આ બાબત સાબિત કરવાની જરૂરિયાત ઊભી થાય એવા સંબંધોમાં આગળ વધતાં પહેલાં વિચારવું.
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૫ વર્ષ છે. ખૂબ ઑથોર્ડોક્સ પરિવારમાં ઊછરી છું, પણ કૉલેજ દરમ્યાન મેં ઘણી છૂટછાટ લીધી છે. બે બૉયફ્રેન્ડ હતા જેમાંથી એક સાથે હું એક વર્ષ સુધી ફિઝિકલ ઇન્ટિમસી માણી ચૂકી છું. એ સંબંધો બહુ લાંબા ન ચાલ્યા. મેં ભણવામાં અને નોકરી કરીને પગભર થવામાં મારું ફોકસ રાખ્યું. એ વાતને પણ હવે તો બે-અઢી વર્ષ થઈ ગયાં છે. હવે મારાં માટે માગાં આવે છે. અમારી કમ્યુનિટીમાં છોકરી કોરી હોય એનો બહુ આગ્રહ રખાતો હોય છે. અત્યાર સુધીમાં જ્યારે પણ મેં ફિઝિકલ સંબંધો રાખ્યા છે ત્યારે એકેય વાર મને બ્લીડિંગ નહોતું થયું. શું એનો મતલબ એ થયો કે હું હજી વર્જિન છું? મારાં અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે ત્યારે આ બાબતનું જ્ઞાન મેળવવું મને જરૂરી લાગે છે. ધારો કે હજીયે લગ્ન પછી પણ મને બ્લીડિંગ ન થાય તો શું કરવાનું? હું જાણું છું કે સમાગમ કર્યા પછી પણ કૌમાર્યપટલ અકબંધ રહી શકે છે, પણ વર્જિનિટી સાબિત કરવા બ્લીડિંગ થાય એવું કરવું હોય તો શું કરવું?
મીરા રોડ
સૌથી પહેલાં તો મને એ કહો કે તમારે તમે વર્જિન છો કે કેમ એવી કોઈ સાબિતી આપવાની કેમ જરૂર છે? એ વાત સાચી કે કૌમાર્યપટલ અકબંધ હોય તો ટેક્નિકલી વ્યક્તિની વર્જિનિટી અકબંધ છે એવું કહેવાય, પણ હકીકતમાં વર્જિનિટીનો મતલબ થાય એકેય વાર જેણે શારીરિક સંબંધ ન બાંધ્યો હોય તે. જ્યાં સુધી ભાવિ પતિ સામે તમે વર્જિન છો કે કેમ એ જણાવવાની વાતનો સવાલ છે, મને લાગે છે કે એને તમારે બહુ મહત્ત્વ ન આપવું જોઈએ. તમને બ્લીડિંગ નથી થયું એનો મતલબ એ જરાય નથી કે તમારો કૌમાર્યપટલ અકબંધ છે. બની શકે કે તમારા પહેલા સમાગમ પહેલાંથી એ તૂટી ગયો હોય તો એવું પણ બની શકે કે એ હજી અકબંધ હોય અને સાથોસાથ એ પણ શક્ય છે કે લગ્ન પછી પહેલા ઇન્ટરકોર્સ દરમ્યાન એ પટલ ન પણ તૂટે.
ADVERTISEMENT
બ્લીડિંગ થાય એવું કરીને તમે બીજા આગળ સાબિત કરવા માગતાં હો કે તમે વર્જિન છો તો એ છળ છે. આ બાબત સાબિત કરવાની જરૂરિયાત ઊભી થાય એવા સંબંધોમાં આગળ વધતાં પહેલાં વિચારવું. જે માણસ તમે જેવા છો એવા સ્વીકારવાને બદલે એક નાનકડા ટિશ્યુનો ઇશ્યુ બનાવે છે એ જીવનમાં આગળ શું તમારા પર વિશ્વાસ મૂકવાનો?

