ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક નગરી કાનપુરની પાસે આવેલું લૉર્ડ જગન્નાથ મંદિર મૉન્સૂન મંદિર નામે વધુ પ્રખ્યાત છે. અહીંની છત પરનાં ટીપાંની સાઇઝ પરથી વરસાદની સીઝન કેવી રહેશે એની આગાહી પણ થતી હોય છે
તીર્થાટન
જગન્નાથ મંદિર
ઠગ્ગુ કે લડ્ડુ - કાનપુર ગયા અને મહાનાયક અમિતાભ બચ્ચનના પણ ફેવરિટ ઠગ્ગુના લડ્ડુ ન લાવ્યા તો-તો ફેરો ફોગટ. એ જ રીતે અહીંની બદનામ કુલ્ફી, કાનપુરિયા ફેમસ ચાટ અને બનારસી ટી સ્ટૉલની મલાઈ મારકે કુલ્લડ ચા ન પીધી તો યુપીની મુખ્ય ફ્લેવર મિસ કરી કહેવાશે.
ADVERTISEMENT
ભારત ખરેખર ભાતીગળ દેશ છે. અહીંની ભૂમિમાં ઠેર-ઠેર એટલા ચમત્કારો છે, એટલાં રહસ્યો છે જેનો મૉડર્ન સાયન્સ અને ટેક્નૉલૉજી પાસે કોઈ જવાબ નથી. બેહટાબુજુર્ગ ગામે આવેલા મૉન્સૂન મંદિરની જ વાત કરીએ તો કાળઝાળ ગરમી પડતી હોય, ધખતો ઉનાળો ચાલતો હોય, આકાશમાં ક્યાંય વાદળાંઓનું નામોનિશાન ન હોય છતાંય વિષ્ણુના જગન્નાથ મંદિરની સીલિંગ ઉપરના પથ્થરોમાં પાણીનાં ટીપાં દેખાય તો સમજી લેવાનું કે સાત દિવસની અંદર-અંદર અહીં વરસાદ પડ્યો જ. અને ફક્ત વરસાદ આવ્યો એટલું જ નહીં, એ છતનાં ટીપાં કેટલાં મોટાં છે, કેટલા પ્રમાણમાં છે એ પરથી વરસાદનું પ્રમાણ નક્કી થાય કે મેહુલિયાનાં ફક્ત સરવડાં પડશે કે એ ધોધમાર વરસશે.
અહીંના પૂજારી અને સ્થાનિકોના કહેવા મુજબ આ ચમત્કાર આજથી નહીં, સદીઓથી થાય છે જ્યારે કેટલો વરસાદ આવશે એવો વરતારો કરતું હવામાન ખાતું નહોતું કે એવાં અદ્યતન તકનીકીનાં મશીનો નહોતાં. ત્યારથી સ્થાનિક ખેડૂત અહીં આવી છતનાં ટીપા જોઈ પછી વાવણી કરતો.
આવું શા માટે થાય છે? આખું મંદિર એક જ પ્રકારના પથ્થરોથી બનેલું છે તો ફક્ત છતના પથ્થર ઉપર જ જળબિંદુ કેમ બાઝે છે? ચોમાસું આવવાનું હોય ફક્ત ત્યારે જ નહીં, કમોસમી માવઠા વખતે પણ આ મંદિરની છતને આગોતરી જાણ કઈ રીતે થઈ જાય છે એવાં અનેક રહસ્યોનું સંશોધન કરવા અનેક વૈજ્ઞાનિકો, પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ, હવામાન પારખતા એક્સપર્ટ, જીઓલૉજિસ્ટો અહીંની મુલાકાતે આવી ચૂક્યા છે, લાંબું ઊંડું રિસર્ચ કરી ચૂક્યા છે પણ મોસમ મંદિરની આ વિશેષતાનો તાગ પામ્યા નથી એટલું જ નહીં, આ મંદિર કોણે બનાવ્યું છે એ પણ સીક્રેટ છે. જોકે પુરાતત્ત્વ વિભાગે અહીંના પથ્થરોનું કાર્બન ડેટિંગ કરીને જાહેર કર્યું છે કે એ ૪ હજાર વર્ષ પૂર્વેની શિલાઓ છે. જોકે એક સ્થાનિક સમુદાય માને છે કે સદીઓ પૂર્વે આ જંગલ વિસ્તારમાં કોલ-ભીલ જાતિના લોકો મોટા પ્રમાણમાં રહેતા હતા. આ ધરતીની એવી વિશિષ્ટ શક્તિ હતી કે અન્ય કોઈ પણ જાતિના વ્યક્તિ અહીં આવે તો તે બેહોશ થઈ જાય, અહીં રહી ન શકે. એ કાળમાં એક વખત ત્યાંના રાજા શિવિ શિકાર કરતાં-કરતાં અહીં આવી ચડ્યા અને બેભાન થઈ ગયા. બેહોશીમાં જ તેમને સપનું આવ્યું કે આ જમીનમાં એક મૂર્તિ દબાયેલી છે. એને કાઢી યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. રાજાએ ભાનમાં આવી લોકલ ભીલોને શમણાની વાત કરી અને તેમના સહકારથી અહીં મંદિરનું નિર્માણ થયું, જેમાં શ્યામરંગી જગન્નાથજીને પધરાવવામાં આવ્યા. જોકે જગન્નાથ સ્વરૂપ હોય એટલે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ સાથે હોય જ. પણ અહીં મોહન એકલા જ છે. હા, એની બાજુમાં હવે બલરામની નાની મૂર્તિ છે, પરંતુ એ પાછળથી સ્થાપિત કરાઈ છે.
દક્ષિણ ભારતની નકાશી અને શૈલીથી બનેલા આ મંદિરમાં ભગવાનનું સિંહાસન ખૂબ મોટું છે, જે જનરલી ઉત્તર ભારતનાં મંદિરોમાં હોતું નથી. એ જ રીતે મંદિરની દીવાલો પણ ૧૫ ફીટ જેટલી જાડાઈ ધરાવતા પથ્થરોની બનેલી છે. જોકે બીજી એક અનન્ય વાત એ છે કે આ હિન્દુ મંદિર બહારથી બૌદ્ધ સ્તૂપ જેવું દેખાય છે. ગુંબજ આકારના આ સ્ટ્રક્ચરમાં શિખર નથી, બસ ગુંબજની ટોચ પણ એક નાનકડો કોનિકલ કળશ મુકાયો છે. અગેઇન, અહીં મતમંતાતાર છે કે આ મંદિર બૌદ્ધકાલીન છે આથી એ સ્તૂપના શેપમાં નિર્માણ પામ્યું છે તો એક વર્ગનું માનવું છે મુસ્લિમ શાસકોના આક્રમણથી બચવા મંદિરની આજુબાજુ પાછળથી ગુંબજ બનાવવામાં આવ્યો છે. ઍન્ડ અગેઇન, જો આ વાત સત્ય હોય તો પાંચસોથી સાતસો વર્ષ પહેલાં, પંદરમી સદીમાં મુસ્લિમ નવાબોનાં સત્તાકાળ દરમિયાન નિર્મિત આ દેવાલયના સ્તૂપમાં ઈંટોનો ઉપયોગ કરાયો છે એ પણ અચરજ છે, કારણ કે ઈંટોનું બાંધકામ ૧૯મી સદીની મધ્યમાં પ્રચલિત થયું એ પહેલાં બેલાના પથ્થરોનો વપરાશ વ્યાપક હતો.
આ પણ વાંચો : જ્યાં સમુદ્રદેવ દરરોજ મહાદેવનો અભિષેક કરવા માટે આવે છે
વેલ, ઇતિહાસ જે હોય એ, ભિન્ન-ભિન્ન સમુદાયોની માન્યતા જે હોય એ; આજનું સત્ય એ છે કે આ દેવસ્થાન મોસમની ભવિષ્યવાણી કરે છે. કાનપુર રેલવે સ્ટેશનથી ૩૮ કિલોમીટરના અંતરે આવેલા બેહટાબુજુર્ગ ગામમાં ૭૦૦ સ્ક્વેર ફીટનું આ અનયુઝ્અલ સ્તૂપાકાર મંદિર છે. આ મંદિરની નજીક જ રામકુંડ નામક પ્રાચીન કૂવો અને તળાવ છે. હાલમાં ૧ એકરમાં વિસ્તરેલા આ રામકુંડના સુંદરીકરણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ૪૦-૫૦ વર્ષો પહેલાં ભક્તો અહીં સ્નાન કર્યા બાદ મંદિરમાં ભગવાનનાં દર્શન કરતા, પરંતુ આ એરિયામાં વિકાસ અને નગરપાલિકાના અભાવને કારણે એ આખા વિસ્તારનું ગંદું પાણી અહીં નાખવામાં આવતું. હવે સરકારે એનું સફાઈ અભિયાન હાથ ધર્યું છે. સફાઈ બાદ અહીં પાક્કો ઘાટ, પ્રૉમિનાડ્સ અને બેસવા માટે બેન્ચિસ વગેરે મૂકવા સાથે સોલાર લાઇટ વડે સુશોભન કરાશે. ખેડૂતોની વસ્તીવાળા આ ગામમાં યાત્રાળુ કે ટૂરિસ્ટ માટે રહેવાની સુવિધા નથી એટલે રહેવા માટે રાજા કાન્હ દેવના નામ પરથી નામાંકિત શહેર કાનપુર ઉપર જ પસંદગીનો કળશ ઢોળવો. ચામડામાંથી બનતી વસ્તુઓ માટે ફેમસ આ શહેરમાં જમવા અને સ્ટેના તો ઢગલો ઑપ્શન છે જ સાથે ફરવાની પણ સો મૅની પ્લેસ છે. પણ આપણે મંદિરની જ વાત કરીએ તો ગંગા નદીના કિનારે વસેલા આ શહેરમાં કાચનું જિન મંદિર, છિન્ન મસ્તિકા મંદિર, બ્રહ્માવર્ત, બારહા દેવી મંદિર, શ્રી કૃષ્ણનું જે. કે. મંદિર, સુધાંશુ આશ્રમ, ઇસ્કૉન ટેમ્પલ, પનકી મંદિર દર્શનીય હોવા સાથે પ્રસિદ્ધ પણ છે.
પૉઇન્ટ બ્લૅન્ક
કાનપુર જિલ્લામાં જ શહેરથી ૩૭ કિલોમીટરના ડિસ્ટન્સે ભીતરગાંવ પડે છે. જ્યાં વિશ્વનું ઓલ્ડેસ્ટ બ્રિક મંદિર હા, લાલ ઈંટોમાંથી બનેલું મંદિર છે. પાંચમી સદીમાં બનેલું આ મંદિર ગુપ્તકાલીન છે અને હાલમાં ફક્ત બહારથી જ જોવા મળે છે, પરંતુ આ સંરક્ષિત સ્મારક સાબિત કરે છે કે આપણે ત્યાં ૧૮૦૦ વર્ષો પૂર્વે ટેરાકોટા આર્ટ વિકસિત હતી. ૧૮૭૭માં અહીં રેલવેના પાટા બિછાવવાનું કામ કરતા અંગ્રેજ ઑફિસરને લાલ ઈંટોનો મોટો ઢગલો મળ્યો અને ખોદકામ કરતાં આખું મંદિર મળ્યું હતું. જોકે એ વખતે એનું શિખર અને અનેક ભાગ ક્ષતિગ્રસ્ત તેમ જ ખંડિત થઈ ગયા હતા અને ૧૯૦૮માં બ્રિટિશ રાજમાં જ એ સંરક્ષિત જાહેર કરાઈ ગયું હતું. જોકે હવે એની મરમ્મત કરાતાં આપણી ખૂબસૂરત ધરોહરનો બાહરી હિસ્સો હવે આપણને જોવા મળે છે. કાનપુર કે એની આજુબાજુ જાઓ તો આ રેડ બ્રિક મંદિર પણ જોવા જજો જ સાથે મૉન્સૂન મંદિર પણ જજો, કારણ કે ભીતરગાંવથી બેહટાબુઝુર્ગ જવા સેમ રૂટ પર ફક્ત ૪ કિલોમીટર એક્સ્ટ્રા આગળ જવાનું છે.