આજના સમયમાં પેરન્ટિંગ વધુ ને વધુ નાજુક થતું જાય છે ત્યારે પેરન્ટ્સ માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે સંતાનની કઈ જીદ સામે સરેન્ડર થવું અને કઈ જીદને સહેજ પણ મચક ન આપવી.
પ્રતીકાત્મક તસવીર
માતા-પિતાએ દીકરાને ફોન આપવાની ના પાડતાં ૧૪ વર્ષનો છોકરો ઘર છોડી ગયો, દસમા ધોરણમાં ઓછા માર્ક્સ આવવાના ડરથી ૧૬ વર્ષની છોકરીની આત્મહત્યા, પોતાના શોખ પૂરા કરવા દીકરાએ પોતાના જ ઘરમાં કરી ચોરી... જેવા સમાચારો અવારનવાર તમે અખબારોમાં વાંચતા હશો. આ સમયે મોટા ભાગે એવી જ ચર્ચા થતી હોય છે કે આ આજકાલનાં બાળકો જ આવાં છે; પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે બાળકોની આ વર્તણૂક પાછળ તેમનો ઉછેર, તેમની મળતી છૂટ, લાડકોડ પણ જવાબદાર હોઈ શકે? આજકાલ તો પેરન્ટિંગ પણ ગૂગલમાંથી શીખવામાં આવે છે. બાળક સાથે કૂણું વર્તન રાખવું કે સ્ટ્રિક્ટ બનવું એ પેરન્ટ્સને સમજાઈ જ નથી રહ્યું. તાજેતરમાં જ પુણેમાં પૉર્શે કારની જે ઘટના ઘટી એણે પેરન્ટિંગ પર ઘણા પ્રશ્નો ખડા કર્યા છે. સગીર વયનો યુવાન દારૂ ઢીંચીને પૉર્શે જેવી લક્ઝરી ગાડી ચલાવે અને બે યુવાનોને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દે એમાં શું તેનો ઉછેર જવાબદાર નહીં હોય? તમે જ કહો કે આમાં પેરન્ટ્સની
ભૂલ ક્યાં હતી, તેને દારૂ પીવાની છૂટ આપી એમાં કે તેને સગીર વયે ગાડી ચલાવવા આપી એમાં કે મોડી રાતે પાર્ટી કરવાની છૂટ આપી એમાં કે પછી ગુનામાં સંડોવાઈ ગયા પછી
પેરન્ટ્સે તેને બચાવવા ડ્રાઇવરને ફસાવવાની કોશિશ કરી એમાં? જવાબ મેળવવો અઘરો છે. મુદ્દો એક જ છે. સ્માર્ટ બની રહેલાં આજનાં બાળકોને ટૅકલ કેમ કરવાં? તેમને ક્યારે હા પાડવી અને ક્યારે ના? આ મુદ્દે નિષ્ણાતો સાથે વાત કરીએ.