દેવભૂમિના મહાસુદેવતા મંદિરથી ફક્ત ૧૮૭ કિલોમીટરના અંતરે આવેલો સુરકંડા માતાનો મઢ જાગૃત માતૃશક્તિ પીઠ છે. અહીં દેવી સતીનું મસ્તક પડ્યું હતું
સુરકંડા માતાનો મઢ
ઉત્તરાખંડ - ઑલમાઇટી હિમાલયના પર્વતોની શૃંખલાને દિવ્યતા બક્ષતું રાજ્ય. આમ તો હેમાળો કાશ્મીરથી લઈ છેક આસામ સુધી પ્રસર્યો છે પરંતુ તપોભૂમિ ઉત્તરાંચલમાં એના પહાડો પવિત્ર થઈ જાય છે. એનાં શિખરો, ગિરિકંદરાઓ પાવન બની જાય છે. અહીંના સ્વર્ગ સમાન વાતાવરણમાં, હવામાં એવો કેફ છે કે મનુષ્ય માત્રને ખૂબ સહજતાથી ધ્યાનની તાળી લાગી જાય છે. આથી જ લાખો તાપસો, દેવો, ઋષિમુનિઓએ આ ભૂમિ પર હજારો વર્ષોની તપસ્યા કરી છે અને તેમની કઠિન તપસ્યાઓથી જ અહીંની ધરા દેવભૂમિ બની છે.
આ અલૌકિક વૈભવ ધરાવતી ધરતી ઉપર સેંકડો તીર્થો છે, જે સનાતની વારસાની સાબિતી રૂપ છે. એમાંનું જ એક ધામ એટલે પર્વતોની રાણી મસૂરીથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું સુરકંડા દેવી મંદિર. સ્થાનિકો માટે તો આ મનોરમ સ્થળ ગાઢ આસ્થાનું કેન્દ્ર છે જ પરંતુ સમગ્ર ભારત વર્ષના માઈ ભક્તો માટે પણ આ મંદિરનું માહાત્મ્ય અદકેરું છે.
ADVERTISEMENT
મંદિરનો પૌરાણિક સંબંધ શિવજી અને સતી સાથે છે, જેની કથા લગભગ બધા જ જાણે છે. છતાં ટૂંકમાં જણાવીએ કે બ્રહ્મા પુત્ર રાજા દક્ષની સ્વરૂપવાન, સુલક્ષણા પુત્રી સતી ભસ્મધારી, સ્મશાનવાસી શિવજીને પરણી, જે પિતા દક્ષને જરાય રુચ્યું નહોતું. એક વખત રાજા દક્ષે ભવ્ય, ધાર્મિક યજ્ઞનું આયોજન કર્યું. ત્રણેય લોકના દેવતા, ઋષિમુનિઓને નિમંત્રણ પાઠવ્યું પણ પુત્રી અને જમાઈને ન આમંત્ર્યાં. જોકે દેવી સતી પિતાના ઇન્વિટેશન વગર જટાધારી પતિને લઈ એ અનુષ્ઠાનમાં પહોંચી ગયાં. ત્યારે ન તો તેમને યોગ્ય માનસન્માન મળ્યું, ન પતિદેવને. આવા અપમાનથી દુખી થઈ સતીએ ત્યાં એ યજ્ઞવેદીમાં જ પોતાની કાયાને હોમી દીધી. આ જોઈ કૈલાસપતિ ક્રોધે ભરાઈ ગયા અને ભાર્યાનું અર્ધબળેલું શરીર લઈ, આખાય ભૂલોક પર તાંડવ કરવા લાગ્યા. તેમના કોપભર્યા તાંડવને કારણે પૃથ્વી સંકટમાં આવી ગઈ. તેથી દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી શિવજીને શાંત કરવાનું કહ્યું. આથી વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા અને એ ટુકડા જે-જે સ્થળે પડ્યા એ આજની શક્તિપીઠ.
સમુદ્રની સપાટીથી ૯ હજાર ફીટની ઊંચાઈએ ગાઢ જંગલ ધરાવતા પહાડોની ટોચ પર માતા સતીનું મસ્તક પડ્યું અને આ સ્થળને નામ મળ્યું સિરખંડા, જે કાલાંતરે અપભ્રંશ થઈ સરકુંડા કે સુરખંડા નામે ઓળખાય છે.
આ કથાની સમાંતરે અમુક ભક્તોની માન્યતા છે કે જ્યારે રાક્ષસ મહિષાસુર પૃથ્વી ઉપર ઉત્પાત મચાવી રહ્યો હતો ત્યારે એના આતંકથી છૂટવા દેવતાઓએ ત્રિદેવ - બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મદદ માગી અને ત્રણેય ભગવાને પોતાની ઊર્જાની સંયુક્ત શક્તિથી માતા દુર્ગાને પ્રગટ કર્યાં. શક્તિનાં સંપુટ સમા દેવી દુર્ગાએ મહિષાસુરની સામે ભયંકર યુદ્ધ કર્યું અને વિજેતા બન્યાં. ત્યારે એ અસુરનાં અંગો પણ પૃથ્વી ઉપર વિભિન્ન સ્થળે પડ્યાં. અહીં મહિષાસુરનું માથું પડ્યું અને આ સ્થળ સુરકંડા નામે પ્રચલિત થયું. સુર અર્થાત શિર અને કંડા મીન્સ અલગ.વેલ, અન્ય મંદિરોની જેમ આપણે આ મંદિરની પણ સત્ય કથા કઈ એ જાણવામાં આપણી શક્તિ વ્યર્થ ન કરીએ અને અહીં પહોંચી શક્તિ સ્વરૂપનું આરાધન કરીએ.
ઉત્તર ભારતીય શૈલીમાં નિર્મિત આ ટેમ્પલમાં સમયાંતરે અનેક ફેરફારો થયા છે પરંતુ કાષ્ઠ અને કાળા પથ્થરોથી બનેલા આ મંદિરમાં સુંદર પ્રવેશદ્વાર બાદ મંડપ અને ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં સુરકંડા માતાની સ્વયંભૂ પ્રતિમા છે જે ફૂલો, આભૂષણો તેમ જ સુહાગનાં અન્ય ચિહ્નોથી સુશોભિત રહે છે. પ્રતિદિન સવારે દેવીને સ્નાન કરાવાય છે અને ત્યાર બાદ દરરોજ અલગ-અલગ શણગાર કરાય છે. એ જ પ્રમાણે ધૂપ, દીપક તેમ જ ભોગ પણ ધરાવાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે દિવસમાં બે વખત માતાજીની લોકાતીત આરતી થાય છે. એ સમયના સાક્ષી બનવા અનેક ભક્તો એકઠા થાય છે અને ભક્તિગીત, પ્રાર્થના ગાઈ માતાજીની ઉપાસના કરે છે.
મુખ્ય મંદિરની બહારની બાજુ બીજી પણ નાની દેરીઓ છે જેમાં ભિન્ન-ભિન્ન દેવતાઓ બિરાજમાન છે. તો મંદિરની ફરતે પ્રદક્ષિણા પથ છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ સમ્માનપૂર્વક પરિક્રમા કરતા દેખાય છે. મંદિરની બહારની બાજુએ ધર્મશાળા, રેસ્ટોરાં, ચા-નાસ્તાની ટપરીઓ અને પ્રસાદ-ભોગ, શૃંગાર વગેરે માને ચડાવાતી વસ્તુઓની દુકાનો સહિત નાનીમોટી ખરીદારી કરી શકાય એવી થોડી હાટડીઓ પણ છે જ્યાં સુવેનિયર ઉપર પહાડી વસ્તુઓ તેમ જ હર્બલ જડીબુટ્ટીઓ પણ મળે છે.
નવરાત્રિ, પૂનમ તેમ જ મંદિરની સાલગીરી વખતે તો અહીં મેળો ભરાય છે. પણ ગંગા દશહરા જેઠ સુદ દસમે અહીં મહાઉત્સવ યોજાય છે. કિંવદંતી પ્રમાણે આ દિવસે ગંગા નદી પૃથ્વી ઉપર ઊતર્યાં હતાં. આથી તેમનો જન્મદિવસ તેમ જ ડોલી ઉત્સવ રંગેચંગે ઊજવાય છે. એ જ રીતે અનેક સ્થાનિકો પોતાના બર્થ-ડે પર પણ માતાને મત્થા ટેકવા આવે છે. પુરુષો તો ખરા જ, પણ ‘મહિલાઓમાંયે શક્તિપીઠ બહોત માયને રખતા હૈ,’ તેઓ પોતાનાં કલ્યાણ, સમૃદ્ધિ, સુખાકારીના આશીર્વાદ લેવા સારુ સંકટહરણી, મંગલકરણી માતા સુરકંડાના આ પ્રાગટ્ય સ્થાને આવે છે.
૨૧મી સદીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવું સાવ સરળ થઈ ગયું છે. ભારતના દરેક મહાનગરથી બાસમતી (રાઇસ) સિટી દેહરાદૂન હવાઈ માર્ગે જોડાયેલું છે. તો મુંબઈથી હરિદ્વાર માટે ડેઇલી ટ્રેન પણ ચાલે છે. હરિદ્વાર ઊતરો કે દેહરાદૂ, બેઉ ગામથી મસૂરી અને હવાખાવાના સ્થળ માટે ધીરે-ધીરે પ્રસિદ્ધ થઈ રહેલું ધનોલ્ટી જવા સ્ટેટ બસ અને ટૅક્સીઓ મળી જ રહે છે. દરેક માર્ગ પરિવહન સુરકંડા પર્વતની તળેટી કદુખાલ સુધી પહોંચાડે છે અને કદુખાલથી ૩ કિલોમીટરનું ટ્રેકિંગ કરો એટલે માતાની સન્મુખ. હા, ભાઈ હા, હવે અહીં સુધી રોપવે પણ શરૂ થયો છે, જે દરેક સીઝનમાં ચાલે છે અને એની ટિકિટો રીઝનેબલ હોવા સાથે સહેલાઈથી મળી પણ રહે છે. પણ અમે રેકમન્ડ કરીએ છીએ કે વનવે પગે ચાલીને જવું. આ પગપાળા યાત્રા દરમિયાન જ સમજાશે કે આ ધરતીને દેવભૂમિ કેમ કહે છે.
રહેવા માટે આગળ કહ્યું એમ મંદિરની બાજુમાં ધર્મશાળા, ગેસ્ટહાઉસ છે જ્યાં બેઝિક સગવડો છે પણ ત્યાં રહેવાનું સાહસ ન કરવું હોય તો સ્ટે ઇન ધનોલ્ટી. ગ્રીન વૅલીઝ, ઇકો પાર્ક, બટેટા અને ચોખાના પાકથી સમૃદ્ધ સ્ટેપ્સવાળાં ખેતરો અને નગાધિરાજના અસીમિત ડુંગરાઓની હારમાળાઓ ધરાવતું આ હિલ સ્ટેશન ઓવરરેટેડ મસૂરી કરતાં બેહદ સુંદર છે. જમવા માટે ઉપર સામાન્ય વ્યવસ્થા છે જ્યાં પૂરી-સબ્જી, દાલ-ચાવલ મળી રહે. હા, પહાડી મૅગી પણ મળશે અને ચા-કૉફી તો ખરાં જ. બસ, ટ્રેકિંગ દરમિયાન પાણી, શરબત કે થોડો નાસ્તો સાથે રાખવો, કારણ કે રોપવે શરૂ થતાં આ રસ્તો ખાલી હોય છે. જોકે ભય જેવું કશુંય નથી. ભલા માણસ, આપ દેવભૂમિમાં છો.
પૉઇન્ટ ટુ બી નોટેડ
બારે મહિના ખુલ્લા રહેતા આ મંદિરમાં જવાની બેસ્ટ સીઝન આખું વર્ષ છે. શિયાળામાં બરફથી ઢંકાયેલા પહાડો અને મંદિરનો પરિસર તમને બાંહોમાં ભરી શીતળતા આપે છે તો વસંત, ઉનાળો, પાનખરની પણ આગવી મુગ્ધતા છે.સમુદ્રની સપાટીથી ૯ હજાર ફીટ ઊંચે હોવાથી ઉનાળામાં પણ અહીં ઠંડી તો હોય જ છે. આથી દરેક ઋતુ અનુસાર ગરમ કપડાં, કમ્ફર્ટેબલ શૂઝ સાથે બાયનોક્યુલર અવશ્ય પૅક કરજો. દૂરબીનથી જંગલમાં કલરવ ક્રીડા કરતાં પક્ષીઓ સહિત પેલા સ્થિતપ્રજ્ઞ ડુંગરાઓ જોવાની પણ મજા આવશે. સુરકંડા મંદિરની આજુબાજુ ટિહરી ડૅમ, ટિહરી ઝીલ, કોડિયા વન, કમાતાલ તેમ જ નરસિંગ મંદિર, ગ્રામગોથનું નાગરાજ મંદિર પણ વિઝિટેબલ.
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જેટલા જ ફેમસ છે અહીંના ડોલી ઉપાસક અજય બિજલ્વાણ
૨૧ વર્ષનો અજય બિજલ્વાણ મા સુરકંડા દેવીનો અનન્ય ઉપાસક છે. કહે છે કે ચાર વર્ષની આયુથી તેની ઉપર માતાની વિશેષ કૃપા છે. છેલ્લાં ત્રણ વર્ષથી તે માતાનો ડોલી ઉત્સવ કરે છે જેમાં હજારો લોકો ભાગ લે છે. કહે છે કે આ દરમિયાન તેના શરીરમાં માતા પ્રવેશે છે, જે ભક્તોની સમસ્યા દૂર કરે છે. ઋષિકેશના વિદ્યાલયમાંથી સંસ્કૃત અને વેદોનું જ્ઞાન મેળવનાર અજય દર રવિવારે ઋષિકેશના ભજનગઢમાં ભુવનેશ્વરી મંદિર પાસે બાગેશ્વર ધામની જેમ દરબાર ભરીને બેસતો અને લોકોનાં દુખ દૂર કરતો. લોકલ પ્રજા તેમ જ સોશ્યલ મીડિયામાં પ્રખ્યાત આ ભાગવત આચાર્ય દૂધ અને ચોખાને પોતાના હાથમાં રાખી એમાંથી કૂંપળ ફૂટવાના ચમત્કારને કારણે ચર્ચાપાત્ર બન્યો છે.