હવે બહુ જરૂરી છે કે પુરુષોમાં પ્રજનનક્ષમતા જળવાય એ માટે ગલીકૂંચીમાં ‘પુરુષાતન’ વધારવા માટેનો દાવો કરતી દવાઓ વેચનારાઓની ચુંગલમાંથી છૂટીને વૈજ્ઞાનિક સમજણ કેળવીને આગળ વધીએ
પ્રતીકાત્મક તસવીર
ઇન્ફર્ટિલિટીની સમસ્યામાં સ્ત્રીઓની તકલીફો જેટલી જ સમસ્યા હવે પુરુષોના શુક્રાણુઓમાં પણ જોવા મળી રહી છે. એક અભ્યાસ અનુસાર છેલ્લી અડધી સદીમાં જગતભરમાં હ્યુમન સ્પર્મ-કાઉન્ટમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો હોવાનો દાવો થયો છે ત્યારે હવે બહુ જરૂરી છે કે પુરુષોમાં પ્રજનનક્ષમતા જળવાય એ માટે ગલીકૂંચીમાં ‘પુરુષાતન’ વધારવા માટેનો દાવો કરતી દવાઓ વેચનારાઓની ચુંગલમાંથી છૂટીને વૈજ્ઞાનિક સમજણ કેળવીને આગળ વધીએ
એક તરફ ભારત દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને બીજી તરફ ઇન્ફર્ટિલિટી એટલે કે સંતાન મેળવવામાં તકલીફ પડવાની સમસ્યા પણ વધી રહી છે. સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા સર્વેમાં એવો દાવો થયો છે કે છેલ્લાં પચાસ વર્ષમાં હ્યુમન સ્પર્મ-કાઉન્ટ અને એની ગુણવત્તામાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે થયેલો આ અભ્યાસ મેડિસિન નામની જર્નલમાં પબ્લિશ થયો છે. અલબત્ત, આ આંકડાઓ બાબતે હજી યુરોલૉજિસ્ટો, ગાયનેકોલૉજિસ્ટો અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટોમાં એકમત નથી. આ સંશોધન ઊભડક હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. જ્યારે અમેરિકાની યુનિવર્સિટી ઑફ યુટાહ સ્કૂલ ઑફ મેડિસિનના ડૉ. ઍલેક્ઝાન્ડર પૅશ્ચકનું કહેવું છે કે પુરુષોના શુક્રાણુની સંખ્યા અને એની ગતિશીલતામાં ચોક્કસ ફરક આવ્યો છે, પરંતુ એ પહેલાંની સરખામણીમાં અધધધ કહી શકાય એટલો ૫૦ ટકા જેટલો નથી. ઇન ફૅક્ટ, છેલ્લા થોડાક દાયકાઓમાં સ્પર્મની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી માપવાની પરીક્ષણ-પદ્ધતિઓમાં લેટેસ્ટ ટેક્નૉલૉજીઓ વધવાને કારણે ગતિશીલતાને લગતી સમસ્યાઓ સપાટી પર વધુ આવવા લાગી છે.
ADVERTISEMENT
પુરુષપ્રજનન બાબતે જાગૃતિ
ટેક્નૉલૉજી ભલે વિકસી હોય, પરંતુ જાતીય જીવન વિશેની માન્યતાઓમાં હજી જોઈએ એટલો બદલાવ નથી. જ્યારે પણ કોઈ યુગલને સંતાન ન થાય ત્યારે હજી પણ સૌથી પહેલાં સ્ત્રીની જ તપાસ થાય છે. સ્ત્રીઓની સમસ્યાઓના હવે ખૂબ જ અકસીર ઇલાજો ઉપલબ્ધ છે અને સ્ત્રીઓ એ લેવા શારીરિક-માનસિક રીતે સજ્જ પણ છે. જોકે પુરુષોમાં આવી રહેલા વંધ્યત્વ વિશેના વિચારોમાં હજી પણ ઓપન ડિસ્કશન નથી થઈ શકતું. એ જ કારણોસર પુરુષો વંધ્યત્વની સમસ્યા માટે ડૉક્ટરોને કન્સલ્ટ કરવાને બદલે ઘરેલુ નુસખાઓ, ઇન્ટરનેટિયું ડોશીવૈદું અને ગલીકૂંચીમાં ચાલતાં ‘પુરુષાતન’ વધારવાનો દાવો કરતાં દવાખાનાંઓ પર વધુ નિર્ભર છે. ઇન્ફર્ટિલિટી નિષ્ણાતોનો આ અનુભવ છે. જેટલું જાગૃતિનું કામ સ્ત્રીઓની પ્રજનન-સમસ્યાઓ બાબતે થયું છે એટલું પુરુષોની પ્રજનન-સમસ્યાઓ પર નથી થયું એ વિશે વિસ્તારથી વાત કરતાં મધરકૅર મૅટરનિટી ઍન્ડ સર્જિકલ નર્સિંગ હોમના ગાયનેકોલૉજિસ્ટ અને IVF સ્પેશ્યલિસ્ટ ડૉ. મનન શેઠ કહે છે, ‘પુરુષોની પ્રજનનશક્તિ વિશે પહેલાં તો જેવી જાગૃતિ હોવી જોઈએ એવી હોતી નથી. કેટલાક માને છે કે સારું મજબૂત શરીર કે હાઇટ ન હોય તો પ્રજનનક્ષમતા પર એની અસર પડશે, જે ખોટી વાત છે. ઘણા લોકોને હસ્તમૈથુનમાં ઓછું વીર્ય આવતું હોય તો પણ શંકા થાય છે. આવી વાતોની એક માનસિક અસર હોય છે, જે અંતે શીઘ્રપતન જેવી વસ્તુઓમાં પરિણમે છે. ઓછા શુક્રાણુઓ વિશે પણ એમ જ મનાય છે કે વીર્ય ઓછું આવે છે એટલે શુક્રાણુઓ પણ ઓછા જ હશે. અંતે વીર્યની ક્વૉન્ટિટી વધારવા પાછળ બધા જ નુસખાઓ અને દવાઓ શરૂ થાય છે.’
શુક્રાણુ અને મર્દાનગી
વીર્ય ઓછું નીકળે એટલે શુક્રાણુ ઓછા હશે એવી ધારણા માનસિક રીતે કનડે છે. ધારો કે રિપોર્ટમાં શુક્રાણુ ઓછા આવ્યા એટલે માની લે છે કે મર્દાનગી ખતમ થઈ ગઈ. ડૉ. મનન આ બાબતે સમજાવતાં કહે છે, ‘મર્દાનગી અને શુક્રાણુને કોઈ સંબંધ નથી. ઘણા લોકોને માનસિક રીતે આ વાત એટલી અસર કરતી હોય કે બન્ને વસ્તુઓ ક્યારેક પૂરક થઈ જાય છે.’
કેવાં-કેવાં સપ્લિમેન્ટ્સ વપરાય છે?
પુરુષોના વંધ્યત્વનાં મૂળ કારણોમાં માત્ર શુક્રાણુઓની સંખ્યા જ ભાગ નથી ભજવતી, એનું હલનચલન અને આકાર પણ બહુ મહત્ત્વના છે. મોટા ભાગના પુરુષોને પોતાની જાતીય સમસ્યાઓ કોઈની પણ સાથે ચર્ચવી ગમતી નથી હોતી. એટલે શુક્રાણુઓની સંખ્યા વધારવાનો દાવો કરતી કોઈ પણ દવાઓમાં ટેસ્ટોસ્ટેરોન સપ્લિમેન્ટ્સ સૌથી મોખરે રહ્યાં છે. જોકે ટેસ્ટોસ્ટેરોન સપ્લિમેન્ટ્સ બેધારી તલવાર જેવાં બની શકે છે એમ જણાવતાં ડૉ. મનન શેઠ કહે છે, ‘એના માટે જેલ, પાઉડર, ઇન્જેક્શન, ટૅબ્લેટ એવું બધું માર્કેટમાં હાજર છે. મોટા ભાગના પ્રોટીન શેકમાં ટેસ્ટોસ્ટેરોન
વધુ-ઓછા પ્રમાણમાં હોય જ છે. વગર વિચાર્યે આ બધું લેવાથી આગળ જતાં વીર્યમાં સ્પર્મ પેદા કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવતાં ફૉલિકલ્સ સ્ટિમ્યુલેટિંગ હૉર્મોન્સ (FSH) અને લ્યુટેનાઇઝિંગ હૉર્મોન્સ (LH) ઘટે છે, જેના લીધે શુક્રાણુઓનું ઉત્પાદન ઘટે છે. વધુપડતા, વણજોઈતા ટેસ્ટોસ્ટેરોનના સેવનને લીધે આવી બધી આડઅસરો થાય છે. મોટા ભાગે બૉડીબિલ્ડરો અને જિમ-ટ્રેઇનરોમાં આવું ખાસ જોવા મળે છે. પુરુષોના શુક્રાણુની વાત હોય કે સ્ત્રીઓની અંડબીજ પેદા થવાની સમસ્યા, આ બન્ને માટે કોઈ પણ પ્રકારની અંધાધૂંધ દવાઓ હાનિકારક નીવડે છે. આવાં ડ્રગ્સ ફક્ત ફામર્સીમાં જ નહીં પણ આયુર્વેદિક સેન્ટરોમાં પણ જોવા મળે છે. ઘણી જગ્યાએ આયુર્વેદિક દવાઓમાં પણ થોડાઘણા અંશે સ્ટેરૉઇડ્સ ઉમેરવામાં આવે છે, જેના લીધે મસલ-ગ્રોથ સારો લાગે પણ અંતે સાઇડ-ઇફેક્ટમાં હૃદયનું સ્વાસ્થ્ય જોખમાય અને શુક્રાણુઓના ઉત્પાદનમાં એની અસર વર્તાય છે.’
દવા પહેલાં કારણ શોધો
શુક્રાણુ ખૂબ જ સેન્સિટિવ કોષો છે અને લાઇફસ્ટાઇલની એની ઉપર ઊંડી અસર પડે છે. શુક્રાણુ વધારવા માટે કેવી સારવાર ઉપલબ્ધ છે એ સમજતાં પહેલાં એનાં કારણો વિશે જાણવું જરૂરી છે. શુક્રાણુઓ ઓછા હોવાનું એક કારણ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ પણ છે. એ વાતની પૂર્તિ કરતાં ડૉ. મનન કહે છે, ‘પૂરતી ઊંઘ ન હોવી, સ્ટ્રેસફુલ લાઇફ હોવી અથવા નશાની આદત. અમુક લોકોને બહુ જ સિગારેટ પીવાની અને દારૂ પીવાની આદત હોય છે. એના લીધે શરીરનું તાપમાન વધે. ક્યારેક શુક્રાણુઓ પણ તાપમાન વધતાં નાશ પામે છે. આ સિવાય ટેસ્ટિકલ્સમાં લોહીનો પુરવઠો ઘટે છે. બીજું, શરીરમાં ઑક્સિડેશન વધી જાય છે. જો સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ હોય તો એ પણ શુક્રાણુની ગતિશીલતા અને સંખ્યા પર અસર કરે છે. ઘણા લોકોને થાઇરૉઇડ, શુગર હોય છે. જેમ-જેમ ઉંમર વધતી જાય એની અસર પણ સ્પર્મની ગતિશીલતા પર પડતી હોય છે. ઑક્સિડેશન આપણા શરીરમાં કુદરતી રીતે જ થતું હોય છે, પણ જો એ વધે તો શુક્રાણુઓનું હલનચલન અને સંખ્યા બન્ને ઘટે છે. આવી સમસ્યા ઘટાડવા માટે ઑક્સિડેશન બૅલૅન્સ કરી શકે એવો હેલ્ધી ખોરાક ખાવો જોઈએ.’
ઇલાજના વિકલ્પો
ખરેખર શુક્રાણુ ઘટવાનાં કારણો સમજીને જો પદ્ધતિસર ઇલાજ કરવામાં આવે તો વંધ્યત્વ ટાળી શકાય છે એમ જણાવતાં ડૉ. મનન શેઠ આગળ કહે છે, ‘દરેક વ્યક્તિમાં કારણો જુદાં હોય. એવા સમયે કોઈ પણ દવા લેવા ન મંડાય. જો એમ કરો તો સારામાં સારી દવાની પણ જોઈએ એવી અસર ન થાય. યોગ્ય નિદાન કરીને મેડિકલ ટ્રીટમેન્ટ થાય તો જ અકસીર છે. મારી પાસે એવા ઘણા દરદીઓ આવે છે જેમને ઓછા શુક્રાણુઓ આવે છે, IVFથી ટ્રીટમેન્ટ જોઈતી હોય પણ તેમનું ચોક્કસ નિદાન કરી ઇલાજ કરવામાં આવે તો તે કુદરતી રીતે જ બાળક ધારણ કરી શકે છે. મૂળ કારણનો ઇલાજ ખૂબ જ જરૂરી છે. એવી કોઈ જ દવા નથી જે ૧૦૦ ટકા ઇલાજ કરી શકે. સામાન્ય રીતે પુરુષોમાં ૨૦ મિલ્યનથી ૩૦ મિલ્યન જેવો શુક્રાણુઓનો કાઉન્ટ હોવો જોઈએ. ઘણા દરદીઓને આ કાઉન્ટ ૧ મિલ્યનથી પણ ઓછો જોવા મળે છે. જેમને હૉર્મોનલ તકલીફ હોય તેમને ટાર્ગેટેડ થેરપી આપીએ તો કાઉન્ટ વધી જાય છે એટલે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના સ્થાને કુદરતી રીતે બાળક ધારણ કરી શકે એવું પણ બને છે.’
સંખ્યા વધારવા માટે શું થઈ શકે?
જાણકારોની સલાહ લઈ આગળ વધવું એવું જણાવતાં ડૉ. મનન શેઠ આગળ કહે છે, ‘શુક્રાણુઓના ઉત્પાદન માટે સ્વાસ્થ્યપ્રદ આદતો અપનાવવી જરૂરી છે.
• તમાકુ, ધૂમ્રપાન, દારૂ છોડવાં જોઈએ.
• રોજ ૩૦થી ૪૦ મિનિટની કસરત, વૉક, યોગ જે ફાવે એ કરવું જોઈએ. યોગ અને મેડિટેશન સ્ટ્રેસ ઘટાડે છે એ પણ બહુ જ જરૂરી છે.
• શુક્રાણુ ઓછા આવે છે ત્યારે આપવામાં આવતી ઘણી દવાઓમાં આવતાં ઑક્સિડો રિડક્શન મલ્ટિવિટામિન જો એક-દોઢ વર્ષ સુધી લેવામાં આવે તો ખાસ નુકસાન નથી કરતાં.
• ખાવામાં ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જેમ કે લીંબુ, લસણ, આદું, બધાં જ બેરી કૅટેગરીનાં ફળો (જેમ કે સ્ટ્રૉબેરી, બ્લુબેરી વગેરે), ડ્રાયફ્રૂટ, ગ્રીન ટી, ડાર્ક ચૉકલેટ (શુગર ન હોય), બ્રૉકલી અને લીલી શાકભાજી વગેરે ખાવાથી સારાંએવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ મળે છે જેની શુક્રાણુઓના ઉત્પાદન અને ક્વૉલિટી પર સારી અસર પડે છે.