જ્યાં શૈવ અને વૈષ્ણવ પરંપરાનો અદ્ભુત સમન્વય થયો છે, જે ધરતી શ્રી રામનાં પદચિહ્નોથી પવિત્ર થઈ છે એ બિહાર રાજ્યનું બક્સર વિષ્ણુ ભગવાનના પાંચમા વામન અવતારનું પણ જન્મસ્થળ છે
તીર્થાટન
બક્સર
ઉત્તર પ્રદેશની પૂર્વીય સીમાને અડીને આવેલો બિહારનો બક્સર જિલ્લો યુગો-યુગોથી ભારતના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન બની રહ્યો છે. સિદ્ધાશ્રમ, તપોવન, વેદગર્ભપુરી જેવાં જાત-જાતનાં નામોથી ઓળખાતો આ વિસ્તાર રામાયણકાળથી અસ્તિત્વમાં છે. રઘુકુળના ગુરુ વિશ્વામિત્રની જ્ઞાનશાળા અહીં હતી તો પંદરમી સદીમાં હુમાયુ અને શેરશાહ વચ્ચે થયેલું હિસ્ટોરિક ગણાતું યુદ્ધ પણ અહીંની ધરતી પર લડાયું હતું. એ રીતે ૧૭મી સદીમાં અહીંના રૂલર્સને હરાવીને બ્રિટિશ શાસકોએ અંગ્રેજી હકૂમતનાં થાણાં થાપ્યાં એનો ઉલ્લેખ પણ ભારતના અર્વાચીન ઇતિહાસમાં કરાયો છે તો આજના કાળમાં હરદ્વાર, બનારસના મણિકર્ણિકા ઘાટની જેમ અહીંના ચરિત્રવનમાં રોજ અનેક મૃતકોને અગ્નિદાહ અપાય છે, કારણ કે આ ભૂમિ મોક્ષભૂમિ ગણાય છે.
ખેર, આવાં સબળ પૌરાણિક અને ધાર્મિક કનેક્શન્સ હોવા છતાં અને એમાંય સૌથી વધુ પાવરફુલ પરિબળ તો વિષ્ણુ ભગવાનના વામન સ્વરૂપની પ્રાગટ્યભૂમિ હોવા છતાં ગુજરાતી શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓમાં બક્સરની યાત્રા વધુ પૉપ્યુલર નથી. કદાચ એનું કારણ આ સ્થળના માહાત્મ્ય વિશેની અજ્ઞાનતા પણ હોઈ શકે કે પછી બિહાર જેવા પછાત વિસ્તારનાં તીર્થસ્થળોએ રહેતી અલ્પ સગવડો પણ હોઈ શકે. વેલ, આજે અહીં બક્સર તીર્થ વિશેની મહત્તમ માહિતી આપવાનો અમારો પ્રયાસ છે. એટલે પહેલું કારણ તો સૉલ્વ થઈ જશે. વળી હરખની વાત એ છે કે હવે બક્સર આ રાજ્યના મુખ્ય જિલ્લાઓમાંનો એક ઇમ્પોર્ટન્ટ ડિસ્ટ્રિક્ટ છે એટલે અહીં સગવડો અને સુરક્ષા વધી છે. આથી આ એરિયા આપણા માટે અજાણ્યો હોવા છતાં હવે રીચેબલ છે. લો, બીજું રીઝન પણ સૉલ્વ્ડ.
ADVERTISEMENT
સૌપ્રથમ બક્સર જિલ્લામાં પહોંચવા વિશે વાત કરીએ. મુંબઈથી ડાયરેક્ટ બક્સર શહેરની ટ્રેન પણ મળે છે. હા, જર્ની ૨૬ કલાકથી વધુ સમયની છે. વળી અહીંની ટ્રેનોમાં સામાન્ય સંજોગોમાં પણ અડધોથી પાંચ કલાક ‘દેરી સે આને કી સંભાવના’ સહજ હોય છે એટલે એ સફર જો લાંબી લાગતી હોય તો મુંબઈથી ફ્લાય ટુ સ્ટેટ કૅપિટલ પટના અને ત્યાંથી ૧૨૭ કિલોમીટર બાય રોડ કે ટ્રેન દ્વારા અહીં પહોંચી શકાશે. એન્ડ યસ, જો તમે ઉત્તર પ્રદેશના અલાહાબાદ કે બનારસ સાઇડ યાત્રા કરવા આવ્યા જ હો તો ઍડ બક્સર ઇન યૉર આઇટનરી. યોગીના સ્ટેટનાં આ બે ટાઉનથી બક્સર આવવા અનેક ટ્રેન અને ટૅક્સી-બસ વગેરે ઉપલબ્ધ છે. હા, એ પણ કહી દઈએ કે બક્સર જિલ્લો તો છે જ, સાથે અહીંનું એક મોટું નગર પણ છે જે પરમ પાવન ગંગા નદીને કિનારે વસેલું છે.
પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા ખોદકામ દરમિયાન અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષો મોંહેજો દારો અને હડપ્પા સંસ્કૃતિના છે. જોકે એ વિષય પર વધુ વાત ન કરતાં આપણે રામાયણના એરામાં જઈએ. મર્યાદા પુરુષોત્તમ રામના પારિવારિક ગુરુ વિશ્વામિત્ર અને તેમના ૮૦,૦૦૦ શિષ્યો અને સંતો અહીં જ ગંગા કાંઠે આશ્રમમાં રહેતા હતા. આ ઋષિમુનિઓ તેમની સાધના, ધ્યાન, યજ્ઞ વગેરે કરતા ત્યારે રાક્ષસો તેમને રંજાડતા. એમાંય તાડકા નામની રાક્ષસી તો આવાં અનુષ્ઠાનોમાં હાડકાં નાખતી. ગુરુ વિશ્વામિત્રએ શિષ્ય રામને આ બાબતે ફરિયાદ કરી અને અહીંની ભૂમિમાં જ જ્ઞાનપુંજ બનનારા એ બેઉ ભ્રાતાઓ આવ્યા અને રાક્ષસીનો વધ કર્યો. એ વખતનાં તાડકા વધનાં પ્રતીકો આજે પણ અહીંના નવલખા મંદિરમાં મોજૂદ છે. સાઉથ ઇન્ડિયન ગોપુરમ સ્ટાઇલનું આ મંદિર આસ્થાનું ધામ હોવા સાથે સ્થાનિક લોકો માટે દર્શનીય સ્થળ પણ છે.
આ પણ વાંચો: આ વર્ષે અધિક મહિનામાં પવિત્ર જળમાં સ્નાન કરવા લોણારના ધાર મંદિરે જવાય
બક્સરની પૌરાણિક કથા હજી આગળ વધારીએ તો ગૌતમ ઋષિનાં પત્ની અહલ્યા શ્રાપથી શિલા બની ગયાં હતાં અને પ્રભુ રામના સ્પર્શમાત્રથી શિલામાંથી સ્ત્રી બની ગયાં હતાં એ સ્થળ ‘અહિરૌલી’ પણ બક્સર સિટીથી છ કિલોમીટરના ડિસ્ટન્સે જ છે. આ સ્થળના નામ સાથે એક અન્ય પ્રાચીન સ્ટોરીની વાત કરીએ તો ઋષિ દુર્વાસાના અભિશાપે ઋષિ વેદશિરાને વાઘમુખી બનાવી દીધા હતા. ત્યારે વેદશિરા ઋષિએ અહીંના પવિત્ર તળાવમાં સ્નાન કરતાં ફરી પૂર્વવત્ થઈ ગયા હતા. એ સંદર્ભે જ આ સ્થળનું નામ પડ્યું વ્યાઘ્રસર અને એનું અપભ્રંશ થતાં-થતાં એમાંથી બન્યું બક્સર. એ તળાવ અત્યારે પણ હર્યુંભર્યું છે અને વિઝિટેબલ છે.
હિમાલયના બર્ફીલા ગૌમુખમાંથી નીકળતી ગંગા નદી આટલે દૂર આવવા છતાં હૃષ્ટપુષ્ટ છે. અહીં ગંગા કાંઠે રામરેખા ઘાટ છે, જે પર્વના દિવસોમાં ગંગાસ્નાન કરનારા યાત્રાળુઓથી ગુંજતો રહે છે. આ ઘાટ પર રામજીનાં પદચિહનો પણ છે. તો આ જ ઘાટે-ઘાટે આગળ વધતાં આવતું ચરિત્રવન મૃતાત્માનો મોક્ષ તરફ જવાનો પહેલો પડાવ છે. બિહાર તેમ જ પાડોશી રાજ્ય ઝારખંડના ભક્તો એવો ખાસ આગ્રહ રાખે છે કે તેમના મરણ પછી તેમનું શબ ચરિત્રવનમાં બાળવામાં આવે. ઑફિશ્યલી હરદ્વાર અને બનારસ બાદ આ સ્થળે મૅક્સિમમ અગ્નિસંસ્કાર અપાય છે. કહે છે કે અહીં કોઈની ચિતા બાળવા માચીસની જરૂર જ નથી પડતી. બીજી બળતી ચિતાની ચિનગારી વડે જ શબને મુખાગ્નિ અપાય છે. પ્રાચીન ગ્રંથો બ્રહ્માંડ પુરાણ અને વરાહ પુરાણમાં જેનો ઉલ્લેખ થયો છે એ ભૂમિ વિષ્ણુના વામન અવતારની બર્થ-પ્લેસ પણ છે. વિષ્ણુ ભગવાનના દસ અવતારોની કથા પ્રચલિત છે છતાં ટૂંકાણમાં એ વિશે જાણીએ. કૃષ્ણભક્ત પ્રહલાદનો પૌત્ર બલિ રાજા ખૂબ શૂરવીર હોવાની સાથે આસ્થાળુ પણ હતો. તેમના ગુરુ શુક્રાચાર્ય અસુરોના ગુરુ. સમુદ્રમંથન દરમિયાન દાનવો સાથે થયેલા પક્ષપાતનો બદલો લેવા તેમણે પોતાના શિષ્ય બલિ રાજાને ત્રણે લોક પર તેનું શાસન સ્થાપવાની ઘેલછા લગાવી. બલિ સામર્થ્યવાન તો હતો જ અને પૃથ્વી, મૃત્યુ અને સ્વર્ગ એમ ત્રણે લોકના સ્વામી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો કોને લાલચ ન થાય? ગુરુના કહેવા અનુસાર આ માટે તેણે ૧૦૦ યજ્ઞ કરવાના હતા. ધામધૂમ અને પૂરી શ્રદ્ધાથી તેણે ૯૯ યજ્ઞ કરાવ્યા અને છેલ્લો યજ્ઞ કરવાનો હતો ત્યારે ત્રણ લોકોના અધિપતિ ઇન્દ્ર સહિત અનેક દેવો વિષ્ણુ ભગવાન પાસે તેમને બચાવવાની વિનંતી કરવા ગયા. વિષ્ણુ ભગવાને કહ્યું કે બલિરાજાએ તપ તો કર્યું જ છે એટલે તેમને એનું શુભ ફળ તો મળશે જ, પણ અસુરોનો વિજય ન થવા દેવાય. આથી તેમણે વામન સ્વરૂપનો અવતાર લીધો અને ઋષિ કશ્યપ અને માતા અદિતિના ઘરે વામન સ્વરૂપે જન્મ લીધો. બાળરૂપના આ વિષ્ણુ બલિરાજાનો છેલ્લો યજ્ઞ શરૂ થવાનો હતો ત્યારે ભિક્ષા અર્થે ત્યાં ગયા અને રાજા પાસે ત્રણ ડગલાં જમીન માગી. દાની અને વચનબદ્ધ બલિ રાજા માની ગયા ત્યારે વામને વિરાટ સ્વરૂપે એક ડગલામાં ત્રણેય લોક લઈ લીધા. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? કોઈ જમીન જ બાકી નહોતી. બલિ રાજાએ ત્રીજું ડગલું પોતાના મસ્તક પર મુકાવ્યું અને તેમનું સર્વ પુણ્ય પણ લઈ લીધું. આમ વામન અવતારે મહાપ્રલય થતો અટકાવ્યો. એ પ્રાગટ્યસ્થાન એટલે બક્સર. હવે, એક્ઝૅક્ટ્લી એ જગ્યા કઈ? એનો તો કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી, પણ વામન પ્રભુએ સ્થાપેલું શિવલિંગ અહીં છે જેને વામનેશ્વર મહાદેવ કહેવાય છે.
જોકે આ વામનેશ્વર મંદિરની જગ્યા જે સિદ્ધાશ્રમ તરીકે ફેમસ છે એ હાલમાં બક્સર જેલના કબજા હેઠળના પરિસરમાં છે. અનેક વર્ષો પૂર્વે પોલીસો અને ઑફિસરો જ અહીંના મહાદેવની પૂજા કરતા, પણ થોડાં વર્ષોથી સવારે સાતથી ૧૨ વાગ્યા સુધી આ મંદિરમાં કૉમન મૅનને પણ પૂજા-અર્ચના કરવાની છૂટ છે, કોઈ મંજૂરીપત્ર કે અન્ય ડૉક્યુમેન્ટ્સની જરૂર વગર. દર વર્ષે વામન દ્વાદશીએ એટલે તેમના જન્મદિને અહીં મેળો ભરાય છે અને સેંકડોની સંખ્યામાં વિષ્ણુ અને શિવભક્તો આવે છે, બાજુમાં જ ખળખળ વહેતી ગંગામાં સ્નાન કરીને દર્શન કરે છે અને ગંગાજળ ચડાવીને પુણ્ય કમાય છે. એ જ રીતે બક્સરના બ્રહ્મેશ્વર મહાદેવ પણ કાફી ચમત્કારિક છે. કહે છે કે અંગ્રેજોએ જ્યારે આ મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે મંદિરનું મુખ્ય દ્વાર ઑટોમૅટિકલી પૂર્વથી પશ્ચિમ તરફ ફરી ગયું. શ્રાવણ મહિનામાં અહીં આજુબાજુથી પણ ભક્તો મોટી સંખ્યામાં ઊમટે છે. શિવપંથીઓ માટે એ એક ધામ છે.
મંદિરોની નગરી બક્સરમાં દેવાલયો ઉપરાંત ઐતિહાસિક સ્થળો પણ છે. શેરશાહ અને મોગલો વચ્ચે થયેલું યુદ્ધસ્થળ ચૌસા, બ્રહ્મપુરમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાએ લડાઈ જીતીને સ્થાપેલું થાણું, ભોજપુર ગામ પાસેનો નવરતન કિલ્લો જે હાલ જર્જરિત હાલતમાં છે એ પણ તવારીખમાં નોંધાયેલાં તો છે જ. એના વિશે કહેવાતું કે આ કિલ્લા પરના રાત્રે બળતા દીવા છેક દિલ્હીમાં દેખાતા. એટલે એનો એક દુહો અહીં પ્રચલિત છે કે ‘બાવન ગલિયા, ત્રેપન બજાર... દિયા જલે છપ્પન હજાર.’
પૉઇન્ટ બ્લૅન્ક
રામજીની પાઠશાલા રહેલી આ ધરા પર એ વિશેનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી. એ જ રીતે વામનાવતાર અહીં જ થયો એવો શિલાલેખ પણ નથી. આમ છતાં પુરાણોમાં ઉલ્લેખ તેમ જ અહીંનાં વાઇબ્સ એવાં પૉઝિટિવ છે કે ભગવાને જન્મ લેવા આ જ ધરતી પસંદ કરી હોય એવું માનવું મનને ગમે છે.
સિંદૂર અને શુદ્ધ ઘીની પાપડી (ચણાના લોટની સુખડી ટાઇપ મીઠાઈ) માટે જાણીતા બક્સરમાં આપણી ગુજરાતી રસનાના સ્વાદને પંપાળે એવું ફૂડ તો મળતું નથી, પણ આપણી આસ્થાને બળવત્તર બનાવે એવાં અનેક એલિમેન્ટ્સ અહીં છે.