Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > નરસિંહ દેવતા યહાં ઝિંદા હૈ...

નરસિંહ દેવતા યહાં ઝિંદા હૈ...

Published : 28 March, 2024 07:30 AM | Modified : 28 March, 2024 08:43 AM | IST | Mumbai
Alpa Nirmal

ગીચ વનરાજી ધરાવતી ટેકરીનું વાતાવરણ આહ્‍લાદક છે. દેવાલય કે પરિસરમાં બીજી કોઈ મૂર્તિ નથી, મુખ્ય મંદિરની નજીક એક ચટ્ટાન પર ઉગ્ર હનુમાનજીની પ્રતિમા છે.

હેમાચલા નરસિંહ સ્વામી મંદિર

તીર્થાટન

હેમાચલા નરસિંહ સ્વામી મંદિર


ચિલી લૅન્ડ વારંગલથી ૧૩૦ કિલોમીટરના અંતરે આવેલા હેમાચલા નરસિંહ સ્વામી મંદિરના ભગવાનની પ્રતિમા માણસના શરીરની જેમ લવચીક છે. લાલ-કથ્થઈ રંગના પથ્થરની આ મૂર્તિમાં આંગળીથી દબાવતાં લિટરલી ખાડો પડે છે


 કહેવાય છે કે પહાડમાં રહેલી ૧૦ ફુટની નરસિંહની મૂર્તિના ખોદકામ વખતે કોદાળીનો પ્રહાર ભગવાન નરસિંહના પેટ પર વાગ્યો હતો એથી તેમની દૂંટીમાંથી સતત પ્રવાહી ઝરે છે. પૂજારી ત્યાં હળદરનો લેપ કરે છે. એ હળદર પ્રસાદરૂપે અપાય છે.

વિષ્ણુ ભગવાનના ૧૦ અવતારોમાંનો ચોથો અવતાર નરસિંહ, અર્ધસિંહ અને અડધું માનવ રૂપ છે. ગર્ગસંહિતા નારદ ગોલોક કાંડના પ્રથમ અધ્યાયમાં જણાવાયું છે કે વિષ્ણુએ બે પ્રકારે આ ધરતી પર અવતાર ધારણ કર્યો છે. એક પૂર્ણ અવતાર અને બીજો અંશાવતાર અવતાર. અંશાવતાર એટલે વિષ્ણુ જ્યાં આંશિક રૂપે પ્રગટ થાય. મત્સ્ય, ફર્મ અને વરાહ અંશરૂપ અવતારનાં ઉદાહરણ છે. જ્યારે સાક્ષાત અવતારમાં ભગવાન વિષ્ણુ પોતાના દરેક ગુણ અભિવ્યક્ત કરે છે. રામ, કૃષ્ણ અને નરસિંહ પૂર્ણ અવતારનાં સ્વરૂપ છે. વિષ્ણુનો આ અવતાર પણ રામ અને કૃષ્ણની જેમ દુલર્ભ મહત્તા ધરાવે છે.



જોકે ગુજરાત અને ગુજરાતી પ્રજામાં રાધર સંપૂર્ણ નૉર્થ ઇન્ડિયા કરતાં દક્ષિણ ભારતમાં લૉર્ડ નરસિંહ વધુ આસ્થા અને વધુ શ્રદ્ધાથી પુજાય છે. એમાંય તામિલનાડુ, આંધ્ર પ્રદેશ તેમ જ તેલંગણમાં નરસિંહદેવ બેહદ લોકપ્રિય છે. અહીં અનેક ગામડાંઓમાં પ્રાચીન અને પ્રખ્યાત નરસિંહ મંદિરો છે. આપણે આ પૂર્વે અહોબિલમ નરસિંહ મંદિરની જાત્રા કરી છે, આજે જઈએ અન્ય એક નરસિંહના દરબારમાં જ્યાં નરસિંહદેવતા ઝિંદા હૈ...


નવનિર્મિત તેલંગણ રાજ્યમાં કાળા પથ્થરની વિશાળ શિલાઓનું સામ્રાજ્ય છે. જો તમે ટ્રેન દ્વારા આંધ્ર પ્રદેશ કે તેલંગણ જતા હો તો મહારાષ્ટ્ર રાજ્યની સીમા સમાપ્ત થતાં થોડા કલાકોમાં જ મસમોટા તેમ જ વિવિધ આકારના પથ્થરોની નાની-મોટી ટેકરીઓ દેખાવા માંડે. લિસ્સા પથ્થરિયા ઢોળાવ પર ૫૦-૬૦ હજાર કિલોનો વજન ધરાવતો મોટો પથ્થર કોઈ સપોર્ટ કે ટેકા વગર વટથી ઊભો હોય તો ક્યાંક ગોળાકાર શિલાઓ પણ ટેસથી ટકેલી હોય. કુદરતની આવી કરામત આખાય વિસ્તારમાં ઠેર-ઠેર છે, ઢગલાબંધ છે અને વારાંગલ જિલ્લાના મંગાપેટ મંડલની આવી જ એક પથરાળ ટેકરીની ઉપર પોચા-પોચા નરસિંહનો વાસ છે.

ચાર દિવસ પહેલાં જ હોળી ગઈ. આથી ભક્ત પ્રહ્‍લાદ અને હિરણ્યકશિપુની સ્ટોરી બધાએ રીકલેક્ટ કરી જ હશે. છતાંય એક વખત એ કથા શૉર્ટમાં જાણીએ. ભગવાન વિષ્ણુના રૌદ્ર રૂપનો અવતાર નરસિંહ સતયુગના ચોથા ચરણમાં પ્રગટ થયા. વૈશાખ મહિનાની સુદ ચૌદસ, નરસિંહની પ્રાગટ્ય જયંતી. નરસિંહાવતારની વાત થાય એટલે હિરણ્યકશિપુનો ઉલ્લેખ થાય જ. 
કશ્યપ ઋષિ અને દિતિનો પુત્ર હિરણ્યકશિપુ. આ દંપતીનો બીજો પુત્ર હિરણ્યાક્ષ અને પુત્રી હોલિકા. તેજસ્વી ઋષિ અને દક્ષ પુત્રી દિતિના સંતાન હોવાને નાતે ત્રણેય ભાઈ-બહેનો બળ,બુદ્ધિમાં તેજસ્વી, પરંતુ અસુર વેળાએ જન્મ થવાથી દરેક ભાઈ-બહેનની મેઘા સખત નેગેટિવ. ત્રણેય લોકમાં પોતાનું રાજ્ય ચાલે એ માટે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દેવતાઓ સાથે લડ્યા કરે, તેમને હેરાન કરે. અરે હિરણ્યાક્ષે તો વિષ્ણુ ભગવાન સામે યુદ્ધ આદર્યું અને પૂરાં ૧૦૦ વર્ષ એ જંગ ચાલ્યો. અંતત એ દાનવે માયાથી પોતાનું કદ વધાર્યું અને આખી પૃથ્વીને પોતાના આગોશમાં સમાવી પાતાલલોક ભાગી ગયો. પૃથ્વીલોકને બચાવવા વિષ્ણુજીએ વરાહ રૂપ ધારણ કર્યું અને હિરણ્યાક્ષનો વધ કર્યો.


ભાઈના મૃત્યુથી હિરણ્યકશિપુ હચમચી ગયો, પણ તેણે બળને બદલે કળથી કામ લેવાનું વિચાર્યું. વિષ્ણુને માત કરવા તેણે બ્રહ્માજીનું આકરું તપ આદર્યું અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈ હિરણ્યકશિપુએ અમરત્વનું વરદાન માગ્યું તે આપી દીધું. શાસ્ત્રકાર જણાવે છે કે હિરણ્યકશિપુએ એવું વરદાન મેળવ્યું કે બ્રહ્માજી દ્વારા નિર્મિત કોઈ જીવિત પ્રાણી, મનુષ્ય, દેવ-દાનવ, હથિયારો, અવકાશી ગ્રહો તેને મારી ન શકે. ન તે કોઈ નિવાસની અંદર, ન બહાર, ન રાતે, ન દિવસે, ન જમીન પર, ન આકાશમાં મરે. એ ઉપરાંત સૃષ્ટિના દરેક જીવો, ઈષ્ટ દેવો પર તેનું આધિપત્ય રહે તેમ જ સર્વ શક્તિમાન બ્રહ્માજી દરેક દૈવીશક્તિ પ્રદાન કરે જે ક્યારેય નષ્ટ ન થાય.

ચિરંજીવી રહેવાનું વરદાન મેળવી હિરણ્યકશિપુ અભિમાની બની ગયો અને તેના રાજ્યમાં દરેકને ફરમાન કરી દેવાયું કે હવે હિરણ્યકશિપુ પોતે જ ભગવાન છે, દરેકે તેની જ પૂજા કરવી, અન્ય દેવી૦દેવતાઓની નહીં, પરંતુ પેલી કહેવત છેને કે ‘જેને કોઈ ન પહોંચે, તેને પેટ પહોંચે. એ અનુસાર હિરણ્યકશિપુનો પંડનો દિકરો પ્રહ્‍લાદ જ પ્રખર વિષ્ણુભક્ત નીકળ્યો. બાલ્યવયથી જ તે વિષ્ણુનું રટણ કરતો. એ સાંભળી હિરણ્યકશિપુ અત્યંત ક્રોધિત થતો. પોતાનો પુત્ર હોવા છતાં પિતાએ તેને મરાવવા અનેક કારસા રચ્યા. પહાડ પરથી ફેંકી દીધો, આગમાં પણ નહીં બળવાનું વરદાન મેળવનારી તેની બહેન હોલિકાના ખોળામાં બેસાડી પ્રહ્‍‍લાદને જીવતો બાળી નાખવાનો પ્રયાસ કર્યો (જેના માનમાં આપણે દર વર્ષે હોલિકાદહન કરીએ છીએ) અને એક દિવસ ધગધગતા ધાતુના સ્તંભને બથ ભરવાનો આદેશ આપી દીધો. બાળપ્રહ્‍‍લાદ એ થાંભલાને અડવા જતો જ હતો ત્યાં જ થાંભલો ફાડીને વિષ્ણુ ભગવાન નરસિંહરૂપે પ્રગટ થયા. ચહેરો અને ધડ સિંહનું અને નીચેનું શરીર મનુષ્યનું. આવો વિશિષ્ટ અવતાર ધારણ કરીને તેમણે હિરણ્યકશિપુને પોતાના પંજાના નખ વડે ચીરી નાખ્યો.

આ અવતાર સ્થાપિત કરે છે કે અધર્મનો નાશ કરવા શક્તિની સાથે જ્ઞાનની પણ જરૂર છે અને પ્રજ્ઞા સાથે તાકાત મેળવવા ભક્તો ભગવાન નરસિંહની પૂજા કરે છે. વિષ્ણુ ભગવાનના અન્ય સ્વરૂપની તુલનાએ નરસિંહ રૂપ ખૂબ થોડી જ વેળાનું હતું. હિરણ્યકશિપુનો વધ કર્યા બાદ એ અવતારનો પણ અંત આવી ગયો, પરંતુ પ્રભુના આ અનન્ય રૂપે એ નિશ્ચિત કર્યું કે ભગવાન સદૈવ ભક્તોની સહાયતા કરે છે. સાચા શુદ્ધ હૃદયથી કરેલી પ્રભુની પ્રાર્થના હંમેશાં ફળે છે.

વેલ, શૉર્ટ સ્ટોરીની વાત હતી, પરંતુ પરમાત્માનું આ સ્વરૂપ એવું પાવરફુલ છે કે એને ઓછા શબ્દોમાં સમાવી ન શકાય. એવું જ પાવરફુલ રૂપ છે મલ્લુરના નરસિંહ દેવતાનું. ૧૫૦૦ ફુટની ઊંચાઈએ આવલા મંદિરને આમ તો એક નાનકડી દેરી જ કહી શકાય, જેમાં માત્ર ગર્ભગૃહ છે અને ગર્ભગૃહમાં બિરાજે છે સ્વયંભૂ નરસિંહ. અહીં મંદિર તો નવું છે, પણ મૂર્તિ ૪૦૦૦ વર્ષ પૂર્વેની છે. સ્થાનિક લોકોના મતે જંગલ અને ટેકરીઓના આ વિસ્તારમાં ગ્રામ્યજનોને એક પર્વત પર દૂરથી પણ કાંઈક ચમકતું દેખાતું. નજીકના ગામમાં રહેતા લોકોને થતું આ સ્થળ ચમકે છે તો એ ચોક્કસ સોનાનો પહાડ હશે. એ સાથે જ આજુબાજુની વસ્તીમાં અચાનક કોઈ કારણ વિના વારંવાર આગ લાગતી અને થોડી વારમાં બુઝાઈ જતી. આથી ભોળા ગામવાસીઓએ કોઈ ગુરુ, પંડિતને આવું બનવાનું કારણ પુછાવ્યું. ત્યારે એ વિદ્યાધરને સંકેત મળ્યો કે નજીકમાં ક્યાંક નરસિંહની મૂર્તિ છે અને એનું તેજ એવું પ્રબળ છે જેથી વારેઘડીએ આગ લાગી જાય છે. જોકે અન્ય માન્યતા પ્રમાણે એક દિવસ પેલા ચમકતા પહાડનો તાગ મેળવવા ગ્રામ્યજનોએ એ પહાડ ચડવાનું નક્કી કર્યું અને એ રાતે ભગવાને એક ગામવાસીને પોતે સંકેત દીધો કે હું અહીં છું. ખેર, એ જે કથા હોય તે, આ નરસિંહ બારેમાસ શ્રદ્ધાળુઓથી ઘેરાયેલા રહે છે.

હવે, વાત કરીએ એ વિશિષ્ટ પથ્થરમાંથી બનેલા સ્વરૂપની, તો જેમ આપણા શરીરમાં આંગળીથી ક્યાંક દબાવીએ અને શરીરમાં રહેલા માંસ અને મસલની માત્રા પ્રમાણે જેમ ખાડો પડે એ રીતે આ ભગવાનના ધડના ભાગે આંગળી કે પુષ્પ દબાવતાં એ પાષાણ હોવા છતાં મૂર્તિની અંદર જાય છે અને આંગળી કે એ ફૂલ બહાર કાઢી એ ભાગને હાથથી થપથપાવતાં ફરી એ ભાગ પૂર્વવત્ થઈ જાય છે. કાળમીંઢ પથ્થરો ધરાવતા પર્વતોની વચ્ચે આવો પોચો પથ્થર કઈ રીતે આવ્યો હશે? વળી બીજી યુનિક વાત એ પણ છે કે વધુ તીવ્રતાથી આંગળી દબાવીએ તો મૂર્તિમાંથી રક્ત જેવું લાલ રંગનું પ્રવાહી બહાર આવે છે. અગેઇન અહીં કોઈ જળની ધારા કે સ્રોત નથી વહેતાં, તો આવું લિક્વિડ ફૉર્મ શું હશે? હા, ભક્તોને ગર્ભગૃહમાં જવાની અનુમતિ નથી એટલે પારખાં થઈ શકતાં નથી, પણ ‘શ્રદ્ધાની જ્યાં હોય વાત ત્યાં પુરાવાની શી જરૂર?’ એ ન્યાયે દર્શનાર્થીઓ એને ભગવાનનું લોહી જ ગણે છે. 

ગીચ વનરાજી ધરાવતી ટેકરીનું વાતાવરણ આહ્‍લાદક છે. દેવાલય કે પરિસરમાં બીજી કોઈ મૂર્તિ નથી, મુખ્ય મંદિરની નજીક એક ચટ્ટાન પર ઉગ્ર હનુમાનજીની પ્રતિમા છે. આખો જંગલ જેવો વિસ્તાર હોવાથી સાંજ પછી મંદિરના પહાડ પર તો ઠીક, આજુબાજુ દોઢબે કિલોમીટરમાં રહેવાની અનુમતિ પણ નથી. કહેવાય છે કે આ નરસિંહસ્વામીનું રાજ્ય છે અને તેમનો આગવો નિયમ છે. એનું ઉલ્લંઘન કરનારને સિંહની દહાડ પણ સંભળાઈ શકે છે કે તેની સાથે અજુગતું પણ બની શકે છે. ભલેને આ નિયમને અમુક લોકો અંધશ્રદ્ધા કહે, કારણ કે આ વિસ્તારમાં સિંહ તો નથી જ આથી એની દહાડ તો ક્યાંથી સંભળાય. અમે માનીએ છીએ કે જે-તે ક્ષેત્રના નિયમ પાળવામાં સમજદારી છે. જો શાળાના નિયમો ફૉલો કરાય, સ્વિમિંગ-પૂલનો રૂલ પણ માથે ચડાવવો જ પડે તો મંદિરના નિયમ કેમ નહીં?

આંધ્ર પ્રદેશ અને તેલંગણનું જૉઇન્ટ પાટનગર હૈદરાબાદથી મલ્લુરનું હેમાચલા લક્ષ્મી નરસિંહ મંદિર ૨૮૦ કિલોમીટર દૂર છે. જો તમને મુંબઈથી બાય ઍર જવું હોય તો હૈદરાબાદ જ જવું પડે અને ત્યાંથી ૬ કલાકની રોડ જર્ની કરવી પડે, પણ જો તમને રેલગાડીની મુસાફરી ગમતી હોય તો મુંબઈથી વારંગલ માટે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટ્રેનો છે. ઍન્ડ વાંરગલથી ૩ કલાકનું ડ્રાઇવિંગ મલ્લુર પહોચાડે છે. આ ટ્રેન તથા રોડ જર્ની જેટલી રોમાંચક છે એટલું જ રોમાંચક વારંગલ શહેર છે, ‘ઇસકા સાઇટ સીઇંગ ભી બનતા હૈ બૉસ!’ 

વારંગલ - ઐતિહાસિક નગર
મલ્લુરના નરસિંહને મળવા જવું હોય તો વારંગલમાં રહેવું પડે અને એ માટેની મબલક સુવિધા અહીં છે, પણ અહીં જ રહેવાના હો તો એક દિવસ એક્સ્ટેન્ડ કરી ૧૨થી ૧૪ સદી દરમ્યાન કાકતીય રાજવીઓની રાજધાની રહેલા આ નગરનો ફોર્ટ, થાઉઝન્ડ પિલર ટેમ્પલ અને ૭મી સદીનું ભદ્રકાળી મંદિર અચૂક જોજો. અને હા, ચિલી લૅન્ડનાં મરચાં વીસરતા નહીં. સમસ્ત દેશમાં થતા મરચાનું ૨૫ ટકા પ્રોડક્શન અહીં થાય છે. રંગે તેજ અને સ્વાદમાં નરમ એવાં ટમૅટો ચપટા વારંગલ ચિલી મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
હેમાચલા લક્ષ્મી નરસિંહ સ્વામીનું મંદિર જવા માટે ૧૫૦ પગથિયાં ચડવાં પડે છે, પણ એ મોડરેટ અને સહેલાં છે. વળી પ્રભુ પરની આસ્થા ભક્તોને ટેકો કરે છે. મલ્લુરમાં રહેવાની સુવિધા તો નથી જ અને ખાવા માટે નાની-નાની હાટડીઓ છે, જ્યાં કૉફી ઇડલી, વડાં વગેરે દક્ષિણ ભારતીય વાનગીઓ મળી રહે છે. એ ઉપરાંત નરસિંહસ્વામીને ચડાવાતું ચંદન, પુષ્પો વહેંચતી દુકાનો પણ નીચે છે. 
નરસિંહ જયંતીએ અહીં બ્રહ્મોત્સવનું આયોજન થાય છે જેનાં દર્શનાર્થે હજારો ભાવિકો અહીં આવે છે.
મંદિર સવારે સાડાઆઠથી એક અને બપોરે ૩થી પાંચ વાગ્યા દરમ્યાન ખુલ્લું રહે છે. મંદિરમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશવાની મંજૂરી નથી એથી દરેક ભક્તોએ બહારથી જ દર્શન કરવાનાં રહે છે.
એ ઉપરાંત લાઇનની સિસ્ટમ ન હોવાથી ભાવિકો મંદિર ખૂલતાં પૂર્વે જ મંદિરની બહાર બેસી જાય છે જેથી આ અનન્ય મૂર્તિનાં પૂર્ણપણે દર્શન થાય.
વૈજ્ઞાનિકોના મતે બે પહાડોની વચ્ચે કે બખોલમાં લાવા ઉત્પન્ન થવાથી પથ્થર જેવો પણ પોચો પદાર્થ જમા થયો હશે જેમાંથી પ્રાકૃતિક રૂપે આ સ્વરૂપ પ્રગટ થયું હશે. જોકે કોઈ ટેસ્ટિંગ થયું નથી, પરંતુ અહીં આવનારા ભક્તોની શ્રદ્ધા એટલી પથ્થરથીયે પ્રબળ છે કે તેમના મતે આ પ્રતિમાનાં દર્શનથી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને વિપદા ટળે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 08:43 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK