જગન્નાથપુરી ઉપરાંત ઓડિશા રાજ્યના પુરુસોત્તમપુર ગામે અન્ય એક જાગૃત શક્તિપીઠ છે. આદ્યશક્તિ સતી દેવીનાં સ્તન અહીં પડ્યાં હોવા સાથે આ યાત્રાધામ તારા અને તારિણી માતાના પવિત્ર પ્રભાવને કારણે દેવી ભક્તોમાં અનન્ય સ્થાન ધરાવે છે
તીર્થાટન
મા તારા તારિણી મંદિર
મુંબઈથી ભુવનેશ્વરનું અંતર ૧૬૦૦ કિલોમીટર છે. આજથી પાંચ-છ દાયકાઓ પહેલાં આ ડિસ્ટન્સ બહુ કહેવાતું. વાહનવ્યવહારનાં ટાંચાં સાધનો વળી ટ્રેનમાં ૫૦થી ૭૦ કલાકની જર્ની... આવાં કારણોસર મુંબઈ-ગુજરાતથી યાત્રાળુઓ માટે ઓડિશા જવું ચાંદ પર જવા જેવું મુશ્કેલ ગણાતું. આ રીઝન તો ખરું જ ઉપરાંત આપણાથી સાવ ભિન્ન ઓડિશી સંસ્કૃતિ, ખાણી-પીણી, રહેણીકરણી, ભાષામાં પણ ખૂબ ફરક હોવાથી ભારતનાં પૂર્વનાં આ રાજ્યો સાથે ગુજરાતીઓને એ સમયમાં બહુ ગાઢા સંબંધ બંધાયા નહીં. હા, કટક, ધનબાદમાં આપણા ભાઈબંધુઓ વસ્યા હતા પણ કલકત્તા સાથે જે નિકટતા હતી એવાં ઘનિષ્ઠ રિલેશન કલિંગ સંગ તો નહોતાં જ. બાકી આ રાજ્યમાં કૃષ્ણનું મોટું ધામ અને અનેક જૈન તીર્થો. છતાંય ભારતનો પશ્ચિમી કાંઠો અને પૂર્વીય કાંઠો બહુ હળ્યો-ભળ્યો નહોતો.
ADVERTISEMENT
ખેર, આજે પૅન ઇન્ડિયાનો ટાઇમ છે. હવે જૂનાગઢના તાલાલાની કેસર કેરી ભુવનેશ્વરમાં મળે છે તો દરેક ગુજરાતીના ઘરમાં ઓડિયા ટસર સિલ્કની સાડી કે ઝભ્ભો હોવાનો જ.
આ આખીયે પ્રસ્તાવના બાંધવાનું કારણ એ જ કે આજે જ્યારે બેઉ રાજ્યો વચ્ચે આવનજાવન વધી છે. વાહનવ્યવહાર સરળ બન્યો છે ત્યારે ભક્તો માટે જગન્નાથજીનાં દર્શને જવું સહજ બન્યું છે. એટલું જ નહીં, ગુજરાતીઓમાં ઓડિશાના પ્રવાસનો ક્રેઝ પણ વધ્યો છે. પ્રવાસીઓ એક ખાસ મહિનામાં આ સ્ટેટના ગોપાલપુરના બીચ પર ખાસ ટર્ટલનાં બચ્ચાંઓને જોવા જાય છે. છતાંય ગોપાલપુરની સાવ નજીક આવેલા મા તારા તારિણીના પૌરાણિક મંદિરે નથી જતા. અને આ જ વાતનું અમને દુઃખ થાય છે.
વેલ, હવે જ્યારે જગન્નાથપુરી જાઓ ત્યારે ખાસ અહીંથી ૧૩૫ કિલોમીટર દૂર ગંજમ જિલ્લામાં આવેલા પુરુસોત્તમપુર અચૂક જજો જ. માનું મંદિર તો મનમોહક છે જ, માતાજી પણ પ્રભાવશાળી છે. એ સાથે અહીં સુધી પહોંચવાના મારગ કી તો ક્યા કહને. કોસ્ટલ રોડ પકડો તો એક કોર બંગાળના ઉપસાગરનાં ઊછળતાં મોજાં અને બીજી બાજુ ચિલ્કા સરોવરની વિશાળ શાંત જળરાશિ અને જો પહાડી રસ્તો લ્યો તો એક સાઇડ ચિલ્કાનાં મીઠાં વારિ અને અન્ય બાજુ ઈસ્ટર્ન ઘાટની લીલીછમ્મ વનરાઈ. દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જશે સાહેબ...
હવે આજની વાત છોડીને આપણે પૌરાણિક કાળમાં જઈએ અને આ સ્થાનની મહત્તા જાણીએ. દક્ષ રાજાની પુત્રી દક્ષા કહો કે સતીએ સ્મશાનમાં રહેતા ભસ્મધારી શિવજી સાથે લગ્ન કર્યાં. એટલે પિતા નારાજ હતા. એક વખત દક્ષ રાજાએ પોતાના રાજ્યમાં વિશાળ યજ્ઞનું આયોજન કરાવ્યું. સમગ્ર સૃષ્ટિના દેવો, ઋષિઓ, રાજાઓને નિમંત્ર્યા પણ પોતાનાં દીકરી-જમાઈને ન તેડાવ્યાં. પિતાના ઘરે આમંત્રણની શું રાહ? એમ વિચારે દેવી સતી પતિ શંભુનાથ સાથે પહોંચી ગયાં યજ્ઞમાં. ત્યારે પિતાએ તેમને યોગ્ય સન્માન ન આપ્યું અને એ વાતે ક્રોધિત થઈ સતીએ એ જ યજ્ઞના હવન કુંડમાં કૂદીને પોતાનો પ્રાણ ત્યાગ્યો. એ જાણી ભોળાનાથ વ્યાકુળ થઈ ગયા અને સતીના અર્ધદગ્ધ શરીરને લઈ સમસ્ત પૃથ્વી પર ફરી વળ્યા. સૃષ્ટિ પણ શિવજીના આ રૂપથી ત્રાહિમામ થઈ ગઈ. પ્રાણીઓ, દેવો, મનુષ્યો શંકરના રૌદ્ર સ્વરૂપથી ડરી ગયા ત્યારે સૃષ્ટિના પાલક વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીનાં એક-એક અંગ વિખંડિત કર્યાં. ત્યારે પણ સતીને ઊંચકીને શંભુ પૃથ્વીલોક પર ઘૂમી રહ્યા હતા. આથી ધરતી ઉપર વિવિધ ૫૧ સ્થળે સતી માતાનાં એ અંગ પડ્યાં અને એ જ્યાં એ અંશ પડ્યા એ બની શક્તિપીઠ.
આ કથા અહીં પહેલાં પણ કહી જ છે છતાં તમને બીજી વખત યાદ કરાવવાનું કારણ એ કે પુરુસોત્તમપુર એ પવિત્ર સ્થળ છે જ્યાં સતીમાતાનાં સ્તન પડ્યાં હતાં. આથી આ જગ્યા શક્તિપીઠ છે. હવે આ સ્થળ આટલું જાગૃત છે, ભક્તિનું સ્થાન છે એ કઈ રીતે ખબર પડી? તો એની કથા પણ રોચક છે. ૧૭મી સદીમાં આ પ્રદેશમાં રહેતા કાલી માતાના પરમ ભક્ત પંડિત વસુપ્રહરાજને બે બાળકી મળી. નિઃસંતાન વસુએ એ બેઉ બાળકીને પોતાની દીકરીની જેમ ઉછેરી. રમતી-ભમતી બાળકીઓ વસુ સાથે હળીભળી ગઈ હતી અને વસુ પ્રહરાજ તેમની ઉપર નિર્વ્યાજ વહાલ વસાવતા હતા. અચાનક એક દિવસ બેઉ બહેનો ગાયબ થઈ ગઈ. ઘણી શોધખોળના અંતે પણ તેઓ મળ્યા નહીં. ગ્રામજનોના કહેવા મુજબ આ બેઉ કન્યાઓ નજીક આવેલી પૂર્ણગિરિની પહાડી પર ખૂબ રમતી. તેઓ એમાં જ અંતર્ધ્યાન થઈ ગઈ. આ બાજુ પાલક પિતા બેઉ કન્યાના જવાથી વ્યથિત થઈ ગયા હતા. એક રાત્રિએ તેમને સ્વપ્નાદેશ થયો કે તમારા ઘરે આવેલી બે દીકરીઓ બીજું કોઈ નહીં પણ મા તારા અને તારિણી છે. તમારી મા કાલી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિને કારણે એ તમારી પાસે રહેવા આવી હતી. હવે તમે એમનું મંદિર બનાવો અને એમાં માતાના આ સ્વરૂપને સ્થાપિત કરો. ત્યારથી અહીં મા ભગવતીની પૂજા થાય છે. જોકે કલિંગ આર્કિટેક્ચરની સ્ટાઇલમાં બનેલું આ મંદિર તો થોડાં વર્ષો પૂર્વે બનેલું છે, એ પહેલાં સદીઓથી પંદર કિલોમીટરના પરિઘમાં ફેલાયેલા આ આખા પહાડી વિસ્તારની માતાના પ્રાગટ્ય સ્થાન તરીકે પૂજા થતી હતી. અને આજે પણ આ એરિયામાં રહેતા સ્થાનિક એ રીતે જ ટેકરીઓની અર્ચના કરે છે.
જોકે આ કથા તો પાંચસો વર્ષ પૂર્વેની છે. પરંતુ મા તારા-તારિણીનું કનેક્શન તો છેક રામાયણ કાળથી છે. શ્રી રામે માતાના આશીર્વાદ લીધા છે તો મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા માટે શ્રી કૃષ્ણએ પાંડવોને મા ભદ્રકાળીનો યજ્ઞ કરવાનું સૂચવ્યું હતું. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એ યજ્ઞમાં સોળ દેવીમાં માતા તારા-તારિણીનું પણ આહવાન કરાયું હતું અને પાંચ બાંધવોએ તેમના પણ આશીર્વાદ લઈ ફતેહ મેળવી હતી.
કાળક્રમે આ સ્થળ શક્તિપીઠના બદલે તાંત્રિક પીઠ બની ગયું. ઈસુના ૨૬૮ વર્ષ પૂર્વે કલિંગ રાજાઓનું સામ્રાજ્ય ગણાતો કલિંગ દેશ સમ્રાટ અશોકે જીતી લીધો ત્યારથી અહીં બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ વધતું ગયું અને હિન્દુ પરંપરા વિસરાતી ગઈ. એક સમય એવો આવ્યો કે અહીં બૌદ્ધ તાંત્રિકોએ અડ્ડો જમાવી દીધો અને આ શક્તિપીઠ તાંત્રિક પીઠ તરીકે ઓળખાવા લાગી. બૌદ્ધ ઇતિહાસ પ્રમાણે એ ધર્મમાં પહેલાં ક્યારેય કોઈ શક્તિ સ્વરૂપની પૂજા થતી નહોતી. પરંતુ આ સ્થળ પર બૌદ્ધ સાધુઓનું બળ વધવાથી બૌદ્ધ ધર્મમાં મા તારા રૂપે સ્ત્રી તત્ત્વની પૂજા શરૂ થઈ. આજે પણ ચીન, તિબેટ, શ્રીલંકામાં બૌદ્ધ ભાવિકો મા તારાની પૂજા કરે છે તો જપાનમાં બૌદ્ધો મા તારિણીની સેવા કરે છે. તાંત્રિકોની માયાજાળમાં ફસાયેલા આ તીર્થને આઠમી સદીમાં આદિ શંકરાચાર્યએ ખોળી કાઢ્યું અને બૌદ્ધ સાધુઓની ચુંગાલમાંથી છોડાવીને ફરી સનાતન ધર્મનો પરચમ લહેરાવ્યો. ને ત્યારથી એ મા તારા-તારિણીની શક્તિપીઠ તરીકે સ્થાપિત થયું. ૫૧ શક્તિપીઠમાં ૨૬ ઉપપીઠ છે અને ૪ મુખ્ય પીઠ છે - કલકત્તાની મા કાલી, આસામની કામાક્ષીદેવી, પુરીની વિમલા માતા અને ચોથી બ્રહ્મપુરની મા તારા તારિણી. જોકે હિન્દુ ધર્મને એક સૂત્રે બાંધનાર શંકરાચાર્યએ આ સ્થળ પુનઃસ્થાપિત કરવા છતાં આપણી બેપરવાહીથી આ જગ્યા વિસરાઈ ગઈ એ છેક ૧૭મી સદીમાં વસુપ્રહરાજ પંડિતને કારણે ફરી પ્રગટ થઈ.
આજે ૯૯૯ પગથિયાં ચડી માતાના સ્થાને જવા વર્ષભર યાત્રાળુઓ આવતા રહે છે. એમાંય ચૈત્રી નવરાત્રિમાં તો અહીં ભક્તોનો મેળો જામે છે. આજુબાજુના એરિયાના હિન્દુ ભક્તોમાં સંતાનોની મુંડનની વિધિ અહીં કરવાની પરંપરા છે આથી બારેય મહિના યાત્રિકોની આવનજાવન રહે છે. હજારમાં એક ઓછી સીડીઓ સરળ છે. છતાંય અહીં રોપ-વેની પણ સુવિધા છે. ઉડન ખટોલામાં બેસી આજુબાજુની શાતાદાયક સૃષ્ટિને જોતાં-જોતાં માતાજીને જુહારવા જાઓ કે હળવી ટ્રેકિંગ કરી માનો જયકારા બોલાવતાં ૪૫થી ૬૦ મિનિટનું ચડાણ ચડો, માતાના આશીર્વાદ સદૈવ ભક્તો પર વરસતા જ રહે છે.
રાજધાની ભુવનેશ્વરથી માનું મંદિર ૧૬૧ કિલોમીટર છે અને આગળ કહ્યું એમ જગન્નાથપુરીથી ૧૩૫ કિલોમીટર ઋષિકુલ્ય નદીના તટે વસેલું પુરુસોત્તમપુર તો પૂર્ણગિરિ પહાડની તળેટી છે. એની નજીકનું મોટું ટાઉન બ્રહ્મપુર (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે પણ એનો ઉચ્ચાર બ્રહ્મપુર જ થાય છે છતાં કેટલાક લોકો એને બહેરામપુર કહે છે, વાય?) ફક્ત ૩૦ કિલોમીટર... જ્યાં તમને જમવા, રહેવાની સરસ અને સુઘડ વ્યવસ્થા મળી જશે. ગોપાલપુર બીચથી મંદિરનું ડિસ્ટન્સ ૩૫ કિલોમીટર છે અને આ સ્થળે પણ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ખાસ્સી વિકાસ પામી છે.
પૉઇન્ટ બ્લૅન્ક
તાંત્રિક વિદ્યા અને જંતર-મંતર પ્રવૃત્તિને કારણે જ આપણી ભીરુ કહેવાતી ગુજરાતી પ્રજાને ઓડિશાનો પ્રદેશ અને લોકો માટે થોડો છોછ હતો પણ હવે અહીં ચકલા-પોપટ બનાવી દેતા કોઈ તાંત્રિકો કે જાદુગર નથી. હા, પંડાઓ થોડા પરેશાન કરે છે પણ એ એમની રોજીરોટી છે. ડોન્ટ માઇન્ડ ઇટ. બાકી સ્થાનિકો ખૂબ ભોળા અને હેલ્પફુલ છે. આ આખોય પ્રદેશ સુજલામ, સુફલામ્ છે. એશિયાનું લાર્જેસ્ટ મીઠા પાણીનું સરોવર ચિલ્કા, બંગાળનો ઉપસાગર અને ગ્રીન વેલ્વેટી રજાઈ ઓઢીને બેઠેલો પૂર્વીય ઘાટનો વિસ્તાર લાઇફમાં એક વખત તો એક્સપ્લોર કરવા જેવો છે જ.