ચિંતાનો વિષય એ જરૂર છે કે ભારતમાં ‘ગ્રે ડિવૉર્સ’નું પ્રમાણ વધી રહ્યું છે. સમાજમાં વધી રહેલા આવા કિસ્સાઓ પાછળનાં કારણો શું છે એ સમજીએ
પ્રતીકાત્મક તસવીર
બૉલીવુડ ઍક્ટર અભિષેક બચ્ચને ‘ગ્રે ડિવૉર્સ’ એટલે કે પચાસ-સાઠ વર્ષની વય પછી થતા છૂટાછેડાની એક પોસ્ટને લાઇક કરી, વળી અંબાણી પરિવારના લગ્ન-સમારંભમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચને પરિવારથી જુદી એન્ટ્રી મારી. આ બન્ને યોગાનુયોગને કારણે તેમની વચ્ચે કંઈક ઠીક ન હોવાની અટકળો વહેવા લાગી. એ વાત કેટલી સાચી એ તો સમય જ કહેશે, પણ ચિંતાનો વિષય એ જરૂર છે કે ભારતમાં ‘ગ્રે ડિવૉર્સ’નું પ્રમાણ વધી રહ્યું છે. સમાજમાં વધી રહેલા આવા કિસ્સાઓ પાછળનાં કારણો શું છે એ સમજીએ.
મુંબઈના જ કેસથી આ ગ્રે કે સિલ્વર ડિવૉર્સની વાત શરૂ કરીએ. ગ્રે કે સિલ્વર ડિવૉર્સ એટલે પચાસ કે તેથી વધુ ઉંમરના લોકોમાં લાંબા લગ્નજીવન બાદ થતો ડિવૉર્સ. બિઝનેસ વુમન અને બે ટીનેજ દીકરીઓની મમ્મી હસબન્ડનાં મહેણાંટોણા અને ઘરેલુ હિંસાથી પરેશાન છે. ત્યારે દીકરીઓ મમ્મીને વારંવાર એક જ સવાલ પૂછે છે કે તું આર્થિક રીતે સંપન્ન છે ત્યારે તારે આ માણસ સાથે રહેવાની શું જરૂર છે અને પચાસ વર્ષે મહિલા છૂટાછેડાનો નિર્ણય લે છે. આટલાં બધાં વર્ષો કાઢ્યા બાદ સ્વમાન અને દીકરીઓ માટે સશક્ત મહિલાનું ઉદાહરણ પૂરું પાડવા તે છૂટાછેડા લે છે. બૅન્ગલોરની ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ પૅન્ડેમિક પછી તેના ૩૦ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકે છે. તેણે હવે આખું જીવન પરિવારને ખુશ રાખવામાં વિતાવ્યું તેમ જ કન્ટ્રોલિંગ સાસુ સાથે નિભાવ્યું. છૂટાછેડા વખતે તેની બન્ને દીકરીઓ પણ તેના હસબન્ડનો સાથ લે છે. છૂટાછેડા વખતે તેને આઝાદીનો એહસાસ થાય છે અને ખ્યાલ આવે છે કે તેની પાસે નિર્ણય લેવાનો વિકલ્પ પણ હતો. પુણેમાં ૬૫ વર્ષની ખૂબ ભણેલી મહિલા તેના ૭૦ વર્ષના પતિથી છૂટાછેડાની માગ કરે છે. પતિ એક ઇન્ટરનૅશનલ કંપનીમાં કામ કરતો હોવાથી મોટા ભાગે વિદેશ રહેતો અને પોતાના પેરન્ટ્સ અને સંબંધીઓ પર બેફામ પૈસા લૂંટાવતો અને તેના જીવનમાં પત્નીની કોઈ કિંમત નહોતી. ત્યારે આ મહિલા સ્વમાન અને પોતાની વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે છૂટાછેડા લે છે. ભારતમાં આવા કેસોમાં વધારે થઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સના ‘પ્રોગ્રેસ ઑફ ધ વર્લ્ડ્સ વિમેન 2019-2020’ ના અહેવાલ પ્રમાણે ભારતમાં છૂટાછેટાનો દર ભલે ૧ ટકા જ છે પણ એ છેલ્લાં વીસ વર્ષમાં બમણો થઈ ગયો છે.
ADVERTISEMENT
અરે, પણ આપણે શા માટે ગ્રે ડિવૉર્સ કે આ બધા ડિવૉર્સ કેસોની વાત કરી રહ્યા છીએ? હાલમાં અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા પર ‘ગ્રે ડિવૉર્સ’ના વધી રહેલા પ્રમાણની પોસ્ટને લાઇક કરી. લોકોને તો એવી શંકા છે જ કે આ કપલ વચ્ચે બધું ઠીક નથી અને ગમે ત્યારે આ સમાચાર આવી શકે એવામાં અભિષેક બચ્ચનના આ પોસ્ટના લાઇકે બળતામાં ઘી હોમ્યું. આપણી ચર્ચાનો મુદ્દો સેલિબ્રિટી ડિવૉર્સનો નહીં, પરંતુ ભારતમાં મોટી ઉંમરે કે લાંબું લગ્નજીવન સાથે વિતાવ્યા બાદ દંપતીઓ અલગ થઈ રહ્યાં છે એ છે. વિદેશમાં ડિવૉર્સને લઈને ભારતીય માનસિકતા એવી હોય છે કે ત્યાં તો લગ્નજીવન ટૂંકું જ હોય છે. પરંતુ વિદેશમાં પણ વધી રહેલા ગ્રે ડિવૉર્સ તેમના માટે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે નિષ્ણાતો પાસેથી જાણીએ કે ભારતમાં વધી રહેલા ગ્રે કે સિલ્વર ડિવૉર્સ પાછળનાં સામાજિક અને સાઇકોલૉજિકલ કારણો શું છે.
ગ્રે ડિવૉર્સ અસ્તિત્વમાં હતા જ
બોરીવલીમાં બાર વર્ષથી મૅટ્રિમોનિયલ કેસિસમાં એક્સપર્ટીઝ ધરાવતાં ઍડ્વોકેટ રિદ્ધિ ઠક્કર કહે છે, ‘ગ્રે ડિવૉર્સ આજકાલના નથી પણ મારી પાસે વર્ષોથી આવી રહ્યા છે. આજ સુધીમાં મેં લગભગ ૫૦૦૦ જેટલા કેસ સંભાળ્યા હશે, એમાં ઘણાખરા ગ્રે ડિવૉર્સના કેસો સામેલ છે. ગ્રે ડિવૉર્સ અસ્તિત્વમાં હતા જ પરંતુ સોશ્યલ મીડિયાને કારણે હવે લોકોની નજરમાં આવે છે. મારા અનુભવથી કહુ તો છેલ્લાં દસ વર્ષમાં મારી પાસે ગ્રે ડિવૉર્સના કેસોમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે. કપલ ૨૫ કે તેથી વધુ વર્ષ સાથે રહ્યાં હોય અને પછી સેપરેટ થઈ રહ્યાં હોય એવા કેસોમાં વેલ-સેટલ્ડ બાળકો તેમને સપોર્ટ કરતાં હોય છે. હાલના જ કેસની વાત કરું તો આ કપલ ૨૭ વર્ષ સાથે રહ્યું, એક દિવસ હસબન્ડે વાઇફને કહ્યું કે ‘આઇ ડોન્ટ લવ યુ ઍની મોર’ અને મારે કોઈ બીજાની સાથે રહેવું છે. હવે આવા કેસમાં બન્ને પાર્ટી સમજી-વિચારીને આગળ વધે છે અને બીજા લોકોને તકલીફ નથી આપતા. એક વાત એ પણ છે કે યંગ ડિવૉર્સ જેટલો કોલાહલ કરે એટલો અવાજ ગ્રે ડિવૉર્સમાં નથી થતો. ડિવૉર્સ કોઈ પણ હોય; એનાં કારણોમાં આર્થિક સમસ્યા, ઘરેલુ હિંસા, નૅગિંગ (ટક-ટક), ઇન-લૉઝ, બેવફાઈ, મેનોપૉઝ વગેરે સામેલ છે. અમુક કેસોમાં બન્ને પાર્ટી મૈત્રીભાવ સાથે અલગ થતી હોય છે. મોટા ભાગના ડિવૉર્સમાં મહિલાઓની હાલત જ ખરાબ થઈ જતી હોય છે, ખાસ તો જ્યારે તેઓ વર્કિંગ નથી હોતી કે તેમની પાસે બૅક-અપ પ્લાન નથી હોતો. અમુક કેસોમાં પુરુષો પર પણ ઘરેલુ હિંસા થતી હોય છે. ચાલીસીમાં ડિવૉર્સ લેતાં કપલમાં પણ થોડી સમજદારી હોય છે. જો બન્ને પાર્ટી વર્કિંગ હોય અને ફ્લૅટ જૉઇન્ટ અકાઉન્ટમાં હોય તો વેચીને બન્ને અડધો ભાગ કરી લે છે પ્લસ બાળકોની કસ્ટડીમાં પણ થોડી મૅચ્યોરિટી બતાવે છે.’
સમાજની સ્વીકૃતિ નિર્ણય આસાન બનાવે
છૂટાછેડાને અંતિમ તબક્કા સુધી પહોંચાડવા વ્યક્તિને કયાં પરિબળો તૈયાર કરતાં હોય છે? એના જવાબમાં ૨૦ વર્ષનાં અનુભવી ફૅમિલી-કાઉન્સેલર સુચિત્રા ભીડે શાહ કહે છે, ‘સામાજિક સ્વીકૃતિ, આર્થિક સ્વતંત્રતા, સ્વમાન કે સશક્તીકરણ છૂટાછેડા લેવા માટેના નિર્ણયમાં મનોબળ પૂરું પાડે છે. શરૂઆતથી પત્ની ધુત્કાર અને ઘરેલુ હિંસાનો ભોગ બની હોય, સંબંધીઓને અને સમાજને ખુશ કરવામાં અડધું જીવન વિતાવ્યું હોય અને હવે શરીર એટલો સાથ ન આપે એમાંય કામ કર્યે જતી હોય ત્યારે તેને સવાલ થાય કે આ જીવન શું કામ જીવી રહી છું? જીવનનાં બચેલાં છેલ્લાં વર્ષોમાં પોતાનું જીવન સ્વમાન અને શાંતિથી જીવવા કપલ એકલા રહેવાનો નિર્ણય લઈ રહ્યાં છે. ગ્રે ડિવૉર્સની વાત કરીએ તો એમાં બે પેઢીઓ જવાબદાર છે. જેમ કે આજની પેઢીએ તેમની મમ્મીને કે પપ્પાને સહન કરતા કે તકલીફમાં જ જોયા અને તેમણે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે તેઓ પોતાના પેરન્ટ્સ જેવું દામ્પત્યજીવન નહીં જીવે. ચાલીસીના કપલમાં જ્યારે સમસ્યા સર્જાય એટલે તેઓ તરત જ નિર્ણય લઈ લે છે. આજનાં કપલ્સ સમાજને ચૅલેન્જ કરવાની તાકાત રાખે છે. જેમ કે અમુક વર્ષો પહેલાં મહિલાઓ લગ્ન બહાર પ ગ નહોતી મૂકતી, પરંતુ આજે તેઓ એમ કહેતાં નથી ખચકાતી કે મારી ઇમોશનલ જરૂરિયાત પૂરી ન થતાં હું લગ્ન બહાર જાઉં છું અને એનું કારણ તું છે. એમાં બન્ને પાર્ટનર જવાબદાર છે. વીસ વર્ષ પહેલાં દંપતી પરિવાર અને સમાજનો વિચાર પહેલાં કરતું હતું અને આજે લોકો પોતાને પ્રાયોરિટી બનાવતા થયા છે. તેમના નિર્ણયો પર આપણે કમેન્ટ ન કરી શકીએ પણ સમાજ માટે એક રેડ સિગ્નલ તો છે જ.’
સિલ્વર કે ગ્રે ડિવૉર્સ કંકાસ વગરના હોય છે
સિલ્વર ડિવૉર્સને મ્યુચ્યુઅલી કે ફ્રેન્ડ્લી ડિવૉર્સ તરીકે પણ જોવામાં આવે છે. વર્લ્ડ ફેમસ ડિવૉર્સની વાત કરીએ. ઍમૅઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસ અને તેની વાઇફ મેકેન્ઝી સ્કૉટ ૨૫ વર્ષ સાથે રહ્યાં બાદ લગ્નજીવનનો અંત આવ્યો, જેમાં બેમાંથી કોઈ પાર્ટીએ કોર્ટ જઈને એકબીજાનો વાંક કાઢ્યો નહીં. એ યાદીમાં બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ પણ સામેલ છે જેમના લગ્નજીવનનો ૨૭ વર્ષ પછી અંત આવ્યો. ઍડ્વોકેટ રિદ્ધિ કહે છે, ‘યંગ ડિવૉર્સ કરતાં સિલ્વર ડિવૉર્સ ઓછા કેઓટિક હોય છે. બન્ને પાર્ટી સમજીને કસ્ટડી અને પ્રૉપર્ટીની વહેંચણી કરતી હોય છે.’
બૉલીવુડનું જ ઉદાહરણ જુઓ તો તેમાં અર્જુન રામપાલ અને મહેર જેસિયા લગ્નનાં ૨૧ વર્ષ સાથે રહ્યા બાદ અલગ થયાં. મ્યુઝિક-ડિરેક્ટર હિમેશ રેશમિયાએ લગ્નનાં ૨૨ વર્ષ પછી છૂટાછેડા લીધા. આમિર ખાન અને કિરણ રાવે લગ્નનાં ૧૫ વર્ષ પછી છૂટાછેડા લીધા. આ દરેક કપલમાં કોઈ જ કોર્ટ ફાઇટ કે નેમ-શેમિંગ કે પબ્લિક ફાઇટ સામેલ નથી.’