મારામાં એ ખૂટતી હોવાથી કન્ટ્રોલ હોય ત્યારે જરાક ફરક દેખાય, પણ જેવું ડાયટ ઠેબે ચડે એટલે ફરી હતા ત્યાંને ત્યાં જ
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૨૧ વર્ષનો છું અને જસ્ટ ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી જૉબ શરૂ કરી છે. મને ટ્રેકિંગનો શોખ છે, પણ વજન થોડુંક વધારે હોવાથી અઘરા ટ્રેક્સ થઈ શકતા નથી. એક્સરસાઇઝ અને ડાયટની બાબતમાં શું સારું અને શું નહીં એ વિશે ઇન્સ્ટા પર ઘણું જોઉં છું, પણ એ ઇમ્પ્લીમેન્ટ નથી થતું. વેઇટ લૉસ ત્યારે જ શક્ય બને જ્યારે કન્સીસ્ટન્સી હોય. મારામાં એ ખૂટતી હોવાથી કન્ટ્રોલ હોય ત્યારે જરાક ફરક દેખાય, પણ જેવું ડાયટ ઠેબે ચડે એટલે ફરી હતા ત્યાંને ત્યાં જ. મારે હેલ્ધી ડાયટ બાબતે સતત મોટિવેટેડ રહેવું છે પણ એ સંભવ નથી બનતું. મોટિવેશનલ વાતો પણ હવે તો લાંબા ગાળા સુધી અસર નથી કરતી. મોટિવેશન પાછું મેળવવા શું કરવું?
એ વાત સાચી કે મોટિવેશન હોય તો જ તમે કોઈ સારી આદતની શરૂઆત કરી શકો. પણ માત્ર એકલું મોટિવેશન હોય તો એનાથી તમે લાંબા ગાળા સુધી જે-તે સારી આદતને ટકાવી રાખી શકો એવું નથી. એ માટે જીદની જરૂર પડે છે. કશુંક મેળવવાની, કોઈ ધ્યેય અચીવ કરવાની, અમુક ચોક્કસ પ્રકારનું રિઝલ્ટ મેળવવાની જીદ ન હોય ત્યાં સુધી તમે અડચણોને ઇગ્નોર કરીને તમારી રાહને વળગી રહી નથી શકતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: પેરન્ટ્સ અને ફ્રેન્ડ્સની સલાહ જુદી હોય છે
તમે જોયું હોય તો બાળપણમાં બાળકોને કશુંક જોઈતું હોય તો શું કરતા? મોટા ભાગે બાળકો પેરન્ટ્સ પાસે ડિમાન્ડ કરતા. મમ્મી કે પપ્પા સમજાવે કે આ ઠીક નથી, ન કરાય તો કેટલાક એ વાત માની જતા. બીજી કૅટેગરીના બાળકો પેરન્ટ્સની વાત સાંભળ્યા પછી પણ પોતાની ડિમાન્ડ પર અડગ રહેતા. જે-તે ચીજ મેળવવા માટે તેઓ એટલા સ્ટબર્ન બની જતા કે સમય-સ્થળ જોયા વિના જ રસ્તા પર આળોટીને પણ પોતાની ડિમાન્ડને પૂરી કરાવવા માટે મથતા. બાળપણમાં જે જીદ્દી સ્વભાવ આપણે ખોટી ચીજો માટે રાખી શકતા હતા એવું જ જ્યારે તમને સાચી આદતો માટે કેળવશો તો જ એ લાંબા ગાળા સુધી તમારી સાથે ટકશે.
સવારે વહેલા ઊઠવું કે એક્સરસાઇઝ કરવી એ હેલ્થ માટે કેટલી સારી છે એ સમજવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે એ ચીજોને તમે સ્ટબર્ન થઈને વળગી રહો. મોટિવેશનથી એક્સરસાઇઝની શરૂઆત કરો ને પછી જીદ્દી થઈને એને વળગી રહો. જો બે-ત્રણ મહિના તમે એ જીદ પોષી લીધી તો એ તમારી લાઇફસ્ટાઇલ બની જશે.