આઠ વર્ષનું બાળક કેવી ગાળો બોલે છે એ તમે કહ્યું નથી એટલે એનો અર્થ સમજાવી શકાય એવી તેની ઉંમર છે કે કેમ એ હું નક્કી નહીં કરી શકું
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
બાળક જેવું સ્કૂલે જતું થાય એટલે ભાતભાતના લોકોને મળે અને ન શીખવાનું પણ શીખે. મારો દીકરો આઠ વર્ષનો છે અને તે એવી સંગતમાં આવી ગયો છે કે હવે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે ગાળો બોલી નાખે છે. ક્યારેક તે ટપોરી જેવી લૅન્ગવેજ પણ બોલે છે. બાળપણમાં કાલીઘેલી ભાષામાં ટપોરીપણું કરતો તો અમે બધા હસતા હતા, પણ હવે આવી ભાષા વપરાય એવું હું નથી ઇચ્છતી. પહેલી વાર જ્યારે તે ગાળ બોલ્યો ત્યારે જ મેં તેને ખખડાવી નાખ્યો હતો કે ખબરદાર જો આવું ફરી બોલ્યો તો. જોકે બે-અઢી મહિના પછી એ ધમકીની અસર ઊતરી ગઈ. ફરી તે બોલ્યો. આ વખતે મેં ધમકીની સાથે તેનો કાન પણ આમળ્યો અને કહ્યું કે ફરી બોલીશ તો માર પડશે. હવે તે મારી સામે તો નથી બોલતો પણ તેની ટીચર કહે છે કે સ્કૂલમાં તે ગમેએમ બોલતો હોય છે. આવામાં કરવું તો શું કરવું?
અપશબ્દોનું એવું છે કે સમજાય તો વધુ તકલીફ થાય અને જો એનાથી સામેવાળો ઉશ્કેરાય તો વધુ એવા શબ્દો વાપરવાનું મન થાય. આ માત્ર નાનાં બાળકોની જ માનસિકતા નથી. મોટેરાંઓમાં પણ એ જ છે. જો કોઈ તમને ફ્રેન્ચ ભાષામાં ગાળ આપી જાય તો તમે કેટલા ઉશ્કેરાઓ? આ અપશબ્દ છે અને એનો અર્થ કેટલો ગંદો છે એ સમજાતો હોવાથી આપણને એ ઑફેન્સિવ લાગે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દીકરીને કહ્યામાં રાખવા ધર્મનો ડર જરૂરી છે?
હવે વાત કરીએ તમારા દીકરાની ગાળ બોલવાની આદત પર. તમે ગુસ્સાવાળું રીઍક્શન આપ્યું એટલે તેણે તમારી પાસે બોલવાનું બંધ કર્યું પણ તમારી ગેરહાજરીમાં એ ચાલુ જ રાખ્યું. એનું કારણ એ કે શા માટે આવાં શબ્દો ન બોલવા જોઈએ એની તેને સાચી સમજણ નથી મળી. આઠ વર્ષનું બાળક કેવી ગાળો બોલે છે એ તમે કહ્યું નથી એટલે એનો અર્થ સમજાવી શકાય એવી તેની ઉંમર છે કે કેમ એ હું નક્કી નહીં કરી શકું, પણ હા તેને એટલું ચોક્કસપણે સમજાવવું જરૂરી છે કે ‘આ અપશબ્દ કહેવાય અને એવું આપણે કોઈને ન કહેવું જોઈએ. જો તને કોઈ વાતે ગુસ્સો આવતો હોય તો આ શબ્દો વાપર્યા વિના મને કહે કે તને શું તકલીફ છે. આપણે બેસીને વાત કરીએ.’
આ પણ વાંચો : પતિને છૂટાછેડા માટે લટકાવી રાખવો છે
જેટલું ગુસ્સાવાળું રિઍક્શન તમે આપશો એટલી સ્પ્રિન્ગ તેના મનમાં દબાયેલી રહેશે. તે પોતાનું ફ્રસ્ટ્રેશન મનમાં જ ભરી રાખશે અને બીજે ક્યાંક જઈને તે એવા જ શબ્દો બેફામ વાપરશે.