શિવ શંભુ રાધા-કૃષ્ણ તથા ગોપીઓની લીલા નગરી વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવના નામે બિરાજમાન છે, કારણ કે મોહનની મેસ્મેરાઇઝિંગ નૃત્યલીલા નજરે જોવા ભોળિયા દેવ અહીં ગોપીનો વેશ ધરી કૃષ્ણલીલામાં જોડાયા હતા
તીર્થાટન
ગોપીનાથ મહાદેવ મંદિર
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પણ એક પૌરાણિક ગોપેશ્વર મહાદેવ છે. ગોપેશ્વર ગામમાં બિરાજમાન શંભુનાથ અહીં ગોપીનાથ મહાદેવ તરીકે જાણીતા છે. બદરીનાથથી કેદારનાથ જતાં રસ્તામાં આવતા આ ૧૨૦૦ વર્ષ પ્રાચીન મંદિરમાં શિવજીનું ઓરિજિનલ ત્રિશૂલ છે. આપણે એની યાત્રા પણ કરીશું પછી ક્યારેક.
એક દિન ભોલે ભંડારી બનકે વૃજનારી વૃંદાવન આ ગએ, પાર્વતી ભી મના કે હારી, ના માને ત્રિપુરારી, વૃંદાવન આ ગએ
ADVERTISEMENT
ઉત્તર ભારતમાં શિવભક્તો અને કૃષ્ણપ્રેમીઓમાં આ ભજન બહુ પ્રચલિત છે. ખાસ કરીને વૃંદાવનના ગોપેશ્વર દેવાલયમાં દિવસમાં એક વખત તો આ ભજન ગવાય જ છે. આ ભક્તિગીતમાં જણાવ્યા પ્રમાણે હિમગિરિ પર રહેતા ઉમાપતિ વ્રજભૂમિમાં શા માટે આવ્યા, કેમ વ્રજ નારી બન્યાં એની કથા બહુ રોચક છે. તો જઈએ પૌરાણિક કાળમાં. પાંચ-સાડાપાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણએ યમુના નદીના કિનારે વૃંદાવનમાં મહારાસનું આયોજન કર્યું હતું. શરદ પૂર્ણિમાની એ ધવલ મહારાત્રિએ જેમ ચંદ્ર એની સોળે કળાએ ખીલ્યો હતો એમ કૃષ્ણના વાંસળીના મીઠા સ્વર પણ ત્રણેય લોકમાં ગુંજી રહ્યા હતા. એ બાંસુરીના મધુર સૂર છેક કૈલાસ પર્વત પર ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા શિવજીના કર્ણપટલ સુધી પણ પહોંચ્યા અને ભોળાનાથ મોરલીના એ નાદ પર મોહી પડ્યા, મેસ્મેરાઇઝ થઈ ગયા. અરે, ગૌરીશંકર એવા અભિભૂત થઈ ગયા કે વૃંદાવન તરફ જવા નીકળી પડ્યા. માતા પાર્વતીએ જટાધારી પતિને સમજાવ્યા કે તમે પોતે આ સૃષ્ટિના મહાનાયક છો, તમારાથી આમ સામે ચાલીને કાન્હા પાસે ન જવાય. પરંતુ ત્રિપુરારિ ન માન્યા. એ વાહન નંદી, બે પુત્રો કાર્તિકેય અને ગણેશ, શ્રીકૃષ્ણના પરમ ભક્ત આસુરી મુનિ સાથે નીકળી પડ્યા. પતિની સાથે પાર્વતીજી પણ આવ્યાં, કારણ કે તેમને ય મહાગોપી રાસ જોવાની મહેચ્છા તો હતી જ. વ્રજભૂમિમાં વંશીવટ પાસે જ્યાં મહારાસ થઈ રહ્યો હતો ત્યાં શંકર આવી તો ગયા અને ગૌરીમાતા તો અંદર રાસલીલામાં જતાં પણ રહ્યાં પરંતુ દ્વારપાલિકા રૂપે ઊભેલી કાનુડાની સખી લલિતા અને વિશાખાએ મહાદેવ અને આસુરી મુનિને રોક્યા, કારણ કે મહારાસમાં શ્રીકૃષ્ણ સિવાય કોઈ પુરુષને જવાની અનુમતિ નહોતી. રાધા-કૃષ્ણનાં દર્શનની અદમ્ય ઝંખના ધરાવતા શિવજીએ ગોપીને પૂછ્યું, કહો, અમે શું કરીએ? મારે નંદકુવરનાં દર્શન કરવાં જ છે.
ત્યારે લલિતાએ કહ્યું કે તમારે મહારાસ જોવો હોય તો ગોપી બનીને જાઓ. બસ, પછી તો શું હતું? અર્ધનારીશ્વર યમુના તટે ગયા અને માતા યમુનાને ગોપી બનાવવાની વિનંતી કરી. યમુના મહારાણીએ ભસ્મમાં રગદોળાયેલા રહેતા શિવજીને સોળ શણગાર કર્યો, ચાંદલો, ચૂડી, પાયલ, ઓઢણી પહેરાવી ઉપરથી ઘૂંઘટ તણાવ્યો. પ્રસન્ન મને શંકર ગોપી વેશમાં મહારાસમાં સામેલ થઈ ગયા અને રાધાજી, ગોપી સાથે નટવરને નૃત્ય કરતા જોઈ નટરાજ સ્વયં નૃત્ય કરવા લાગ્યા. બંસીધરની મીઠી મોરલી વાગી રહી હતી. સૌ નૃત્યમાં તલ્લીન હતાં ત્યાં મુરારિએ કહ્યું કે કેટલીક ગોપીઓ ઘૂંઘટ ઓઢીને આવી છે હું તેમનું મુખદર્શન કરું તો મને ખ્યાલ આવે કે હું કોની સાથે નૃત્ય કરું છું. આ સાંભળી કેદારનાથ થોડા ઓછપાયા, શરમાયા અને બીજી ગોપીઓની આડશે ઊભા રહી ગયા જેથી રાસવિહારીની નજરે ન ચડાય. પરંતુ આ તો મુરારિ હતા, તેમણે શંકર ભગવાનને પકડ્યા અને ઘૂંઘટ ઉપર કરી તેમનું સ્વાગત કરી કહ્યું કે આવો, ગોપેશ્વર આવો. અને શંકરને અહીં નામ મળ્યું ગોપેશ્વર.
જોકે આ કથા અહીં સમાપ્ત થતી નથી. જગદ્ ગુરુ શ્રીકૃષ્ણને તો શિવશંકરજીના આ રૂપનો ખ્યાલ હતો, પરંતુ રાધારાણી ખૂબ અચંબિત હતાં. તેમણે મહાદેવજીને પૂછ્યું કે તમે તો ત્રણ લોકના નાથ છો. તમે રાસમાં સામેલ થવા ગોપી વેશ કેમ ધારણ કર્યો? ત્યારે ત્રિનેત્રધારી શિવે કહ્યું કે આ દિવ્ય રાસલીલા, મહારાસમાં જોડાવા માટે, એના સાક્ષી બનવા માટે મેં ગોપી રૂપ ધારણ કર્યું છે. અચંબિત રાધાજી તો શિવજીનું આ કથન સુણી આનંદિત થઈ ગયા અને ઉત્સાહમાં ને ઉત્સાહમાં મહેશને વરદાન માગવા કહ્યું. શંકર પોતે ભક્તોની તપસ્યાથી રાજી થઈ વરદાન આપે, પણ અહીં ગંગાધારી મહાનાયકે નમ્ર થઈ રાધા-કૃષ્ણનાં ચરણકમળમાં વાસ આપવાનું વરદાન માગ્યું .
પછી તો મહારાસ ચરમ સીમાએ ચાલ્યો. શ્રીકૃષ્ણનું કથક અને નટરાજના તાંડવ નૃત્યની જુગલબંદી ચાલી. એ રાત ક્યારેય અંત ન થઈ. આજે પણ નિધિવનમાં પ્રતિદિન કૃષ્ણ અને ગોપીનો રાસ રચાય છે.
વેલ, બંસીધરે શંકરને આપેલું વરદાન પૂર્ણ કર્યું અને કાલિંદી તટની પાસે વંશીવટની સન્મુખ ગોપેશ્વર મહાદેવને સ્થાપિત કર્યા. આમ ભગવાન શંકર વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવના રૂપમાં બિરાજમાન છે. શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રમાલે સ્થાપેલા આ પ્રાચીન મંદિરમાં બપોરે ૧૨ વાગ્યા સુધી ભક્તો જળ-દૂધનો અભિષેક, પૂજા વગેરે કરી શકે છે. ત્યાર બાદ શિવલિંગને શપન પૂજા પર્યંત ગોપીનો શણગાર રચવામાં આવે છે. ગર્ભગૃહની બહાર પાર્વતી મા, ગણેશ અને નંદી બિરાજમાન છે અને એની પણ પૂજા થાય છે. કહેવાય છે કે અહીંનાં દર્શન બાદ જ વ્રજ-વૃંદાવનની યાત્રા પૂર્ણ થાય છે. અહીંના પૂજારી મહારાજ કહે છે કે આ ગોપેશ્વરનાં દર્શન કરવાથી જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે. દરેક ભક્ત પ્રસન્નતાની અનુભૂતિ કરે છે, કારણ કે અહીંની વાઇબ્સ ખૂબ પૉઝિટિવ છે. આ સ્થળે કૃષ્ણે શંકર, રાધા, પાર્વતીજી સહિત ૧૬ હજાર ગોપીઓ સાથે લીલા કરી હતી અને જે આનંદ ઉદ્ભવ્યો હતો એ હજી પણ અહીંના વાતાવરણમાં હજારો વર્ષો બાદ પણ અનુભવાય છે.
માના સરોવર
મુંબઈવાસીઓને વૃંદાવન કે મથુરા કેવી રીતે જવું એ વિશે કહેવાનું જ ન હોય, કારણ કે મુંબઈથી મથુરા ડાયરેક્ટ રેલ માર્ગે જોડાયેલું છે તો હવાઈ યાત્રિકો માટે ન્યુ દિલ્હી અથવા આગરા એમ બે હવાઈમથકના ઑપ્શન છે. મથુરા-વૃંદાવન વચ્ચે આમ તો ૧૪ કિલોમીટરનું ડિસ્ટન્સ છે. પણ વ્યાપક વિકાસના કારણે મથુરા અને વૃંદાવન ટ્વિન સિટી જેવું બની ગયું છે. વૃંદાવન અને મથુરામાં રહેવા માટે રિસૉર્ટથી લઈ ફાઇવસ્ટાર હોટેલ્સ, સાદી જૂની ધર્મશાળાથી લઈ અદ્યતન ગેસ્ટ હાઉસ મોટી માત્રામાં છે. એ જ રીતે કઢિયલ દૂધથી લઈ આલૂ-જલેબી અને કાંદા-લસણ વિનાનું સરસોં કા તેલમાં બનેલી બ્રજ થાલી સહિત ગુજરાતી કઢી-ખીચડી પણ મળી જાય છે. રહેવા-ખાવા-પીવાની જેમ સો મૅની પ્લેસ છે એમ જ આ જોડિયા નગરમાં સો મૅની પ્રાચીન-અર્વાચીન મંદિરો છે. એમાંથી શ્રીકૃષ્ણ જન્મભૂમિ, દ્વારકાધીશ મંદિર અને મથુરા ઘાટ પર આરતી કરજો જ તો વૃંદાવનનું બાંકેબિહારી મંદિર, પ્રેમ મંદિર અને ઇસ્કૉનનું મંદિર અપ્રતિમ છે.
પૉઇન્ટ બ્લૅન્ક
ગોપેશ્વર મહાદેવની સાથે માન સરોવરની કથા પણ જોડાયેલી છે. ના, તિબેટવાળું માનસરોવર નહીં, વૃંદાવનની નજીકમાં પણ છે એક માનસરોવર. એક માન્યતા અનુસાર શંકરજીને દ્વાર પાલિકા ગોપીઓએ માનસરોવરમાં સ્નાન કરવા જવાનું કહ્યું હતું અને ગંગાધારી ત્યાં ગયા હતા. પછી યમુના મહારાણીએ તેમનો સ્ત્રી શણગાર કર્યો. અન્ય એક કથા અનુસાર મહારાસ દરમિયાન ડમરૂધારી અને બાંસુરીધારી વચ્ચે એવું તાદાત્મ્ય રચાયું કે લીલા દરમિયાન શ્રીકૃષ્ણ રાધાને ભૂલી ગયા અને શિવજી સાથે નૃત્યમાં મગ્ન થઈ ગયા. એથી રાધારાણી રિસાઈને વંશીતટથી પાંચ કિલોમીટર દૂર જતાં રહ્યાં અને ત્યાં જઈ ખૂબ રડ્યાં. આમ તેમનાં આંસુઓથી અહીં સરોવરની રચના થઈ અને માન મીન્સ બ્રજ ભાષામાં રૂઠવું એટલે એ સ્થળનું નામ પડ્યું માનસરોવર. આ કથા અનુસાર નારાજ રાધા સખીને મનાવવા જશોદા પુત્ર અહીં આવ્યા અને રાધાજીની ચરણ સેવા કરી બાદમાં રાધારાણી માન્યાં. અહીં સરોવરના કિનારે ગોપેશ્વર મહાદેવ સાથે રાધારાણી મંદિર તેમ જ નવનિર્મિત માનબિહારી મંદિર છે. આ સ્થાન પણ કૃષ્ણકાલીન છે. જોકે એ વિશે કોઈ લિપિ પ્રમાણ નથી. અહીંની અન્ય એક વિશેષતા છે કે અહીંનાં વૃક્ષોનાં થડ સાવ ખોખલાં અને સૂકાં છે. કહેવાય છે કે કૃષ્ણના ઇંતેજારમાં આ થડ કરમાઈ ગયાં છે. જોકે દરેક વૃક્ષ ઉપરનાં પાન લીલાં છે અને આ પર્ણો ગોપીનું સ્વરૂપ છે જે સદા ચિરયૌવના રહે છે. સવારે ૬થી સાંજે ૭ સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં દર અમાવસ્યા અને પૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને દીવાલ ઉપર ગોબરથી સ્વસ્તિક બનાવી માનતા માને છે.