ટીનેજ એવી ઉંમર છે જ્યાં પેરન્ટ્સ કરતાં દોસ્તો જે કહેતા હોય એમાં વધુ અહેમિયત લાગતી હોય
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજની જનરેશન બિન્ધાસ્ત અને બેફામ હોય છે એટલે તેમને ઠરેલ બનાવવાની જરૂર હોય છે, પણ હું ઘણો જ કૉન્શ્યસ છું. પેરન્ટ્સ કે બીજા કોઈ કંઈ કહે એ પહેલાં જ મને ખબર પડી જતી હોય છે કે હું ખોટું કરી રહ્યો છું. શરૂમાં હું ભૂલ સ્વીકારી પણ લેતો, પરંતુ એને કારણે દોસ્તો હોય કે પેરન્ટ્સ, બધા જ મને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા લાગતા. મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે તમે જેટલા નમો એટલા લોકો નમાવે. હું બહુ જ કન્ફ્યુઝ થાઉં છું કે હવે શું કરવું? ૧૯ વર્ષની ઉંમર છે અને ઘરમાં સૌથી નાનો છું એટલે બધા જ લોકો આવીને પોતપોતાનું ડહાપણ મારા માથે નાખી જાય છે. મોટોભાઈ જે સલાહ આપે એનાથી જુદું પપ્પા કહેતા હોય, મમ્મી વળી ઇમોશનલ જ સીન ક્રીએટ કરે. ફ્રેન્ડ્સ કહે છે કે બધાનું સાંભળવાનું પણ કરવાનું આપણા મનનું જ. મનમાની કરીને ઉછાંછળા થવાનો શું મતલબ?
આ પણ વાંચો: લાગે છે કે મોટા ભાઈ મારું બ્રેક અપ કરાવશે
ADVERTISEMENT
તમારી સમસ્યા ઍક્ઝેક્ટલી શું છે? ભૂલ થાય છે એ? ભૂલનો સ્વીકાર કરવાથી લોકો ટેકન ફૉર ગ્રાન્ટેડ લે છે એ? પેરન્ટ્સ કંઈક કહે છે અને ફ્રેન્ડ્સ કંઈક બીજું જ કહે છે એ? તમને મનમાની કરવાનું મન થાય છે, પણ કરવાનો ડર લાગે છે? સમસ્યા છે શું? તમે બહુ જ કન્ફ્યુઝ છો. કોઈ તમને જે કહે એ વાતને એવી જ સ્વીકારી લો છો અને એને જ બ્રહ્મસત્ય માનવા લાગો છો એવું તો નથીને? દરેક સિચુએશન જુદી હોય છે અને પ્રત્યેક સિચુએશનમાં કોનું શું કહેવું છે અને તમારું સત્ય શું છે એ બધું જ જુદું હોઈ શકે છે. ટીનેજ એવી ઉંમર છે જ્યાં પેરન્ટ્સ કરતાં દોસ્તો જે કહેતા હોય એમાં વધુ અહેમિયત લાગતી હોય, પણ તમે પેરન્ટ્સની વાતને પણ સમજવાની અને મૂલવવાની કોશિશ કરો છો એ બહુ પૉઝિટિવ નિશાની છે. સાંભળવાનું બધાનું અને કરવાનું પોતાના મનનું એ વાક્ય દેખીતી રીતે બહુ સારું લાગી શકે છે, પણ આમાં હું એક જ કરેક્શન કરીશ. પોતાના મનનું નહીં, પોતાના અંતરમનનું કરવું. તમે અંતર્મુખ અને વિચારશીલ છો એટલે અંતરાત્માના ઝીણા અવાજને સાંભળી શકશો.
બીજું, ભૂલનો સ્વીકાર કરવાથી કોઈ નાના બાપનું નથી થઈ જતું. ભૂલ સ્વીકાર્યા પછી એવી ભૂલ ફરી ન થાય એવી સભાનતા રાખવી વધારે મહત્ત્વનું છે. એ જ તમારા આત્મવિશ્વાસને મજબૂત કરવાનું કામ કરશે.