Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

માય ફ્રેન્ડ હિમાલય

Published : 16 February, 2023 05:29 PM | IST | Mumbai
Alpa Nirmal

એક આમ આદમી માટે બધા જ ડુંગરાઓ એકસમાન હોય છે; સહ્યાદ્રિની પર્વતમાળાઓ હોય કે નીલગિરિની હિલ રેન્જિસ કે પછી માઇટી હિમાલય, એવરેસ્ટ ક્લાઇમ્બર કેવલ કક્કા માટે ભારતનો સરતાજ હિમાલય જાણે કે જાદુ હૈ... નશા હૈ

એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રેક દરમ્યાન દિડબોચે ગામથી માઉન્ટ અમા ડબલામનો શિયાળાની રાતનો ચમકતો નજારો.

અલગારી રખડપટ્ટી

એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રેક દરમ્યાન દિડબોચે ગામથી માઉન્ટ અમા ડબલામનો શિયાળાની રાતનો ચમકતો નજારો.


અઢી-ત્રણ મહિના થાય એટલે મુલુંડમાં રહેતા કેવલ કક્કાને હેમાળાનો કૉલ આવે (હેમાળો એટલે આપણા દેશની ઉત્તર સરહદે અડીખમ ઊભેલી પેલી હિમાલયની ડુંગરમાળાઓ).  હિમાલય કેવલને પૂછે, ‘ભાઈલા, ક્યારે આવે છે અમને મળવા?’ અને ૩૧ વર્ષનો કેવલ ઊપડે માઉન્ટેનિયરિંગનાં વિવિધ ગિયર્સ લઈને ‘હિમાલય કી ગોદ મેં.’


આ નરી કલ્પના નથી, કેવલને ખરેખર પર્વતોના સાદ સંભળાય છે અને લદાખથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલા હિમાલયની પર્વતમાળાઓ તેની સાથે ગોઠડી માંડે છે. કેવલ કહે છે, ‘અમે વાતોએ ચડીએ જને; કારણ કે હિમાલય મારો મિત્ર છે, મારો શિક્ષક છે, મારો માર્ગદર્શક છે. છેલ્લાં ૧૦ વર્ષથી હું વરસના બસોથી સવાબસો દિવસ ‘માય ફ્રેન્ડ હિમાલય’માં રહું છું. ક્યારેક હિમાચલ પ્રદેશની હારમાળાઓ પર, ક્યારેક ઉત્તરાંચલ તો ક્યારેક વળી નેપાલ સાઇડના હિમાલયમાં પણ.’



દરિયાઈ પટ્ટી એટલે મુંબઈમાં જન્મેલા કેવલને ઉંમરનાં ૧૨ વર્ષ સુધી તો હિમાલયનો પરિચય ભૂગોળની ટેક્સ્ટ બુક પૂરતો જ હતો, પણ છઠ્ઠા ધોરણના વેકેશનમાં પપ્પાએ મનાલીના ટ્રેક પર મોકલ્યો અને કેવલ માઉન્ટન-પ્રેમી બની ગયો. હિલ્સ સાથેના પહેલા એન્કાઉન્ટરની વાત કરતાં ૨૦૧૯માં એવરેસ્ટ સર કરનારો કેવલ કહે છે, ‘માઉન્ટન્સ કેવા હોય? ત્યાંની આબોહવા, સંસ્કૃતિ, માણસો, રહેણીકરણીનો પ્રત્યક્ષ પરિચય એ વખતે થયો. ૧૨ વર્ષની મુગ્ધ ઉંમર અને પર્વતની અસીમ સુંદરતા જોઈને હું એનો દીવાનો થઈ ગયો. જોકે એ વખતે હિમાલય સાથે પ્રણયના અંકુર નહોતા ફૂટ્યા. બસ, મને પર્વતમાળાઓ ગમવા લાગી. ટ્રેકિંગનો શોખ જાગી ગયો. પછી તો સેટરડે-સન્ડે, સમર-ક્રિસમસ વેકેશનમાં ટ્રેકિંગ ગ્રુપ સાથે ટ્રેકિંગ પર જવા લાગ્યો. વીક-એન્ડમાં સહ્યાદ્રિની રેન્જિસ અને ઉનાળુ છુટ્ટીમાં હિમાલયમાં આરોહણ. મને મજા આવતી અને એ દરમ્યાન નક્કી કર્યું કે ફક્ત શોખ પૂરતું જ નહીં, પણ કરીઅર પણ માઉન્ટેનિયરિંગમાં બનાવવી છે.’


૨૦૧૯માં એવરેસ્ટ બેઝ કૅમ્પથી પાછા ફરતી વખતે પેરિચે ગામમાં. 


વેલ, જેની નસ-નસમાં લોહી સાથે બિઝનેસ વહેતો હોય એવા કચ્છી કમ્યુનિટીના મુંબઈગરા છોકરાને માઉન્ટેનિયરિંગનો શોખ હોઈ શકે, પણ કારકિર્દી બનાવવી એ તો ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’ સમાન છે. રૂટીન પ્રમાણે કેવલે પણ ટ્વેલ્થ પછી ઑટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લઈ લીધું. કૉલેજના ભણતર દરમ્યાન પણ છુટ્ટીઓમાં ટ્રેકિંગ તો ચાલુ જ હતું. માઉન્ટ એવરેસ્ટ સાથે જ ફક્ત ૬ દિવસમાં દુનિયાનો ચોથો ઊંચો પર્વત માઉન્ટ લહોત્સે સર કરનાર વિશ્વનો પ્રથમ પર્વતારોહક કેવલ કહે છે, ‘એન્જિનિયરિંગમાં સ્ટડી હાર્ડ કરવું પડે, પણ વેકેશનમાં અચૂક ટ્રેકિંગમાં જાઉં અને જે મોટા ભાગે હિમાલયના વિધવિધ પહાડો પર જ હોય. જાતે ટ્રેકિંગ કરવા ઉપરાંત ગ્રુપ-લીડર બનીને પણ જાઉં અને એ દરમ્યાન આઇ ફૉલ ઇન લવ વિથ હિમાલય. સવારે સૂરજનાં સોનેરી કિરણોથી સુવર્ણરંગી થતાં પર્વતોનાં શિખરો. વગડાઉ ફૂલો અને વનસ્પતિની ભરમાર, આકાશને આંબવા મથતી પાઇનની ટ્રી લાઇન્સ, ચહેરા પર ગમે ત્યારે, ગમે ત્યાં ફૂટી નીકળતા પિમ્પલ્સ જેવી ગમે ત્યારે ફૂટી નીકળતી નાની-મોટી જળની સરવાણીઓ, ઊંચી-ઊંચી પર્વતની ધારે ધસમસતી વહેતી નદીઓ, અવનવાં પંખીઓનો કલશોર, ડુંગરાઓમાં વસતા ભોળા ગ્રામ્યજનોનાં વેલકમિંગ નેચર, તેમની ભિન્ન સંસ્કૃતિ, ઓછામાં ઓછી ભૌતિક સગવડો વચ્ચે જીવાતી હૅપી લાઇફસ્ટાઇલ અને સૌથી મનલુભાવન રૂના પોલા ફોરા જેવો સ્નોફૉલ. ‘ઓહ માય ગૉડ’ પહેલી વખત સ્નોફૉલ જોઈને તો હું આભો બની ગયો હતો. ચૉકલેટી માટી, લીલાંછમ વૃક્ષો, ઘાસનાં પોપટીરંગી મેદાનો, બરફની વર્ષા થતાં પળવારમાં બધું જ સફેદ-સફેદ થઈ ગયું હતું. મને થયું કે આ જ સ્વર્ગ છે, બસ અહીં જ સ્વર્ગ છે.’

આવા વાતાવરણમાં બે મહિના રહી આવે તેને મુંબઈ કેમ ગોઠે? કેવલ કહે છે, ‘ભણવામાં ચિત્ત ચોંટે નહીં, આખો વખત હિમાલયના દિવાસ્વપ્નમાં જ રાચતો રહું. મારી આવી હાલત જોઈ પપ્પાએ કીધું કે ‘જો તને ખરેખર માઉન્ટેનિયરિંગમાં જ કરીઅર બનાવવી હોય તો હાર્ડવર્ક કરવું પડશે. બૉડી તૂટી જાય એ હદે એને કસવી પડશે. થાકી જાય, હારી જાય એ નહીં ચાલે. ઇફ યુ આર શ્યૉર, જૉઇન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ.’ બંદા તો ખુશખુશાલ. આટલું જ જોઈતું હતું મને.’ 

ઑટોમોબાઇલ એન્જિનિયરિંગને લાસ્ટ યરમાં અલવિદા કર્યું અને ૨૦૧૩માં જોડાયો મનાલીની અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ ઍન્ડ એલિડ સ્પોર્ટ્સ, જે વેસ્ટર્ન હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ જાણીતી છે. એક વર્ષ દરમ્યાન અહીંથી ઍડ્વાન્સ લેવલના માઉન્ટેનિયરિંગના કોર્સ કર્યા અને ૨૦૧૪માં કેવલ કક્કાએ શરૂ કર્યાં માઉન્ટન્સનાં એક્સપેડિશન. અત્યાર સુધી તેણે એવરેસ્ટ સહિત હિમાલયનાં ૧૭ શિખર સર કર્યાં છે, જેમાંનાં કેટલાંક તો બીજી વખત પણ કર્યાં છે, તો કેટલાંક વર્લ્ડના હાઇએસ્ટ પીકના ચોથા, છઠ્ઠા, સાતમા, આઠમા અને દસમા ક્રમાંકે આવે છે. 

આ પણ વાંચો: મુંબઈથી ગાડી આવી રે... હો દરિયાલાલા...

કેદારકંઠામાં જુદા કા તાલાબ પાસે કેવલ કક્કા.

‘દરેક પહાડ એકસરખા જ દેખાય છે. એમાંય બરફ પડે પછી તો વેરી સિમિલર. એવામાં અલગ-અલગ પીક કે પર્વત અડવા ને જોવામાં શું એક્સાઇટમેન્ટ રહે’ એના જવાબમાં કેવલ કહે છે, ‘નો , દરેક માઉન્ટનનું અસ્તિત્વ ભિન્ન છે. એઝ અ પર્વતારોહકની દૃષ્ટિએ નહીં, પણ કૉમન ટ્રાવેલરના પૉઇન્ટ ઑફ વ્યુથી કહું તો પણ ઇચ ઍન્ડ એવરી ગિરિની ગરિમા ભિન્ન છે. જુઓ આપણે ત્યાં બ્યુટી પેજન્ટ યોજાય છે, જેમાં ભાગ લેનાર દરેક યુવતીઓ સુંદર હોય છેને, છતાં દરેકનો ઠસ્સો, બૉડી-લૅન્ગ્વેજ, સ્માર્ટનેસ અલગ-અલગ હોય છે એ જ રીતે પહાડો પણ અલગ-અલગ હોય છે. આપણે પહેલાં નેપાલ સાઇડની હિમાલયન રેન્જિસની વાત કરીએ. ભારતની જેમ નેપાલની આખી દક્ષિણ બાજુએ હિમાલયની હારમાળા છે. અનેક શિખરો છે. વર્લ્ડના ટોલેસ્ટ માઉન્ટન ત્યાં છે તેમ જ મોસ્ટ ચૅલેન્જિંગ અને ટફેસ્ટ ડુંગર અન્નપૂર્ણા પણ ત્યાં છે. નેપાલના આ પર્વતો હિમાલયનો અધર પાર્ટ છે છતાં મને એ અલગ લાગે છે. અહીંની પર્વતમાળાઓ તમને આહ્‍વાન કરતી હોય, ચૅલેન્જ કરતી હોય એવું લાગે. ‘ચેક યૉર એન્ડ્રુરન્સ હિયર એવી અનુભૂતિ કરાવે છે. હું મારા અન્નપૂર્ણા એક્સપેડિશનની વાત કરું તો, એ ચડતી વખતે અમારી ૬ જણની ટીમને બહુ આફત નડી હતી. બૅડ વેધર, સખત હિમપ્રપાત, મુશળધાર વરસાદ સાથે નજર સામે જ એવલેન્ચિસ જોયાં. હિંમત રાખીને અમે ૩ જણ આરોહણ પૂરું કરી બેઝ કૅમ્પ આવી ગયા, પણ અમારી સાથેના બીજા ત્રણ રશિયન પર્વતારોહકો મિસિંગ હતા. બેઝ કૅમ્પમાં બેસીને મેં માઉન્ટનદેવને ખૂબ પ્રાર્થના કરી, ભગવાનને રિઝવણી કરી અને ફાઇનલી ૩ દિવસ પછી હેલિકૉપ્ટરને તેઓ હેમખેમ મળી ગયા. ત્યારે નેપાલની હિલ રેન્જ બહુ અજાણી ભાસી. એની સામે ભારત સાઇડનો હિમાલય હેતાળ છે. લદાખમાં તો જે કુદરતની વિષમતા છે એ વિષમતાઓ વચ્ચે પણ માણસો ખુશખુશાલ રહે છે એ પર્વતરાજાની જ કૃપા છે. હિમાચ્છાદિત પર્વતો અને રણ જેવી સૂકીભઠ જમીન, ઘાસનું તણખલું સુધ્ધાં નહીં અને ગાત્રો થિજાવી દે એવી ઠંડી. એવામાં હું પણ રહ્યો છું, પણ ક્યારેય ડર નથી લાગ્યો.’

શિમલાના બુરાન ઘાટી ટ્રેક દરમ્યાન ચંદ્રનાહન લેક પાસે. 

હિમાચલ પ્રદેશ સાઇડના હિમાલયને નટખટ ષોડોશી કન્યા સાથે સરખાવતાં કેવલ કહે છે, ‘તમે મનાલી કે શિમલા જેવા અર્બન એરિયામાં પણ હોને તોય જો ધ્યાનથી સાંભળો તો પર્વતો તમારી સાથે વાતો કરે. અહીંના પહાડો ચુલબુલી કન્યા જેવા છે. દરેક ડગલે ને પગલે એનાં અલગ સ્વરૂપ દેખાય અને જેમ-જેમ આગળ વધતા જાઓ એમ એનાં અવનવાં આવરણો ખૂલતાં જાય, ખીલતાં જાય એ જ રીતે ભારતના સેવન સિસ્ટર્સમાંના અરુણાચલ પ્રદેશ સાઇડનો નગ પ્રદેશ સ્થિતપ્રજ્ઞ સાધુ જેવો છે, શાંત અને સમતાધારી. જોકે મારો ફેવરિટ હિમાલય ઉત્તરાંચલનો 
હિમાલય. ભારતનો ઇતિહાસ જોશો તો સેંકડો નહીં, હજારો સાધુ-સંતોએ અહીં સાધના કરી છે અને એટલે જ એને દેવભૂમિ કહે છે. હું બે વર્ષ પહેલાં ગૌમુખ અને યમનોત્રી, બદરીનાથ સાઇડના પહાડોમાં લાંબો સમય રોકાયો હતો. તનની ટ્રેઇનિંગ તો ચાલુ હતી, સાથે-સાથે મનની ટ્રેઇનિંગ પણ થતી ગઈ. અહીંના કણ-કણમાં હવાની દરેક લહેરખીમાં દૈવી અનુભૂતિ છે. આ પહાડોમાં જાદુ છે, એક નશો છે, જેમાં તમે મોક્ષની અવસ્થામાં પહોંચી જાઓ છો. પર્વતો, ગિરિકંદરાઓ તો ખરાં, અહીંના પાંચ પ્રયાગ - કર્ણ, વિષ્ણુ, નંદ, દેવ, રુદ્ર જે નદીઓના સંગમસ્થળ છે એ ફક્ત કાંઠે ઊભા રહીને જોતાં પણ તરબતર કરી દે છે. સાચું કહું, હિમાલય તમારામાં આત્મવિશ્વાસ પણ જગાડે છે અને અભિમાન અને આડંબરના વાઘા પણ ઉતારે છે.’

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 05:29 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK