તેને અટેન્શન જોઈએ છે એટલે તે કંઈક એવું કરે છે કે બધાએ તેની તરફ ધ્યાન આપવું જ પડે.
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારો દીકરો સવા ત્રણ વર્ષનો છે. એમાંય ઘરમાં એક જ બાળક છે અને પાંચ એડલ્ટ્સ એટલે થોડાંક ન જોઈતાં લાડકોડ પણ થયા કરે. હમણાંથી તેનું ધાર્યું ન થાય તો તે હાથમાં જે ચીજ હોય એ ફેંકવા લાગે છે. ક્યારેક તો ખાતાં-ખાતાં વાટકો ફેંકી દે, હાથમાં મોબાઇલ હોય તો એ ફેંકી દે. રમકડાં તો તેણે કેટલાંય તોડી નાખ્યા છે આમ ફેંકી-ફેંકીને. પહેલાં અમે તેને સમજાવતા કે ફેંકવાથી વસ્તુ તૂટી જશે અને નુકસાન થશે, પણ પછી લાગ્યું કે આ વાત સમજવા માટે તે હજી નાનો છે. બે મોબાઇલની સ્ક્રીન તેણે તોડી નાખી છે. મેં જોયું છે કે જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય અને બધા વાતોમાં કે કામમાં વ્યસ્ત હોય ત્યારે તેને પોતાનું કોઈ રમકડું જોઈએ અથવા તો પોતાની સાથે કોઈ રમે એવી જિદ હોય. જો એ ન થાય તો ટૅન્ટ્રમ્સ અને ફેંકમફેંક શરૂ થઈ જાય. તેને જ્યારે અટેન્શન જોઈતું હોય અને એ ન મળે ત્યારે આવું થાય છે. મહેમાનોની સામે તાયફો ન થાય એટલે તેને જોઈતું કરવા દઈએ, પણ એનાથી તેનું બિહેવિયર વધુ અટેન્શન સીકિંગ થવા લાગ્યું છે. શું કરવું જોઈએ?
દીકરાની ચીજો આમતેમ ફેંકીને તોડફોડ કરવાની પ્રવૃત્તિ પાછળનું ખરું કારણ તો તમે પોતે જ શોધી કાઢ્યું છે. એવામાં ડીલ કઈ રીતે કરવું એ તમારા માટે સહેલું જ બની રહેશે. તેને અટેન્શન જોઈએ છે એટલે તે કંઈક એવું કરે છે કે બધાએ તેની તરફ ધ્યાન આપવું જ પડે. જે ઍક્શનથી રિઝલ્ટ મળે છે એ ઍક્શન તો બાળક વારંવાર રીપિટ કરવાનું જ ને? હવે તમારી વર્તણૂંકથી તેને એ સમજાવું જરૂરી છે કે ફેંકમફેંક કે તોડફોડ કરવાથી અટેન્શન નથી મળવાનું. જ્યારે તે આવું કરવાની શરૂઆત કરે ત્યારે ખૂબ શાંતિથી તેને કહેવાનું કે આવું કરીશ તો તારી તરફ અમે ધ્યાન આપવાના જ નથી. જો સારી રીતે બિહેવ કરીશ તો જ તારી સાથે વાત કરીશું. એમ કહેવાથી શરૂમાં તેના ટૅન્ટ્રમ્સ વધશે કેમ કે અત્યાર સુધી એમ કરવાથી તેને ધાર્યું મળી જતું હતું, હવે એ ધાર્યું મેળવવા વધુ ટૅન્ટ્રમ્સ નાખશે. પણ તે હદ વટાવી જાય તોય અટૅન્શન નહીં મળે ત્યારે તે શાંત પડશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કઝિન્સની સામે દીકરો કૉન્ફિડન્ટ નથી હોતો
તેના શાંત પડ્યા પછી તેને પ્રેમથી ગળે વળગાડી શકો છો, પણ જ્યાં સુધી તે ખોટી જિદે ચડેલું હોય ત્યારે તો તેને ધાર્યું ન જ કરવું. બસ, બે-ત્રણ વાર આવું થશે એટલે સમજાઈ જશે.