શરૂઆતમાં એનું કારણ નહોતું સમજાતું, પણ હવે મને લાગે છે કે જ્યારે તે સ્કૂલની કોઈ ઍક્ટિવિટીમાં ભાગ લે છે અને એમાં તેનો પહેલો-બીજો નંબર નથી આવતો ત્યારે તે પોતાની જાતને સંકોરી લે છે.
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારો દીકરો હજી હવે ફર્સ્ટ સ્ટાન્ડર્ન્ડમાં આવશે. વિવિધ ઍક્ટિવિટીઝમાં ભાગ લેવા માટે હું તેને પુશ કરું છું જેથી તેને ક્યાં અને શું ગમે છે એની ખબર પડે. મેં જોયું છે કે તેને જે ચીજો ઘરમાં કરવી ગમે છે એ સ્કૂલમાં નથી ગમતી. જેમ કે તે ઘરમાં આખો દિવસ પોએમ્સ ગણગણ્યા કરતો હોય છે, પણ સ્કૂલમાં પોએમ બોલવા તૈયાર ન થાય. શરૂઆતમાં એનું કારણ નહોતું સમજાતું, પણ હવે મને લાગે છે કે જ્યારે તે સ્કૂલની કોઈ ઍક્ટિવિટીમાં ભાગ લે છે અને એમાં તેનો પહેલો-બીજો નંબર નથી આવતો ત્યારે તે પોતાની જાતને સંકોરી લે છે. વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં તેણે રનિંગમાં ભાગ લીધેલો અને તે ચોથો આવ્યો એ પછી એકદમ ગુમસૂમ થઈ ગયેલો.
તમે જે વર્ણન કર્યું છે એ પરથી લાગે છે કે તેને ઍક્ટિવિટીઝમાં ભાગ લેવાનું તો ગમે છે, પણ એમાં તે અવ્વલ નથી આવતો એ ખૂંચે છે. જે વ્યક્તિ જીતે તેને જે વખાણ અને શાબાશી મળે છે એ તેને નથી મળતાં એનાથી તે અંદરથી હિજરાય છે અને એટલે જ તે એવી કોઈ સ્પર્ધામાં જ પડવા તૈયાર નથી થતો જેમાં તે જીતે નહીં.
ADVERTISEMENT
શિક્ષણવ્યવસ્થાની એ ખામી છે કે બાળકને કંઈક નવું શીખવવાની સાથે જ આપણે તેને સીધું સ્પર્ધામાં ઉતારીએ છીએ. એમાં પણ કોઈ જીત્યું અને હાર્યું, કોઈ પહેલો નંબર લાવ્યું ને કોઈ છેલ્લો એનું પ્રેશર બાળકનું શીખવામાંથી ફોકસ હટાવી દે છે.
આ સૂક્ષ્મ બાબતો બાળકના મન અને બિહેવિયરને કન્ટ્રોલ કરતી હોય છે. મને લાગે છે કે થોડાક સમય માટે તેને સ્પર્ધાત્મક વાતાવરણમાં ઊતરવાનું દબાણ કરવાને બદલે જે ગમે છે એ પ્રવૃત્તિ મનથી કરવા દેવામાં આવે. કોઈ પહેલું આવે કે ચોથું, તેના નંબરને ડિસ્કસ કરવાને બદલે બધાએ કેટલી સરસ મહેનત કરી એ વાતને પ્રાધાન્ય આપવાનું શરૂ કરો. અને હા, આ પ્રક્રિયા દરમ્યાન બાળકને બીજા સાથે સરખાવવાની ભૂલ તો કદી કરવી જ નહીં. દીકરાનાં ખોટાં વખાણ કરીને તેને ફીલગુડ કરાવવાની કોશિશ કરશો તો તેને ખોટી પ્રશંસાની આદત પડશે. એટલે ન્યુટ્રલ રહીને માત્ર નવું-નવું શીખવાનું અને શીખતી વખતે એન્જૉય કરવાનું તેને શીખવો. તે જ્યારે સામેથી કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું કહે ત્યારે પણ તેને પહેલા નંબર માટે કે જીતવા માટે પ્રેશર કરવાને બદલે બેસ્ટ પર્ફોર્મ કરવા માટે જ પ્રોત્સાહિત કરો.