ક્રિકેટ એ ભારતમાં સ્પોર્ટ્સ કરતાં અનેક લોકો માટે ફેન્ટસી છે. એમાં કરીઅર બનાવવાની ઇચ્છા લાખો લોકોને છે
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર
નાનો હતો ત્યારથી ક્રિકેટર બનવાના સપનાં જોયેલાં, પણ ઘરેથી કોઈ સપોર્ટ મળ્યો જ નહીં. મને ક્રિકેટ રમવા ન દીધું એટલે મેં ભણવામાં પણ બહુ ધ્યાન નહીં આપ્યું. કદાચ હું પેરન્ટ્સ સાથે એ વાતનો બદલો લેવા માગતો હતો. ગ્રૅજ્યુએશન પછી મને ડાયમન્ડ બજારમાં કામે લગાડી દીધો છે. મને અહીં જરાય મન લાગતું નથી. મારે હજી પણ ક્રિકેટમાં જ કરીઅર બનાવવી છે. હમણાં મેં પ્રવીણ તાંબેની ફિલ્મ જોઈ. એ પછી તો મને લાગે છે કે હું તો હજી ૨૧ વર્ષનો જ છું તો મારે આશા ન છોડવી જોઈએ. મારા પૅશન પર કોઈને ભરોસો જ નથી ત્યારે શું કરવું? ઇન ફૅક્ટ, મારી ગર્લફ્રેન્ડ પણ મને નથી સમજતી. તેનું કહેવું છે કે તારે રમતની રઢ બંધ કરવી ન હોય તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આવામાં શું કરવું?
ADVERTISEMENT
ક્રિકેટ એ ભારતમાં સ્પોર્ટ્સ કરતાં અનેક લોકો માટે ફેન્ટસી છે. એમાં કરીઅર બનાવવાની ઇચ્છા લાખો લોકોને છે. જોકે ભારત વતી રમતી ટીમમાં માત્ર ૧૬ જણને જ સ્થાન મળે છે. નૅશનલ ટીમ સિવાયની નાની-મોટી ટુર્નામેન્ટોની વાત કરીએ તો પણ આ ક્ષેત્રમાં કાઠું કાઢી શકનારા લોકોની સંખ્યા બહુ ઓછી છે. આવા અત્યંત સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા માટે બાળપણથી જ તૈયારીઓ હોય એ જરૂરી છે. જો બાળપણમાં તમે એની ટ્રેઇનિંગ લીધી હોત કે તમારી એમાં સ્કિલ કેટલી ખીલેલી છે એનો તાગ મેળવ્યો હોત તો હજીયે કદાચ તમે જોખમ ઊઠાવી શકો, પણ તમારા પત્ર મુજબ મને એવું પણ નથી લાગતું.
સપનાં સાકાર કરવા માટે પરસેવો પાડવો જરૂરી છે. તમે ક્રિકેટને તમારું પૅશન હજીયે બનાવી શકો છો. ક્રિકેટ રમવું છે એટલે કામમાં મન નથી લાગતું એ બહાનું આગળ ધરવાને બદલે તમે જે કામ કરો છો એમાં મન દઈને ખૂંપી જાઓ. એને તમે તમારી પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી સમજીને કરો. તમારી આર્થિક પગભરતા માટે એ જરૂરી છે. તમે એ બાબતે પગભર થઈ જાઓ તો પછી બાકીના સમયમાં ક્રિકેટની ટ્રેઇનિંગ લેતાં તમને કોઈ રોકી શકે એમ નથી. જો ખરેખર પૅશન હોય તો તમે સવારે વહેલા ઊઠીને અને રાતે મોડા સુધી જાગીને પણ ક્રિકેટની પ્રૅક્ટિસ કરી જ શકો છો. એક વાર સ્કિલ હસ્તગત થઈ જાય એ પછીથી સમાજ અને ક્લબોમાં થતી ટુર્નામેન્ટ્સમાં રમીને તમારું પૅશન જીવંત રાખી જ શકાશે.