સંતાનને મોટિવેટ કરવા એને વખાણતા રહેવું જોઈએ એ વાતને કેટલાક પેરન્ટ્સ બહુ સિરિયસલી લઈ લે છે અને બાળકની સાવ નગણ્ય વાતોને પણ મોટી અચીવમેન્ટની જેમ વખાણ્યા જ કરે છે
પેરન્ટિંગ ટિપ
પ્રતીકાત્મક તસવીર
સંતાનને મોટિવેટ કરવા એને વખાણતા રહેવું જોઈએ એ વાતને કેટલાક પેરન્ટ્સ બહુ સિરિયસલી લઈ લે છે અને બાળકની સાવ નગણ્ય વાતોને પણ મોટી અચીવમેન્ટની જેમ વખાણ્યા જ કરે છે. આવું કરીને તમે બાળકને હાનિ પહોંચાડી રહ્યા છો એ બાબતે સભાન છો? એનાં વરવાં પરિણામો મોટા થયા પછી તમારા સંતાનનો સંઘર્ષ વધારી ન દે એ માટે સાચો તરીકો શું એ સમજી લેવું જરૂરી છે
મારો શ્રેય તો એટલું સરસ પેઇન્ટિંગ કરે છે કે ન પૂછો વાત...
મારી કાવ્યા જેવો ડાન્સ કોઈ ન કરી શકે...
મારો કબીર લેગો બ્રિક્સ સાથે એટલી જાતની ચીજો બનાવે છે કે એના જેવી ક્રીએટિવિટી અને ઝડપ બીજા કોઈમાં નથી જોવા મળતી...
ADVERTISEMENT
ક્યારેક સંતાનોના સરસ પર્ફોર્મન્સથી ફુલાઈને પેરન્ટ્સ આવાં વખાણભર્યા બોલ બોલતા હોય છે. તેમને લાગે છે કે સંતાનોને મોટિવેટ કરવાથી જ તેમનામાં પ્રતિભા ખીલશે, પણ દરેક વખતે આવું ન પણ હોય. બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને એને લગતી અઢળક વાતોને લીધે આજના વાલીઓ બાળક વિશે વધુ સભાન અને સંવેદનશીલ બની રહ્યા છે. ગળાકાપ કૉમ્પિટિશનના જમાનામાં પોતાનું બાળક સતત આગળ વધતું રહે એ માટે એમને મોટિવેટ કરવાના વિચારને માતા-પિતા ધર્મની જેમ પાળે છે. આવામાં બાળક એક નવી જ મુસીબતનો ભોગ બને છે એ વાત વાલીઓ ચૂકી જાય છે. નિષ્ણાતો કહે છે કે બાળકને વખાણવાની એક ચોક્કસ રીત હોય છે અને એનું એક ચોક્કસ પ્રમાણ પણ હોય છે. અતિમીઠાશ જેમ ડાયાબિટીઝ કરે છે એવી જ રીતે અતિવખાણ પણ નુકસાનકારી છે. અતિ જે કરો એ આમેય નુકસાનને પ્રેરણા આપનારું જ હોય છે.
ગ્લોબલ પ્રેઝિંગ
બાળકોને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. એના લીધે બાળકો સારું ફીલ કરે છે. પણ એ જાણવું જોઈએ કે આ ફક્ત ટેમ્પરરી ફીલિંગ છે. આપણે એમને કાયમ આવું ફીલ નહીં કરાવી શકીએ. કોઈ વસ્તુ માટે પ્રોત્સાહન આપવા વખાણ કર્યાં અને બાળકને પણ ગમ્યું, પણ વારેઘડીએ એ જ કર્યા કરીશું તો એક સમયે બાળકને પણ ખબર પડી જશે કે આ ખોટાં વખાણ છે. આ વાતમાં ઉમેરો કરતાં મુંબઈ ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સ (IAP)ના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર ડૉ. નીતા જગદ કહે છે, ‘બાળકનાં વખાણ કરવાની બે રીત છે. એક તો ગ્લોબલ પ્રેઝિંગ અને બીજું સ્પેસિફિક પ્રેઝિંગ. ‘ગ્લોબલ પ્રેઝિંગ’ બાળકને અપાતું એક્સટર્નલ મોટિવેશન એટલે કે બાહ્ય રીતે આપવામાં આવતું પ્રોત્સાહન છે. અરે, તું તો મસ્ત છે, તું બહુ જ હોશિયાર છે, તારી તો બધી જ વાત જોરદાર હોય છે, વગેરે. આવી બાબતો બાળકના આખા વ્યક્તિત્વને અસર કરે છે, કારણ કે એમાં બાળકના કોઈ વર્તનને સ્થાને તેના આખેઆખા વ્યક્તિત્વને જ ટાર્ગેટ કરાય છે. એટલે તેને લાગે છે કે વખાણ તેનો અધિકાર છે. આની લાંબા ગાળે બહુ જ ખરાબ અસર થાય છે. આગળ જતાં એ અભિમાની અને સ્વાર્થી બની શકે છે. વખાણનો બીજો તરીકો છે ‘સ્પેસિફિક પ્રેઝિંગ’. એવાં વખાણ, જેમાં જે-તે ચોક્કસ વર્તણૂક કે કામનાં જ વખાણ કરવામાં આવે છે. તે જાતે રૂમ સાફ કર્યો એ સારું છે, તારું ચિત્ર ખરેખર સરસ દોરાયું છે, ઘરમાં મહેમાન આવ્યા એની આગતાસ્વાગતા તેં સારી કરી છે, વગેરે. બાળકને ટ્રેકિંગ પર લઈ જાઓ ત્યારે એવું કહેવાને સ્થાને કે તું બહુ સ્ટ્રૉન્ગ છે તેના એ સમયના વર્તનને જોઈને કહો કે આખા રસ્તે તેં બહુ ધીરજથી કામ લીધું, તું થાક્યો પણ કોઈને હેરાન ન કર્યા એ ગમ્યું, વગેરે. આવી વસ્તુઓ બાળકોને વાસ્તવિક ચિત્ર જોવા માટે તૈયાર કરે છે. દુનિયામાં દરેક વખતે વખાણ જ નથી મળતાં એ વાસ્તવિકતાની સભાનતા પોતાના બાળઉછેરમાં ઉમેરવી જ જોઈએ.’
મૂલ્યો સમજાવવાં જરૂરી...
માત્ર સારી વાતને વખાણવાથી નથી ચાલતું. બાળકમાં સારી વાત કઈ રીતે વિકસી છે એનું મૂલ્ય સમજાવવાની જરૂર છે એ વિશે વાત કરતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને ઇમોશનલ ક્વૉશન્ટ ટ્રેઇનર ડૉ. પૂર્વી જાદવ કહે છે, ‘બાળકોને એ આઇડિયા આપવો જરૂરી છે કે એ લોકો જો કશુંક અચીવ કરે છે તો એની પાછળ એમની વૅલ્યુઝ હોય છે. મતલબ દરેક સિદ્ધિ પાછળ મૂલ્યો હોય છે. એવું કહો કે રોજ ડ્રૉઇંગ કરે છે એટલે તેને ડ્રૉઇંગ કૉમ્પિટિશનમાં ઇનામ મળ્યું. એવું કહો કે રોજ વાંચે છે એટલે તેનું જનરલ નૉલેજ સારું છે કે એટલે જ તેના વિચારો સારા હોવાથી તે સારું લખી શકે છે. બાળકની સ્કિલ્સને વખાણવા કરતાં એ શું કામ સારી છે એનો ઉલ્લેખ કરતાં રહેવાથી બાળક વાસ્તવિક ચિત્ર જોવા સાથે તેની ક્રિટિકલ ઍનૅલિટિકલ સ્કિલમાં પણ વધારો થશે. શિસ્ત, ધગશ, મહેનત અને પ્રામાણિકતા જેવાં મૂલ્યોને આવરી લે એવી વાતો તમારાં વખાણમાં હોવી જોઈએ. કહો કે એ સારા માર્ક્સ લાવ્યો, કારણ કે એ ભણવામાં મહેનત કરે છે. તે સવારે ઊઠવાની શિસ્ત જાળવે છે એટલે સમયસર સ્કૂલે પહોંચાય છે. મમ્મી સવારે વહેલાં ઊઠે છે એટલે ટિફિન બનાવી શકે છે. પપ્પા રોજ ઊઠીને ઑફિસ જાય છે એટલે ઘર માટે કમાઈ શકે છે. આ મૂલ્યો જ બાળકને એક સફળ વ્યક્તિ બનાવશે. ખોટાં વખાણ બાળકને ટૉક્સિક અને ઈગોઇસ્ટિક બનાવે છે. બાળકને એ સમજાવવું ખાસ જરૂરી છે કે જેમ ખુશી પર્મનન્ટ નથી એમ જ નિરાશા પણ કાયમ નથી રહેવાની.’
વખાણ અને વિચારભેદ
ઘણી વાર બાળકનું એક પેરન્ટ તેને એટલું વખોડતું હોય કે તેને સારું લગાડવા બીજું તેનાં વખાણ જ કર્યા કરે છે. આવી સ્થિતિમાં બાળકને થતા નુકસાન વિશે વાત કરતાં ડૉ. નીતા જગદ કહે છે, ‘બાળકને ડાઉન ફીલ થતું હોય તો પણ એ લાગણીને વખાણ કરીને ખોટી રીતે ઍક્નૉલેજ ન કરો. કોઈ બાળક ક્રિટિસિઝમ લઈ નથી શકતું એટલે તેને સારું લગાડવા બીજું પેરન્ટ વખાણવા લાગે છે. એક તો એમાં પેરન્ટલ કૉન્ફ્લિકટ દેખાય છે, બીજું કે બાળક સાચી વાત સમજવામાં મૂંઝાય છે એટલે એવા સમયે તેની જે-તે ઇમોશનના હિસાબે તેને સંભાળો. કહો કે ‘મને ખબર છે આ વાત દુ:ખદ છે’; ‘આ વાત નિરાશાજનક છે’, વગેરે. પછી એ રીતે એની લાગણીને ઍક્નૉલેજ કરો. બીજું કે જે રીતે ગ્લોબલ પ્રેઝ નુકસાનકારક છે એ જ રીતે ગ્લોબલ કે એક્સટર્નલ ક્રિટિસિઝમ પણ ખરાબ છે. જરૂર હોય તો બાળકના જે-તે વર્તનને વખોડવું પણ આખા તેને જ વખોડવાની જરૂર નથી. એક્સટર્નલ મોટિવેશન અને ક્રિટિસિઝમના સ્થાને કાયમ સ્પેસિફિક મોટિવેશન અને ક્રિટિસિઝમ વાપરવું, એ પણ એક હદ સુધી.’
વાલીઓના વખાણવા અને વખોડવાના કૉમ્બિનેશન વિશે ડૉ. પૂર્વી જાદવ કહે છે, ‘આવા પેરન્ટ્સે ચાઇલ્ડ કાઉન્સેલર પાસે જવું જોઈએ. એ લોકો ચાઇલ્ડ સેન્ટ્રિક કાઉન્સેલિંગ કરી બંનેને બાળકના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરવા મદદ કરશે. જો વાલીઓ પોતે જ એકબીજાની વિરુદ્ધ વર્ત્યા કરશે તો બાળક તો મૂંઝાશે જ. તેનામાં ઓછું આત્મસમ્માન પણ જન્મશે. ફાઇટિંગ અને ડિબેટ કોઈ ઉકેલ નથી. એ એકની જીત અને હાર માટે થાય છે. જો બંને પક્ષે જીત જોઈતી હોય તો ડિસ્કશન અથવા ચર્ચા જ સમાધાન છે.’
મોન્ટેસરી કલ્ચર ઑફ પેરન્ટિંગ
પેરન્ટ્સને એવું લાગે છે કે તેઓ બાળકને ગ્રૂમ કરી રહ્યા છે, પણ બને ત્યાં સુધી બાળકને બાહ્ય રીતે ગ્રૂમ કરવાની કોઈ જરૂર હોતી જ નથી. તેની સાથે નૅચરલ કોર્સમાં જે થાય છે એ થવા દેવું અને તેને જાતે જ એમાંથી શીખવા દેવું. આ બેસિક પેરન્ટિંગને હવેના ટ્રેન્ડમાં નવું નામ અપાયું છે મોન્ટેસરી કલ્ચર ઑફ પેરન્ટિંગ. એના વિશે ડૉ. નીતા જગદ કહે છે, ‘આવા પેરન્ટિંગમાં બાળકનાં વખાણ પણ નથી કરવામાં આવતાં કે એને વખોડવામાં પણ નથી આવતું. બાળકની દરેક વાતો એની ગતિએ થવા દેવામાં આવે છે અને એમાં એનો સ્વીકાર જ થાય છે. આવું પેરન્ટિંગ અસરકારક હોય છે પણ કમ્પેટિટિવ એરામાં પેરન્ટ્સ માટે થોડું અઘરું પડી જાય છે.’
બાળકની સ્કિલ્સને વખાણવા કરતાં એ શું કામ સારી છે એનો ઉલ્લેખ કરતાં રહેવાથી બાળક વાસ્તવિક ચિત્ર જોવા સાથે તેની ક્રિટિકલ ઍનૅલિટિકલ સ્કિલમાં પણ વધારો થશે. શિસ્ત, ધગશ, મહેનત અને પ્રામાણિકતા જેવાં મૂલ્યોને આવરી લે એવી વાતો તમારાં વખાણમાં હોવી જોઈએ.
પૂર્વી જાધવ