકુંવરી તો રાજીના રેડ. પછી તો તૈયારી કરી પતિગૃહે જવાની. ત્યારે રામજીએ રાણી પાસે ત્રણ શરત મૂકી. રામે કહ્યું, પહેલી શરત એ કે હું હંમેશાં તમારી સાથે જ રહીશ અને તમે મને જ્યાં મૂકશો એ પછી મને ખસેડશો નહીં. બીજી વાત એ કે હું જે નગરમાં રહીશ ત્યાં મારું રાજ ચાલશે અને હું ફક્ત પુષ્ય નક્ષત્રમાં જ યાત્રા કરીશ. ગણેશકુંવરી તો દરેક શરત માનવા તૈયાર જ હતાં. પુષ્ય નક્ષત્રમાં રામજીની પ્રતિમા સાથે રાણીબાએ અયોધ્યાથી ઓરછાની યાત્રા પ્રારંભ કરી અને વિક્રમ સંવત ૧૬૬૧ ચૈત્ર સુદ છઠના રાણીએ રામ સાથે રાણીવાસમાં પ્રવેશ કર્યો.
મધુકરશાહજીએ શ્રીરામ માટે મંદિર તો બનાવડાવી દીધું હતું પરંતુ રામજીએ રાણી પાસે, સાથે રહેવાની શરત રાખી હતી. જોકે એ શરતો વિશે રાજાને ખ્યાલ આવે એ પહેલાં તેમને સ્વપ્નમાં શ્રીરામ આવ્યા અને કહ્યું કે ‘તમે બનાવડાવેલા મંદિરમાં શ્રી ચતુર્ભુજજી નિવાસ કરશે અને તેમની પ્રતિમા તમને અનાયાસે મળશે. હું માતા ગણેશકુંવરી સાથે નિવાસ કરીશ અને હવે અહીં મધુકર શાહનું નહીં રામ રાજાનું રાજ ચાલશે.’
ભગવાન સામેથી ભક્ત પાસે કાંઈ માગણી કરે તો કયો ભક્ત મના કરે, ભલેને મધુકર શાહ કૃષ્ણભક્ત હતા. રાજાએ ખૂબ હોંશથી રાજ્ય છોડ્યું અને ત્યારથી છેક... ઑલમોસ્ટ સાડાત્રણ શતાબ્દીથી વધુ સમય એટલે ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા બાદ જ્યારે રાજાશાહીનું વિલીનીકરણ થયું ત્યાર સુધી ઓરછામાં શ્રીરામનું રાજ્ય ચાલ્યું અને ત્યાં સુધી દરેક દસ્તાવેજ પર રાજા રામની મહોર લાગતી.
આ પણ વાંચો : જો આ મંદિરની છત પર પાણીનાં ટીપાં બાઝે તો ૭ દિવસમાં આજુબાજુમાં વરસાદ આવે જ આવે
યસ, તો આવા ચમત્કારિક રામજી છે ઓરછાના રામ રાજા મંદિરમાં. આ મંદિર પૂર્વે રાણીવાસ હોવાથી એ મહેલ જેવો વધુ લાગે છે અને મહેલને અનુરૂપ અહીં રામ રાજાને છાજે એમ કૌશલ્યાપૂત એક પગની ઉપર બીજો પગ ચડાવી અર્ધપદ્માસનમાં બેઠા છે. તેમના હાથમાં બાણના બદલે તલવાર છે. સીતા રાણી, લક્ષ્મણ, હનુમાન, જાંબવન, સુગ્રીવ તેમ જ નરસિંહ ભગવાન અને દુર્ગામાતા સહિત આખોય રામ દરબાર અહીં મોજૂદ છે. બાલ સ્વરૂપની ધાતુની મૂર્તિ જે કુંવર રાણી અયોધ્યાથી લઈ આવ્યા હતા એ માટે અન્ય માન્યતા પ્રવર્તે છે કે ૧૬મી સદીમાં જ્યારે મોગલો મંદિરો અને મૂર્તિઓ ધ્વસ્ત કરી પોતાનો ક્રૂર પંજો ફેલાવી રહ્યા હતા ત્યારે અયોધ્યાના સંતો એ જન્મભૂમિમાં બિરાજમાન શ્રીરામની મૂર્તિને સુરક્ષા અર્થે સરયુ નદીની બાલુ માટીમાં દબાવી દીધી હતી અને આ એ જ પ્રતિમા રાણીને સાંપડી છે.
ખેર, કહાનીઓ જે હોય તે. હકીકત એ છે કે ઓરછાનું આ રામમંદિર હાલનું ઓલ્ડેસ્ટ રામમંદિર છે અને બેહદ બ્યુટિફુલ છે. એ જ રીતે આ એકમાત્ર ટેમ્પલમાં રામને રાજા તરીકે પુજાય છે. સવારે ૮થી બપોરે સાડાબાર અને સાંજે આઠથી રાત્રે સાડાદસ દરમિયાન વિવિધ ભોગ, આરતી, શયનની વિધિ અહીં થાય છે અને સીઝન પ્રમાણે અડધો કલાક વહેલા-મોડા દર્શન ખૂલે અને બંધ થાય છે. મકર સંક્રાંતિ, વસંત પંચમી, શિવરાત્રિ, રામનવમી, કાર્તિકી પૂર્ણિમા, વિવાહ પંચમી (માગસર સુદ પાંચમ) જેવા દિવસોએ અહીં મોટા ઉત્સવ યોજાય છે અને બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટે છે. આખા વર્ષ દરમિયાન હજારો ભારતીયો તો ખરા જ, પચીસ હજાર જેટલા ફૉરેન ટૂરિસ્ટ પણ અહીં મથ્થા ટેકે છે.
રાણી લક્ષ્મીબાઈની નગરી ઝાંસીથી ફક્ત ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ઓરછા નગર જવા મુંબઈથી ડાયરેક્ટ ઝાંસીની જ ટિકિટ કઢાવાય. ઓરછા ભલે મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લાનું ટાઉન છે પણ પાટનગર ભોપાલથી ૩૯૬ કિલોમીટર દૂર છે. ઓરછામાં મંદિર ઉપરાંત અન્ય ટૂરિસ્ટ આકર્ષણો હોવાથી અનેક પ્રકારનાં વ્યંજનો પણ મળી રહે છે. એ જ રીતે રહેવા માટે પણ અનેક ઑપ્શન છે. ઔર હિસ્ટોરિક સિટી ઝાંસીમાં પણ રહી શકાય. જોકે બેતવા નદીને કાંઠે વસેલા ઓરછામાં વિતાવેલી એક ચાંદની રાત મેમરીની રૂપેરી રાત ચોક્કસ બની રહેશે.
પૉઇન્ટ બ્લૅન્ક
આ વાંચતાં-વાંચતાં વિચાર આવ્યો હોય કે રાજા મધુકર શાહે રામજી માટે જે મંદિર બનાવડાવ્યું એનું શું થયું? એનું વાર્તામાં જ કહ્યું એમ અહીં ચાર હસ્તધારી વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. થોડી વિક્ટોરિયન છાંટ ધરાવતી શૈલીમાં બનેલા આ મંદિરના રંગમંડપમાં એકસાથે ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો બેસી શકે છે. ઉપરાંત ઓરછાનું લક્ષ્મીનારાયણ મંદિર પણ પ્રસિદ્ધ છે. એ ઉપરાંત રામ રાજા મંદિરની આજુબાજુ આવેલાં રામભક્ત હનુમાનનાં સો મૅની ટેમ્પલ છે જેમાં છડદારી હનુમાન, બજરિયા કે હનુમાન અને લંકા હનુમાન તો જાણે રામની સુરક્ષા કરતા હોય એમ આજુબાજુમાં જ છે. ટેમ્પલ ઉપરાંત અહીંનો રાજમહેલ, જહાંગીર મહેલ, શીશમહેલ, પ્રવીણ મહેલને સમાવતું રૉયલ એન્ક્લેવ અદ્ભુત છે. ઍન્ડ યસ, ઓરછાનો ફોર્ટ, સુંદર મહેલ, છત્રી તરીકે જાણીતાં રાજવીઓનાં સમાધિ સ્થળ મનમોહક છે અને ફૂલ બાગ તો ઉદયપુરની યાદ અપાવે એવો શાનદાર છે.
આ બધા સાથે સાવન-ભાદો નામક ઊંચા બે મિનાર જોવાનું નહીં ચૂકતા. કહે છે કે આ બે મિનારાની નીચે સુરંગ હતી અને એના દ્વારા શાહી પરિવાર આવ-જા કરતો હતો. જોકે આ સાથે જ બીજી એક માન્યતા છે કે ચોમાસામાં શ્રાવણના અંત અને ભાદરવા મહિનાની શરૂઆતમાં આ બે મિનારાઓ એકબીજા સાથે જોડાઈ જતા એ પછી ધીરે-ધીરે છૂટા પડી જતા.