જ્યાં સુધી જૂના સંબંધમાંથી છૂટા પડીને આગળ નહીં વધો ત્યાં સુધી તમે પણ ત્યાં જ અટકેલા રહેશો
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી સાથે બહુ દગો થયો છે. જેને પ્રેમ કરતી હતી તેણે સોશ્યલ બહાનાં બતાવીને બીજે લગ્ન કરી લીધાં. પછી અરેન્જ્ડ મૅરેજ થયાં, પણ પતિને બીજી છોકરી પસંદ હતી. તેણે લગ્નના છ જ મહિનામાં મને કહી દીધું કે તેણે પેરન્ટ્સના દબાણને લીધે લગ્ન કરેલાં. એ પછી હું પિયર આવી ગઈ છું. ક્યારેક મને થાય છે કે તેની સાથે છૂટાછેડા લઉં અને મોટી એલિમની માગુ, પણ પછી બીજી તરફ થાય છે કે ભલેને મૅરેજનું લટકણિયું રહ્યું, જ્યાં સુધી તે મારાથી છૂટો નહીં પડે ત્યાં સુધી તે બીજી સાથે પણ રહી નથી શકવાનો. એ જ તેની સજા હશે. ધારો કે તે છુપાઈને સાથે રહેવા માંડશે તો મારો ડિવોર્સનો કેસ વધુ મજબૂત થશે અને મને વધુ વળતર મળશે. ક્યારેક આવું વિચારીને બહુ ખરાબ લાગે છે તો ક્યારેક એમ થાય છે કે જેણે મારી જિંદગી બગાડી તેના માટે મારે શું કામ સારું વિચારવું જોઈએ?
તમારી અંદર કડવાશ હોય એ સ્વાભાવિક છે. કોઈ કારણ વિના જ્યારે તમને છેહ મળે ત્યારે જીવન કેવું ઠેબે ચડી જાય એ સમજી શકાય એમ છે. તમે કહો છો એમ સંબંધોમાં આ તમને બીજી વાર દગો મળ્યો. એ બતાવે છે કે તમે સંબંધ બનાવતી વખતે વ્યક્તિને માપવામાં થાપ ખાઈ જાઓ છો. કમ્પેટિબિલિટી વિના જ્યારે લાંબા ગાળાના સંબંધોમાં આંધળુકિયા ન કરવામાં આવે એ જરૂરી છે.
ADVERTISEMENT
બીજું, તમારી હાલની મૂંઝવણ છે કે અત્યારે પતિને ડિવોર્સ આપવા કે તેને લટકાવી રાખવો. હા, જે આંસુ તમને પડાવ્યા એનો બદલો લેવો હોય તો ડિવોર્સ લંબાવી દેવાનો જ વિચાર તમને વાજબી લાગશે. પણ તમે એ કેમ ભૂલી જાઓ છો કે જ્યાં સુધી તમે તેના ગળે ડિવોર્સ નહીં આપ્યાનું લટકણિયું લગાવેલું રાખશો ત્યાં સુધી તમારું ભવિષ્ય પણ લટકેલું રહેશે. જ્યાં સુધી જૂના સંબંધમાંથી છૂટા પડીને આગળ નહીં વધો ત્યાં સુધી તમે પણ ત્યાં જ અટકેલા રહેશો. મને ખબર નથી તમારી ઉંમર શું છે, પણ જુવાનીનો આ ગાળો કાનૂની આંટીઘૂંટીમાં અને ઇમોશનલ અપડાઉનમાં ગાળવાથી તમારા પતિની સાથે તમારું પણ એટલું જ નુકસાન છે. બદલો લેવાની ભાવનામાં કે કોઈને સબક શીખવવા જવામાં તમે તમારી પોતાની જિંદગીને થાળે પાડવાનું ડીલે કરી રહ્યા છો એ પણ એટલું જ સાચું છે. હા, તમારી સાથે દગો થયો છે એટલે જો તમે એની સજારૂપે મોટી એલિમની મેળવવા ઇચ્છતા હો તો એમાં કશું ખોટું નથી.